24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગલીઓ પણ લોહીઝાણ થઈ રહી હતી
ગલીઓ પણ લોહીઝાણ થઈ રહી હતી

મા ફલેષુ કદાચન-અંકિત દેસાઈદ્વારિકાની સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી હતી. હસ્તીનાપુરમાં એ અંગે કોઈ સમાચાર પહોંચ્યા નહોતા. સમાચાર પહોંચે તો પણ યુધિષ્ઠિરને એ વિશે કોઈ જાણ થઈ શકે એમ નહોતું, કારણ કે યુધિષ્ઠિર વનમાં હતા. અહીં માધવની સાંજો ઉચાટમાં વીતતી હતી ને રાત્રી ઊંઘ વિના સમાપ્ત થતી હતી અને દિવસ બધાને સમજાવવામાં તેમ જ કલહ નિવારણમાં જતા હતા.

રોજ સાંજ થયે મહેલમાં કોઈ નવી ઉપાધિ થયાના સમાચાર આવી રહ્યા હતા અને બીજા દિવસે માધવ તેમ જ બલરામ એ કલહને શાંત પાડવા મથામણ કરી રહ્યા હતા. એવામાં આ વખતે બલરામની હાજરીમાં જ સાત્યકિ અને કૃતવર્માની વચ્ચે અશ્ર્વત્થામાને લઈને દાવાનળ ફાટી નીકળ્યો અને આવેશમાં આવીને સાત્યકિએ કૃતવર્માનું મસ્તક ધડથી છૂટું પાડી દીધું હતું.

આ કૃત્યને કારણે સમગ્ર દ્વારિકામાં મોટા પ્રત્યાઘાત પડ્યા અને દ્વારિકાના મોટા ભાગના યુવાનો વગર વિચાર્યે બે ભાગોમાં વહેંચાઈ ગયા. એમાંનો એક વર્ગન કૃતવર્મા તરફી હતો અને બીજો વર્ગ સાત્યકિ તરફી હતો. કૃષ્ણને લાગ્યું કે હવે કોઈ વાળ્યું વળે એમ નથી એટલે તેમણે તમામ આશાઓ ત્યજી દીધી હતી. તેમણે એ બાબત નિયતિ પર જ છોડી કે હવે કોઈ તેમનું સાંભળવાનું નથી. એટલે આ કલહનો જે અંત આવશે એ અંત યાદવોની નિયતિ જ લખશે. તેમની મધ્યસ્થીથી કોઈ ફરક પડવાનો નથી.

કૃતવર્માના મોત પછી તેના સમર્થનમાં રહેલા યુવાનોએ વાંસવન કપાવીને વાંસની લાકડીઓ તૈયાર કરી અને એ લાકડીથી તેમણે સાત્યકિ અને સાત્યકિના સમર્થનમાં રહેલા યુવાનોને મારવાનું શરૂ કર્યું. તો સામે પક્ષે સાત્યકિના સમર્થકોએ પણ એ જ બાબતનું અનુકરણ કરીને કૃતવર્માના સમર્થકો દેખાય ત્યાંથી તેમને લાકડીથી ઝૂડવાનું શરૂ કર્યું.

આ કારણે ગલી ગલીએ લોહીની છોળો ઊડવા માંડી અને રોજ એકસાથે અનેક લોકોના અવસાનના સમાચાર આવવા માંડ્યા. દ્વારિકાના યુવાનો વાંસની લાકડીઓ હાથવગી જ રાખવા માંડ્યા, પરંતુ એક દિવસ નગરના જાહેર માર્ગ પર થયેલી સામસામી ટક્કરમાં સાંબની લાકડી તૂટી ગઈ. પોતાની લાકડી તૂટી ગઈ તો તેને અચાનક યાદ આવ્યું કે ઋષિઓએ તેને મૂશળનો પ્રયોગ કરવા કહેલું. એટલે તે મારતે ઘોડે ક્યાંકથી મૂશળ લઈ આવ્યો અને મૂશળ લઈને સામેના વર્ગ પર તૂટી પડ્યો.

