19-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વનરાજોનું નષ્ટ થતું સામ્રાજ્ય
જંગલનો એ સર્વસત્તાધીશ છે, બીજાં પ્રાણીઓ એની સત્તા માનવા જ સર્જાયાં હોય એવું લાગે છે

હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડસિંહ એટલે ઉમદાપણું, તાકાત અને હિંમતનું જીવંત પ્રતીક. કુદરતનું અભૂતપૂર્વ ભવ્ય સર્જન.

વિશ્ર્વનું સૌથી વધુ ખ્યાતનામ પ્રાણી...

એની એક જ ત્રાડ સમગ્ર જંગલને ભયત્રસ્ત કરી નાખવા પૂરતી છે. એની આંખોમાં સમ્રાટની ખુમારી છે. એના મુખારવિંદ ઉપર અગ્નિને ઘોળીને પી જનાર યોગીની ધીર-ગંભીરતા છે.

જંગલનો એ સર્વસત્તાધીશ છે, બીજા પ્રાણીઓ એની સત્તા માનવા જ સર્જાયાં હોય એવું લાગે છે. ધર્મોમાં, પુરાણોમાં, વાર્તાઓમાં, શિલ્પોમાં, ચિત્રોમાં, દંતકથાઓમાં જ્યાં જુઓ ત્યાં સિંહનાં વર્ણનો મળી આવે છે.

એક જમાનો હતો જ્યારે આ સમ્રાટોનું વિસ્તૃત સામ્રાજ્ય આ વિશ્ર્વ પર પથરાઈને પડ્યું હતું: સમગ્ર ભારતવર્ષ આફ્રિકા, પર્સિયા, સિરિયા, પૅલેસ્ટાઈન, ગ્રીસ, બાલ્કન અને બ્રિટિશ ટાપુઓ.

પરંતુ કાળક્રમે આ સામ્રાજ્ય ભાંગતું ગયું અને ધીરે ધીરે કરતાં જગતમાં સિંહોનું સ્થાન માત્ર આફ્રિકા અને ગીરના જંગલમાં જ રહ્યું છે.

પોતાની જાતિના સંહારનું આ મહાદુ:ખ સિંહોએ મર્દની અદાથી સહન કર્યું છે અને છતાં એ જ અદા, એ જ શાનોશૌકત અને ગૌરવથી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સિંહો જાણે તેમનાં છેલ્લાં સ્થાનો આફ્રિકા અને ભારતના ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.

માનવીએ પોતાનાં સુખસગવડ ખાતર, ઘણી વાર વિના કારણે કુદરતનાં કેટલાંય ભવ્ય સર્જનોને વિનાશની ગર્તામાં ધકેલી દીધાં છે. કંઈક જંગલોનો તેણે નાશ કર્યો છે. કેટલાંય પંખીઓની રંગબેરંગી જાતોને માત્ર શિકારના શોખને ખાતર નષ્ટ કરી નાખી છે. કેટલાંય નિર્દોષ પ્રાણીઓને મોતને ઘાટ ઉતારવામાં માનવીએ અનેરો આનંદ માણ્યો છે.

માનવીના આ સિતમનો સૌથી વધુ ભોગ બન્યા હોય તો સિંહો. સિંહ જાતિનો સૌથી ખતરનાક દુશ્મન હોય તો માનવી છે.

ઈજિપ્શિયન, પર્શિઅન અને અસિરિયન સમ્રાટો સિંહના શિકારી તરીકે ઈતિહાસમાં જાણીતા છે. રોમનો ૪૦ વર્ષમાં પ૦,૦૦૦ સિંહોને પકડી રોમ લાવ્યા હતા. ૧૭મી સદીના મોગલ બાદશાહે ૧,૦૦,૦૦૦ના લશ્કર સાથે સિંહોના શિકાર કર્યાના ઉલ્લેખો મળી આવે છે. સિંહોનો નાશ કરનાર આરબ કબીલાઓને તુર્કો ભેટસોગાદથી નવાજતા.

૨૦મી સદીના અંતભાગમાં તો આફ્રિકાના થોડા પ્રદેશો પર જ સિંહની વસ્તી રહી છે અને ત્યાં પણ તેમને મારવાનું, પકડવાનું કે ઝેર આપવાનું ચાલુ જ રહ્યું છે.

