21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ડાંડિયા’, ‘નર્મકોશ’ અને જય જય ગરવી ગુજરાત

સન્ડે મોર્નિંગ - સૌરભ શાહનર્મદાશંકર લાલશંકર દવેને ગુજરાતીઓ કવિ તરીકે ઓળખે છે. કવિતા નર્મદની મુખ્ય પ્રતિભા. નર્મદનાં આ ઉપરાંતના ઘણાં પાસાં છે. એમાં મહત્ત્વના બે પાસામાં એક છે લેખક-પત્રકાર-તંત્રી તરીકેનું પાસું અને બીજું કોશકાર તરીકેનું, ડિક્શનરીના રચયિતા તરીકેનું. આ બેઉ કામની જવાબદારી નર્મદે એકલે હાથે નિભાવી. અલબત્ત, આ બન્ને ભગીરથ કાર્યોમાં નર્મદને એના સમકાલીન લાઈક માઈન્ડેડ મિત્રોનો ટેકો, મદદ, સહાનુભૂતિ અને પ્રોત્સાહન મળતા રહેતાં. પણ છેવટની જવાબદારી એની એકલાની રહેતી અને આને કારણે આ બેઉ કાર્યોમાં વારંવાર વિઘ્નો આવતા, કામ ખોરવાઈ જતું, ફરી શરૂ થતું. સમગ્ર નર્મદ કાર્યને આજના યુગમાં પાછું લાવવાનો જશ વિદ્વાન, નિષ્ઠાવાન ડૉ. રમેશ મ. શુક્લ તથા સુરતના કવિ નર્મદ યુગાવર્ત ટ્રસ્ટને જાય છે.

‘ડાંડિયો’ નર્મદનું સાપ્તાહિક. શરૂમાં પાક્ષિક હતું. ૧૮૬૪ના સપ્ટેમ્બરની પહેલી તારીખે ‘ડાંડિયો’નો પ્રથમ અંક પ્રગટ થયો. એ જમાનામાં નર્મદના મિત્ર અને સાથી કરસનદાસ મૂળજીના ‘સત્યપ્રકાશ’ની બોલબાલા હતી. આ બેઉ મિત્રો દાદાભાઈ નવરોજીએ સ્થાપેલા ‘રાસ્તગોફતાર’ સાથે પણ એક યા બીજી રીતે સંકળાયેલા હતા.

કવિ જયન્ત પાઠકે નોંધ્યું છે એમ ‘ડાંડિયો’ પ્રગટ કરવાની પ્રેરણા નર્મદને ‘સ્પેક્ટેટર’ નામના ઈંગ્લૅન્ડથી પ્રગટ થતા સામયિક પરથી મળી. ‘સ્પેક્ટેટર’ આજની તારીખે પણ અંગ્રેજીનું એક મહત્ત્વનું વિચારપત્ર ગણાય છે. પોલિટિકલ અને કરન્ટ ઈવેન્ટ્સ વિશેનું આ મૅગેઝિન બ્રિટનનું સૌથી જૂનું સાપ્તાહિક છે. ૧૯૨૮ની છઠ્ઠી જુલાઈએ એની સ્થાપના થઈ. (‘અમેરિકન સ્પેક્ટેટર’ જુદું. એ સાહિત્યિક મૅગેઝિન હતું. ત્યાર બાદ એ જ નામે અમેરિકાનું જમણેરી વિચારોવાળું મન્થલી બન્યું).

કવિ જયન્ત પાઠકની દૃષ્ટિએ ‘સ્પેક્ટેટર’ અને ‘ડાંડિયો’નું લક્ષ્ય સમાન છે પણ બન્ને વચ્ચે નિરૂપણ શૈલીનો સ્પષ્ટ ભેદ છે. ‘સ્પેક્ટેટર’ની વિષયની માવજતમાં ને ભાષા શૈલીમાં સમતા અને ઠાવકાઈ છે. ‘ડાંડિયો’માં થોડી અસમતોલતા અને ઉદ્દંડતા છે. વિવેચક - શિરોમણિ વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી ‘ડાંડિયો’ની ભાષાને ‘બાંગડ બોલી’ કહેતા. સરદાર વલ્લભભાઈ પટેલની ભાષા સાંભળતી કે વાંચતી વખતે ‘ડાંડિયો’નું ક્યારેક સ્મરણ થાય.

