26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
શું મારા પપ્પાના આત્માને શાંતિ નહીં મળે?

સમાજમાં રહીને એના જ નિયમો અને પરંપરા પ્રમાણે જીવવાનું દરેક માણસ શીખી જાય છે, પણ કોઈક વખત આઉટ ઓફ ધ બોક્સ વિચારે કે વર્તન કરે ત્યારે એ વ્યક્તિને હતાશ કરવાનો એક પણ મોકો કોઈ જતું નથી કરતું. એ પછી મનમાં ફક્ત એવા સવાલો રહી જાય છે જેનાં કોઈ જવાબ નથી મળતાતારે મન મારે મન - જ્યોતિ ઉનડકટ‘સમાજથી ઉપર કોઈ નથી. સમાજ સિવાય કંઈ નથી. જો તમારે તમારી રીતે જીવવું હોય તો અલગ દુનિયા વસાવો. સાથે રહેતાં અને આસપાસમાં જીવતા લોકોની ઉપેક્ષા જીરવીને જીવજો. અનેક લોકો સામા પૂરે તરવા નીકળે છે પણ એમને ડૂબવા સિવાય કોઈ આરો નથી આવતો.’ દાદીમાની અસ્ખલિત વાણી વહી રહી હતી. હલકા રંગના ડ્રેસ પહેરેલી ત્રણેય બહેનો વહેતી આંખે દાદીમાને સાંભળી રહી હતી. સામો જવાબ આપવાની એકેયમાં તાકાત ન હતી. એક તો પપ્પાને ગુમાવ્યાનું દુ:ખ અને ઉપરથી દાદીમાના આકરાં વેણ.

દોઢસોથી વધુ પરિવારજનોની હાજરીમાં દાદીમાએ ત્રણેય બહેનોનો ઉધડો લઈ લીધો. ઉપરથી છાતી કૂટતાં જાય કે, ‘હે મારા દીકરાનો જીવ અવગતે જશે. આ સાપનાં ભારાઓએ એને વિદાય આપી છે. હે ભગવાન તેં મને આ દિવસ જોવા માટે જીવતી રાખી હતી. મારાં દીકરા કરતાં તો મારો જીવ તેં લઈ લીધો હોત તો સારું હોત.’

વાત છે એક શહેરી પરિવારની. હા, ત્રણ પેઢીથી મેગા સિટીમાં વસતાં પરિવારની દીકરીઓ એનાં પિતાને કાંધ આપીને અંતિમ વિદાયમાં સામેલ થઈ.

સૌથી નાની બહેન મિતુલે મોટી બંને બહેનોને વાત કરી કે, આપણે નજીકના સગાંઓમાં બધાં જ છે પણ પપ્પાની સૌથી નજીક તો આપણે ત્રણ જ હતાં. મમ્મીનાં અવસાન પછી પપ્પાએ આપણને કેવાં લાડકોડથી ઉછેરી છે. આખી જિંદગી આપણાં પપ્પા ઉપર આપણો અધિકાર રહ્યો છે. અને હવે અંતિમ વિદાય સમયે બીજું કોઈ એમને દોરી જાય તો મારો તો જીવ કકળી ઉઠે છે. જો તમારાં બંનેનો સાથ હોય તો આપણાં આ રુઢિચુસ્ત પરિવારમાં એક હિંમતભર્યંુ પગલું આપણે સાથે ભરીએ.’ પંદર વર્ષની નાનકડી મિતુલની વાત સાંભળીને મોટી બંને બહેનો કેતુલ અને રુતુલ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. પપ્પાના પ્રેમને યાદ કરીને એ થોડી પળો માટે દાદીમાનો ડર મનમાંથી કાઢીને ત્રણેય બહેનો આગળ આવી. પિતાની બધી જ વિધિ એમણે મળીને સાથે કરી.

ઘરના મેઈન રૂમમાં સ્મશાને જવાની વ્યવસ્થાની વાતો ચાલતી હતી ત્યારે આ ત્રણેય બહેનોેએ પરિવારના ફોઈબા અને બંને કાકાઓને કાને વાત નાખી.

દીકરો ગુમાવ્યાના શોકમાં દાદીમા કંઈ સમજી શકે એવી અવસ્થામાં ન હતાં. લાડકી ભત્રીજીઓની લાગણીને માન આપીને ફોઈબા અને કાકાએ જ એમને સાથ આપ્યો અને દીકરીઓને આગળ પણ કરી.

બધાને થશે કે પિતાને અગ્નિદાહ આપવો એમાં શું નવી વાત છે. હવે તો કોઈ આવી વાતને સમાચાર પણ નથી ગણતું. ઓકે, ફાઈન.

તમારી વાત અને દલીલ સાચી છે કે હશે.

પણ વાત છે એવા પરિવારની જે આધુનિક શહેરમાં વસી તો ગયું પણ હજુ માનસિક રીતે જે સાલમાં માઈગ્રેટ થયેલાં એ જ ગાળામાં જીવતું હોય છે. આધુનિક અને મોર્ડન બનવું ગમે છે પણ જો સંતાનો એવું બોલ્ડ પગલું ભરે તે એનાં ટાંટિયા ખેંચવા કે મોરલ ડાઉન કરવા ઘરમાં વડીલો હોય જ છે. આધુનિક શહેરની હવા ગમતી હોય છે પણ એ વિચારોમાં આધુનિકતા કે વહેવારમાં આધુનિકતા બહુ ઓછાં લોકો અપનાવી શકે છે અને જીવી શકે છે સાથોસાથ સ્વીકારી પણ શકે છે.

