24-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પાલિકાની મહત્ત્વની ફાઇલ્સ ગાયબ! જવાબદાર કોણ?
માત્ર પોલીસને જાણ કરી પાલિકા અધિકારીઓએ ખંખેર્યા હાથ

સરિતા શિંદે-હરપળેશું તમે અંધેરી, જોગેશ્ર્વરી, બાંદ્રા, વિલેપાર્લે જેવા વિસ્તારમાં રહો છો? તમારો ફ્લૅટ અનધિકૃત છે એવી જો પાલિકાની નોટિસ આવે અને તમે પાલિકાની ઓફિસમાં દસ્તાવેજ ચકાસવા જાઓ અને ખબર પડે કે તમારી ઇમારતની ફાઇલ જ મળતી નથી! અને તમારી પાસે તમારો ફ્લૅટ અધિકૃત હોવાની કોઇ જ સાબિતી નહી હોય, આવું બની શકે છે, કારણ કે મુંબઇ મહાનગરપાલિકાની ઓફિસમાંથી બિિંલ્ડગ પ્રપોઝલ વિભાગની ૬ હજારથી વધુ ફાઇલ ખોવાઇ ગઇ છે. જેમાંથી મોટાભાગની ફાઇલ ‘કે’ અને ‘એચ’ વોર્ડની જ છે. આ તમામ ફાઇલ પાલિકાના સૌથી મહત્ત્વના એટલે કે બિલ્ડિંગ પ્રપોઝલ (બિપી) વિભાગની છે. ફાઇલ ખોવાઇ હોવાની જાણ થયાના બે મહિના બાદ પણ પાલિકા ખરેખર ફાઇલ ગાયબ થઇ છે કે ખોવાઇ છે તે અંગેનું તારણ મેળવી શકી નથી. માત્ર પોલીસમાં જાણ કરી પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ પોતાની ફરજ પૂરી કરી હોય તેમ હાથ ખંખેરી દીધા છે. ૨૮ હજાર કરોડની પાલિકા પાસે આજે એવી કોઇ વ્યવસ્થા નથી કે તે આવા મહત્ત્વના દસ્તાવેજ સંભાળી શકે. તો બીજી બાજુ આ ફાઇલ ખોવાઇ નથી પણ બિલ્ડર અને પાલિકાના અધિકારીઓની મિલીભગતથી જાણીજોઇને ગાયબ કરવામાં આવી છે તેવા આક્ષેપો પણ થઇ રહ્યાં છે. આ મુદ્દે પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં પણ ભારે હોબાળો થયો હતો. સર્વપક્ષીય સભ્યોએ આ મુદ્દે સઘન તપાસની માગણી કરી હતી. એક બાજુ લોકપ્રતિનિધિ અને અધિકારીઓની ખેંચતાણ તો બીજી બાજુ પરસેવે ઊભું કરેલ સપનાનું ઘર જતુ કરવું પડશે તેવો લોકોમાં ફેલાયેવો ડર એવા સમયે આવા મહત્ત્વના દસ્તાવેજ ખોવાઇ જવા કે ગાયબ થવા માટે આખરે જવાબદાર કોણ? કારણ કે પાલિકાના અધિકારીઓએ તો આ બાબતે માત્ર પોલીસને જાણ કરી પોતાની જવાબદારીથી હાથ ખંખેરી લીધા છે.

