18-March-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નાટક, વડનગર અને ન.મો.
વતન નગરમાં કિશોર વયે નરેન્દ્ર મોદીએ નાટકોમાં અભિનય કરેલો અને વિવિધ વિધેયાત્મક પ્રવૃત્તિમાં હિસ્સો પણ લીધેલો.

સિદ્ધાંત ખાતર બહારવટે ચડેલા જોગીદાસ ખુમાણની ભૂમિકામાં ૧૪ વર્ષના નરેન્દ્ર મોદી (છેક ડાબે), પંકજ મોદીએક નજર - વિનીત શુક્લએક દંતકથા અનુસાર મહાન મોગલ બાદશાહ અકબરના નવ રત્નમાંના એક એવા શાસ્ત્રીય સંગીતના ઉત્તમ ગવૈયા તાનસેને દીપક રાગ ગાતા એમના શરીરમાં પ્રસરેલી અસહ્ય દાહ ભારત વર્ષમાં કોઈ બુઝાવી ન શક્યું ત્યારે ફરતાં ફરતાં ગુજરાત પહોંચેલા તાનસેનની દાહ મેઘમલ્હાર રાગ ગાઈને વરસેલા વરસાદથી શાંત કરી આપનારી ગુજરાતી યુવાન બહેનો હતી. તાના અને રીરી તથા ઉત્તર ગુજરાતનું એ નગર હતું વડનગર.

આ અદ્ભુત ઘટના પછી તાના-રીરી નગર તરીકે ઓળખાતું ૨,૫૦૦ વર્ષ પુરાણું વડનગર હવે મોદીનગર તરીકે પણ ઓળખાય છે અને એનું કારણ સ્વયંસ્પષ્ટ છે. ‘ગુજરાતનો નાથ’ વધુ એકવાર બનવા ભણી આગળ વધી રહેલા તથા કેટલાક રાજકીય નિરીક્ષકોને મતે તો જેમનું વડા પ્રધાનપદ ભાજપના ઉમેદવાર બનવાનું લગભગ નિશ્ર્ચિત છે એ, મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનું (ન. મો.)નું જન્મસ્થાન પણ વડનગર છે. અમદાવાદથી એ ૧૧૨ કિ.મી. દૂર આવેલું છે.

ચાની નાની દુકાન થકી કુટુંબનું ગુજરાન ચલાવનારા દામોદરદાસ મોદી અને એમના પત્ની હીરાબહેનનાં સાત સંતાનમાં નરેન્દ્ર ત્રીજા ક્રમના છે. ન. મો.ના સૌથી વધુ મોટા ભાઈ સોમભાઈ ૬૮ વર્ષના છે અને પિતાના ૧૯૮૯માં થયેલા અવસાન પછી વડનગર સાથેની એમની એકમાત્ર શેષ કડી છે. નિવૃત્ત સરકારી કર્મચારી એવા સોમભાઈ વૃદ્ધો-અશક્તોની સંભાળ માટે એક ઘર ચલાવે છે. એમનાં બધા ભાઈ-બહેન વડનગરમાંથી બહાર નીકળી ગયાં છે. અમૃતભાઈ (૬૫) એક ખાનગી પેઢીમાંથી નિવૃત્ત થયા છે. વાસંતીબહેન (૫૭) એક વેપારીને પરણ્યાં છે. હસમુખભાઈ (૫૫) એલઆઇસીના અધિકારી છે. પ્રદ્લાદભાઈ (૫૨) ગુજરાતના કરિયાણા દુકાનદાર સંઘના પ્રમુખ છે. સૌથી વધુ નાના પંકજભાઈ ગાંધીનગરમાં ગુજરાતના માહિતી ખાતામાં સહાયક ડિરેક્ટર છે. ૯૫ વર્ષનાં માતા હીરાબહેન ગાંધીનગરમાં ન.મો.ની સાથે રહે છે. ગુજરાતના મુસ્લિમો સાથેની ખૂબ ચર્ચાયેલી તિરાડને ન.મો.એ વડનગરમાં જ સૌથી વધુ પૂરી દીધી છે. મોદી હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ભેદ રાખે છે એવું કહેનારાઓએ અહીં આવીને એમની સગ્ગી આંખે જોવું જોઈએ, એમ વડનગર પાસેના મુસ્લિમ બહુમતીવાળા ગામ મોલિકપુર ગામના સરપંચ અબુ બકર ભક્કા કહે છે. આ ગામ અને આસપાસનાં ગામોમાં પણ આજે એ સુવિધાઓ છે, જેની દાયકા પહેલા કલ્પના પણ નહોતી થઈ શકતી. બધે જ નવાનક્કોર પાક્કા ડામર રસ્તા છે અને બધાં ઘરમાં નળમાં પાણી આવે છે. ખુદ વડનગરમાં પણ જાહેર સંસ્થાઓ ઈમારતોથી માંડીને યોજનાઓ સુધી બધાનો જ યશ મોદી સરકારની કાળજીભરી સેવાને જ

