21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સુખી માણસનું પહેરણ
સુખ ને દુઃખની ફિલોસોફી માનસિકતા છે, પણ હવે સુખી થવાની ચાવી મળી ગઇ છે

ઓપિનિયન - પિન્કી દલાલદિવાળી ને નવું વર્ષ શુભ રહે, મા લક્ષ્મીનો સદા વાસ રહે, રિદ્ધિસિદ્ધિની મહેર રહે તેવા ટનબંધ મેસેજીસ વંચાઇ ગયા પછી પણ દિલમાં ન સમજાય તેવો અજંપો વર્તાયા કરે એટલે માણસ પાસે એક અકસીર ઉપાય બચે કે નવા વર્ષે કંઇક નવો સંકલ્પ લે, એ રોજ સવારે ચાલવા જવાનો હોય કે પછી ફેસબુક પર અડધા કલાકથી વધુ ન ચીટકી રહેવાનો કેમ ન હોય?

એવા બધા નિરુપદ્રવી સંકલ્પો ભલેને બિલકુલ તકલાદી હોય પણ મનને કામચલાઉ હાશકારો તો જરૂર આપે છે. નવા વર્ષે મનને શાંતિ ને ખુશીથી ભરી દેવાનો એક મિથ્યા પ્રયાસ. પણ, એ ખુશાલી ટકે કેટલો સમય? પાંચ દિવસ? બે અઠવાડિયાં? બે મહિના? અલબત્ત, ખુશીનું ટકાઉપણું તો માણસના પોતાના પોત પર આધાર રાખે છે પણ એ સમયે કોઇ આપણને કહે કે દુનિયામાં સુખીમાં સુખી, હેપીએસ્ટ માણસને મળ્યા છો? તો??

એવું બની શકે કે દુનિયામાં કોઇ શતપ્રતિશત સુખી માણસ હોય? એવી વાર્તા સાંભળી હતી કે એક દુઃખી માણસ ભગવાન પાસે ગયો. ભગવાનને ફરિયાદ કરી આટલું બધું દુઃખ મને એકલાને જ? જરા ન્યાય તો કરો, ભગવાન!

ભગવાને કહ્યુંઃ ઠીક છે, તારા દુઃખનું પોટલું બાંધ, ને પેલા રૂમમાં મૂકી દે, અને હા, ત્યાં બીજાં ઘણાનાં દુઃખનાં પોટલાં પડ્યાં છે તેમાંથી એક તું લઇ લે. એટલે કે ભગવાનની એક્સચેન્જ ઓફર. ભક્ત ગયો, પોતાનું પોટલું મૂક્યું. હવે શોધવાનું હતું થોડું ઓછું દુઃખવાળું પોટલું. પણ, આ શું? એકેય પોટલું ઓછું વજનદાર, નહોતું. ભક્તે વિચાર્યું, લે! આના કરતાં મારું પોટલું શું ખોટું હતું?

પોતાના પોટલા સાથે ભક્ત પાછો ફર્યો ત્યારે, તે એને હળવું લાગ્યું. કારણ? કારણ કે બધા કરતાં પોતાનું પોટલું હળવું છે તેની ખુશી ઉમેરાવાથી દુઃખનો ભાર ઓછો થઇ ગયો હતો.

આ આખી માનસિકતા છે સુખ ને દુઃખની ફિલોસોફી, પરંતુ આજનું મેડિકલ સાયન્સ સુખ અને દુઃખને વિજ્ઞાનની રીતે માપે છે.

ન્યુરો સાયન્સના આધુનિક વિજ્ઞાનની વ્યાખ્યા પ્રમાણે માનવીના મગજની ડાબી બાજુએ થતી પ્રી-ફ્રંટલ કોર્ટેક્સ એક્ટિવિટીથી ખુશી, આનંદ, હર્ષ જેવી લાગણી જન્મે છે. આ એક્ટિવિટી જેટલી વધુ એટલી સુખની માત્રા બળવત્તર. જેમ જેમ ડાબા મગજમાં આ પ્રવૃત્તિ ગતિ પકડે તેમ તેમ નેગેટિવિટી એટલે કે હતાશા, ક્રોધ, ઇર્ષ્યા, વેર-ઝેર જેવી તામસિક ભાવના નિર્મૂળ થતી જાય.