આજથી બે મહિના પહેલાં જ આ ચોંકાવનારી વિગતો એક આરટીઆઇને કારણે સપાટી પર આવી હતી. કે પાલિકાની બિપી વિભાગની કેટલીક મહત્ત્વની ફાઇલ ખોવાઇ ગઇ છે. જે તે સમયે ‘એચ-પશ્ર્ચિમ’વિભાગના આસિસ્ટન્ટ કમિશનર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી કે ૧૯૬૫થી ૨૦૦૯ સુધીની બાંદ્રાથી જોગેશ્ર્વરી વિસ્તારની બિલ્ંિડગ પ્રપોઝલ વિભાગની લગભગ ૩,૪૭૪ ફાઇલ ખોવાઇ ગઇ છે. આ વિસ્તારમાં લગભગ ૩૫૦૦૦ ઇમારતો છે ત્યારે લગભગ ૧૦ ટકા જેટલી ઇમારતની ફાઇલ ખોવાઇ હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. આશ્ર્ચર્યની વાત એ છે કે આ ખોવાયેલી ફાઇલમાંથી ૧૦ ટકા ફાઇલ તો માત્ર ‘એચ- પશ્ર્ચિમ’ એટલે કે બાંદ્રા-ખાર-સાંતાક્રુઝ વિસ્તારની જ છે. આ આખા બનાવ બાદ પાલિકાના અધિકારીઓ પર એવા આક્ષેપો થયા કે અધિકારીઓ અને બિલ્ડરની મિલીભગતથી ફાઇલ જાણી જોઇને ગાયબ કરવામાં આવી છે, જેથી બિલ્ડર અનધિકૃત રીતે વધારાના માળા ઊભા કરી શકે. જોકે અધિકારીઓ અને બિલ્ડરની આવી કરતૂતોનો ભોગ સામાન્ય માણસ બની રહ્યાં છે, કારણ કે પાલિકા દ્વારા ઘણાંને મહારાષ્ટ્ર રિજનલ ટાઉન પ્લાનીંગ (એમઆરટીપી) એક્ટ અંતર્ગત અનધિકૃત બાંધકામ અંગે નોટિસ મોકલવામાં આવી છે. પાલિકાના જ એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ પહેલાં તો અમારી ફરિયાદ અંગે તપાસ કરશે ત્યાર બાદ જ અમે એફઆઇઆર નોંધાવી શકીશું તેથી હાલમાં એફઆઇઆર થઇ શકી નથી.

ખાર - પશ્ર્ચિમના ઓફ લિંકરોડ પરની ત્રણ ઇમારત એમકે, મુરલી ગોવિંદ અને સદાનંદ ક્લાસિકને પણ એમઆરટીપી એક્ટ અંતર્ગત નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં અનધિકૃત બાંધકામ, પ્લાનની બહાર જઇને થયેલું બાંધકામ વગેરે જેવા નિયમો તોડવા બદલની જાણ કરવામાં આવી છે. જોકે આ ત્રણે ઇમારતની ફાઇલ ગાયબ છે. પાલિકાની આ ભૂલનો ભોગ ઘણાં રહેવાસીઓ બન્યા છે, કારણ કે જ્યારે તેમને નોટિસની જાણ થઇ ત્યારે તેમણે તપાસ કરતાં ખબર પડી કે તેમની ફાઇલ ગાયબ છે હવે આ લોકો પોતે સાચા છે તેવું પણ સાબિત કરી શકતા નથી કારણ કે આ તમામ ઇમારતની ફાઇલ ગાયબ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૯૫થી ૨૦૦૫ સુધી ‘એચ-પશ્ર્ચિમ’ અને ‘કે- પશ્ર્ચિમ’ વિભાગમાં ટ્રાન્સફર ઓફ ડેવલપમેન્ટ રાઇટ સ્કિમ અંતર્ગત ઘણાં પ્લાન મંજૂર કરવામાં આવ્યા છે. આવી જ ઇમારતોમાં નિયમોનો મોટાભાગે ભંગ થયો છે.