૧૯૦૯માં પ્રેસિડન્ટ થિયોડોર રૂઝવેલ્ટના શિકાર-વ્યવસ્થાપકોએ સિંહના શિકાર માટે ૩૦૦ ટુકડીઓ મોકલી હતી. કેટલાક ગોરા શિકારીઓ ર૦૦ સિંહો માર્યાનો દાવો કરે છે. કેટલાકે માત્ર સેરેજંટી મેદાનમાં જ ૬૦ કે તેથી વધુ સિંહોનો શિકાર કર્યો હતો. ૧૨ વર્ષમાં એકલા સોમાલીર્લલેન્ડમાં, ૧,૦૦૦ સિંહોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. હવે તેમના માટે અંતિમ સ્થાન દક્ષિણ આફ્રિકામાં નેશનલ પાર્ક, કાંગો, યુગાન્ડા, ટાંગાનિકા અને કેન્યામાં રહ્યું છે. અને ભારતમાં ગીરના જંગલમાં રહ્યું છે.

વાઈલ્ડ લાઈફના શોખીનો શિકાર કરતા સિંહને જોવા, એ જિંદગીનો મોટો લહાવો માને છે! ખાસ કરીને શિકાર મોટે ભાગે સિંહણ જ કરે છે. સિંહ તો પોતાની શાહી ફોજને લડાઈની મહત્ત્વની સૂચનાઓ આપ્યા પછી કોઈ સુલતાન મુકાબલો નિહાળે તેમ માત્ર નિરીક્ષણ જ કરે છે. હા ક્યારેક જ્યારે પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હોય, તાકાત અને શૌર્યને પડકારવા કોઈ સમર્થ શત્રુ મેદાને પડ્યો હોય ત્યારે મહારાજાધિરાજની અદાથી સિંહ ખુદ મેદાને જંગમાં આવે છે.

જ્યારે તે શિકાર તરફ ધસે છે ત્યારે કેશવાળી ઢંઢોળી માથું સહેજ નમાવી, પૂંછડીને વળ દે છે અને પછી ટટ્ટાર ઊભો રહી ગર્જના કરે છે, અને તેજસ્વી આંખોમાંથી અગ્નિશિખાઓ વહે છે અને પછી તો ગર્જનાની પરંપરા ચાલે છે. પશુપંખી ભયભીત બની ભાગવા માંડે છે. સામે ઊભેલા શત્રુને મોતની પ્રતીતિ થઈ જાય છે. આખા શરીરને સંકોચી છેવટે ધનુષ્યમાંથી તીર છૂટે તેમ સિંહ પોતાની પૂરી તાકાતથી શત્રુ પર ત્રાટકે છે અને એક જ ક્ષણમાં પોતાની પ્રચંડ તાકાતનો પરિચય આપી દે છે. થોડી જ વારમાં લોહીના ખાબોચિયામાં શિકાર પડ્યો હોય છે. અને પછી શાહી કુટુંબ જયાફત ઉડાવવામાં પડી જાય છે. ખાણું પૂરું થયા પછી જે સ્થાન તેને અનુકૂળ આવે તે કરમદાનો ઢૂવો હોય કે ઓપન સેવેના હોય, વનરાજ ત્યાં આરામ કરે છે. ક્યારેક સત્તરથી એકવીસ કલાક સુધી નિદ્રા ચાલે છે. જંગલના કોઈ પણ પ્રાણીની મજાલ નથી કે ત્યાંથી પસાર થઈ સમ્રાટના આરામમાં જરાસરખી પણ ખલેલ પહોંચાડે .

અન્ય હિંસક પશુની જેમ સિંહ એ ક્રૂર શિકારી નથી. જેઈમ્સ સ્ટીવન્સન હૅમિલ્ટનના જણાવ્યા મુજબ સરાસરી છ સિંહો અઠવાડિયાનાં બે મોટાં પ્રાણીઓનો શિકાર કરે છે. એક સિંહને માત્ર દસથી બાર પ્રાણીઓ વર્ષમાં જોઈએ. ગમે ત્યારે શિકાર કરી હિંસા આચરવાનો સિંહનો સ્વભાવ નથી. છતાં ક્યાંક અપવાદ મળી આવે છે. એક સિંહણ હંમેશાં મરઘાં અને બકરાંનો જ શિકાર કર્યા કરતી. જ્યારે તે સિંહણને મારી નાખવામાં આવી ત્યારે જણાયું કે તેના મોઢામાં એક પણ દાંત હતો નહી.

