24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આંખનું ઝેર-૨૫
ક્રાઈમ સીન - અનિલ રાવલ

‘હું આવતીકાલે સફેદ સાડી પહેરીને અનુને ફૂલોની અંજલિ આપીશ. અનુ નામનો કાંટો માર્ગમાંથી નીકળી ગયો.’ ગ્રેટા બબડીગ્રેટાને હજી વિશ્ર્વાસ નથી બેસતો કે હર્ષે એની સામે અચાનક એ સાબિત કરી આપ્યું કે સુશીલનું મર્ડર એની જ સૌતેલી બહેન અનુએ કર્યું હતું અને જેની સજા પોતે ભોગવી. હર્ષે તેને કહ્યું પણ નહીં કે તે અનુને આ રીતે એની સામે જ ઉઘાડી પાડી દેશે. ખરેખર હર્ષે માર્ગ મોકળો કરી આપ્યો, અનુને માર્ગમાંથી હટાવીને. હવે ટેક્નિકલી બધી મિલકતોનો માલિક હર્ષ અને હું એની રાણી. હવે હર્ષ બધી મિલકતમાં મને ભાગીદાર બનાવશે. હરીફરીને બધું મારી પાસે આવી ગયું. અમે બન્ને મોજથી જીવીશું.

‘અનુ, મેં તને ઓળખવામાં ભૂલ કરી. તું છેલ્લી ઘડીએ પોલીસને લઇને હાજર થઇ ત્યારે જ મને શંકા ગઇ હતી કે આ કામ તારું જ છે. મને માર્ગમાંથી હટાવીને તું બધું હડપ કરી ગઇ. અને મેં બદલો લઇને બધું તારી પાસેથી છીનવી લીધું, તારા હર્ષને પણ.’

એ ઘરે પહોંચી ત્યારે અડધી રાત વીતી ગઇ હતી. અંદર પ્રવેશતાં એણે વિચાર્યું કે અનુએ છેલ્લો શ્ર્વાસ લઇ લીધો હશે. કેવી તરફડતી હતી. અનુ દેવીના રૂપમાં ચુડેલ નીકળી. થોડીવારમાં હર્ષનો ફોન આવશે. ડૉક્ટરે એને નેચરલ ડેથમાં ખપાવી દીધું હશે. હું આવતીકાલે સફેદ સાડી પહેરીને અનુને ફુલોની અંજલિ આપીશ. અનુ નામનો કાંટો માર્ગમાંથી નીકળી ગયો. ગ્રેટા બબડી.

‘હર્ષ, પ્લીઝ મને કંઇક થાય છે. તું ડૉક્ટરને બોલાવ..પ્લીઝ.’ અનુએ હર્ષનો કોલર પકડી લીધો. હર્ષે કોલર છોડાવ્યો. ‘હવે મને જણાવ કે તેં સુશીલભાઇનું મર્ડર કઇ રીતે કર્યું હતું.?’

‘તું પ્લીઝ ડૉક્ટરને બોલાવ હું તને બધું કહું છું.’ અનુ થોથવાતી જીભે બોલવા લાગી. ’એ શીશીમાંથી જ મેં સુશીલભાઇને આંખમાં ટીપાં નાખી આપ્યા હતા. પછી મેં તારી પાસેથી દવાનું નામ જાણીને એ કઇ રીતે કામ કરે છે એ બધું જાણી લીધું હતું. હું અવારનવાર એના ઘરે જવા લાગી હતી. એકવાર મોકો જોઇને મેં પાણીમાં અને ખોરાકમાં ઝેર નાખી દીધું હતું. આમેય હું સુશીલભાઇને મારી નાખવાની હતી..કારણ એ મારો સગ્ગો ભાઇ નહતો. મને એની છાશવારે લગ્ન કરવા અને છૂટાછેડા આપવાની હરકતો ગમતી નહીં. મને ભય હતો કે આ બધામાં હું મિલકત વિનાની રહી જઇશ. મારા ભાગે કંઇ આવશે નહીં. એમાં ગ્રેટા એના જીવનમાં આવી. એણે મારી લાલસાને ઓર ભડકાવી. હું કોઇ એવા પ્લાનમાં હતી. જેમાં ગ્રેટા ફસાઇ જાય અને હું સુશીલભાઇના સામ્રાજ્યની માલિક બની જાઉં.’