પહેલી નજરે આ વાંચી કે જાણીને અચરજથી આંખ પહોળી થઇ જાય. ક્ષણવાર માટે આ વાત ટાઢા પહોરના ગપ્પા જેવી વધુ લાગે, પરંતુ આ પ્રયોગો થતા રહ્યા છે, અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે દુનિયામાં હેપીએસ્ટ મેન એટલે કે સૌથી સુખી માણસ વિજ્ઞાનીઓએ શોધી પણ કાઢ્યો છે.

છેલ્લાં ચાર વર્ષથી આ પ્રયોગો ચાલી રહ્યા હતા અને આખરે જવાબ મળ્યો હોય તેમ દુનિયાને સુખીમાં સુખી માણસ જડ્યો. આ આનંદીપુરુષ છે મેથ્યુ રિચર્ડ. જેને વિજ્ઞાનીઓએ ‘હેપીએસ્ટ મેન ઓન અર્થ’ ટાઇટલ

આપ્યું છે. આ માટેના પ્રયોગો કરનાર ન્યુરો સાયન્ટિસ્ટ રિચર્ડ ડેવિડસને તે માટે પ૦,૦૦૦થી વધુ વાર મેડિટેશન કરી ચૂક્યા હોય તેવા સેંકડો લોકોને પસંદ કર્યા હતા. ન્યુરો સાયન્સની એક થિયરી એ પણ કહે છે કે મેડિટેશન જ એવી અવસ્થા છે જ્યારે માનવમગજ ગામા વેવ્ઝ ઉત્પન્ન કરે છે, આ રિસર્ચ જ ન્યુરો સાયન્સની તવારીખમાં નવીનવાઇની ઘટના છે. આ પ્રયોગ માટે મેડિટેશન દરમિયાન રપ૬ સેન્સર્સ મસ્તક સાથે જોડાતા હતા જે મગજમાં ઉદ્ભવતા ઝીણામાં ઝીણા તરંગ માપી શકે. વિજ્ઞાનીઓને જાણવા મળ્યું કે મેથ્યુ રિચર્ડના મસ્તકમાં મેડિટેશન દરમિયાન જે ગામા વેવ્ઝ જોવા મળ્યા તે વાત જ અચંબાભરી છે, આ થઇ સુખી માણસની વ્યાખ્યા. નો નેગેટિવિટી ઓન્લી પોઝિટિવિટી. કોઇ જીવ માટે લેશમાત્ર ધિક્કાર, ઘૃણા, ક્રોધ, ઇર્ષ્યા નહીં, માત્ર અનુકંપા, દયા, ને પ્રેમ. હવે દુનિયા માટે મેથ્યુ રિચર્ડ જ એક કોયડો છે.

ઓક્ટોબર મહિનાથી વિશ્વભરમાં આ વ્યક્તિ માટે એટલું બધું લખાઇ, છપાઇ ચૂક્યું છે કે કદાચ એ હેપીએસ્ટ એન્ડ મોસ્ટ નૉન તરીકે પણ જાણીતા થઇ જાય તો નવાઇ નહીં. ઉંમર ૬૬ વર્ષ, બૌદ્ધ સાધુ, લેખક, ભાષાંતરકાર, ફોટોગ્રાફર, દલાઇ લામા માટે ફ્રેંચ દુભાષિયાનું કામ કરનાર આ મૂળ ફ્રેંચ એવા મેથ્યુ રિચર્ડ છેલ્લાં ૪૦ વર્ષથી હિમાલયમાં રહે છે. ફ્રેંચ ફિલોસોફર અને પેઇન્ટર માના સંતાન એવા મેથ્યુ રિચર્ડની યુવાની પેરિસના આર્ટ અને ઇન્ટલેક્ચ્યુઅલ કહેવાય તેવા માહોલમાં વીતી રહી હતી ત્યારે કશુંક અગોચર તત્ત્વ તેમને ૧૯૬૭માં સૌપ્રથમ વાર ભારત ખેંચી લાવ્યું. તિબેટિયન બૌદ્ધ ધર્મગુરુઓનું આકર્ષણ જબરું હોવા છતાં પેરિસ જઇ તેમણે સેલ જેનેટિક્સમાં પીએચડી કર્યું, પણ વિજ્ઞાની અને યોગીની કશ્મકશમાં યોગી જીતી ગયો. ૧૯૭૨માં ભારત પાછા આવીને મેથ્યુ રિચર્ડે માત્ર ભારતના જ નહીં ભૂતાન, નેપાળના બૌદ્ધ સાધુઓ સાથે જીવન ગાળવું શરૂ કર્યું અને પાછળથી સંન્યસ્ત જીવન પણ સ્વીકાર્યું.

