24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જો તમે ગુજરાતી છો, તો આજનો દિવસ આ ‘ફરગોટન હીરો’ને યાદ કરી લો!

ભાતભાતકે લોગ - જ્વલંત નાયકએક માણસ ગુજરાતની ધરતીમાં પાક્યો. એ વિજ્ઞાન ભણ્યો અને ડિગ્રી બેચલર ઓફ આર્ટસની લીધી, જો કે ત્યાર પછી એ વકીલાતનું પણ ભણ્યો. એ જમાનામાં બેરિસ્ટર બનીને નોટ છાપવાને બદલે એ લેખનના રવાડે ચડયો... એટલું જ નહિ, આ માણસે આગળ જતા નાટકો પણ લખ્યા અને ફિલ્મ પણ ઉતારી! જમાનો પચાવી જનારા અનુભવી માણસો માને છે કે આવા અસ્થાયી મગજના યુવાનો મોટે ભાગે કાળની ગર્તામાં ધકેલાઈને ભુલાઈ જાય છે! એમની વાત સાચી છે. આ યુવાન પણ આજે લગભગ ભુલાઈ ગયો છે! પણ એમાં એના અસ્થાયીપણા કરતા આપણો અધૂરો ઇતિહાસબોધ વધારે જવાબદાર છે! કદાચ આ વાત શરૂઆતમાં કડવી લાગી શકે છે.

તમે રેલમાર્ગે અમદાવાદ જાવ ત્યારે માર્ગમાં ‘નૈનપુર’ નામનું એક નાનકડું સ્ટેશન આવે છે. આજે મોટા ભાગના લોકોને ખબર નહિ હોય કે ખેડા જીલ્લાના આ નૈનપુરમાં આધુનિક યુગના એક એવા ઋષિનો આશ્રમ હતો, જેણે ગુજરાત રાજ્યની સ્થાપનામાં મહત્ત્વનો ભાગ ભજવેલો. આજે ૧ મેનો દિવસ ‘ગુજરાત સ્થાપના દિવસ’ તરીકે ઉજવાય છે. પણ આધુનિક ગુજરાતના ઇતિહાસપુરુષ એવા ઇન્દુલાલ યાજ્ઞિકને આપણે ભુલાવી દીધા છે.

રાજકારણીઓ જેના માટે જાણીતા છે એવી ચમક-દમક કે ગ્લેમરથી હંમેશાં છેટું રાખનાર ઇન્દુચાચાએ ધાર્યું હોત તો ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બની શક્યા હોત. પણ આ જીવ તો ભેખધારી હતો, ગાંધીવિચારને પચાવનાર સાચો સાત્ત્વિક હતો. અને તેમ છતાં ઇન્દુચાચાના જીવનમાં રોમાંચનું તત્વ કોઈ રોલર કોસ્ટરની મુસાફરીથી કમ નહોતું. ઇ.સ. ૧૮૯૨ની ૨૨ ફેબ્રુઆરીએ નડિયાદ ખાતે એમનો જન્મ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ત્યાં જ મેળવ્યા બાદ ઇ.સ. ૧૯૧૦માં એમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી પદાર્થ વિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર સાથે બીએ.ની ડિગ્રી મેળવી. આ રીતે વિજ્ઞાનના વિષયો સાથે આર્ટસની ડિગ્રી મેળવવાની વાત આજે અજીબોગરીબ લાગે, પણ એ સમયના શિક્ષણની આ ખાસિયત હતી. એ સમયે વિજ્ઞાનના વિષયો સાથે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીને પણ ‘બેચલર ઓફ આર્ટસ - બીએ’ની ડિગ્રી જ મળતી. ઇન્દુલાલે બીએ થયા પછીના બે વર્ષ બાદ આગળ અભ્યાસ કરીને એલએલબીની ડિગ્રી પણ મેળવી અને વકીલાત ચાલુ કરી. સાથે જ ‘હિન્દુસ્તાન’ નામના દૈનિકમાં અગ્રલેખો લખવા માંડ્યા. પછી તો જાહેર જીવનની લગની લાગી અને વકીલાત પડતી મૂકીને જીવન દેશસેવાને સમર્પિત કર્યું. ગાંધીજીએ શરૂ કરેલા ‘નવજીવન’ પ્રકાશન વિષે આપણે જાણીએ છીએ. આજે તો નવજીવન પ્રકાશન જમાનાને અનુરૂપ બદલાઈને ગાંધી વિચાર અને સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરતા ઘેઘૂર છતાં તરોતાજા વડલાસમું છે. નવજીવન પ્રકાશનના પાયામાં ગાંધીજીનું ‘નવજીવન’ માસિક રહેલું છે. પણ આજની પેઢીમાં બહુ ઓછાને ખબર છે કે ઇન્દુચાચાએ ભૂતકાળમાં ‘નવજીવન અને સત્ય’ માસિકમાં તંત્રી તરીકે સેવા આપેલી, એ જ માસિક પાછળથી ગાંધીજીની માવજત પામીને ‘નવજીવન’ તરીકે પ્રખ્યાત થયું હતું. આ બધા સાથે જ ફિલ્મ નિર્માણમાંય એમને રસ પડેલો અને ‘પાવાગઢનું પતન’ નામે એક ફિલ્મ બનાવેલી. તેઓ બીજી પણ એક ફિલ્મ બનાવવા માંગતા હતા, જે પ્રોજેક્ટ અધૂરો જ રહ્યો. ઇ.સ. ૧૯૩૦થી ૩૫ સુધીના પાંચેક વર્ષ તેઓ વિદેશ રહી આવ્યા. બહારના મુક્ત દેશોની દુનિયા જોઈને ૧૯૩૬માં ભારત આવ્યા અને સ્વાતંત્ર્ય આંદોલનોમાં જોડાઈ ગયા. ઇ.સ. ૧૯૪૪માં ઇન્દુચાચાએ નૈનપુરમાં આશ્રમ શરૂ કરીને રચનાત્મક પ્રવૃત્તિઓનો આરંભ કર્યો.