‘ગ્રેટાને ઘરે શા માટે લાવીને રાખી.?’

‘કારણ હું દુનિયાને બતાવવા માગતી હતી કે હું ઘણી સારી છું, દયાવાન છું.’

‘અને એની સાથે સાથે તું એનું કાસળ પણ કાઢવા માગતી હતી.’

’હા, અંતે તો હું એને મારા રસ્તામાંથી હટાવવા માગતી હતી.’ અનુએ તૂટતા અવાજે આખી વાત પૂરી કરી. ‘હર્ષ, મને બચાવી લે. આ વાત આપણા બે વચ્ચે જ રહેશે.’

‘હું પણ એજ કહેવા માગું છું કે આ વાત આપણા બે વચ્ચે જ રહેશે.’ હર્ષે બાજુના ટેબલ પર પડેલું ટેપ રેકોર્ડર ઉઠાવીને એને બતાવ્યું. ’અનુ, આમાં તેં બોલેલા બધા શબ્દો છે. સુશીલભાઇનું મર્ડર તેં પોતે કર્યું હોવાનું તેં પોતે કબૂલ્યું છે. હા, હું આખો કેસ પાછો ખોલાવી નહીં શકું. તને સજા કરાવી નહીં શકું.’

‘તું જે કહીશ એ હું કરીશ હર્ષ, પણ પ્લીઝ ડૉક્ટરને બોલાવ.’

‘હવે તારી પાસે બીજો કોઇ રસ્તો પણ ક્યાં છે અનુ.’

હર્ષે ડૉક્ટરને ફોન જોડ્યો. ‘હેલો ડૉક્ટર મનન દેસાઇ.’

ભરઊંઘમાંથી થોડીવારે ડૉક્ટર દેસાઇએ ફોન ઉપાડ્યો.

‘હેલો, કોણ.?’ એનો ઉઘરાટ્યો અવાજ સાંભળીને હર્ષ માફી માગતા બોલ્યો: ‘હર્ષ બોલું છું. આટલી રાતે આપને તકલીફ આપું છું. અનુજાની તબિયત બગડી છે. છાતીમાં ગભરામણ થાય છે. તમે પ્લીઝ આવી જાઓ તો સારું.’

ડૉક્ટર મનન દેસાઇએ થોડી ક્ષણોનો સમય લીધો. પછી કહ્યું. ‘ઓકે આવું છું.’

‘હર્ષ, તેં મને એજ ઝેર આપ્યું છે.?’

‘હા, તો જ તને ખબર પડેને કે મોત શું છે અને જીવ કઇ રીતે જાય છે તડપી તડપીને.’

‘તું મને શા માટે બચાવે છે.’

‘કારણ મને ખબર નથી. કદાચ તને જીવતી રાખીને તારી પાસે આખી જિંદગી પશ્ર્ચાતાપ કરાવવો છે. ભાઇનું મર્ડર કરવાના તેં કરેલા મહાપાપનો ભાર તું આખી જિંદગી વેંઢારતી રહે અને હું જોતો રહું.’

ડૉક્ટર મનન દેસાઇ આવે એ પહેલાં હર્ષે ટેપ રેકોર્ડર છૂપાવી દીધું. અનુને કોઇ પણ જાતની ગરબડ નહીં કરવાની સારી ભાષામાં ચીમકી આપી દીધી. અનુને અત્યારે તો પોતાનો જીવ બચાવવાની જલદી હતી. ડૉ. દેસાઇએ બેલ વગાડી કે તરત જ હર્ષે દરવાજો ખોલ્યો. એમના હાથમાંથી બેગ લેતા હર્ષ બોલ્યો: ‘સોરી સાહેબ આપને આટલી રાત ગયે તકલીફ આપી.’