શહેરી પરિવારની માની ગેરહાજરીમાં આ ત્રણેય દીકરીઓને દાદીએ જીવની જેમ સાચવી. એમને ઉછેરવામાં જાત ઘસી નાખી એવું કહીએ તો પણ વધુ પડતું નથી. પણ પૌત્રીઓનાં એક લાગણીભયાં વર્તનને એ સ્વીકારી ન શક્યાં, સમજી પણ ન શક્યાં. જે ઘડીએ પૌત્રીઓને એમની સંભાળની જરૂર હતી ત્યારે એ નિયમોને વળગી રહ્યાં.

વિધિ પૂરી કરીને ઘરે આવેલી પૌત્રીઓને ન કહેવાનાં વહેણ કહીને વિદાયની પીડાને વધુ આકરી કરી દીધી. પ્રસંગનું માન જાળવીને કોઈ સગાં-સંબંધીઓ પણ કંઈ બોલ્યા વિના વિદાય લઈને નીકળી ગયાં. રાત પડી ત્યારે ફોઈબા, કાકા અને ત્રણેય દીકરીઓ એકલાં પડ્યાં.

રાત વીતતી ગઈ કોઈની આંખમાં ઊંઘનું નામ ન હતું. નાનકડી મિતુલને બચપણથી દાદીનાં પડખાં વિના નીંદર ન આવે. મોડી રાતે દાદીએ એને બોલાવી, ‘ચાલ મિતુ તને સૂવાડી દઉં’ અને મિતુલ દાદીને વળગીને રડવા માંડી. સતત સોરી કહેતી જાય અને દાદીને વહાલ કરતી જાય. સવાલ પૂછતી જાય, હેં દાદી હવે આપણું શું થશે? પપ્પા વગર આપણે કેમ જીવશું? આપણને કેમ ગમશે? તમને અમે કર્યંુ એ ન ગમ્યુંને? પણ દાદી, ભાઈ હોત તો તમે કરવા દેતને? ભાઈને બહેનમાં કેમ ફરક કરો છો? અમે પણ પપ્પાના લોહીના સગાં જ છીએને? બીજું કોઈ એમને વિદાય આપે એ કરતાં અમે જ એમને અંતિમ વિદાય આપીએ તો તમને ન ગમે? દાદી, તો પણ તમને ખરાબ લાગ્યું હોય તો અમને સજા કરી દો. પણ આવું બોલીને આપણાં બધાં જ લોકો માટે આ દુ:ખની પળો વધુ ભારે ન બનાવી દો. પ્લીઝ, દાદી આ એ છેલ્લીવાર મારી જીદ્દ પૂરી કરી દો. પછી હું તમારી પાસે કંઈ નહીં માગું.’

વહાલસોયી પૌત્રીને માથે હાથ ફેરવીને દાદીએ છાની રાખી અને વાત માંડી કે, ‘હું તો સાવ ગામડાંગામમાં મોટી થયેલી સ્ત્રી છું. રુઢિચુસ્ત પરિવારની દીકરી હતી. અભણ છું. અનેક અવનવી વાતોથી અજાણ છું. શહેરમાં આવી છું પણ આધુનિક નથી થઈ શક્તી. મને એનો કોઈ રંજ નથી. હું જેવી છું એવી તમારી દાદી છું.

હા, તમારાં વર્તનથી હું દુ:ખી થઈ, ગુસ્સે પણ થઈ તમને લોકોને ન કહેવાનું કહ્યું. મારાં દીકરાનો જીવ અવગતે જશે એવી વાત પણ મારાં મોઢેથી નીકળી ગઈ. પણ હું આવી વિચારધારામાં જીવીને મોટી થઈ છું. અનેક વાતો મારી સમજની બહાર છે. ધર્મ અને પરંપરા મારા માટે સૌથી પહેલાં છે. શાસ્ત્રોમાં લખ્યું છે એ પ્રમાણે થયું હોત તો ગમ્યું હોત. પણ મારો દીકરો તમારો બાપ પણ હતો. એના ઉપર તમારાં લોકોનો વધુ અધિકાર છે એ વાત પણ એટલી જ સાચી છે. વળી, તમારો નિર્ણય જો ખોટો હોત તો મારાં જ સંતાનો તમને સાથ ન આપત. બદલાયેલાં જમાનાની તાસીર અને તમારાં લોકોની લાગણીને સ્વીકારવી જ એ વાત કે વિવાદનો અંત છે.

મારો દીકરો તો અચાનક ચાલ્યો ગયો હવે આપણે આપણી જિંદગીને આગળ ધપાવવાની છે. તમારી મમ્મી બીમારીમાં ગુજરી ગઈ ત્યારે પણ તમારાં ત્રણેયના વળગણે જ મને તૂટતી બચાવી છે અને આ વખતે દીકરાને ગુમાવ્યાનાં દુ:ખ કરતાં મેં તમારાં વર્તનને વધુ મોટું સ્વરૂપ આપી દીધું. શાસ્ત્રો અને સમાજની નજર અને શરમ કરતાં તમારાં લોકોનો સંતોષ મારાં માટે વધુ મહત્ત્વનો છે.’

મિતુલ એક સવાલ પૂછે છે, ‘શું મારાં પપ્પાનો જીવ અવગતે જશે?’ દાદી એને કહે છે, ‘જનારો તો ચાલ્યો ગયો. એનું હવે શું થશે એનો કોઈ જવાબ આપણી પાસે નથી, પણ તમે ત્રણેય મારી સામે જીવતી જાગતી હકીકત છો. તમને લોકોને પિતાની વિધિ કર્યાનો સંતોષ છે ને? એટલે જ મારો દીકરો મોક્ષ પામ્યો હશે.’

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

cw4j70
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com