24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
એક જિલ્લાધિકારી ઐસા ભી
એક જિલ્લાધિકારી ઐસા ભી

કવર સ્ટોરી-દર્શના વિસરીયામુંબઈ અને દિલ્હી જેવાં મોટાં મોટાં શહેરો ઑક્સિજનની અછતનો સામનો કરી રહ્યાં છે, ત્યારે મહારાષ્ટ્રના આ નાનકડા જિલ્લા પાસેથી અન્ય રાજ્ય, જિલ્લાઓએ પ્રેરણા લેવી પડે એવું કામ કર્યું છે આ જિલ્લાધિકારીએ

----------------------------

છેલ્લા કેટલાય મહિનાઓથી દેશ, રાજ્ય, શહેરમાં એક જ વિષય ચર્ચાઈ રહ્યો છે અને એ એટલે કોરોના. હમણાં થોડાક સમયથી એમાં વેરિયેશન જોવા મળ્યું છે અને ફોર અ ચેન્જ ઑક્સિજનની અછતની રામાયણ સાંભળવા મળી રહી છે. જ્યાં જુઓ ત્યાં ઑક્સિજનના અભાવે દર્દીઓનાં મૃત્યુ થઈ રહ્યાં હોવાના સમાચારો વાંચવા, સાંભળવા અને જોવા મળી રહ્યા છે ત્યારે આપણે રાજ્યના એક એવા જિલ્લા અને તેના કલેક્ટર વિશે વાત કરવાની છે કે જેણે પાણી પહેલાં જ પાળ બાંધીને પોતાના જિલ્લા અને નાગરિકોને સુરક્ષિત કરી લીધા હતા. એટલું જ નહીં આજે એ જિલ્લો ઑક્સિજનની બાબતમાં સરપ્લસ છે. ચોંકી ગયાને કે આખરે જે મુંબઈ અને દિલ્હી જેવાં મોટાં મેટ્રો સિટી તરીકે ઓળખાતાં શહેરોની હૉસ્પિટલો કે પ્રશાસન ન કરી શક્યાં એ આ નાનકડા જિલ્લા માટે કઈ રીતે શક્ય બન્યું? કદાચ ત્યાંના પ્રશાસને શું કર્યું, કેવી રીતે કર્યું એ જાણવા માટે મન ઉતાવળું બની ગયું હશે, એટલે તમારી ધીરજની વધારે પરીક્ષા લીધા વિના મળીએ નંદુરબાર જિલ્લાના ‘ડૉક્ટર બાબુ’ રાજેન્દ્ર ભારુડને. રાજેન્દ્રની દૂરંદેશીને કારણે કોરોનાની બીજી લહેર જીવલેણ હોવા છતાં લોકો તેમાંથી ખૂબ જ સરળતાથી બહાર આવી રહ્યા છે અને ટચ વૂડ હજી સુધી ત્યાં ઑક્સિજનની તંગીની મુસીબત પહોંચી શકી નથી. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ઑક્સિજન માટે દરદીઓના પરિવારજનોએ ઠેર ઠેર ભટકવું પડી રહ્યું છે અને તેના પુરવઠા માટે બુમરાણ મચી છે. મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની સીમા પર આવેલું હોવાને કારણે આ રાજ્ય માત્ર મહારાષ્ટ્ર જ નહીં પણ ગુજરાત માટે પણ એક મિસાલ સમાન બની ગયું છે અને તેને આ લેવલ પર લઈ જવાનું શ્રેય જાય છે ડૉ. રાજેન્દ્રને.

