26-April-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
શરીરની રૂટિન ફરિયાદો અને કુદરતી ઉપચાર

ગુડ મોર્નિંગ - સૌરભ શાહ"જિંદગીમાં બે વખત માંદગીઓ ભોગવી છૂટ્યો છું, છતાં મારી માન્યતા છે કે મનુષ્યોને દવા લેવાની ભાગ્યે જ જરૂર રહે છે. પથ્ય અને પાણી, માટી ઈત્યાદિના ઘરગથ્થુ ઉપચારોથી એક હજારમાંથી નવસો નવ્વાણું કેસ સારા થઈ શકે છે.

આ શબ્દો મોહનદાસ કરમચંદ ગાંધીના છે જે એડોલ્ફ જુસ્ટના જર્મન પુસ્તકના અંગ્રેજી અનુવાદ ‘રિટર્ન ટુ નેચર’ના ગુજરાતી સંક્ષેપ- અનુવાદના પુસ્તક ‘કુદરતમય જીવન’ના પાછલા પૂંઠે ક્વૉટ થયું છે.

ગાંધીજી જોહાનિસબર્ગમાં રહેતા હતા ત્યારે એમને કબજિયાત રહેતી અને વખતો- વખત માથું દુખવા આવતું. ગાંધીજીને કોઈકે ‘રિટર્ન ટુ નેચર’ આપ્યું. ગાંધીજીએ એમાં માટીના ઉપચાર વિશે વાંચ્યું. સૂકાં અને લીલાં ફળ જ મનુષ્યનો કુદરતી ખોરાક છે એવું ‘રિટર્ન ટુ નેચર’ના લેખક એડોલ્ફ જુસ્ટ માને છે. ગાંધીજીએ કેવળ ફળાહારવાળો પ્રયોગ તો ન કર્યો પણ માટીના ઉપચાર તરત શરૂ કર્યા. આની ગજબની અસર ગાંધીજી પર થઈ. સાફ ખેતરાઉ લાલ કે કાળી માટી લઈ તેમાં માપસર ઠંડું પાણી નાખીને સાફ ઝીણા પલાળેલા કપડામાં બાંધીને રાતે સૂતી વખતે પેટ પર બાંધી દેવાની. ગાંધીજીની કબજિયાત નાબૂદ થઈ ગઈ. આ માટીના ઉપચારો ગાંધીજીએ પોતાના પર અને એમના અનેક સાથીઓ પર કર્યા અને ‘ભાગ્યે કોઈને નિષ્ફળ ગયાનું મને સ્મરણ છે,’ એવું ગાંધીજીએ લખ્યું છે.

કૅલ્શિયમની ડેફિશ્યન્સીને કારણે સ્ત્રીઓ ઓસ્ટિયોપોરોસિસ નામના હાડકાં નબળાં થવાના રોગમાં કેલ્શિયમના ટીકડાઓ ખાતી રહે. આને કારણે જતે દહાડે કિડનીમાં સ્ટોન્સ થાય, આંખ-કાનમાં નાખવાનાં ટીપાં કંઈક થયું ને વાપરી નાખ્યા. તત્કાળ રાહત થઈ ગઈ. પણ મોટી ઉંમરે બહેરાશ, મોતિયો વગેરે આ ટીપાંઓના પરિણામે ભેટ મળે.

દરેક દવાની એક ચોક્કસ અસર હોવાની, એક ચોક્કસ આડ અસર હોવાની, ડૉકટર તમારો રોગ સાજો કરવા દવાઓ આપશે પછી કહેશે કે આ દવાઓને કારણે તમારું ફલાણું સહેજ વધી જશે, જે સ્વાભાવિક છે, એટલે એને નોર્મલ કરવા બીજી આ ટેબ્લેટ લેજો. આ બીજી ટેબ્લેટની સાઈડ ઈફેક્ટ વિશે ડૉકટરમૌન છે. નહીં તો એમણે એના માટે ત્રીજી અને ત્રીજીની સાઈડ ઈફેક્ટ મિટાવવા ચોથી ગોળી લખી આપવી પડશે. દવાઓનું આ વિષચક્ર છે.

હમણાં અમારા એક વડીલને યુરિનમાં બ્લડ આવ્યું. ડૉકટરોની બજારમાં ફરતાં ફરતાં એમને એક સ્પેશ્યાલિસ્ટ પાસે મોકલવામાં આવ્યા. ત્રણ વર્ષ પહેલાં આ જ સ્પેશ્યાલિસ્ટની સલાહથી કેટલીક દવાઓ નિયમિત ખાતા હતા. સ્પેશ્યાલિસ્ટ અતિ બિઝી, ખૂબ મોટું નામ, ચિક્કાર પૈસો પણ માણસ ભલો હોવો જોઈએ કારણ કે એણે સામેથી કહ્યું કે એ ત્રણ વર્ષ પહેલાંવાળી દવાની સાઈડ ઈફેક્ટરૂપે અમેરિકા- યુરોપમાં ઘણાને યુરિનમાં બ્લડ જવાની ફરિયાદ શરૂ થઈ. ત્યાં આ દવા પર પ્રતિબંધ છે. દવા બનાવનારી કંપની પર કેસ થઈ રહ્યો છે. બધા દર્દીઓની કેસ હિસ્ટરી મગાવાઈ રહી છે. તમારી પણ આપો, હું મોકલી આપીશ.

