24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ઑક્સિજનના અભાવે ક્યાં લગી દર્દીઓ મરશે?

એકસ્ટ્રા અફેર -રાજીવ પંડિતરવિવારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરિણામ હતાં તેથી એક દિવસ માટે લોકોનું ધ્યાન કોરોનાના કકળાટમાંથી ફંટાયેલું પણ રવિવારે રાત્રે કર્ણાટકમાં બનેલી કરૂણાંતિકાના કારણે આપણે પાછા વાસ્તવિકતાની જમીન પર આવીને પટકાયા છીએ. કર્ણાટકના ચામરાજનગરમાં રવિવારે રાત્રે સરકારી હૉસ્પિટલમાં બનેલી ઘટનામાં ૨૪ દર્દીનાં મોત થયાં. આ બધા કોરોનાના દર્દી હતા ને સરકારી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા પણ રાતે દસેક વાગ્યે અચાનક ઑક્સિજન ખતમ થઈ ગયો. તેના કારણે દર્દીઓ તરફડી તરફડીને મરવા માંડ્યાં ને કોઈએ મીડિયાને જાણ કરી. પત્રકારોએ સમયસૂચકતા બતાવીને અધિકારીઓ અને રાજકારણીઓને ફોન કર્યા. કમનસીબે કર્ણાટકમાં રવિવારે બે વિધાનસભા બેઠકો ને એક લોકસભા બેઠકની પેટાચૂંટણીની મતગણતરી હતી. આખો દિવસ બધા રાજકીય ઉત્તેજનામાં વ્યસ્ત હતા તેથી મોટા ભાગના નેતા ને અધિકારીઓએ ફોન જ ના લીધા.

સદ્નસીબે મૈસૂરના સાંસદ પ્રતાપ સિંહા જાગતા હતા ને પત્રકારોએ તેમને જાણ કરતાં તેમણે તાત્કાલિક મૈસૂરમાં એક ખાનગી કંપનીનો સંપર્ક કરીને ઑક્સિજનનાં ૧૫ સિલિન્ડર્સ મોકલાવ્યાં. હોસ્પિટલના કારભારીઓએ ઑક્સિજનની ગોઠવણ કરવા મથામણ શરૂ કરી તેના કારણે બીજાં ૧૫ સિલિન્ડર્સ આવ્યાં તેથી થોડી રાહત થઈ પણ દર્દીઓની સંખ્યા વધારે હતી ને ઑક્સિજન ઓછો હતો તેથી ટપોટપ લોકો મરવા માંડ્યાં. સાંસદ સિહાએ ડેપ્યુટી કમિશનરને ફોન કર્યો ને જિલ્લામાં ઑક્સિજન સપ્લાયના ઈન્ચાર્જ એડીસીને પણ ફોન કરતાં બધા ધંધે લાગ્યા છતાં છેક સવારે મેળ પડ્યો ને ત્યાં લગીમાં ૨૪ લોકોનું રામ બોલો ભાઈ રામ થઈ ગયું હતું.

આપણે ત્યાં કોઈ પણ કરૂણાંતિકા બને પછી તેને માટે શરમ અનુભવવાના બદલે પોતાનો બચાવ કઈ રીતે કરવો તેની મથામણ શરૂ થઈ જતી હોય છે. આ ઘટનામાં પણ એવું જ થયું છે. ભાજપની યેદિયુરપ્પા સરકારે પહેલાં તો આવી કોઈ ઘટના બની હોવાનો જ ઈન્કાર કર્યો. એ પછી તેમણે ૨૪ લોકોનાં મોત થયાં હોવાનું સ્વીકાર્યું પણ એવી રેકર્ડ વગાડવા માંડી કે, ઑક્સિજનના અભાવે કોઈના મોત થયાં નથી. મીડિયાએ પસ્તાળ પાડી પછી તેમણે નવો રાગ આલાપ્યો કે, આ બધાં મોત કઈ એક સાથે નથી થયાં પણ રવિવાર સવારથી શરૂ કરીને સોમવાર સવાર લગીમાં થયાં છે. યેદિયુરપ્પા સરકારે યમરાજનો ચોપડો ખોલીને કેટલા દર્દી ક્યારે મરેલા તેનો હિસાબ પણ રજૂ કરી દીધો.