‘ડાંડિયો’નું પ્રકાશન એક કરતાં વધારે વાર બંધ પડ્યું પણ ફરી ફરી ચાલુ થતું રહ્યું. ‘ડાંડિયો’ના જૂના અંક શોધીને એને ફરી પુસ્તકરૂપે પ્રગટ કરવાની ભગીરથ મહેનત કરનાર રમેશ શુક્લે નોંધ્યું છે કે ‘નર્મદ જે સાધન વડે ઝઝૂમ્યો, ઝૂઝ્યો, તેણે જેના વડે સર્વગ્રાહી સર્વક્ષેત્રીય નવજાગૃતિ આણી, એટલું જ નહીં, પોતાના ગદ્યની પૌરુષી તાકાત નવા આયામમાં પ્રગટાવી, ગુજરાતી ભાષાના કૌવતની પ્રતીતિ કરાવી, તેનું માત્ર દસ્તાવેજી મૂલ્ય ન હોય, તેનું વિદ્યાકીય અને સાંસ્કૃતિક મૂલ્ય પણ હોય. જો નર્મદ સમયમૂર્તિ હતો તો ‘ડાંડિયો’ એ સમયનું મુખપત્ર હતું. વિપરીત સંજોગોમાં ગૂંગળાવનારી કુંઠાઓમાં, મતિને મૂંઝવનાર સમસ્યાઓના ઓઘ વચ્ચે - સમગ્ર પ્રજાના સત્ત્વને નિર્વીય બનાવવા ગોઠવાયેલા ચક્રવ્યૂહને ભેદવા સમયપુરુષ શું શું કરી શકે તેનું ઉજ્જવલ દૃષ્ટાંત ‘ડાંડિયો’ દ્વારા નર્મદ અને તેના સાક્ષરમંડળે પૂરું પાડ્યું છે.’

પ્રકાશન ક્ષેત્રના તમામ ઉતાર-ચઢાવના સાક્ષી બન્યા પછી ‘ડાંડિયો’ ૧૮૬૯ના અંતમાં ‘સન્ડે રીવીઉ’ (સન્ડે રિવ્યૂ) સાથે જોડાઈ ગયું અને નર્મદના જાહેર જીવનનો એક તબક્કો પૂરો થયો, બીજો શરૂ થયો.

૧૮૭૩માં નર્મદ રચિત ગુજરાતી ડિક્શનરી સંપૂર્ણ ‘નર્મકોશ’નું પ્રકાશન થયું. બાર-તેર વર્ષ પહેલાં નર્મદે શબ્દકોશ તૈયાર કરવાનું કામ શરૂ કર્યું હતું. વચ્ચે વચ્ચે એના કેટલાક છૂટક ભાગ પ્રગટ થયા. છાપવામાં નાણાભીડ સતત અકળાવતી રહી. ‘નર્મ કોશ’ના પ્રકાશન પછી લગભગ અડધી સદી બાદ ૧૯૨૯માં ગુજરાત વિદ્યાપીઠે જોડણીકોશ પ્રગટ કર્યો જે ૧૯૩૧માં ‘સાર્થ જોડણીકોશ’ બન્યો. ‘ભગવદ્ગોમંડલ’ કોશના નવ ભાગમાંનો પહેલો ૧૯૪૪માં અને નવમો ૧૯૫૪માં પ્રગટ થયો. ૧૯૮૬માં આ નવેય ભાગનું પુન:મુદ્રણ થયું અને તાજેતરમાં ત્રીજી વાર છપાયો. કે. કા. શાસ્ત્રીએ ગુજરાત રાજ્યના ગ્રંથનિર્માણ બોર્ડ માટે તૈયાર કરેલો બે ભાગનો કોશ ૧૯૭૬ અને ૧૯૮૧માં પ્રગટ થયો.

આ ઉપરાંત ગુજરાતીમાં નાના-મોટા સંખ્યાબંધ શબ્દકોશ પ્રગટ થયા. આ બધા કોશનો પૂર્વજ નર્મદનો ‘નર્મકોશ’ છે. ગુજરાતીમાં છેલ્લાં સવાસોએક વર્ષમાં પ્રગટ થયેલા તમામ શબ્દકોશ એક યા બીજી રીતે ‘નર્મકોશ’ની ભૂમિ પર ઊગીને વિકસ્યા છે.