ભીલ સમાજમાંથી આવતા રાજેન્દ્રએ બાળપણથી જ ખૂબ ગરીબી અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. કદાચ બાળપણમાં કરેલાં સંઘર્ષ અને મુશ્કેલીઓએ રાજેન્દ્રને પાણી પહેલાં પાળ બાંધવાનું ઈન્ડિકેશન આપી દીધું હતું. આ વિશે વાત કરતાં રાજેન્દ્ર જણાવે છે કે ‘વર્ષ ૨૦૨૦માં જ્યારે આખા દેશમાં કોરોનાની પહેલી લહેર આવી હતી એ વખતે નંદુરબારમાં એક દિવસમાં વધુમાં વધુ નોંધાયેલા કેસની સંખ્યા ૧૯૦ જેટલી હતી અને એ જ વખતે મને અંદાજો આવી ગયો હતો કે આ સમસ્યા આપણે સમજીએ છીએ એટલી નાની નથી. આગામી સમય માટે આપણે તૈયાર રહેવું પડશે. જ્યારે કોરોનાનો કહેર ઓછો થયો એ વખતે મેં નંદુરબારની સરકારી હૉસ્પિટલમાં દર મિનિટે ૬૦૦ લિટર ઑક્સિજન પેદા કરવાની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ નાખી દીધો. આ વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આવા બે વધુ પ્લાન્ટ લગાવ્યા. આ સિવાય ટૂંક સમયમાં જ બે બીજા ખાનગી પ્લાન્ટ પણ અમે લોકો શરૂ કરી રહ્યા છીએ જે પ્રતિમિનિટ ૧૨૦૦ લિટર ઑક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. આ બધા પ્લાન્ટ શરૂ કરવા માટે મેં જિલ્લા વિકાસ અને આયોજન ફંડ, સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને દાતાઓની મદદ લીધી હતી.’

નંદુરબારની આ સફળતાને જોઈને રાજ્ય સરકારે અન્ય જિલ્લાઓને ‘નંદુરબાર મૉડેલ’ને અનુસરવાની ભલામણ કરી છે. રાજેન્દ્રનું માનવું છે કે કોઈ પણ સમસ્યાનો ઉકેલ ચાર બાબત પર આધાર રાખે છે. પહેલી એટલે રાજકીય ઈચ્છાશક્તિ, બીજી ભંડોળની ઉપલબ્ધતા, ત્રીજી લોકોનો સહકાર અને ચોથી અને મહત્ત્વની બાબત એટલે જિલ્લા વહીવટકર્તાની ઈચ્છાશક્તિ. વાતનો દોર આગળ વધારતાં રાજેન્દ્ર કહે છે કે ‘અમે લોકો દર્દીના શરીરમાં ઑક્સિજનનો સ્તર એકદમ ચિંતાજનક રીતે નીચે જતો રહે ત્યાર બાદ તેને ઑકિસજન આપવાને બદલે શરૂઆતથી જ આપવાની શરૂઆત કરી દઈએ છીએ. આને કારણે થાય છે એવું કે ચિંતાજનક સ્થિતિમાં દર્દીને સાજા થવા માટે જોઈતા ઑક્સિજનના ત્રીજા ભાગનો જ ઉપયોગ થાય છે. ઑક્સિજનની બચતની બચત અને દર્દીના જીવ સામે કોઈ પ્રકારનું જોખમ પણ ઊભું થતું નથી. અત્યારે જિલ્લામાં શાળા તથા કોમ્યુનિટી હોલમાં કોવિડ-૧૯ના દરદીઓને માટે સાત હજાર બેડ ઊભા કરવામાં આવ્યા છે. આ સિવાય અમે લોકોએ ઑક્સિજનના વપરાશ અંગે સ્થાનિક તબીબોને પણ પ્રશિક્ષણ આપ્યું છે, જેથી ઑક્સિજનનો યોગ્ય રીતે ઉપાય થઈ શકે અને તેનો વેડફાટ થતો અટકે.’

આ તો વાત થઈ કે કઈ રીતે જિલ્લામાં ઑક્સિજનનું ઉત્પાદન કરવામાં આવે છે એની. હવે વાત કરીએ વેક્સિનેશનની. જ્યારથી રસીકરણની શરૂઆત થઈ ત્યારથી જ રાજેન્દ્રએ સરપંચ અને શિક્ષકોના માધ્યમથી લોકો સુધી રસીની માહિતી પહોંચાડી. સામાન્ય રીતે નંદુરબાર, ધુળે તથા અન્ય કેટલાક સરહદી વિસ્તારના મહારાષ્ટ્રિયનો વધુ સારી સારવાર માટે સુરતની વાટ પકડતા હોય છે, કારણ કે મહારાષ્ટ્રની નજીકના કેન્દ્ર કરતાં આ શહેર તેમને વધુ નજીક પડે છે, પરંતુ આ વખતે ગંગા ઊલટી વહી છે અને એવા રિપોર્ટ્સ જોવા અને જાણવા મળ્યા છે કે લોકોએ ગુજરાતથી આવીને મહારાષ્ટ્રના આ જિલ્લાની વાટ પકડી છે કોરોનાથી બચવા માટે.

