24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મૌલાના વહીદુદ્દીન ખાન અને ધર્મનું રિનોવેશન
મોર્નિંગ મ્યૂસિંગ - રાજ ગોસ્વામી

ગઈ ૨૧મી તારીખે ભારતે, ખાસ કરીને ભારતના મુસ્લિમોએ, એક ડહાપણભર્યો અને વિવેકશીલ અવાજ ગુમાવ્યો. વિશ્ર્વભરમાં ઇસ્લામિક પંડિત અને શાંતિદૂત તરીકે જાણીતા મૌલાના વહીદુદ્દીન ખાનનું ૯૬ વર્ષની વયે અવસાન થયું. તેમને કોરોનાની બીમારીને લઈને દિલ્હીની એપોલો હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. ૧૦ દિવસની સારવાર બાદ, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ પુરસ્કારથી નવાજિત, ૨૦૦ જેટલાં સુંદર પુસ્તકોના આ રચયિતાએ અલવિદા ફરમાવી દીધી. મૌલાના મહાત્મા ગાંધીએ ચિંધેલા રસ્તા પર ધાર્મિક ઉદારવાદના હિમાયતી હતા.

ઘણા મુસ્લિમો તેમને મુસ્લિમ-વિરોધી અને નાસ્તિક કહેતા હતા, કારણ કે મૌલાના વૈજ્ઞાનિક સમજ ધરાવતા હતા અને તે રીતે ધર્મની વ્યાખ્યા કરતા હતા. તેમણે બાબરી મસ્જિદ વિવાદમાં મુસ્લિમોને તેમનો દાવો જતો કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું, "આ સમસ્યામાં મુસ્લિમો પૂર્ણવિરામ મૂકે તે એક માત્ર સમાધાન છે. એ જો અલ્પવિરામ મૂકશે, તો એનો અંત ક્યારેય નહીં આવે. આપણે અલ્પવિરામ પછી અલ્પવિરામ મૂકીને ૬૦ વર્ષ ગુમાવી દીધાં છે અને હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેના સંબંધને સામાન્ય કરવા માટે હવે આ સમસ્યા પર પડદો પાડી દેવાનો અંતિમ અવસર છે.અલબત્ત, મુસ્લિમ સમુદાયે તેમની સલાહને ફગાવી દીધી હતી.

અસલી ધર્મ ભ્રષ્ટ થઇ ગયો છે, એમાં તેઓ માનતા હતા. તેમની એ વાત સમજાવવા માટે તેમણે ઇટાલિયન શિલ્પકાર માઈકલેંજલોની કહાની કહી હતી. ૧૫૦૯માં, પોપ જુલિયને માઈકલેંજલોને વેટિકનમાં સિસ્ટિન ચર્ચનાં ભીંતચિત્રો દોરવાનું કામ સોંપ્યું હતું. ૧૫૧૨માં એ કામ પૂરું થયું. ૪૫૦ વર્ષ વીતી ગયાં. ભીંતચિત્રોમાં માઈકલેંજલોએ જે રંગો વાપર્યા હતા તે ઝાંખા અને વિકૃત થઇ ગયા. એનું એક કારણ એ હતું કે ભીંત પરથી પ્લાસ્ટર ઉખડી ન જાય તે માટે, માઈકલેંજલોએ ૧૭મી સદીની ટેક્નિક પ્રમાણે, સતહ પર પશુઓનો સરેસ ચોંટાડયો હતો. ચર્ચમાં વીજળી આવી તે પહેલાં સદીઆ થી સળગતી બત્તીઓની મેશ આ સરેસમાં જમા થઇ હતી.

પોપ જોન પોલ દ્વિતીય (૧૯૨૦-૨૦૦૫)ના સમયમાં, વેટિકને ભીંતચિત્રોનું સમારકામ કરવાનું શરુ કર્યું. સાફ-સફાઈ દરમિયાન ખબર પડી કે માઈકલેંજલોએ તો એમાં એટલા ચમકદાર રંગો વાપર્યા હતા કે તેને નુકસાન ન થાય તે માટે કારીગરોએ કામ કરતી વખતે પ્રકાશને નરમ રાખવો પડ્યો હતો.