ભારત આઝાદ થયું એ પછીના સમયગાળામાં જ્યાં એક તરફ ફૂટકળિયા અને લેભાગુ તત્ત્વો ‘સ્વાતંત્ર્ય સેનાની’ હોવાના દાવા કરીને સ્વતંત્ર ભારતના રાજકારણમાં પોતાનો પગદંડો જમાવવાની ફિરાકમાં હતા, ત્યારે બીજી તરફ ઇન્દુચાચા જેવા અનેક સાચા કર્મશીલોએ રાજકારણમાં રસ લેવાનું બંધ કરીને જાહેર જીવનમાં લોકોની સુખાકારી માટે છાને ખૂણે ચૂપચાપ કામ કરવાનું પસંદ કર્યું.

ભાષાને આધારે રાજ્યોની પુન:રચનાની માગ

સ્વતંત્ર થયા બાદમાં ભારતમાં રાજ્યોની ભાષા આધારિત પુન:રચનાની માંગ પ્રબળ બની હતી અને આઝાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બાબુ રાજેન્દ્રપ્રસાદે આ પ્રકારની માગણીઓને સમીક્ષા માટે સમિતિ રચી. અલ્હાબાદ હાઈ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એસ.કે. દારના અધ્યક્ષ પદે યોજાયેલી આ સમિતિ ‘દાર કમિશન’ના નામે પ્રચલિત થઇ. આ કમિશને પોતાના રિપોર્ટમાં સરકારને જણાવ્યું કે રાજ્યોની ભાષા આધારિત પુન:રચના દેશહિતમાં નથી. પરંતુ મોટા ભાગની પ્રજાને પોતાની માતૃભાષાને આધારે રચાયેલું રાજ્ય જોઈતું હતું.

બીજી તરફ, ઇ.સ. ૧૯૪૯માં મુંબઈ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી બી.જી. ખેર અને ગૃહમંત્રી મોરારજી દેસાઈએ આદિવાસી વિસ્તાર એવા ડાંગ જીલ્લાની મુલાકાત લીધી. આ મુલાકાત બાદ ખેર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે ડાંગની મોટા ભાગની પ્રજા મરાઠી બોલે છે. જો આ સાચું હોય તો રાજ્યોની પુન:રચના વખતે આખું ડાંગ મહારાષ્ટ્રમાં જાય. પણ ગુજરાતીઓને ખેરની આ વાત પર ભરોસો નહોતો. ઇન્દુલાલ યાજ્ઞિક અને અન્ય લોકોએ આ ચકાસવા માટે ડાંગની મુલાકાત લીધી. ગુજરાતી સભાએ ચકાસણી માટે સમિતિ રચી અને સરકારની આલોચના કરી.