બાંદ્રા - પશ્ર્ચિમના એક આરટીઆઇ એક્ટિવીસ્ટે જણાવ્યું હતું કે આર્કિટેક્ટ, બિલ્ડર અને પાલિકાના અધિકારીઓએ જાણીજોઇને આ ફાઇલ ગાયબ કરી છે , મેં બાંદ્રાની સાત ઇમારતોની મુલાકાત લીધી છે. જ્યાં ડેવલપરને માત્ર ચાર માળ સુધીની ઇમારત બાંધવાની પરવાનગી મળી હોય. ત્યાર બાદ તેણે ઓક્યુપેશન સર્ટિફીકેટ મેળવ્યું હશે. પાણીનું કનેકશન મેળવ્યા પછી તેણે અનધિકૃત માળ ઊભા કર્યા હશે. ત્યાર બાદ સાબીત ન રહે તે માટે આ ફાઇલ ગાયબ કરવામાં આવી હશે. આ બધામાં નિદોર્ષ લોકોનો ભોગ લેવાઇ રહ્યો છે. ત્યારે આવા આર્કિટેક્ટનું લાયસન્સ રદ કરવું જોઇએ, ડેવલપરને ફ્લેટના માલિકને બજાર ભાવ મૂજબની કિંમત ચૂકવવી જોઇએ અને જે અધિકારીએ ઓસી આપી છે તેની સામે પાલિકાએ કડક કાર્યવાહી કરવી જોઇએ.

આરટીઆઇ એક્ટિવીસ્ટ અનીલ ગલગલીએ પણ મ્યુનિસિપલ કમિશનર સીતારામ કુંટેને આ બાબતે અધિકારીઓ અને બિલ્ડરોનો નાર્કો ટેસ્ટ કરવાની માગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મુંબઇ મહાનગરપાલિકાના બિલ્ડિંગ પ્રપોઝલ વિભાગમાંથી મહત્ત્વની ફાઇલ ગાયબ થવા છતાં પાલિકા દ્વારા હજી સુધી એફઆઇઆર નોંધવામાં આવી નથી એ ખરેખર દુ:ખદ વાત છે. મ્યુનિસિપલ કમિશનર સીતારામ કુંટેના કાર્યકાળમાં જ ૯૦ ટકા ફાઇલ ગાયબ થઇ છે. ફાઇલ ગાયબ થવાથી નિર્દોષ લોકો તેના ભોગ બન્યા છે, જેના માટે પાલિકાના અધિકારીઓ અને બિલ્ડરો જવાબદાર છે. તેથી આવા અધિકારીઓ અને બિલ્ડરોનો નાર્કો ટેસ્ટ કરાવવાની તેમણે માગણી કરી હતી.

એડિશનલ મ્યુનિસિપલ કમિશનર મોહન અડતાણીએ આ બાબતે સ્થાયી સમિતિની બેઠકમાં જણાવ્યું હતું કે ફાઇલ ગાયબ થઇ હોવાની જાણ થતાં પાલિકા દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી તો થશે જ સાથે સાથે પાલિકા દ્વારા પણ દોષી સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત પાલિકાએ હાલમાં જ ઇ-ઓફિસની શરૂઆત કરી છે. તમામ દસ્તાવેજોનું ડિજીટાઇઝેશન થતાં આ સમસ્યા નહીં રહે.

આ બાબતે પાલિકાના બિલ્ડિંગ પ્રપોઝલ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો સંપર્ક થઇ શક્યો ન હતો. ત્યારે હવે આ વિવાદમાં મુંબઇગરાને તેમનો હક મળશે કે કેમ તેની સામે એક પ્રશ્ર્નાર્થ છે.

---

પાલિકાના ૮૦ કરોડ દસ્તાવેજોનું થશે ડિજીટાઇઝેશન

એક તરફ પાલિકાના બિલ્ડિંગ પ્રપોઝલ જેવા મહત્ત્વના વિભાગની ફાઇલ ગાયબ છે ત્યાં બીજી તરફ પાલિકા દ્વારા આવા મહત્ત્વના દસ્તાવેજો સાચવી શકાય અને મુંબઇગરાને એક ક્લિકમાં તેની વિગતો મળી શકે તે માટે લગભગ ૮૦ કરોડ દસ્તાવેજોનું ડિજીટાઇઝેશન કરી તેને વેબસાઇટ પર મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તમામ ડેટા સર્વર પર અપલોડ કરવામાં આવશે. વેબસાઇટ પર એ અલગ િંલક મૂક્યા બાદ સરળતાથી કોઇ પણ દસ્તાવેજ અપલોડ કરી શકાશે અને જોઇ શકાશે. આ કામ સ્ટોક હોલ્ડીંંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડને સોંપવામાં આવ્યું છે.