બૌદ્ધ સાધુ બનેલા મેથ્યુ રિચર્ડે સાધુ બના હૈ તો નામ બદલના પડતા હૈ તેવા કોઇ નિયમો માન્યા નથી. નામે ફ્રેંચ, કર્મે બૌદ્ધ સાધુ તિબેટિયન માસ્ટર્સના સાંનિધ્યમાં આધ્યાત્મિક પ્રગતિ કરતા રહ્યા. સાથે સાથે વ્યક્તિત્વને નવી નવી શાખા ફૂટતી રહી લેખક તરીકે, ફોટોગ્રાફર તરીકે, ભાષાંતરકાર તરીકે, ફિલોસોફર તરીકે, કર્મયોગી તરીકે... મેથ્યુ રિચર્ડે લખેલાં પુસ્તકો દુનિયાની ૭૦થી વધુ ભાષામાં અનુવાદ થયાં છે એટલું જ નહીં, બેસ્ટ સેલરની યાદીમાં રહી ચૂકેલાં પુસ્તકો છે ધ ક્વોન્ટમ ઓફ ધ લોટસ અને હેપીનેસઃ અ ગાઇડ ટુ ડેવલપિંગ લાઇફ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કિલ. એટલે કે સુખી થવું એ પણ એક કળા છે, અને એ પામવાની ચાવી છે મેડિટેશન. મેથ્યુ રિચર્ડનું ‘વ્હાય મેડિટેટ?’ પુસ્તક ૭૦થી વધુ ભાષામાં આજે પણ ચપોચપ ઊપડે છે. દુનિયાનો સૌથી સુખી આ માણસ ૧૯૮૯થી દલાઇ લામા માટે ફ્રેંચ દુભાષિયા તરીકે કામ તો કરે છે, પરંતુ તેમનો મોટા ભાગનો સમય વીતે છે પુસ્તકો લખવામાં, ફોટોગ્રાફી કરવામાં, વિશ્વભરમાં ફેલાયેલી માઇન્ડ એન્ડ લાઇફ ઇનિ્સ્ટટ્યૂટની શાખાઓમાં જઇ પેપર રજૂ કરવામાં અને તેમના ૧૧૦ પ્રોજેક્ટમાં. આ ૧૧૦ પ્રોજેક્ટ એટલે કે નેપાળનાં ગરીબ, સુવિધાવિહીન ગામોમાં ચલાવાતાં ક્લિનિક, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ અને વોકેશનલ ટ્રેઇનિંગ સેન્ટરો. જ્યારે મેથ્યુ રિચર્ડ પ્રવાસ પર નથી હોતા ત્યારે તેઓ પોતાની કાઠમંડુથી ૪૦ કિ.મી. દૂર આવેલી ઝેશેન મોનેસ્ટ્રીમાં જ હોય છે.

દુનિયાનો સૌથી સુખી પુરુષ જાહેર થયા પછી ન તો મેથ્યુ રિચર્ડની કોઇ દિનચર્યામાં ફરક પડ્યો છે ન પ્રવૃત્તિમાં.

બૌદ્ધ કથાઓમાં કિસા ગોતમીની એક વાત આવે છે. જેમાં ગૌતમ બુદ્ધ સુખી માણસનું પહેરણ લઇ આવવા કહે છે. વાર્તા કહે છે કે કિસા ગોતમીને ક્યાંયથી પહેરણ મળતું નથી જે સુખી માણસનું હોય! એટલે કે સુખી માણસ હોય તો પહેરણ મળેને!

આ કિસા ગોતમી કોણ છે? હું? તમે? આપણે? બસ, આટલી જ વાત રિચર્ડ મેથ્યુ પોતાની જાતને પૂછવા માટે કહે છે. આખરે તો પેલું કહેવાતું સુખી માણસનું પહેરણ પેલા દુઃખના પોટલામાં જ બંધાઇ ગયું છે તેવું નથી?છેલ્લે છેલ્લે...

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં

મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય

ને એ જ હોય પગની તળે એમ પણ બને

- મનોજ ખંડેરિયા

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

rVf6D0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com