24-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મુનશીની નવલકથા ‘કોનો વાંક?’ અંગેનો ભેદ ભરમ

ફ્લેશબેક - દીપક મહેતાભેદ ભરમ એ કનૈયાલાલ મુનશીની ઘણી નવલકથાઓનું એક આકર્ષક તત્ત્વ હોય છે. તેને કારણે વાચકનો રસ સતત જળવાઇ રહે છે. પણ મુનશીની એક નવલકથાના પ્રકાશનની વાત પણ થોડી ભેદ ભરમથી ભરેલી છે. આ નવલકથા તે તેમની બીજી સામાજિક નવલકથા ‘કોનો વાંક?’ મુનશીએ પોતે લખ્યું છેઃ ‘૧૯૧૪ની શરૂઆતમાં અંબાલાલ જાનીએ મને ‘ગુજરાતી’માં ચાલુ વાર્તા લખવા માટે આગ્રહ કર્યો. પહેલાં તો મારી હિંમત ચાલી નહીં, પણ કોલમના ચૌદ આના જતાં કરવાનું રચ્યું નહીં, એટલે વાર્તા લખવાનો નિશ્ચય કર્યો ને ‘વેરની વસૂલાત’નો પહેલો ખંડ લખી અંબાલાલભાઇને આપ્યો.’ એ નવલકથા ‘ગુજરાતી’માં ૧૯મી ઓગસ્ટ ૧૯૧૪થી રપમી જુલાઇ ૧૯૧૫ સુધી હપ્તાવાર પ્રગટ થઇ. તે પછી લખાયેલી તેમની બીજી સામાજિક નવલકથા તે ‘કોનો વાંક?’ મુનશી વિશેનો કોઇ પણ અભ્યાસ લેખ જુઓ, કોઇ પણ પુસ્તક જુઓ, અર્વાચીન ગુજરાતી સાહિત્ય વિશેનો કોઇ પણ સંદર્ભ ગ્રંથ જુઓ, તેમાં ‘કોનો વાંક?’ની પ્રકાશન સાલ ૧૯૧૫ આપેલી જોવા મળશે. ખુદ એ પુસ્તકની પછીની આવૃત્તિઓમાં પણ ‘પહેલી આવૃત્તિઃ ૧૯૧૫’ એમ છપાયેલું જોવા મળશે. હકીકતોને ચકાસીને, ચોકસાઇ કરવાની જરૂર આપણા ઘણાખરા વિવેચકોને, અભ્યાસીઓને, સંશોધકોને પણ જણાતી નથી. એટલે પુસ્તકમાં છાપેલી આ સાલ જ સાચી માનીને બધા ચાલ્યા છે. પણ એ નવલકથાની પ્રસ્તાવના પણ ધ્યાનપૂર્વક ભાગ્યે જ કોઇએ વાંચી હશે. કારણ જો વાંચી હોય, તો ૧૯૧૫ની સાલ વિશે કંઇ નહીં તો શંકા થયા વગર તો રહે જ નહીં. પ્રસ્તાવનાનું પહેલું જ વાક્ય આ પ્રમાણે છેઃ ‘આ વાર્તાનું વસ્તુ નાનપણમાં મેં કલ્પેલું અને આખરે તા. ૧૮-૬ (૧૯)૧૬થી તા. ૧૫-૭-(૧૯)૧૭ સુધીના સાપ્તાહિક ‘હિન્દુસ્થાન’માં તેને ચાલુ વાર્તા તરીકે પ્રગટ કરેલી.’ હવે, જે નવલકથા ૧૯૧૬-૧૯૧૭માં ધારાવાહિક રૂપે છપાઇ હોય તે પુસ્તક રૂપે ૧૯૧૫માં કઇ રીતે પ્રગટ થઇ હોય? મુનશીએ આ નવલકથા ‘હિન્દુસ્થાન’ માટે જ લખી હતી તે હકીકત મુનશીના આ શબ્દો પરથી સ્પષ્ટ થાય છેઃ ‘૧૯૧૫માં હિન્દુસ્થાન અને પ્રજામિત્ર’ના તંત્રી રતનલાલ શાહના દબાણને વશ થઇ મેં ‘કોનો વાંક?’ નવલકથા માંડી. ‘ગુજરાતી’ કરતાં આના કોલમ નાના ને કોલમ દીઠ રૂપિયો એટલે આ વેપાર ખોટો નહોતો.’પણ આ વાત આટલેથી અટકતી નથી. હાજી મહંમદ અલારખિયાના માસિક ‘વીસમી સદી’ના દસમા પુસ્તકના પહેલા અંકમાં (ઓક્ટોબર ૧૯૨૦ના અંકમાં) પણ ‘કોનો વાંક?’નાં પહેલાં ત્રણ પ્રકરણ છપાયાં છે. તેની સાથે ત્રિભુવન જે. પટેલના ચિત્રો પણ મૂક્યાં છે. મુનશીના પોતાના હસ્તાક્ષરમાં લખેલું કથાનું એક પાનું પણ છાપ્યું છે. તેની નીચે લખ્યું છેઃ ‘ગુજરાતના જાણીતા સિદ્ધ કથાકાર રા. કનૈયાલાલ મુનશી એડવોકેટની નવી વાર્તા ‘કોનો વાંક?’ની હસ્ત લિખિત પ્રતમાંનું તેમના હસ્તાક્ષરોમાંનું એક પૃષ્ઠ. ‘૧૯૨૧ના જાન્યુઆરીની ર૧મી તારીખે હાજીનું અવસાન થયું. તે પછી ‘વીસમી સદી’ માસિક બંધ થયું. ૧૯૨૦ના સપ્ટેમ્બર, નવેમ્બર અને ડિસેમ્બરના અંકો પણ પ્રગટ થયા નહોતા. પહેલા હપ્તામાં છપાયેલાં ત્રણ પ્રકરણ વાંચતાં આ નવલકથા અંગેનો ભેદ ભરમ વધુ ઘૂંટાય છે. કારણ આજે પુસ્તકરૂપે જે ‘કોનો વાંક?’ આપણી પાસે છે તેનાં પહેલાં ત્રણ પ્રકરણ- કે બીજા કોઇ પણ પ્રકરણ-સાથે ‘વીસમી સદી’માં છપાયેલાં ત્રણ પ્રકરણનો એક અક્ષર પણ મળતો આવતો નથી. પાત્રો, પ્રસંગો એ જ છે, પણ લખાવટ તદ્દન જુદી છે! તો શું એક જ નવલકથા મુનશીએ બે વાર લખી હશે? આ ભેદ ભરમ ઉકેલવા માટે ફરી ‘કોનો વાંક?’ પુસ્તકની પ્રસ્તાવના મદદે આવે છે. ‘કોણ જાણે કેમ પણ તે ને તે જ સ્વરૂપે એ વાર્તા ન છપાય તો સારું એમ મને થોડાં વર્ષે લાગ્યું અને તેથી તે પડી રહી. પછીથી સ્વ. હાજી મહમદના દબાણથી મેં ‘વીસમી સદી’માં તે છાપવા આપવા કબૂલ્યું. અને તેને સુધારી વધારી, નવે સ્વરૂપે તૈયાર કરવા માંડી. પણ જેવી વાર્તાની નાયિકા હીણભાગી છે તેવી જ આ વાર્તાની કારકિર્દી બની. થોડાં પ્રકરણ છપાયાં ને ‘વીસમી સદી’ બંધ થયું. એટલે કે ‘વીસમી સદી’ માટે મુનશીએ આ નવલકથા સુધારી વધારીને નવે સ્વરૂપે તૈયાર કરવા માંડેલી. ‘વીસમી સદી’ બંધ થયા પછી ફરી એકવાર આ નવલકથા હપ્તાવાર છાપવાનું બટુભાઇ ઉમરવાડિયા અને વિજયરાય વૈદ્યે તેમના ‘ચેતન’ માસિકમાં શરૂ કર્યું. તેના એપ્રિલ ૧૯૨૧ના અંકથી ચોથા પ્રકરણથી ‘કોનો વાંક?’નું હપ્તાવાર પ્રકાશન આગળ વધ્યું. નવલકથા અધવચ્ચેથી શરૂ કરી હતી છતાં એ અંગે કશી નોંધ મુકાઇ નહોતી. માર્ચ ૧૯૨૨નાં અંક સુધી તેનું હપ્તાવાર પ્રકાશન ચાલુ રહ્યું. (વચમાં, ડિસેમ્બર ૧૯૨૧ના અંકમાં એકે પ્રકરણ પ્રગટ થયું નથી.) ત્યાં સુધીમાં કુલ નવ પ્રકરણ છપાયાં હતાં. છેવટે મુનશીએ ‘કોનો વાંક?’ને નવેસરથી લખવાનું માંડી વાળ્યું. મુનશી પ્રસ્તાવનામાં લખે છેઃ ‘આખરે વખતને અભાવે તેને નવું સ્વરૂપ ન જ અપાયું.’ એટલે છેવટે ‘હિન્દુસ્થાન’માં જેમ છપાઇ હતી તેમ જ તેમણે આ નવલકથા પુસ્તકરૂપે પ્રગટ કરી. પણ ક્યારે? જવાબ પ્રસ્તાવના જ આપી શકે તેમ છે, પણ નવાઇની વાત છે કે કોઇનું એ તરફ ભાગ્યે જ ધ્યાન ગયું છે. પ્રસ્તાવનાને અંતે લખ્યું છેઃ ‘સંવત ૧૯૮૦’ હવે જે પુસ્તકની પહેલી આવૃત્તિની પ્રસ્તાવના સંવત ૧૯૮૦ એટલે ઇ. સ. ૧૯૨૪માં લખાઇ હોય તે પુસ્તક ૧૯૧૫માં કઇ રીતે છપાયું હોય? એટલે કે આ પુસ્તક ઇ. સ. ૧૯૨૪માં પહેલી વાર છપાયું છે. અને નહીં કે ૧૯૧૫માં. અને છતાં આટલાં વર્ષોથી તેના પ્રકાશકો ‘કોનો વાંક?’ની જુદી જુદી આવૃત્તિઓમાં તેની પહેલી આવૃત્તિની સાલ ૧૯૧૫ છાપતા આવ્યા છે અને તેને વિશે લખનારા સૌ કોઇ એ સાલને સાચી માનીને ચાલ્યા છે. આવા અંધાપા પાછળ કોનો વાંક રહેલો છે તેનો ભેદ ભરમ ઉકલતો નથી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

xg2Y6Ew2
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Suresh Dave  3/24/2016
Deepakyo Gando thayo
Taral Bhatt  4/6/2014
Mane to ema vank Deepak Mehtano lage chhe. Karan Munshie spasht karyun ja chhe ke emane varta navesr thi lakhavi hati pan e shakya na banyu. Etale pehla je varta chhapai ej enu prakashan varsh ganay. Ema bhed bharam jevu kai lagatu nathi. Phakt Deepak Mehta emani honshiari batavava mage chhe evu lage chhe.
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com