યેદિયુરપ્પાયેદિયુરપ્પાએ પોતાની સરકારના શિક્ષણમંત્રી સુરેશ કુમારને આરોગ્ય મંત્રી કે. સુધાકર સાથે ચામરાજનગર મોકલ્યા. એ બંનેએ એ જ રેકર્ડ વગાડી કે, ઑક્સિજન સપ્લાય બંધ થઈ ગયો તેના કારણે કોઈ મર્યું નથી. જે લોકો મર્યા તેમને બીજા બધા રોગ હતા તેથી તેમનાં મોત થયાં છે. પોતાના બચાવ માટેનાં યેદિયુરપ્પા સરકારનાં હવાતિયાં સામે ચોતરફથી થૂ થૂ થઈ ગયું પછી યેદિયુરપ્પાએ પોતાની મત બચાવવા માટે તપાસની જાહેરાત કરી છે. આઈએએસ અધિકારી શિવયોગી કલસાડના નેતૃત્વ હેઠળની સમિતિ ત્રણ દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે ને તેના આધારે પગલાં ભરાશે. રાજ્ય સરકારે પોલીસને પણ રિપોર્ટ આપવા કહ્યું છે ને તેના આધારે કાનૂની કાર્યવાહીનો નિર્ણય થશે.

આપણે ત્યાં તપાસના નામે કેવા નાટક ચાલે છે એ સૌ જાણે છે તેથી તપાસમાં કંઈ નિકળે કે કોઈને દોષિત ગણીને સજા થાય એવી આશા રાખવા જેવી નથી. આ તપાસ સમય પસાર કરી દેવાની ચાલબાજી જ છે. ત્રણ દિવસ પછી તપાસ સમિતિ તેનો રિપોર્ટ આપે ને બીજા ચાર દાડા તેનો અભ્યાસ કરવામાં નિકળી જાય. એ રીતે અઠવાડિયું નિકળી જાય ને ત્યાં લગીમાં બીજું કંઈ કમઠાણ આવી જાય તેથી લોકોનું ધ્યાન તેની તરફ જતું રહે. આ આખી વાત જ બાજુ પર રહી જાય ને પછી ધીરે ધીરે ભુલાઈ જાય.

રાજકારણીઓનો આ બહુ જૂનો ખેલ છે ને યેદિયુરપ્પા જેવા રીઢા ને ખાઈ બદેલા નેતાને આ બધું શીખવવાનું ના હોય. યેદિયુરપ્પાએ એ જૂનો ખેલ ખેલ્યો છે ને તેના પરિણામ શું હશે તે પણ બધા જાણે છે તેથી તેના વિશે વાત કરવાનો મતલબ નથી પણ આ ઘટનાએ ફરી એક વાર આપણી નબળાઈને લોકો સામે ખોલીને મૂકી દીધી છે.

કર્ણાટકમાં બનેલી ઘટના ઑક્સિજનના અભાવે દર્દી મર્યા હોય એવી પહેલી ઘટના નથી. આ પહેલાં મધ્ય પ્રદેશમાં એક ઠેકાણે વોર્ડ બોય અડધી રાતે એક દર્દીનું ઑક્સિજન સિલિન્ડર ઉઠાવીને લઈ ગયો ને બીજા દર્દીને લગાવી દીધું તેમાં દર્દી તરફડી તરફડીને મર્યો તેનો મહિના પહેલાંનો વીડિયો હજુય ફરી જ રહ્યો છે. મધ્ય પ્રદેશના જ શાહડોલમાં ઑક્સિજન ખૂટવા માંડતાં દર્દીઓને ઓછા પ્રમાણમાં ઑક્સિજન મળ્યો તેના કારણે ૧૨ લોકોનાં મોત થઈ ગયેલાં. આ ઘટના પંદર દિવસ પહેલાંની છે ને કર્ણાટકમાં બન્યું એમ મધરાતે જ ઑક્સિજન ખૂટી ગયેલો તેથી તાત્કાલિક વ્યવસ્થા નહોતી થઈ શકી. ગયા શનિવારે જ દિલ્હીની જયપુર ગોલ્ડન હૉસ્પિટલમાં ઑક્સિજનની તંગીના કારણે ૨૦ દર્દી ઢબી ગયા જ્યારે પંજાબના અમૃતસરમાં છ દર્દીનાં મોત થયાં હતાં. આ તો મોટી મોટી ઘટનાની વાતો કરી જ્યારે ઑક્સિજનના અભાવે એકલ-દોકલ દર્દી મરી જતા હશે તેનો તો કોઈ હિસાબ જ નથી. ઑક્સિજનના અભાવે એક-બે દર્દી મરી જાય એવું તો દરેક રાજ્યમાં દરરોજ બને છે. કર્ણાટકમાં મોતનો આંકડો બહુ મોટો છે એ વાત ગંભીર છે પણ આ ઘટના નવી નથી.