‘અરે તકલીફની કોઇ વાત નથી, પણ મને ચિંતા એ વાતની થઇ કે મોડી રાતે અનુજાને શું થયું.?’ ‘તમે જ જુઓ સાહેબ. તમે તો ફેમેલી ડૉક્ટર છો.’ બન્ને રૂમમાં દાખલ થયા. અનુ પથારી પર ન હતી, રૂમાં ન હતી. હર્ષના હોંશકોંશ ઊડી ગયા. અનુએ કોઇ ગરબડ કરી એવા ભય સાથે એ આમતેમ જોવા લાગ્યો. ડૉ. દેસાઇ આશ્ર્ચર્યચકિત આંખે એને જોઇ રહ્યા છે. ‘ક્યાં છે અનજા.?’ એણે અંતે પૂછી લીધું. હર્ષ ઉઘડેલી બારી બહાર જોવા લાગ્યો. ત્યાં અચાનક બાથરૂમમાંથી ફ્લશનો અવાજ આવ્યો. હર્ષના જીવમાં જીવ આવ્યો, પણ ચહેરા પર રેખાઓ ઉપસી આવી જે ડૉક્ટરથી છૂપી ન રહી શકી. અનુએ દરવાજો ખોલ્યો. હર્ષે આગળ જઇને એનો હાથ પકડી લીધો અને પથારી પર સૂવડાવી.

‘શું થાય છે.?’ ડો. દેસાઇએ સ્ટેથસ્કોપ કાન લગાડતા પૂછ્યું.

‘છાતીમાં ગભરામણ થાય છે.’ હર્ષે જવાબ આપ્યો.

‘એમને બોલવા દો....’ ડો. દેસાઇએ કહ્યું. હર્ષ છોભીલો પડી ગયો.

‘માથું દુખે છે, ચક્કર આવે છે, છાતીમાં ગભરામણ થાય છે.’ અનુએ કહ્યું.

‘હમણાં બાથરૂમમાં ગયાં ત્યારે ચક્કર આવેલાં.?’

‘ના.’ ટૂંકો જવાબ આવ્યો. ડો. દેસાઇએ હર્ષની સામે જોયું પછી બીપી માપ્યું. બીપી ઘણું હાઇ છે. હાર્ટ બીટ્સ બહુ છે.

‘સમયસર ફોન કર્યો. નહીંતર મુશ્કેલી થઇ જાત.’ અનુએ હર્ષની સામે જોયું, ડૉક્ટરની નજર ચુકાવીને.

’બીપીની કોઇ દવા ચાલે છે.?’ ’ના,’ અનુએ માથું ધૂણાવ્યું.

‘હાલ પૂરતી હું દવા આપી દઉં છું. કાલે થોડા ટેસ્ટ કરાવી લઇએ.’ ડૉ. દેસાઇએ બેગમાંથી દવાની સ્ટ્રીપ કાઢીને આપી.

હર્ષ ડોક્ટરને દરવાજા સુધી મૂકવા ગયો ત્યારે એમણે કહ્યું: ‘એમને બહુ ટેન્શન આપો છો. ધ્યાન રાખો.’

‘જી.’ હર્ષે દરવાજો બંધ કર્યો.

ગ્રેટા ખુશખુશાલ છે. એ એના રૂમમાં એકલી એકલી જ ડાન્સ કરી રહી છે. એને હર્ષના ફોનનો ઇન્તેજાર છે. કબાટમાંથી રમની બોટલ કાઢી. ‘આજે તો સેલિબ્રેશન કરવું જ પડશે.’ એણે એક ગ્લાસમાં રમ રેડ્યો. પાણી નાખ્યું. પછી પોતાને જ ચીઅર્સ કરીને ગ્લાસ મોંએ માંડ્યો. એક જ ઘૂંટમાં ગ્લાસ ગટગટાવી ગઇ. લખલખું આવે ને શરીર ધ્રૂજે એમ આખું શરીર ધ્રૂજ્યું. માથું ઝકઝોળી નાખ્યું. ‘વાહ, દારૂ પીવાની આજે સૌથી વધુ મજા આવી. હર્ષ તું ક્યાં છો યાર. તું આજે અહીં હોત તો તને પણ પીવડાવત.’

