24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આ જૈસન રોજ મનાવે છે સેવાનો જશ્ન
આ જૈસન રોજ મનાવે છે સેવાનો જશ્ન

ફોકસ-અનંત મામતોરાઆ જૈસન રોજ મનાવે છે સેવાનો જશ્ન

કેરળના ત્રિશુર જિલ્લાના વાદૂકરા વિસ્તારમાં વર્ષોથી બંધ પડેલા એક બસ સ્થાનક આગળ દરરોજ બપોરે બે વાગ્યા સુધી ગરીબ, બેઘર અને નિ:સહાય લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે. આ નેક કામની શરૂઆત કરી એક ફળ વિક્રેતા જૈસન પૉલે અને આજે તો એના અભિયાન સાથે અનેક લોકો જોડાઇ ચૂક્યા છે. પૉલની પત્ની બીનુ મારિયા, ઑટો ડ્રાઇવર શ્રીજિત, ભૂતપૂર્વ બસ ડ્રાઇવર શાઇન જેમ્સ, વર્કશોપ વર્કર વી. એ. સ્માઇલ, એ સિવાય એક ગૃહિણી અને એક શિક્ષક પણ તેની ટીમમાં સામેલ છે.

૩૭ વર્ષીય જૈસન પૉલ કહે છે કે, ‘મને આ કામની પ્રેરણા મધર ટેરેસામાંથી મળી છે.’ દરરોજ આ બસ સ્ટેન્ડ પાસે પોણાબસોથી બસો લોકો ભોજન ગ્રહણ કરવા આવે છે. એ અગાઉ ટીમના સભ્યો પૉલને ત્યાં ખાવાનું બનાવવા આવે છે. ત્યાર બાદ આ ટીમ બસ સ્ટેન્ડ સુધી પહોંચે છે. આ મંડળીનો મુખ્ય હેતુ એ હોય છે કે ગરીબોને સ્વચ્છ અને સ્વસ્થ ખોરાક મળે. સોમવારથી લઇને શનિવાર સુધી સપ્તાહમાં છ દિવસ તેમનું આ અભિયાન ચાલે છે.

આ અભિયાનની શરૂઆત કેવી રીતે થઇ એ વર્ણવતાં પૉલ કહે છે કે, ‘જાન્યુઆરી ૨૦૧૮માં મેં એક સામાજિક સંગઠન ‘મધર જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ’ની શરૂઆત કરી. ત્યાં સુધી અમે અલગ અલગ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા, પરંતુ કોઇ સંગઠનનો હિસ્સો ન હતા. પછી અમે કેટલાક મિત્રોએ વિચારવિમર્શ કર્યો કે જરૂરતમંદો માટે શું કરી શકાય છે.’

પૉલનો વ્યવસાય ફળ વેચવાનો છે, છતાંય એ દરેક મહિને પોતાના આ સંગઠન માટે પૈસા બચાવે છે. તેમની આ પહેલ એવું પણ સૂચવે છે કે જો તમે ખરેખર કોઇ બદલાવ લાવવા ઇચ્છતા હો તો તમને રસ્તો જડી જ જાય છે.

પૉલ પોતાના અનુભવો વર્ણવતાં કહે છે કે, ‘અમે જૂનાં કપડાં એકઠાં કરીને પછી વહેંચવાની શરૂઆત કરી, રક્તદાન શિબિરોનું આયોજન કર્યું. ભણવામાં હોશિયાર વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરવા જેવાં કામો પણ કર્યાં. લોકોને ઘરનું બનેલું ભોજન ખવડાવવાનો આઇડિયા પણ ગ્રુપની ચર્ચાવિચારણા દરમ્યાન જ આવ્યો હતો અને તેમણે પહેલાં ચોખાની ખીચડી બનાવીને ગરીબોમાં વહેંચવાનું શરૂ કર્યું. પછી જેમ જેમ ખાનારાઓની સંખ્યા વધવા લાગી, તેમ તેમ અમે પણ અમારું કામ વધારતા ગયા.’

પૉલ કહે છે કે હવે તો તેમની પાસે વેજ અને નોનવેજ બન્ને પ્રકારના ભોજનનો વિકલ્પ છે. ખાવામાં ભાત, સાંભાર, શાક, અથાણા અને સેલડ પણ હોય છે. તેમના સંગઠનને હવે તો બહારથી પણ મદદ મળે છે. તેમનું ટ્રસ્ટ પૈસા ઉપરાંત દાળ-ચોખા કે શાક જેવી ખાદ્ય સામગ્રી પણ સ્વીકારે છે. પૉલ કહે છે કે ‘ઘણા લોકો કોઇ પરિવર્તન લાવવા તો ઇચ્છતા હોય છે, પરંતુ રોજના કામને કારણે તેમને સમય ન મળતો હોય તેમના માટે અમે એક માધ્યમની જેમ કામ કરીએ છીએ. અમે આ બસ સ્ટેન્ડ આગળ બે ટેબલ અને છ ખુરશીઓનો બંદોબસ્ત પણ કર્યો છે.’ આ કામ તો ઉમદા છે જ, પરંતુ તેની પ્રક્રિયા પણ તમારું દિલ જીતી લે એવી છે. ભોજન પીરસ્યા બાદ પણ આ ટીમ એવી તકેદારી રાખે છે કે ખાવાનું જરા પણ ન વેડફાય. કેળના પાન પર જમવાનું પીરસાય છે. બાદમાં આ ટીમ બધો એંઠવાડ ભેગો કરીને પૉલના ઘર નજીકના એક કચરાના ડબ્બામાં નાખી દે છે. પૉલ કહે છે કે તેમણે લગ્ન જેવાં આયોજનો અને હૉટેલોમાંથી બચેલા ખોરાકને એકઠો કરવાનું પણ શરૂ કર્યું છે. આપણે હંમેશાં આપણી આસપાસ દેખાતી રહેતી સમસ્યા માટે કોઇને ને કોઇને ગાળો આપતા રહીએ છીએ, પરંતુ બહુ ઓછા લોકો આવી સમસ્યા ટાળવા માટે પગલાં લેતા હોય છે.

જૈસન પૉલ અને તેમની ટીમને અભિનંદન કે જેઓ આસપાસની સમસ્યાને ભાળે પણ છે અને ટાળે પણ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2ti25Mq
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com