આપવો પડે. દૂબળાં-અનાથ બાળકોથી માંડીને ભરેલાં પેટવાળા દુકાનદારો તથા કોંગ્રેસ ટેકેદારોથી માંડીને કટ્ટર ભાજપ સમર્થકો સુધી સૌ આનંદપૂર્વક ‘મોદીમંત્ર’ ઉચ્ચારતાં કે એનો જાપ જપતાં થાકતાં નથી. મજાની વાત એ છે કે વડનગર માંડ ૨૫,૦૦૦ની વસ્તીવાળું નાનકડું નગર છે, પરંતુ એમાં સ્પષ્ટપણે પડઘાય છે ન.મો.ની ઈચ્છાશક્તિ અને એની સાથે સાથે જ વતન પ્રત્યેનો સ્નેહાદર. નગરપાલિકાનાં કાર્યો અને કાર્યશૈલીમાં પણ આનું પ્રતિબિંબ પડ્યા વગર નથી રહેતું. છેલ્લાં પાંચ વર્ષમાં તો અહીં જાદુઈ પરિવર્તન આવ્યું છે. આજનું વડનગર નરેન્દ્ર મોદીના વ્યાપક દર્શન-વિઝનની ઝલક બતાવે છે, એમ સુધીર જોષી કહે છે. તેઓ આયુર્વેદાચાર્ય છે અને પહેલા ધોરણથી એમની નરેન્દ્ર મોદી સાથે મૈત્રી જામેલી છે. વડનગરની બી. એન. હાઈસ્કૂલમાં તેઓ ભણ્યા હતા. નાગજીભાઈ દેસાઈ પણ શાળાકાળની ત્રિપુટીના ત્રીજા મિત્ર છે. ન.મો.ના નેતૃત્વના ગુણો અને ત્વરિત નિર્ણયશક્તિને તેઓ કોંગ્રેસી હોવા છતાં બિરદાવે છે. જ્યોતિષિએ એકવાર આગાહી કરેલી કે એ (ન.મો.) સંત બનશે અને નહીં તો મહાન નેતા, એ આજના સંદર્ભમાં નાગજીભાઈ ખાસ યાદ કરે છે.પોતાની શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કેવી કેવી પ્રગતિ કરી છે એની વાતો-વિગતો આપતા બી. એન. હાઈસ્કૂલના શિક્ષકો ઉત્સાહી સંશોધકોને સગર્વ ખાસ શું બતાવે છે, જાણો છો? ભાવનગરના ૧૯મી સદીના રાજવી સામે સૈદ્ધાંતિક અને સશસ્ત્ર જંગ જોગીદાસ ખુમાણ નામના બહારવટે ચડેલા માથાફરેલ માનવીએ છેડ્યો હતો. એનું પાત્ર ભજવનારા ૧૪ વર્ષના કિશોરની તસવીરો તેઓ બતાવે છે. આ કિશોરે ભવિષ્યમાં ભંડોળ ભેગું કરી શાળાને મદદ કરેલી. એ જ કિશોર આટલો લાંબો સમય ગુજરાતનો એકચક્રી શાસક બનશે એવી આગાહી આ તસવીરો જોઈ ભલે કોઈએ ન કરી હોય, પણ એ હકીકત તો છે જ. એ પાત્ર નરેન્દ્ર મોદીએ ભજવેલું એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. ‘પીળું ફૂલ’ નાટક પણ એમણે શાળામાં ભજવેલું. ટેલિવિઝનની સમાચાર ચેનલો તથા અખબારો - સામયિકોમાં સતત ચર્ચામાં રહેતા સ્પષ્ટવક્તા અને બળકટ નિર્ધારશક્તિ ધરાવતા નરેન્દ્ર મોદી માટે એક વાત વારંવાર કહેવાઈ છે, જે એમના વડનગરી ભૂતકાળને યાદ કરતાં કહેવી એકદમ સુસંગત છે: એમને તમે સાવ સાચૂકલા અને પ્રગતિશીલ નેતા માની ભરપેટ પ્રશંસા કરો કે બૂરખાધારી - આપખૂદ શાસક કહી હાડોહાડ ટીકા કરો, પણ એમને અવગણવાનું દેશમાં આજે કોઈને પાલવે એમ નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી તો સાવ દરવાજે ઊભી છે અને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પણ બરાબર ગાજવા માંડી છે ત્યારે આ વાતના વિશેષ માહાત્મ્યનું કારણ જણાવવાની સહેજ પણ જરૂર છે ખરી? ઉનરેન્દ્ર મોદી નવમા ધોરણમાં હતા ત્યારનો એક પ્રસંગ યાદ કરતાં એમના નાના ભાઈ પંકજ મોદી કહે છે કે એ વર્ષે બિહારમાં પૂરે ભારે ખાનાખરાબી સર્જેલી. વડનગરના ઋષિ જેવા ડોક્ટર વસંત પરીખે એમા સહાયની ટહેલ નાખેલી. જન્માષ્ટમીના મેળામાં વાપરવા પિતાએ આપેલો એક રૂપિયો એ ભંડોળમાં આપવાનો વિચાર કર્યા પછી એમને થયું કે કંઈ વિશેષ કરવું જોઈએ. વડનગરમાં ભરાતા જન્માષ્ટમીના મેળામાં એમણે ઘેરેથી બધી સામગ્રી લઈ જઈ ચાનો સ્ટોલ ઊભો કર્યો. જાતે ચા બનાવી વેચી અને એમાંથી મળેલી બધી રકમ એમણે પેલા ફાળામાં આપી દીધી. ડોક્ટર પરીખે કિશોરની પીઠ થાબડેલી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

18627p62
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com