‘હર્ષ, તેં મારું કામ કર્યું છે.?’ અનુએ પૂછ્યું.

‘તું જ કાલે જાતે જઇને જોઇ લેજે.’

સવારે અનુ ઊઠી ત્યારે એનું માથું હજુ ભારે હતું. હર્ષે આપેલા ધીમા ઝેરની અસર હતી. હર્ષે ચેસની રમતમાં એક ક્વિનને તાબામાં લઇ લીધી. બીજી નશામાં હતી. ‘હર્ષ, ગ્રેટાનું શું થયું.?’

‘મને ખબર નથી તું જ જઇને જોઇ લે.’

‘હું પહેલાં ફોન કરીને જોઉં.’

‘ના, ફોન નહીં. તું જા.’

અનુ શરીરમાં થોડી નબળાઇ હોવા છતાં ઝટપટ તૈયાર થઇ. બહાર નીકળી. ‘ઓહ.. અત્યારના પહોરમાં ડ્રાઇવર રૂપસિંહ તો નહીં હોય.’ એણે ટેક્સીમાં જવાનું નક્કી કર્યું. જરા આગળ જઇને ટેક્સી પકડી. ડોરબેલ મારીને રાહ જોતી ઊભી રહી. દરવાજો ન ખૂલ્યો.. બીજી, ત્રીજી, ચોથીવાર બેલ મારી જોઇ. અંતે એણે પોતાની પાસેની ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલ્યો. ગ્રેટા સોફા પર જ ચત્તીપાટ પડી હતી. અનુ ઉતાવળે એને જોવા આગળ ગઇ. એનો પગ ટીપોઇને લાગ્યો. એણે ટીપોઇ પર પડેલી બોટલને પડતી બચાવી લીધી. ટીપોઇની કિનારી પર અટકેલો ગ્લાસ સરખો મૂક્યો. એ આગળ વધી. ગ્રેટાના નાક પાસે આંગળીઓ લઇ ગઇ. એક ઊંડો શ્ર્વાસ લઇને બોલી: ’હર્ષે કામ તો બરાબર કર્યું છે, પણ મારે હવે હર્ષનું કામ તમામ કરવું પડશે. મને અડધું ઝેર આપીને બધું ઓકાવી ગયો છે. બધું રેકોર્ડ કરી લીધું છે. એણે જીતેલી બાજી મારી લેવી પડશે એને મારીને.’

અનુ હવે ત્યાંથી નીકળીને જલદી ઘરે જવા માગે છે. ઘરે જઇને ગ્રેટાના નેચરલ ડેથનું પ્લાનિંગ કરવું પડશે. એ પ્લાનમાં હર્ષને જોડવો પડશે. અનુએ દરવાજો ખોલ્યો કે સામે ઇન્સ્પેક્ટરની સાથે ઊભેલા હર્ષને જોઇને ડઘાઇ ગઇ. ’ઇન્સપેક્ટર, મુઝે શક હૈ કી ગ્રેટા કા મર્ડર હુઆ હૈ.’

ઇન્સ્પેક્ટર શીંદે, બે લેડી ઇન્સ્પેક્ટર અને બે હવાલદારની સાથે આવેલી પોલીસની ટીમ અંદર ધસી આવી.

‘આપ કૌન?’ ઇન્સ્પેક્ટર શીંદેનો કડક અવાજ અનુના કાને અફળાયો. ‘યહ મેરી વાઇફ હૈ.’

