21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ટોચના લોકપ્રિય સર્જક અશ્ર્વિની ભટ્ટની ચિરવિદાય
‘મુંબઈ સમાચાર’માં પ્રગટ થયેલી નવલકથા જોવાની ઈચ્છા અધૂરી રહી

ડલાસ (ટેક્સાસ): ગુજરાતી ભાષામાં લોકપ્રિયતાની નવી વ્યાખ્યા ઊભી કરનારા નવલકથાકાર, અઠંગ કળાપ્રેમી અને જિંદાદિલ માનવી અશ્ર્વિની ભટ્ટે અમેરિકાના ટેક્સાસ રાજ્યના ડલાસમાં સોમવારે મળસકે પાંચેક વાગે (ભારતીય સમય સાંજે ૪.૩૦) લાંબી માંદગીને અંતે આખરી વિદાય લીધી હતી. ‘મુંબઈ સમાચાર’માં આજથી એમની યશસ્વી નવલકથા ‘આશકા માંડલ’ શરૂ થઇ છે એ છપાયેલી જોવાની આ મેધાવી નવલકથાકારની ઇચ્છા અધૂરી રહી ગઇ છે. અશ્ર્વિનીભાઈની તબિયત વધુ લથડતાં તેમને શુક્રવારે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. રવિવારે સાંજે ચાર વાગે એમની પર હૃદયરોગનો જોરદાર હુમલો થતાં તેમને વેન્ટિલેટર પર રખાયા હતાં. એમના પરિવારમાં એમનાં પત્ની નીતિબહેન, પુત્ર નીલ અને પુત્રવધૂ કવિતા છે. છેલ્લે માર્ચના અંતમાં તેઓ અમદાવાદથી અમેરિકા ગયા હતા. છેલ્લા છ મહિનાથી તેમનું સ્વાસ્થ્ય વધુ બગડ્યું હતું. તેઓ ૭૬ વર્ષના હતા.

અશ્ર્વિની ભટ્ટ સર્જનાત્મક, રસાળ, માહિતીસભર અને અત્યંત લોકપ્રિય નવલકથા લેખનના મહારથી હતા. નીરજા ભાર્ગવ, લજ્જા સન્યાલ, શૈલજા સાગર, ઓથાર, ફાંસલો, આખેટ, અંગાર, કટિબંધ, આયનો, કસબ, કરામત, કમઠાણ આ એમની લોકપ્રિય નવલકથાઓ છે. અંગ્રેજીમાંથી ૮૦ જેટલી લોકપ્રિય નવલકથાના એવા જ રસપ્રદ અનુવાદ આપ્યા પછી એમણે મૌલિક નવલકથા લેખન શરૂ કર્યું હતું. સર્જક તરીકે પ્રચંડ લોકપ્રિયતા અને ઉત્તુંગ સ્થાન મળ્યું હોવા છતાં રોજ એક બેઠકે ત્રણ કલાક લેખન કરવાના નિર્ણયમાંથી તેઓ ભાગ્યે જ ચલિત થયા હતા એ એમની લેખન-પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

નાટક માટે એમને ગજબનું આકર્ષણ હતું. આ પ્રવૃત્તિ સાથે સતત જોડાયેલા રહેવાય એ હેતુથી જ એમણે અમદાવાદના પ્રેમાભાઈ હોલના મેનેજરની નોકરી સ્વીકારી હતી. ‘બેકેટ’ ફિલ્મ પરથી નાટ્યસંપદા - અમદાવાદે બનાવેલા ગુજરાતી નાટકમાં એમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા આ લેખકની મોટા ગજાના અભિનેતા બનવાની ઇચ્છા પૂરી થઇ નહોતી.

કિશોર વયે ‘ઝગમગ’ સામયિકના દંતકથારૂપ લેખક-તંત્રી જીવરામ જોષી પાસે પોતાની પહેલી વાર્તા લઇને અશ્ર્વિનીભાઈ ગયેલા ત્યારે જીવરામભાઈએ એમને ધમકાવી કાઢેલા કે પિતાએ લખી આપેલી વાર્તા તારા નામે લખીને કેમ લઇ આવ્યો?

અમદાવાદના પાલડી વિસ્તારના બ્રાહ્મણ મિત્રમંડળ સોસાયટીમાંનું એમનું ઘર લેખકો-કવિઓ- તમામ કલાકારો માટે હંમેશાં ઉઘાડું રહેતું. આજે નામના મેળવી ચૂકેલા અનેક સર્જકો અશ્ર્વિનીભાઈના ઘરમાં લાંબો-ટૂંકો સમય રહી આવ્યાનું આજે સપ્રેમ યાદ કરે છે.

લેખનમાં ઊંડાણ અને વાચકોની નસ હાથમાં હોવાને કારણે કોઇપણ સર્જકને ઈર્ષા થાય એટલો બહોળો વાચકવર્ગ મેળવનારા અશ્ર્વિનીભાઈ અત્યંત સરળ અને સાફદિલ ઇન્સાન હતા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

26n8Kb26
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com