જછઈ કમિશન અને હિંસક ઘટનાઓ

દરમિયાન ઇ.સ. ૧૯૫૩માં વિવિધ ભાષી પ્રજાઓના દબાણ હેઠળ કેન્દ્ર સરકારે ભાષાવાર રાજ્યોની રચના માટે સ્ટેટ રિઓર્ગેનાઇઝેશન કમિશન (જછઈ)ની રચના કરી. જછઈએ મુંબઈને દ્વિભાષી રાજ્ય જ રાખવાનું સૂચન કર્યું. પણ ગુજરાતી અને મરાઠી, એમ બંને પ્રજાએ જછઈના આ સૂચનનો વિરોધ કર્યો. બંને પ્રજા એવું ઇચ્છતી હતી કે પચરંગી વસ્તી ધરાવતું આર્થિક પાટનગર મુંબઈ પોતાની સાથે જોડાય. તત્કાલીન પ્રધાનમંત્રી નહેરુએ તો વળી બે ને બદલે ત્રણ રાજ્યોની રચના કરવાનું સૂચન કર્યું : મરાઠીઓનું મહારાષ્ટ્ર, ગુજરાતીઓનું ગુજરાત અને કેન્દ્રીય રીતે સંચાલિત શહેર - મુંબઈ રાજ્ય! આ બાદ મુંબઈ અને અન્ય મરાઠી બોલતા જિલ્લાઓમાં અલગ મરાઠી રાજ્ય માટેની માગણી સાથેનો વિરોધ ફાટી નીકળ્યો જે પછીથી ‘સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન’ તરીકે ઓળખાયો. આ આંદોલન દરમિયાન તોફાનો-હિંસાના પણ અનેક બનાવો બન્યા. એ સામે મુંબઈ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી મોરારજી દેસાઈએ અતિશય કડક હાથે કામ લીધું અને માત્ર ત્રણ જ દિવસમાં હિંસા દબાવી દીધી. જો કે એનો અર્થ એવો નહોતો કે મોરારજી દેસાઈ મરાઠી વિરોધી કે ગુજરાત તરફી હતા. મોરારજી તો મુંબઈ રાજ્યના ભાગલા પાડવાની જ વિરુદ્ધમાં હતા. ૮ ઓગસ્ટ ૧૯૫૬ ના દિવસે જ્યારે અમદાવાદમાં કોલેજના કેટલાંક વિદ્યાર્થીઓ લાલ દરવાજા ખાતે આવેલ કૉંગ્રેસના સ્થાનિક કાર્યાલયમાં અલગ રાજ્યની માગણી લઇને ગયા ત્યારે મોરારજી દેસાઈએ તેમને સાંભળ્યા નહીં અને પોલીસની કાર્યવાહીને કારણે પાંચથી આઠ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા!

‘મહાગુજરાત ચળવળ’ના શ્રીગણેશ

વિદ્યાર્થીઓના મૃત્યુની ઘટનાથી દુખી થયેલા ઇન્દુલાલ યાજ્ઞિક પોતાની રાજકીય નિવૃત્તિ ફગાવીને બહાર આવ્યા અને અલગ ગુજરાતની માગણી સાથે ‘મહાગુજરાત ચળવળ’ ઉપાડી. ઇન્દુલાલ યાજ્ઞિકની ધરપકડ કરીને લગભગ સાડા ત્રણ મહિના જેટલો સમય અમદાવાદ ખાતે નજરકેદ રાખવામાં આવ્યા. પણ એથી તો આંદોલન આખા ગુજરાતમાં ફેલાઈ ગયું. મહાગુજરાત આંદોલનના વિરોધમાં મોરારજી દેસાઈ ઉપવાસ પર બેઠા, પરંતુ આ વખતે પ્રજા એમની પડખે ન ચડી. એવું કહેવાય છે કે મહાગુજરાત ચળવળ જોશભેર ચાલતી હતી એ દિવસો દરમિયાન અમદાવાદમાં એક જ દિવસે પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ અને ઇન્દુચાચાની સમાંતર સભાઓ હતી. અને ઇન્દુચાચાની સભામાં સ્વયંભુ આવનાર લોકોની સંખ્યા બહુ મોટી હતી! આખરે બાબુ રાજેન્દ્રપ્રસાદ (રાષ્ટ્રપતિ), ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન (ઉપરાષ્ટ્રપતિ) અને જવાહરલાલ નહેરુ (વડા પ્રધાન) ભાષાને આધારે બે રાજ્યોની રચના માટે સંમત થયા.