‘નર્મકોશ’ સાથે સંકળાયેલી કેટલીક બિનસાહિત્યિક વિગતો. આ કોશ રચતી વખતે નર્મદને વારંવાર નાણાભીડ નડતી અને એને નિવારવા નર્મદે સરકારમાં કેટલીક નકલો વેચવાનું નક્કી કર્યું. સરકારના લાગતાવળગતા ખાતામાં મહિપતરામ નીલકંઠની વગ હતી. મહિપતરામ સરકારમાં ઓરિએન્ટલ ટ્રાન્સલેટરનો હોદ્દો ભોગવતા. મહિપતરામ વિદેશ ગયા પછી પાછા આવ્યા ત્યારે એમની જ્ઞાતિએ એમની પાસે પ્રાયશ્ર્ચિત કરાવ્યું હતું. મહિપતરામે પ્રાયશ્ર્ચિત કરીને સુધારાવાળાઓનો દ્રોહ કર્યો છે એવી આકરી ટીકા નર્મદે ‘ડાંડિયો’માં કરી હતી. આ ટીકા નર્મદને ભારે પડી. મહિપતરામે ‘નર્મકોશ’માં બીભત્સ શબ્દો છે અને તેને દૂર કરવામાં આવે તો જ સરકારની ખરીદી થાય એવી કાન ભંભેરણી કરી. નર્મદે એ શબ્દો દૂર કરવાની ના પાડી. ગુહેન્દ્રિયને લગતા કેટલાક શબ્દો ‘નર્મકોશ’માં હતા. ડિક્શનરી એટલે ડિક્શનરી. એમાં દરેક શબ્દનો સમાવેશ થવો જોઈએ એટલી ડિસિપ્લિન કોશકારે રાખવાની હોય. નર્મદને કોશ છાપવાનો ખર્ચ ભારે પડી રહ્યો હતો. ઉપરાંત કોશની નકલો સંઘરવા માટે જગ્યા પણ સાંકડી પડતી હતી. ઘણા સમય બાદ સરકારે રૂ. ૨૨ની વેચાણ કિંમતના કોશની ૩૮૦ નકલ માત્ર રૂ. ૭ના ભાવે ખરીદી અને એને રૂ. ૧૦ની કિંમતે બજારમાં વેચવા માંડી. આ ‘નર્મકોશ’નું અર્પણ કોને થયું છે ખબર છે? ગુજરાતને. અર્પણના પાના માટે ખાસ લખેલું નર્મદનું એ કાવ્ય નર્મદની ઓળખાણનોે અવિભાજ્ય હિસ્સો છે:

જય જય ગરવી ગુજરાત,

દીપે અરુણું પરભાત,

ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુમ્બી, પ્રેમશૌર્ય અંકિત,

તું ભણવ ભણવ નિજ સન્તતિ સઉને પ્રેમભક્તિની રીત

ઊંચી તુજ સુન્દર જાત,

જય જય ગરવી ગુજરાત

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

BN0423fc
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Laxmikant Parmar  5/1/2016
Veer Narmad taara unna uchhwaso na ek annu pan run chukwi nai shake Gujarat- O cheer daaani fakeer maahraj tune shat shat vandan. Taaza kalam-dukhaad ke Gujaratioj Gujarat naa hit dweshi malyaa 6.
Laxmikant Parmar  5/1/2016
Veer Narmad taara unna uchhwaso na ek annu pan run chukwi nai shake Gujarat- O cheer daaani fakeer maahraj tune shat shat vandan. Taaza kalam-dukhaad ke Gujaratioj Gujarat naa hit dweshi malyaa 6.
Laxmikant Parmar  5/1/2016
Veer Narmad taara unna uchhwaso na ek annu pan run chukwi nai shake Gujarat- O cheer daaani fakeer maahraj tune shat shat vandan. Taaza kalam-dukhaad ke Gujaratioj Gujarat naa hit dweshi malyaa 6.
Laxmikant Parmar  5/1/2016
Veer Narmad taara unna uchhwaso na ek annu pan run chukwi nai shake Gujarat- O cheer daaani fakeer maahraj tune shat shat vandan. Taaza kalam-dukhaad ke Gujaratioj Gujarat naa hit dweshi malyaa 6.
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com