હજુ દસેક દિવસ પહેલાં જ મહારાષ્ટ્રના નાશિકમાં ઝાકિર હુસૈન હૉસ્પિટલમાં ઑક્સિજનને લગતી દુર્ઘટનામાં ૨૨ લોકોનાં મોત થઈ ગયેલાં. હૉસ્પિટલમાં ઑક્સિજન ટેંક લીક થઈ જતાં દર્દીઓને અપાઈ રહેલો ઑક્સિજનનો પુરવઠો લગભગ અડધા કલાક લગી અટકી ગયો તેમાં ૨૨ દર્દી મરી ગયેલાં. આ ઘટના વિશે સત્તાવાર રીતે કરાયેલી જાહેરાત પ્રમાણે ઑક્સિજન ટેંકથી દર્દીઓ લગી ઑક્સિજન પહોંચાડતી પાઈપમાં લીકેજ થયું તેમાં દર્દીઓને ઑક્સિજન મળતો બંધ થઈ ગયો હતો. હૉસ્પિટલમાં ૧૭૧ દર્દીઓ ઑક્સિજન પર અને ૬૭ દર્દીઓ વેન્ટિલેટર પર મળીને કુલ ૧૬૮ દર્દી ઑક્સિજન પર હતા.

ઑક્સિજનનો સપ્લાય રોકાઈ ગયો તેમાં આ બધાની હાલત બગડી ગઈ. આ દર્દીઓમાંથી ૨૨ તો મિનિટોમાં તરફડીને હૉસ્પિટલના બેડ પર જ ગુજરી ગયા ને આ બધા દર્દી વેન્ટિલેટર પર હતા. આ દુર્ઘટનામાં ગુજરી ગયા એ સિવાયના બીજા પણ પાંત્રીસ જેટલા દર્દીની હાલત ઑક્સિજન નહીં મળવાના કારણે ખરાબ થઈ ગઈ હતી ને તેમાંથી બીજા કેટલા ગુજરી ગયા તેના વિશે પછી કોઈ વિગતો નથી આવી તેથી બધા બચી ગયા એવું માની લઈએ તો પણ ૨૨ લોકો મરી જાય એ ઘટના મોટી કહેવાય. નાશિકમાં બનેલી ઘટના અણઘડ આયોજનનો નાદાર નમૂનો હતો. હૉસ્પિટલ પાસે ઑક્સિજન પુષ્કળ પ્રમાણમાં હતો પણ તેનું મેનેજમેન્ટ કરવાની વ્યવસ્થા નહોતી, તેમાં ટેંક લીક થઈ ને લોકો મરી ગયાં તેથી એ ઘટના અલગ હતી. કર્ણાટકમાં તો ઑક્સિજનની વ્યવસ્થા જ નહોતી તેથી લોકો મરી ગયાં છે ને એવી ઘટનાઓ બીજે પણ બની છે.

પહેલી નજરે કર્ણાટકની ઘટના દેશભરમાં ઑક્સિજનની તંગી છે ને તેના કારણે દર્દીઓ મરવાની ઘટનાઓ બની રહી છે તેમાંની જ એક લાગે પણ વાસ્તવમાં આ ઘટના એવી સામાન્ય ઘટના નથી. આ ઘટના

આપણી સરકારો અને તંત્રની નિષ્ફળતા ને સંવેદનહીનતાનો વધુ એક પુરાવો છે. આપણે જે લોકોને સત્તામાં બેસાડ્યા છે એ લોકોમાં આપણી નાની જરૂરિયાતો સંતોષવાની પણ તાકાત નથી તેની આ ઘટના વધુ એક નાદાર નમૂનો છે.

કોરોનાના કેસો વધી રહ્યા છે ને તેમાં ઑક્સિજન દર્દીઓનો જીવ બચાવવામાં સૌથી મહત્ત્વની દવા છે. ઑક્સિજન યોગ્ય રીતે મળે તો માણસ જીવી જાય એ પાયાનો સિધ્ધાંત છે પણ આપણે જરૂરિયાતવાળા દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઑક્સિજન મળે તેની વ્યવસ્થા પણ કરી શકતા નથી તેનો આ પુરાવો છે. રાત્રે ૧૦ વાગ્યે ઑક્સિજન ખતમ થઈ જાય ને છેક સવાર લગી વ્યવસ્થા ના થાય એ કેવું? સતત ૮ કલાક સુધી દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઑક્સિજન ના મળે ને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ના થાય એ કેવું કહેવાય? એ તો મૈસૂરના સાંસદે થોડી ઘણી વ્યવસ્થા કરી તેમાં થોડાંક લોકો બચી ગયાં. બાકી મૃત્યુઆંક પચાસથી પણ વધારે થઈ

ગયો હોત.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1544R3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com