આ તમામ ઘટનાક્રમ બાદ ૧ મે, ઇ.સ. ૧૯૬૦ના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી. મુંબઈ મહારાષ્ટ્રમાં અને ડાંગ ગુજરાતમાં રહ્યું. (ડાંગ ગુજરાતમાં રહ્યું એ માટે બીજા એક ગાંધીવાદી ચળવળકાર ઘેલુભાઈ નાયકને ક્રેડિટ આપવી પડે, જેની વાત ફરી ક્યારેક) મહાગુજરાત આંદોલન બાદ લોકપ્રિયતાની ટોચ પર પહોંચેલા ઇન્દુચાચાએ ઈચ્છયું હોત તો ગુજરાતની સ્થાપના બાદ પોતાની લોકપ્રિયતાને એન્કેશ કરવા ‘મહાગુજરાત પાર્ટી’ નામે પક્ષ બનાવીને આરામથી મુખ્યમંત્રી બની શક્યા હોત. પણ એ અલગારી જીવે તો મહાગુજરાત આંદોલન સમિતિ વિખેરી નાખી. (પ્લીઝ ટેઈક અ સિરિયસ નોટ... આવું ચરિત્ર હોય તો જ ‘આંદોલનકારી’ કહેવાવ, બાકી અરાજકતાવાદી બનીને જ રહી જાવ!)

ઇન્દુચાચાએ લખેલા લેખો, આત્મકથા વગેરે વિષે એક આખો જુદો લેખ કરવો પડે. ઇ.સ. ૧૯૫૫થી માંડીને ઇ.સ. ૧૯૭૩ દરમિયાન છ ભાગમાં લખાયેલી એમની આત્મકથા વિષે બહુ થોડા સાહિત્યકારોએ વાત કરી હશે, પણ એ તમામ પુસ્તકો વાંચવા જેવા છે. એમની આત્મકથા માત્ર સાહિત્યિક જ નહિ, પણ દસ્તાવેજી દ્રષ્ટિએ પણ ઊંચું મૂલ્ય ધરાવે છે. એમની રાજકીય કારકિર્દી, ગાંધીવાદી હોવા છતાં ગેર-કૉંગ્રેસવાદની એમની હાકલ વગેરે વિષે વળી એક ઓર લેખ થઇ શકે. પણ એ બધી વાતો ય ફરી ક્યારેક...

આજે ગુજરાત દિવસે આપણે સોશિયલ મીડિયા પર ‘હેપ્પી ગુજરાત ડે’ ની વિશિસ અંગ્રેજીમાં આપી દીધા બાદ જો કશુંક ખૂટતું હોવાનો અહેસાસ થાય, તો આ ઇન્દુલાલ યાજ્ઞિક ઉર્ફે ઇન્દુચાચા નામના જણને યાદ કરી લેવો. ભારોભાર લાયકાત ધરાવનાર આ આદમીને આપણે સાવ વિસારે પાડી દીધો છે. ૧ મે, ૧૯૬૦ના દિવસે ગુજરાત રાજ્યની વિધિવત સ્થાપના થઇ ત્યારે સુરતના મૂર્ધન્ય સાહિત્યકાર અને પત્રકાર સ્વર્ગસ્થ શ્રી ભગવતીકુમાર શર્મા ઉત્સવની એ ક્ષણોનું રિપોર્ટિંગ કરવા ગયેલા. તેઓએ લખેલું કે ‘સઘળા તામઝામ વચ્ચે મારી આંખો પાયાના પથ્થર જેવા ઇન્દુલાલ યાજ્ઞિકને શોધતી હતી. પરંતુ આધુનિક ગુજરાત રાજ્યના એ શિલ્પી બધી ઝાકમઝાળ વચ્ચે ક્યાંય દેખાયા નહિ!! (શર્મા સાહેબનું આ ક્વોટ શબ્દસ: નથી, યાદદાસ્તને આધારે લખ્યું છે. પરંતુ ભાવ આ જ છે.)

૭ જુલાઈ, ૧૯૭૨ના દિવસે ઇન્દુચાચા નામના સંતે અંતિમ વિદાય લીધી. આપણે સહુને મન આજના દિવસનું જે કંઈ મહત્ત્વ છે, એની મહત્તમ ક્રેડિટ લોકનેતા ઇન્દુલાલ યાજ્ઞિક ઉર્ફે ઇન્દુચાચાને આપવી પડે!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

c378788
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com