Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
સામા પ્રવાહે તરતો નરબંકો

કવર સ્ટોરી-પ્રફુલ શાહત્રીસ વર્ષના સતેન્દ્રસિંહ લોહિયાના વ્યક્તિત્વને એક સરળ, સચોટ અને સંક્ષિપ્તમાં એનું વ્હોટ્સઅપ સ્ટેટસ વર્ણવે છે :-

યું ઝમીં પર બૈઠકર

ક્યોં આસમાન દેખતા હૈ...

પંખ ખોલ ક્યોંકિ

જમાના સિર્ફ ઉડાન દેખતા હૈ.

ક્યારેય હિમ્મત ન હારવી અને સતત સામા પ્રવાહે તરવું એ આ નૌજવાનના ડીએનએમાં છે. મધ્ય પ્રદેશના ભીંડ જિલ્લાના મેહગાંવ તાલુકાના ગાતા ગામમાં ૧૯૮૭ની છઠ્ઠી જુલાઇએ જન્મ. પિતા ગયારામ અને માતા નારાયણી પુત્ર-જન્મની ખુશી પૂરેપૂરી અનુભવે-માણે એ પહેલાં જ ૧૫ દિવસનો સતેન્દ્ર બીમારીમાં પટકાયો. તબીબી સારવારને લીધે સાજા થવાને બદલે આફત વધી. ડૉક્ટરની બેદરકારીને પાપે કમરની નીચેના શરીરના ભાગને લકવો મારી ગયો.

સાધારણ પરિસ્થિતિ, પિતા ખેડૂત અને નાના ગામમાં રહેવાનું એટલે સૌએ માની લીધું કે સતેન્દ્ર નામનો બાળક આજીવન હડહડ થશે. પરંતુ પિતાએ પુત્રની થેરાપી કરાવવા માટે જમીન વેચી નાખી છતાં પોતાના પગે ચાલવાનું સતેન્દ્ર માટે મુશ્કેલ હતું.

‘મુંબઇ સમાચાર’ સાથેની વાતચીતમાં પોતાની જીવનયાત્રા અને સંઘર્ષ વર્ણવતા સતેન્દ્રસિંહ કહે છે " જન્મ બાદ તરત ભયંકર ડાયેરિયા થયો પણ ખોટી સારવારને લીધે બન્ને પગની નસ કામ કરતી બંધ થઇ ગઇ. બેઉ પગમાં ૬૦ ટકા અપંગતા આવી ગઈ. બે ટંકના ભોજન માટે જાત ઘસી નાખતા પરિવાર ઉપરાંત મારા માટે આ મોટો પડકાર હતો. પરંતુ મારા માતા-પિતાએ યથાશક્તિ સાધનો વચ્ચે મને વિશેષ પ્રેમ, દેખરેખ અને હૂંફ આપ્યા. ગામડાની સ્કૂલમાં પ્રાઈમરી શિક્ષણ સાથે અમૂલ્ય નૈતિક મૂલ્યોનું ભાથું આપ્યું.

"પણ જેને માટે સતેન્દ્રસિંહે નામના મેળવી એ કામગીરીમાં ક્યારે ઝંપલાવ્યું ?

"નાનપણથી જ. સ્કૂલના દિવસોમાં જ મને તરવામાં બહુ રસ. સ્કૂલ પત્યા બાદ હું રોજ તરવા જાઉં અને એ પણ અમારા ગામની બેસલી નદીમાં. શરૂઆતમાં તો મિત્રો વારતા, રોકતા અને ટોકતા પણ મેં કોઇનું ન માન્યું. પગની તકલીફ ભૂલીને હું કલાકો તરતો રહેતો. સ્વિમિંગ ખૂબ એન્જોય કરતો. મારી તકલીફ અને જોખમને લીધે હતોત્સાહ કરવાના પ્રયાસો વચ્ચે તરવાનું મારું ઝનૂન વધતું જતું હતું. ભણતરની સાથોસાથ તરવાનું આગળ વધતું રહ્યું.

"પરંતુ આ શોખને ક્યારેય આવકાર ન મળ્યો?

"હું બાર વર્ષનો હતો ત્યારે મેં એક ડૂબતા છોકરાનો જીવ બચાવ્યો ત્યારથી ગામવાળા મારા તરવાના નિર્ણયને વખાણવા માંડ્યા. ખૂબ આકરી આર્થિક વિટંબણા વચ્ચે મેં સ્કૂલનું ભણતર પતાવ્યું અને ત્યાર બાદ આગળના ભણતર માટે ગ્વાલિયર જવાનું થયું. અહીં એક માણસને લીધે મારા જીવનમાં ટર્નિંગ પોઇન્ટ આવ્યો.

"એ વ્યક્તિ કોણ?

"પ્રો.ડૉ. વી. કે. દાબાસ.