જો આ ડેટાબેઝ તૈયાર થઇ જશે તો આરટીઆઇ દ્વારા માહિતી મેળવવાની જરૂર નહીં પડે અને પાલિકાની કામગીરીમાં પારદર્શકતા પણ આવશે. રૂ. ૨૭,૫૦૦ કરોડનું બજેટ ધરાવનારી એશિયાની સૌથી શ્રીમંત પાલિકા મોડે મોડે ઊંઘમાંથી જાગી છે અને હવે તેણે તેના ૬૮ ડિપાર્ટમેન્ટના દસ્તાવેજોનું ડિજીટાઇઝેશન કરવાનું નક્કી કર્યું છે. રૂ. ૨.૧૦ કરોડના ખર્ચે આ કામ કરવામાં આવશે.

---

સીધી જવાબદારી કમિશનરની છે

૨૦૦૭ના મહારાષ્ટ્ર સરકારના ઍક્ટ મુજબ જે અધિકારી પાસેથી ફાઇલ ગુમ થઇ હોય તે તેના માટે જવાબદાર ગણાય. મ્યુનિસિપલ કમિશનર સીતારામ કુંટેની ઓફિસમાંથી પણ ફાઇલ ગાયબ થઇ છે. તથા બિલ્ડિંગ પ્રપોઝલ વિભાગ પણ કમિશનર હેઠળ આવે છે તેથી આ ફાઇલ ગુમ થવા પાછળની સીધી જવાબદારી કમિશનરની છે. આ એક મોટું રેકેટ છે અને આઇએએસ લોબીને તેની જાણ છે છતાં કોઇ કાર્યવાહી થતી નથી. તેથી આ આંકડો સાડા નવ હજાર સુધી પહોંચ્યો છે.

રઇસ શેખ (નગરસેવક- સમાજવાદી પાર્ટી)

---

સીઆઇડી તપાસ થવી જોઇએ

આખી ઘટનામાં મ્યુનિસિપલ કમિશનરને જ જવાબદાર ગણી શકાય. કારણ કે બિલ્ંિડગ પ્રપોઝલ વિભાગ કે જેની મોટા ભાગની ફાઇલ ગાયબ છે તે કમિશનર હેઠળ આવે છે. ત્યારે કમિશનર પોતાની ઇન્ક્વાયરી તો નહીં જ કરી શકે માટે આ પ્રકરણની સઘન તપાસ સીઆઇડી મારફતે થવી જોઇએ તેવી માગણી મુખ્ય પ્રધાન પાસે કરી છે.

- રાહુલ શેવાળે (સ્થાયી સમિતિ અધ્યક્ષ- શિવસેના)

---

આ જાણીજોઇને કરેલો ગુનો છે

આ એક ઓર્ગેનાઇઝ્ડ સ્કેમ છે, જાણી જોઇને કરેલો ગુનો છે. વરલી આસ્ફાલ્ટ પ્લાન્ટની ફાઇલ એક વાર એડિશનલ કમિશનર અને એક વાર કમિશનર ઓફિસ એમ બે વાર ગાયબ થઇ છે. ત્યારે કમિશનર સામે પણ તપાસ થવી જોઇએ. આ એવા દસ્તાવેજો છે જેને કારણે કોન્ટ્રાક્ટરને કરોડોનું નુકસાન થશે તેથી તેને જાણીજોઇને ગાયબ કરવામાં આવ્યા છે. ત્યારે બિલ્ડર અને અધિકારી બંને પર કાર્યવાહી થવી જોઇએ. આ આખી ઘટનાની તપાસ થવી જોઇએ તેવી અમારી માગણી છે.

મનોજ કોટક (નગરસેવક - ભાજપ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1w41522t
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com