ત્યાં સુધી એવું મનાતું હતું કે માઈકલેંજલોએ ઝાંખા રંગો વાપર્યા છે. તેના પરથી ફલોરેંટીન વિદ્યા

પ્રચલિત થઇ હતી, જેમાં ત્યાંના કળાકારોને રંગોમાં નહીં, પણ ડિઝાઈનમાં નિષ્ણાત માનવામાં આવતા હતા. માઈકલેંજલોના ભીંતચિત્રો પરથી કળાના ઈતિહાસકારોએ એ ધારણાને બદલવી પડી. ધ ગાર્ડિયન સમાચારપત્રના અઠવાડિકમાં આર્ટ વિવેચક જ્યોર્જ આર્મસ્ટ્રોંગે ફેબ્રુઆરી ૧૯૮૬માં લખ્યું હતું કે, "સિસ્ટિન ચર્ચમાં રંગોની પુનસ્થાપના થઇ પછી માઈકલેંજલોની જેમ દોરો અને ટાઈટનની જેમ રંગો પૂરો એવી કહેવત નકામી થઇ ગઈ. ભીંતચિત્રોની સાફસફાઈમાં એક નવા જ માઈકલેંજલોનો પરિચય થયો.

મૌલાના વહીદુદ્દીન ખાન લખે છે, બસ, આવી જ રીતે, સાચો ધર્મ સદીઓથી વિકૃત થઇ ગયો છે. શરૂઆતમાં, ઈશ્ર્વરે મસીહાઓના ધર્મનો સાક્ષાત્કાર કરાવ્યો હતો. પછી તે સાધારણ માણસોના હાથમાં જઈ ચઢ્યો અને તેમણે તેના સંદેશને ભ્રષ્ટ કરી નાખ્યો. મૂળમાં ધર્મ મરણોત્તર જીવનમાં શ્રદ્ધા પર આધારિત હતો, પણ પાછળથી તે પૈસા અને પાવર એકઠો કરવાનું સાધન બની ગયો. મસીહાઓએ જે અસલી ધર્મનું ચિત્ર દોર્યું હતું તે દિલમાંથી આવ્યું હતું, પરંતુ ભ્રષ્ટ સ્વરૂપમાં ધર્મ રીતિ-રિવાજો અને તહેવારોની યાદી બનીને રહી ગયો. તેના શુદ્ધ સ્વરૂપમાં ધર્મ તેના અનુયાયીઓમાં પ્રેમ, માનવતા અને ઈશ્વરમાં સમપર્ણ પેદા કરે છે, જે માનવજાતને પોષે છે, પરંતુ ધર્મ ભ્રષ્ટ બની ગયો પછી તે એક સમૂહનું બીજા સમૂહ પર વર્ચસ્વનું હથિયાર બની ગયો.

આવું થાય, ત્યારે એનો અર્થ એ થયો કે અસલી ધર્મના ચહેરા પર મેલ અને ધૂળ જમા થઇ છે. તેના અસલી રંગો વિકૃત થઇ ગયા છે અને તેની સાફસફાઈની જરૂરિયાત છે,જયારે એ સાફસફાઈ પૂરી થશે, ત્યારે આપણને દેખાશે કે આપણે જે ધારતા હતા તેના કરતાં ધર્મ જુદો જ છે અને આપણને સમજાશે કે ધર્મશાસ્ત્રીઓનાં ખોટાં અર્થઘટન કર્યા છે અને લોકોએ ખોટી ધારણાઓ બાંધી છે.

