21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ઓગણીસમી સદીનું સામયિક - વિવેચક
સામયિક

‘‘ગુજરાતી લોકોમાં પ્રસ્તુત સમયે જોઈએ તેવી વાચનની અભિરુચિ નથી, આથી પ્રજાના સામાન્ય વર્ગ તરફથી ગ્રંથકારોને જોઈએ તેટલું ઉત્તેજન મળતું નથી. આવી શોચનીય દશા છતાં થોડું ઘણું શિક્ષણ પામેલા આપણા ગુજરાતી લોકોમાં ગ્રંથકાર બની જવાની એવી તો ઘેલછા લાગેલી છે કે તેઓ માનાપમાનનો અને લાભાલાભનો વિચાર નહીં કરતાં, આંખો મીંચીને ગ્રંથો પ્રગટ કરવા લાગ્યા છે. આવા આજના ઉભરાઈ જતા ગ્રંથકારો નથી તપાસતા પોતાની યોગ્યતા, નથી વિચારતા પોતાનું જ્ઞાન અને પોતાનો લેખ વિદ્વાનોમાં માન્ય થઈ શકશે કે નહીં, તે વિષેની પણ નથી રાખતા કાળજી.’’ આ શબ્દો ૨૦૧૧માં લખાયા હશે એમ લાગે છે ને? પણ ના. આ શબ્દો લખાયા હતા આજથી ૧૧૫ વર્ષ પહેલાં, અને પ્રગટ થયા હતા વિવેચક નામના ત્રૈમાસિકના પહેલા જ અંકમાં. એ અંક હતો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ ૧૯૮૬નો. આજે પણ આપણી ભાષામાં કેવળ સાહિત્ય વિવેચનનું સામયિક લાંબો વખત ચાલી શકતું નથી, તો છેક ૧૯૮૬માં આવું સામયિક શરૂ કરવું એ કેટલું મુશ્કેલ કામ હશે?

આપણી સૌથી મોટી મુશ્કેલી એ છે કે ગુજરાતી સાહિત્યનો, છાપાં-સામયિકોનો, સાહિત્યિક સંસ્થાઓનો સિલસિલાબંધ ઈતિહાસ આપણી પાસે છે જ નહીં. જો છે તે તો છે થોડાંક મોટા માથાં વિષેની એકની એક વાતનું રટણ. અર્વાચીન સાહિત્ય વિષેના કોઈ પણ પુસ્તકમાં આ ‘વિવેચક’ નામના સામયિકનો ઉલ્લેખ સુદ્ધાં નહીં મળે. એટલું જ નહીં બ્રિટિશ મ્યુઝિયમમાંના મરાઠી-ગુજરાતી પુસ્તકો અને સામયિકોના ૧૮૯૨, ૧૯૦૮ અને ૧૯૧૫માં પ્રગટ થયેલા જે. એફ. બ્લમહાર્ટના કેટલોગ્સમાં પણ તેનો ઉલ્લેખ નથી. આ સામયિકના અંકો પર તંત્રી કે સંપાદક તરીકે કોઈનું નામ છપાતું નહીં, પણ ‘સાક્ષર સહાયક - પ્રજા પ્રબોધક મંડળો તરફથી’ એમ છપાતું અને તેના અંકો સભાસદોને ભેટ અપાતા! આ સંસ્થાનું પોતાનું છાપખાનું પણ હતું અને ‘વિવેચક’ સાક્ષર સહાયક પ્રજા પ્રબોધક પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઈમાં છપાતું. આ સંસ્થાના સભ્યોની સંખ્યા તો જાણી શકાતી નથી. પણ તેના હોદ્દેદારોનાં નામ પહેલાં અંકને બીજે પાને છાપ્યાં છેઃ એ પાને નીચે છાપ્યું છેઃ સર્વ વ્યવહાર વિવેચકના વ્યવસ્થાપક, નં. ૧૧૨ દાદીશેઠ અગિયારી લેન, બહારકોટ, મુંબઈ એ સરનામે ચલાવવો.