વૃદ્ધાવસ્થામાં ખોરાકના અભાવે સિંહો માણસખાઉ બની જાય છે. બે સિંહોએ કેન્યામાં યુગાન્ડા રેલવેનું કામ ખોરવી નાખ્યું હતું. તેમણે ર૮ હિન્દી મજૂરો અને કેટલાય આફ્રિકનોને મારી નાખ્યા હતા. જ્યારે બંનેનો શિકાર કરવામાં આવ્યો ત્યારે આ ભીષણ સંહાર બંધ થયો. બીજો આવો જ કિસ્સો મિકીન્દની, ટાંગાનીકાનો છે, જેમાં સિંહે ૩૮૦ માણસોના જાન લીધા હતા. આવા અપવાદો બાદ કરતાં વનરાજને જો છંછેડવામાં ન આવે તો શાંતિભર્યું કૌટુંબિક જીવન તેને પસંદ છે.

નિર્માલ્ય કદી પણ સત્તાસ્થાને રહી શકે નહીં. સિંહ પોતાના ‘વનરાજ’ના સ્થાનને યોગ્ય શક્તિ ધરાવે છે. ગમે તે પ્રાણી સાથે બાથ ભીડવા તે હંમેશાં તૈયાર હોય છે. સંગ્રામમાં મરી ફીટવું પણ પાછી પાની ભરવી નહી એ તેની નેમ હોય છે. ભયંકર શક્તિ અને હિંમત ધરાવતા, માંસની ટાંકી જેવા હિપોપૉટેમસ ઉપર તે હુમલો કરે છે. યુગાન્ડામાં ખતરનાક મગરો પર હુમલો કરી તેને મારી નાખતા સિંહોના દાખલા નોંધાયા છે. ૪૦૦થી પ૦૦ પાઉંડ વજન ધરાવતો સિંહ ખૂબ જ સહેલાઈથી તરી શકે છે. (મોટા ભાગના સિંહો ૪૦૦થી ૫૦૦ પાઉંડની વચ્ચે હોય છે.) અને છલાંગ મારી માન્યમાં ન આવે એટલું કૂદી શકે છે. ‘લાસ્ટ સ્ટૅન્ડ ઑફ ધ લાયન’ નામના લેખમાં જૅક ડેન્ટન સ્કૉટે સિંહની તાકાતના ઘણાં ઉદાહરણો આપ્યા છે.

એક શિકારીએ સિંહની છલાંગનું માપ કાઢતાં ૪૦ ફૂટ જણાયું હતું. જ્યારે સિંહના પ્રખર અભ્યાસી એફ. વાન. કર્બીએ એક જ છલાંગમાં ૧૨ ફીટ ઊંચા બંધ પર ચડી જતી સિંહણને જોઈ હતી. વનસ્પતિશાસ્ત્રી એમિલ ગ્રોમિયરે એક વાર બે સિંહોને એક ઘોડાને પહાડ પર ઢસડી જતા જોયા હતા. તેણે સહેજે અંદાજ કાઢ્યો કે આ કામ માટે ઓછામાં ઓછા વીસ માણસોની જરૂર પડે. સિંહનું પ્રધાન શસ્ત્ર પોતાની શક્તિ છે. આખલાનું કદ સિંહથી બમણું હોય છે, પરંતુ સિંહ પંજો અને રાક્ષસી દાંતોની સહાયથી આખલાની ભારે ડોકને ભાંગી નાખી સહેલાઈથી તેને મારી શકે છે. કુદરતનું આવું ભવ્ય સર્જન જો માનવીની મૂર્ખાઈથી નાશ પામશે તો તેની માત્ર વાતો જ રહેશે.

-અથવા ભાઈશ્રી સુલેમાન પટેલ જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરના અણમોલ ફોટોગ્રાફ્સમાં જ સિંહો જોવાના રહેશે.

પાણી પીતા નવ સિંહોનો શ્રી સુલેમાન પટેલનો ફોટો ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના પહેલા પાના પર છપાયો ત્યારે તંત્રીશ્રીની ફોટોગ્રાફ નીચે નોંધ હતી:

’છફયિ યદયક્ષિં શક્ષ વિંય વશતજ્ઞિંિુ જ્ઞર ૂશહમ હશરય’ ગીરના જંગલમાં વર્ષો સુધી રહી, રખડી, અથાક જહેમત અને અકલ્પનીય જોખમ ઉઠાવી, મોતને મૂઠીમાં રાખી મારા અન્ય મિત્ર ભાઈ સુલેમાન પટેલે સિંહના જન્મથી મૃત્યુ પર્યંતના જીવનનો જે ઊંડો અભ્યાસ કર્યો છે અને ફોટોગ્રાફ્સ દ્વારા રજૂ કર્યો છે તે વાઈલ્ડ લાઈફના ઈતિહાસમાં સીમાચિહ્ન બની રહેશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

k85m05p2
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com