સામાન્ય રીતે ધર્મ અને વિજ્ઞાનને એકબીજાના હરીફ માનવામાં આવે છે, પરંતુ એ માન્યતા પાછળ, મૌલાનાએ ઉપર કહ્યું તેમ, ધર્મમાં આવેલી વિકૃતિ કારણભૂત છે. સાધારણ લોકોએ વિજ્ઞાનને ઈશ્ર્વરના ઇનકારના રૂપમાં જોવાનું શરુ કર્યું અને પછી આખો મુદ્દો નાસ્તિક-આસ્તિકની લડાઈમાં ફેરવાઈ ગયો. મૌલાના એવા જૂજ વિચારકોમાંથી એક હતા, જેમણે ધર્મ અને વિજ્ઞાનના સંબંધને તેના ઉચિત પરિપેક્ષ્યમાં મૂકવા પ્રયાસ કર્યો હતો.

તેમણે ‘ધર્મ અને વિજ્ઞાન’ નામનું એક સુંદર પુસ્તક લખ્યું હતું. તેમાં મૌલાના લખે છે, ધર્મના શિક્ષણનો સંબંધ કોરી કલ્પનાઓ સાથે નથી, પણ ભ્રહ્માંડનાં સનાતન સત્ય સાથે છે. આપણે સૂર્યનાં કિરણોને જેમ રોકી શકતા નથી કે તેને ઝાંખાં પાડી શકતા નથી અને આપણે તેની ચમક સાથે અનુકૂળ થઇને જીવીએ છીએ, તેવી રીતે આપણી મુક્તિનો એકમાત્ર રસ્તો ભ્રહ્માંડનાં આ સત્યોના સ્વીકારમાં અને તેનામાં સમર્પણ કરવામાં છે. આ સત્યોનો ન તો આપણે ઇનકાર કરવો જોઈએ કે ન તો ઉપેક્ષા કરવી જોઈએ.

ઇસ્લામનો સૌથી મોટો પડકાર આધુનિકતા સાથે કેવી રીતે કદમ મિલાવવા તેનો રહ્યો છે. મૌલાનાએ પોતાની આગવી અદાથી ઇસ્લામને આધુનિક વિશ્ર્વમાં જોવા પ્રયાસ કર્યો હતો. તેઓ માનતા હતા કે ભારતમાં મુસ્લિમ સમુદાયને ઉચિત નેતૃત્વ મળ્યું નથી તે તેની સૌથી મોટી કમનસીબી છે. મૌલાના તેને ધર્મનું રીનોવેશન કહેતા હતા.

તેમના પરંપરાથી અલગ વિચારો મોટાભાગના મુસ્લિમો વિદ્વાનોને માફક આવતા ન હતા. તેમના વિરોધ અંગે તે કહેતા હતા કે દુનિયામાં ગેરસમજવાળા લોકોની સંખ્યા વધારે છે અને કુરાન પણ તેનું સમર્થન કરે છે, આપણું કામ સલાહ આપવાનું છે, સમજાવાનું નહીં. સમજવું-ના સમજવું તેમની ઉપર છે. અલ્લાહ બધું જુવે છે. તેમના મતે શાંતિથી ઉપર કશું ન હતું. તે આજીવન માનતા રહ્યા હતા કે કોઈપણ ભોગે વિના શરતે શાંતિ સ્થાપિત કરવી જોઈએ. શાંતિ હશે તો જ બાકીનાં લક્ષ્યો સિદ્ધ કરી શકાશે. વિના શરતે એટલે ત્યાં સુધી કે ‘સન્માન સાથે શાંતિ’ કે ન્યાય સાથે શાંતિ’ જેવી સશર્ત ધારણાઓ પણ મૌલાનાને મંજૂર ન હતી. તે કહેતા કે શાંતિ અવિભાજ્ય છે અને શાંતિને શાંતિના ભલા માટે જ શોધવી જોઈએ. એટલા માટે ભારત અને દુનિયા, મૌલાના વહીદુદ્દીન ખાનને શાંતિદૂત તરીકે યાદ કરે છે.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0m47IP60
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com