બધા ડૉકટરો આટલા નિખાલસ નથી હોતા. ડૉકટરોને મોટા ભાગે તો દરેક દવાની સાઈડ ઈફેક્ટસ વિશે ખબર જ હોય છે. આવી કોઈ દવાની સાઈ ઇફેક્ટ (યુરિનમાં બ્લડ) વિશે દવા બનાવનારી કંપની થોડું જણાવવાની છે ડૉકટરોને? પણ ખબર પડ્યા પછી દર્દી આગળ ક્ધફેસ કરવું કે મેં લખી આપેલી દવાથી જ આ તમારો પ્રોબ્લેમ શરૂ થયો છે એ ઘણી મોટી વાત છે. અત્યારે દર્દીઓ ભારતમાં ડૉકટરો પર ભાગ્યે જ કેસ કરે છે. કરતા થઈ જશે ત્યારે કોઈ ડૉકટર આવી પ્રમાણિકતા, નિખાલસતા કે પારદર્શકતા નહીં દેખાડે. દર્દી સ્યુ કરે તો પોતે પ્રોટેક્ટેડ રહે એ માટે ડૉકટરો તોતિંગ રકમના વીમા કઢાવતા થઈ જશે, અમેરિકા- બ્રિટનની જેમ. અને આ વીમાનું પ્રીમિયમ શું ડૉકટરો પોતાના ગજવામાંથી ભરશે? શું કામ ભરે? તેઓ દર્દીઓની ફીમાં તોતિંગ વધારો કરીને આ પૈસા વસૂલ કરશે, અમેરિકા- બ્રિટનની જેમ.

દવાઓની હાનિકારક આડ-અસરોમાં સૌથી મોટો કલ્પ્રિટ મલ્ટિ- વિટામિન્સનો છે. વિટામિન એ, બી, સી, ડી, ઝેડ...ખાધા કરો તમતમારે. તમને લાગે કે આમાં હાનિ શું છે? વધારાનું વિટામિન શરીરમાં ઉત્પાત તો મચાવવાનું નથી. આપણે હકીકત એ નથી સમજતા કે કોઈ પણ નિર્દોષ કે સાત્ત્વિક ખોરાક પણ વધારે પડતો ખાવાથી શરીરને તકલીફ થવાની જ છે. કશાનો પણ જરૂર કરતાં વધારે ઉપયોગ કે સંઘરો હાનિકારક પુરવાર થાય. (પૈસો પણ આમાં અપવાદ નથી.)

એક જમાનામાં બહુ દોડધામવાળી, ઉજાગરાવાળી અને એકદમ વ્યસ્ત છાપાંવાળીની જિંદગી જીવતો ત્યારે ખાવાના ટાઈમનાં ઠેકાણાં રહેતાં નહીં. કોઈએ ‘સેન્ટ્રમ’ નામની વર્લ્ડ ફેમસ મલ્ટિ- વિટામિનની ટેબ્લેટ રેકમેન્ડ કરી. મોંઘી એટલે કે નાની સાઉથ ઈન્ડિયન રેસ્ટોરાંમાં એની એક ટેબ્લેટના ખર્ચામાંથી સાદી લિમિટેડ થાળી જમી શકો. પણ જમવાની અવેજીમાં ગોળી ગળવાનું સહેલું હતું. મઝા આવવા માંડી. ઘણી ડબ્બીઓ ખાલી કરી. દવાઓ વગેરેના અમે પહેલેથી જ વિરોધી. પણ આ કંઈ દવા થોડી છે. આ તો નિર્દોષ મલ્ટિ-વિટામિન છે એમ વિચારીને રંગીન ટીકડીઓ ખાતા રહ્યા. ભારે સ્ફૂર્તિ પણ લાગે. થાક, સુસ્તી બધું ગાયબ. પછી એક વખત ખબર પડે કે ગાંડા માણસ આમાં તો લાંબે ગાળે આખું શરીર પ્રદૂષિત થઈ જશે. વાત સમજ્યો. ગળે ઊતરી. મોંઘી દવા છે. આટલો ડબ્બો પૂરો કરી લઉં પછી નહીં મંગાવું એવી લાલચ પણ થઈ. પરંતુ મન મક્કમ કરીને કચરામાં નાખી દીધી. આજે પણ લાઈફસ્ટાઈલ તો એવી જ છે. છતાં મલ્ટિ- વિટામિન વિના વધારે સ્ફૂર્તિ લાગે છે, થાક નથી વર્તાતો, કારણ કે પેલી વિદેશી રંગીન ટીકડીઓના ખર્ચા કરતાં અડધા જ ખર્ચે ઘરમાં ખૂબ બધા ફ્રૂટ્સ અને સલાડ માટેનાં શાકભાજી આવે છે.

કાલે બીજી થોડીક વાત.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

68V370T
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com