રાજેન્દ્રની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરી લીધા બાદ હવે આગળ વધીએ અને વાત કરીએ તેમની પર્સનલ લાઈફ વિશે. ડૉ. રાજેન્દ્ર ૨૦૧૩ની બેચના આઈએએસ (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) ઑફિસર છે અને તેઓ ભીલ સમાજમાંથી આ પદ સુધી પહોંચનાર પ્રથમ વ્યક્તિ છે. પોતાની અહીં સુધી પહોંચવાની સફર વિશે વાત કરતું એક પુસ્તક તેમણે લખ્યું છે, જેનો હિંદીમાં અનુવાદ પણ કરવામાં આવ્યો છે. આ પુસ્તક લખવા પાછળનો હેતુ અને પોતાની સંઘર્ષભરી દાસ્તાન જણાવતાં રાજેન્દ્ર કહે છે કે ‘લખવાનું મારું કામ નહીં. પણ તેમ છતાં મેં આ પુસ્તક લખ્યું છે, કારણ કે કેટલાક યુવાનોનું અંગ્રેજી નબળું હોય છે અને તેઓ પ્રાદેશિક ભાષામાં ભણીને આગળ વધતા હોય છે. ગરીબી અને અછત વચ્ચેથી પસાર થઈ રહેલા યુવાનોને પ્રેરણા મળે એ માટે મેં આ પુસ્તક લખ્યું છે. મારી માતાએ મને એકલા હાથે ઉછેર્યો છે અને ભણાવી-ગણાવીને એક સારી જિંદગી આપી છે. મારી માતા જ્યારે ગર્ભવતી હતી ત્યારે જ મારા પિતાનું અવસાન થયું હતું. મારી પહેલાં બે ભાઈ-ભાંડુ હતા એટલે લોકો તેમને ત્રીજું સંતાન નહીં કરવા અને ગર્ભપાત કરવા માટે દબાણ કરી રહ્યા હતા. પણ મારી માતા અને માસી મક્કમ હતાં, એટલે જો ટૂંકમાં કહું તો આ ધરતી પર જન્મ લેવા સાથે જ મારા માટે સંઘર્ષની શરૂઆત થઈ ગઈ છે. દાદી મહુડાના દારૂનો વેપાર કરતાં હતાં અને માતાએ પણ એ જ વેપાર શરૂ કર્યો. ભણવામાં હોશિયાર હોવાથી મને જવાહર નવોદય વિદ્યાલયમાં ભણવા માટે મોકલવામાં આવ્યો. મારું બાળપણથી જ એવું માનવું હતું કે કોઈનો જીવ બચાવવાથી વધારે મહત્ત્વનું કશું છે જ નહીં એટલે મેં તબીબી શિક્ષણ લેવાનું નક્કી કર્યું. મેં પ્રી-મેડિકલ ટેસ્ટની પરીક્ષા પાસ કરી અને મુંબઈની કે. ઈ. એમ. હોસ્પિટલ સાથે સંકળાયેલી શેઠ હોસ્પિટલમાં પાંચ વર્ષ માટે એમબીબીએસનો અભ્યાસ કર્યો.’

આ સિવાય રાજેન્દ્ર ભણી-ગણીને પોતાના સમાજની સેવા કરવા માગતા હતા અને એ વખતે શેઠ હોસ્પિટલના ડીને તેમને યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)ની પરીક્ષા આપવા માટે પ્રેરિત કર્યા. પહેલા જ પ્રયાસમાં રાજેન્દ્ર પાસ થઈ ગયા અને તેમને ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં પ્રવેશ મળ્યો. બીજી વખત પ્રયાસ કર્યો અને આઈએએસ અધિકારી બન્યા અને તેમને પહેલાં નાંદેડ, ત્યાર બાદ સોલાપુર પોસ્ટિંગ આપવામાં આવ્યું. આખરે રાજેન્દ્ર પોતાની જન્મભૂમિ પહોંચ્યા અને તેમને નંદુરબારમાં પોસ્ટિંગ મળ્યું. ત્યાં તેમણે કેવું અને કેટલું કામ કર્યું એનાથી તો આપણે બધા માહિતગાર છીએ જ. ખરેખર ડૉ. રાજેન્દ્ર ભારુડ જેવા લોકો અત્યારના તાણભર્યા અને નકારાત્મક વાતાવરણમાં એક આશાનું કિરણ બનીને લોકોના જીવનમાં આવે છે. સલામ છે તેમની ઈચ્છાશક્તિ અને ફરજપરસ્તીને!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0M6w03
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com