પહેલા અંકમાં પ્રગટ થયેલા લેખોઃ વાર્તિક કિંવા વિવેચન, તત્ત્વજ્ઞાન પર વિચારો, ગુજરાતના લેખકો - વાસ્તવિક લેખ, નાટ્યશાસ્ત્ર, નિઘંટ સંગ્રહ, પ્રેમ અને નીતિ - એક પ્રશ્ન, કાળની અનંતતા, અનંતકાળનું ગુપ્ત ઝરણું, મહાભારત. આ ઉપરાંત ‘માસિક પુસ્તકોનું સામાન્ય અવલોકન’ અને ‘ગુજરાતી ગ્રંથસમૃદ્ધિ’ એ બે વિભાગ દર મહિને પ્રગટ થતા. પહેલામાં આગલે મહિને પ્રગટ થયેલા સામયિકોના અંકોમાંની સામગ્રીની સમીક્ષા અપાતી તથા બીજામાં નવા પુસ્તકોની ટૂંકી નોંધ. તો બીજા અંકમાં મહાકવિ પ્રેમાનંદ, ગુજરાતી ભાષાની હાલની સ્થિતિ, જેવા લેખો જોવા મળે છે. ત્રીજા અંકમાં પ્રગટ થયેલા કેટલાક લેખ છેઃ લેખન તથા વાચન, ગુર્જર ષ્ટિ ગ્રંથશતી, કવિ-કુલગુરુ કાલિદાસ, મુદ્રારાક્ષસ નાટક, દાસબોધનો કર્તા કોણ?

આ સંસ્થાના પદાધિકારીઓના નામ અગાઉ આવ્યા છે. તે ઉપરાંત પરીક્ષકમંડળ અને વિવેચકમંડળ નામની બે સમિતિઓ પણ હતી. કેટલાક પદાધિકારીઓનાં નામ આ બે સમિતિમાં પણ જોવા મળે છે. તે ઉપરાંત પરીક્ષકમંડળમાં મણિલાલ નભુભાઈ, ત્રિભુવનદાસ ગજ્જર, બાલાશંકર કંથારિયા, ગોવર્ધનરામ ત્રિપાઠી, કેશવલાલ ધ્રુવ, નરસિંહ રાવ દીવેટિયા વગેરેનાં નામ પણ જોવા મળે છે. તો વિવેચકમંડળમાં મનસુખરામ સૂર્યરામ, રણછોડભાઈ ઉદયરામ, નંદશંકર તુળજાશંકર, હરગોવિંદદાસ કાંટાવાળા, મણિશંકર રત્નજી ભટ્ટ, ‘કાન્ત’ કે ખુશરો કાબરાજી, જહાંગીરજી બહેરામજી મર્ઝબાન, અરદેશર બહેરામજી પટેલ, આનંદશંકર ધ્રુવ, રમણભાઈ નીલકંઠ, કીલાભાઈ ઘનશ્યામ જેવાનો સમાવેશ થતો હતો. આમાંના ઘણાખરાં આપણાં સાહિત્યનાં મોટા માથાં છે અને છતાં તેમના કાર્યના ‘વિવેચક’ સાથેના સંબંધની વિગતો મળતી નથી. આ લખનારને કેવળ અકસ્માતથી ‘વિવેચક’ના પહેલાં વર્ષના ચાર અંકો જોવા મળ્યા, જે જર્જરિત હાલતમાં છે. પણ ચાર અંક પછી આ સામયિક બંધ તો નહીં જ થયું હોય કારણે તેના ચોથા અંકમાં છેલ્લે સંસ્થાની બીજી વાર્ષિક સભાની નોટિસ છાપી છે. આ સામયિક અંગે વધુ માહિતી, તેના બીજા અંકો વગેરેની જાણકારી કોઈ વાચક, સંસ્થા, પુસ્તકાલય મોકલશે તો લખનાર તેમનો ઋણી રહેશે. હા, ૧૯૧૩માં લાછરસ (ગુજરાત), આર. એસ. રેલવેથી પણ ‘વિવેચક’ નામનું સામયિક શરૂ થયું હતું. પણ તેના તંત્રી હતા છગનલાલ નારાયણભાઈ મેશ્રી અને વ્યવસ્થાપક હતા હીરાભાઈ દાદાભાઈ દેસાઈ. વાર્ષિક લવાજમ પોસ્ટેજ સહિત દોઢ રૂપિયો અને છૂટક નકલના ચાર આના - આજના ૨૫ પૈસા. પણ આ સામયિકના ત્રણેક વર્ષના અંકોમાં વિવેચન લેખો ઉપરાંત કવિતા, ટૂંકી વાર્તા, હપ્તાવાર નવલકથા તથા સાહિત્ય સિવાયના વિષયો પરના લેખો પણ જોવા મળે છે એટલે આ સામયિક માત્ર નામ પૂરતું ‘વિવેચક’ હતું, જ્યારે મુંબઈથી પ્રગટ થતું સામયિક ખરેખરા અર્થમાં વિવેચક હતું.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

777b4K07
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com