‘આપ બૈઠ જાઇએ યહાં. હમકો તલાશી લેની હૈ.’ અનુ હેબ્તાઇ ગઇ છે. ‘આ શું થઇ ગયું. હર્ષ, આ બધા તારા કારસ્તાન છે.’ એને સમજતા વાર ન લાગી. અનુની સામે વરસો પહેલાનું એ દ્રષ્ય તરી આવ્યું જ્યારે એ ખુદ આ જ રીતે પોલીસપાર્ટીને લઇને ઘરમાં પ્રવેશેલી. અને ગ્રેટાની ધરપકડ થઇ હતી. બધા પુરાવા એની વિરુદ્ધ ગયા હતા અને જેલમાં ગઇ હતી. થોડીવારમાં ફોરેન્સિક ટીમ પણ આવી પહોંચી. ઘર આખું ફેંદી વળ્યા. રમની બોટલ, ગ્લાસ, પાણીની બોટલ, ફ્રીજમાંથી પાણીની બોટલો પણ લીધી. કબાટમાંથી શીશી પણ લઇ લીધી. જે જે વસ્તુઓ પુરાવા તરીકે બહાર આવી રહી હતી એની પર નજર નાખીને અનુની આંખો હર્ષને કહી રહી હતી કે ‘તું દગો આપી ગયો દોસ્ત. જિંદગીની શતરંજમાં તું માત આપી ગયો.’

‘મેડમ આપ કો પોલીસ સ્ટેશન ચલના હોગા..

‘મૈને કૂછ નહીં કિયા.’ અનુ ગળગળી થઇને બોલી.

‘તો તુમ મર્ડર કે સ્પોટ પર ક્યા કર રહી હો.? તુમ શકમંદ હો. લે લો ઇન કો કસ્ટડી મેં.’ ઇન્સ્પેક્ટરના હુકમની રાહ જોઇ રહેલી લેડી કોન્સ્ટેબલે અનુને બાવડેથી ઝાલી.

‘હર્ષ તુમ કૂછ બોલતે ક્યું નહીં.’ હર્ષે ઝીણી નજરે અનુની સામે જોયું. અનુને એની આંખમાં શેતાન દેખાયો. એણે એક કાંકરે બે પક્ષીઓને વીંધી નાખ્યા હતા. હવે એ કિંગ હતો. બે રાણીઓને માત આપનારો કિંગ. ગ્રેટાની જેમ અનુને આજીવન જેલસજા થશે. પછી આખી ય મિલકતનો બાદશાહ કોણ. એ પોતે.

અનુ પોલીસ કસ્ટડીમાં ગઇ. બે દિવસમાં ફોરેન્સિક રિપોર્ટ આવી ગયા. પોલીસ ઇન્સ્પેક્ટર શીંદેએ અનુને પૂછ્યું ‘તુમ કો વકીલ મંગતા હૈ.?’

‘મુઝે હર્ષ સે મિલના હૈ.’

હર્ષને જોઇને અનુ સહેજ હસી. ‘બધે મારા આંગળાની છાપ જ આવી છે. તું પણ રોજ જતો હતોને. શીશી પણ તું જ લઇ ગયો હતો.’

‘હું રોજ નીકળતા છાપ ભૂંસી નાખતો. તેં આપેલી શીશી પણ મેં સાવચેતીપૂર્વક મારી છાપ ન આવે એ રીતે લીધી હતી. કબાટમાં પણ એ જ રીતે મૂકી હતી. રમની બોટલમાં પણ સંભાળીને ઝેર નાખેલું. તેં મોટી ભૂલ કરી. રમની બોટલને અને ગ્લાસને હાથ લગાડ્યો. એની ઉપર તારી અને ગ્રેટા બન્નેની છાપ છે. તું જેમ સુશીલભાઇને ખતમ કરવાનું વિચારતી એમ હું રોજ તારું મર્ડર કરવાનું પ્લાનિંગ કરતો. એમાં ગ્રેટાને તું ઘરમાં લાવી. મેં એને નિશાન બનાવી. મર્ડર મેં કર્યું અને પુરાવા તારા નામે બોલ્યા. તું જેલમાં રહીને મારા રસ્તામાંથી હટી ગઇ. તું જેલમાંથી છૂટીશ ત્યાં સુધીમાં તો તું હાડપિંજર થઇ ગઇ હોઇશ. એકબીજાના લોહીની તરસી બે બિલાડીઓ ઝઘડતી રહી અને....’ હર્ષ મોટેથી હસ્યો.

(સત્ય ઘટના પર આધારિત) (ક્રમશ:)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4XMh5pF
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com