સાંબ હવામાં ગદાની જેમ મૂશળ વીંઝવા માંડ્યો તો સામા પક્ષના યુવાનો તેને ખાળવા માટે તલવારો લઈને આવ્યા, પરંતુ સાંબ એટલી બધી કુશળતાથી મૂશળ વીંઝતો હતો કે તલવારોના ટુકડેટુકડા થઈ જતા હતા. તલવારો પણ નિરર્થક સાબિત થવા માંડી અને એક વર્ગના યાદવોમાં નાસભાગ મચી ગઈ. જોકે મદમસ્ત બનેલા યાદવોના મનમાંથી એકબીજા પ્રત્યેની દાઝ જતી નહોતી. તેઓ હવે એકબીજાને નાથવાનો અને એકબીજાનો નાશ કરવાનો જ સતત વિચાર કરતા રહેતા હતા.

જેને પગલે એક પક્ષના યાદવો માફી માગવાની જગ્યાએ કે શાંતિવાર્તા કરવાની જગ્યાએ મૂશળનો વિકલ્પ મૂશળ વિચારવા માંડ્યા અને તેઓ પણ ત્વરિતપણે વધુમાં વધુ મૂશળ મેળવવાની પેરવીમાં પડ્યા, જેથી સાંબને સરખો જવાબ આપી શકાય અને તેને અટકાવી શકાય.

આ કારણે સ્થિતિ વધુ કફોડી થઈ ગઈ, કારણ કે અત્યાર સુધી એકબીજા પર લાકડીઓથી ઘા કરતા યાદવો હવે સામસામા મૂશળના ઘા કરવા માંડ્યા હતા, જેને કારણે સેંકડોની સંખ્યામાં યાદવોનાં માથાં ધડાધડ ફૂટવા માંડ્યાં અને તેઓ ટપોટપ મરવા માંડ્યા.

દ્વારિકામાં આવી ખુવારી આ પહેલાં ક્યારેય નહોતી થઈ. સામસામે મળી રહેલા યુવાનો પહેલાં એકબીજાના ખબર-અંતર પૂછી રહ્યા હતા, પરંતુ હવે સ્થિતિ એવી થઈ હતી કે પહેલાં યુવાનો લાકડીઓ લઈને ફરતા હતા અને પછી મૂશળ લઈને ચાર-પાંચના ટોળામાં ફરી રહ્યા હતા, જેથી સામા પક્ષનું કોઈક મળે ત્યારે માણસોની અછત ન સર્જાય અને તેમને પહોંચી વળાય.

હવે તો મહેલમાં બેઠાં બેઠાં પણ આક્રંદ અને ચિત્કારના અવાજો સાંભળી શકાતા હતા. પોતાના પતિ-પુત્ર કે ભાઈને ખોઈ રહેલી નગરની સ્ત્રીઓ છાતીઓ કૂટી કૂટીને રડી રહી હતી.

બાળકો ગભરાટને કારણે ચીસાચીસ કરી રહ્યાં હતાં અને વૃદ્ધો આક્રંદ કરી રહ્યા હતા. નશાને કારણે યુવાનોનાં મગજ એ હદે બગડી ગયાં હતાં કે તેઓ મૃત્યુનો પણ મલાજો નહોતા જાળવી શકતા. અંતિમસંસ્કાર માટે નગરમાં હવે કોઈ વ્યવસ્થા રહી નહોતી. એટલે એકસાથે અનેક લોકોના અગ્નિસંસ્કાર કરાઈ રહ્યા હતા.

માધવથી હવે ન તો એ સમાચાર સાંભળી શકાતા હતા કે ન તેઓ કોઈનો આક્રંદ સાંભળી શકતા હતા. તેઓ રહી રહીને એવી કામના કરી રહ્યા હતા કે તેમના કાન હવે આ આક્રંદના અવાજથી અલિપ્ત થઈ જાય અથવા તો આ આક્રંદ બંધ થઈ જાય. જોકે તેમની એ કામના પૂરી થાય એવું લાગતું નહોતું. માધવને પક્ષે હજુ વધુ ઝૂરવાનું હતું. (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1a80258
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com