લક્ષ્મીબાઇ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ એજ્યુકેશનના સ્વિમિંગ ડિપાર્ટમેન્ટના વડા દાબાસસરને હું તાલીમ, માર્ગદર્શન અને મદદ માટે મળ્યો. એમના માર્ગદર્શન હેઠળ એક આખું વર્ષ મેં આકરી તાલીમ લીધી. ૨૦૦૯માં મેં પહેલી રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં ભાગ લીધો. કોલકોતામાં યોજાયેલી નેશનલ પેરોલિમ્પિક્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં દેશભરના ૪૦૦ સ્પર્ધકો વચ્ચે ફ્રી સ્ટાઇલમાં હું કાંસ્યચંદ્રક જીત્યો હતો.

"પાણીમાં સફળતાની આ આગેકૂચ થતી રહી, એની વિગતો જણાવશો?

"૨૦૦૯ના એ કાંસ્યચંદ્રક બાદ આજે હું આંતરરાષ્ટ્રીય સ્તરનો તરવૈયો ગણાવા માંડ્યો છું. અત્યાર સુધી હું રાષ્ટ્રીય સ્તરની છ સ્પર્ધામાં બે સુવર્ણ, ૮ રજત અને ૭ કાંસ્યચંદ્રક જીતી ચૂક્યો છું. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે કેનેડામાં બે રજત અને એક કાંસ્ય, તો ઑસ્ટ્રેલિયામાં એક સુવર્ણચંદ્રક જીતી ચૂક્યો છું. આ વર્ષે જ અરબી સમુદ્રમાં ૩૩ કિલોમીટર તરવાનો વિક્રમ પણ રચ્યો છે. ફ્રી સ્ટાઇલમાં આ અંતર મેં પાંચ કલાક અને ૪૨ મિનિટ તરીને કાપ્યું હતું.

"વાઉ...હવે આગામી મિશન શું છે ?

"હવે મારી નેમ ઇંગ્લિશ ચેનલ તરવાની છે. આ અત્યંત મુશ્કેલ કામ કરવા માટે મેં એક મહિનાની વિશેષ તાલીમ લીધી હતી. ત્રીજી જૂને હું બ્રિટન પહોંચી ગયો હતો અને ૩૦ જૂનથી ૮ જુલાઇ વચ્ચે આ સાહસ હાથ ધરવાનો સમય અપાયો હતો. પરંતુ ખરાબ હવામાનને લીધે મને દરિયામાં જવાની પરવાનગી જ ન મળી, પરંતુ હું જરાય હતાશ થયો નથી. આવતા વર્ષે ફરીથી હું લંડન પહોંચી જઇશ.

વિશ્ર્વના શ્રેષ્ઠ સ્વીમર માઇકલ ફ્લેપ્સને પોતાનો આદર્શ માનનારો સતેન્દ્રસિંહ બે પગે ચાલી શકતો નથી, પરંતુ અફાટ હિમ્મતને પ્રતાપે મધ્ય પ્રદેશનું સર્વોચ્ચ સન્માન વિક્રમ એવૉર્ડ મેળવી લીધો છે. ૨૦૧૬થી ઇંદોરમાં સેલ્સ ટેક્સ વિભાગમાં કલાર્કની નોકરી કરનારા સતેન્દ્રએ ઇતિહાસ સાથે એમ.એ. કર્યા બાદ સોશ્યલ વર્કમાં માસ્ટર્સ કર્યું છે.

સતેન્દ્રસિંહ કહે છે કે મારામાં હિમ્મત છે, ને હું કદી પાછું વળીને જોતો નથી. અત્યારે સતેન્દ્રસિંહ લોહિયાએ પૂરેપૂરું ધ્યાન ઇંગ્લિશ ચેનલ તરવા ઉપરાંત ૨૦૧૮માં જાકાર્તામાં યોજાનારી એશિયન પેરા ગેમ્સ અને ૨૦૨૦ની ટોકિયો પેરાલિમ્પિક્સ ગેમ્સમાં દેશનું નામ રોશન કરવા પર કેન્દ્રિત કર્યું છે. પગ કામ ન કરતા હોય ત્યારે તરવું અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ચંદ્રક મેળવવા એટલે શું એ તો તરનારા જ જાણી-સમજી બિરદાવી શકે.

અત્યારે તો સતેન્દ્રસિંહ સ્મિત સાથે કહે છે : ‘હું દિવ્યાંગ છું, અલગ રીતે વધુ સક્ષમ છું. ભગવાને મારા માટે કંઇક અલગ વિચાર્યું છે અને દરેક પગલે મારું ધ્યાન રાખ્યું છે. હું દેશના બધા નબળાં અને દિવ્યાંગ લોકોનું પ્રતિનિધિત્વ કરવા અને તેમના માટે પ્રેરણારૂપ બનવા ઇચ્છું છું.

આને કહેવાય સાચા અર્થમાં તોફાની સામા પ્રવાહે તરવું !

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

I2d0S13
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com