24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નેગેટિવ સમાચારો જ તમને જીવતા રાખશે!

સુનામી - એષા દાદાવાળાસોશિયલ મીડિયા પર અત્યારે સલાહોની સુનામી ચાલી રહી છે. આ લોકો એવું કહી રહ્યા છે કે નેગેટિવ સમાચારોથી દૂર રહો. શાહમૃગ બની જાવ, જમીનમાં માથું નાખી દો અને સબ સલામત હૈના વહેમને પાળી-પોષીને મોટો કરો. કેટલા મરી ગયા, કેટલાને હોસ્પિટલમાં બેડ ન મળ્યા, કેટલા રેમડેસિવીરની લાઇનમાં ઊભા-ઊભા હાંફી ગયા - આ બધું મિથ્યા છે. કોઇ દીકરીના ગુજરી ગયેલા પપ્પા, કોઇ પત્નીનો હાંફી રહેલો પતિ, ઓક્સિજન વિના તરફડી રહેલી માતાનો શ્ર્વાસ - આ બધું જ એમના માટે નેગેટિવ છે. એમને પોઝિટિવિટીનો કેફ જોઇએ છે. એમને પોઝિટિવિટીનો નશો કરવો છે અને એ જ નશામાં દસ-પંદર-પચ્ચીસ ફૂટ ઊંચે ઊડી એવો ખયાલી પુલાવ પકાવવો છે કે કોરોના ધીમે ધીમે ઓછો થઇ રહ્યો છે

મેડિટેશનની સીડીમાં બોલતા બાબાની જેમ આ લોકો હજ્જારો કાનોમાં બોલતા રહે છે રિલેક્સ... રિલેક્સ... અબ તુમ્હેં કોઇ પરેશાની નહીં હૈ! અત્યારે આ લોકોનો એક જ મંત્ર છે - ડરવાનું નહીં. હજી ગઇ કાલે રાત્રે જ લિફ્ટમાં સાથે ઊભા હતા એ તમારી બાજુમાં રહેતા ચંપકકાકા સવારે ગુજરી જાય તો પણ ડરવાનું નહીં. તમારી નજીકની બહેનપણીના પપ્પાને હોસ્પિટલમાં જગ્યા ન મળે તો પણ ડરવાનું નહીં. તમારી કામવાળીની સાસુ ઓક્સિજનના અભાવે તરફડીને ગુજરી જાય તો પણ ડરવાનું નહીં ક્યોંકિ ડર કે આગે જીત હૈ!

ડર અને પોઝિટિવિટીની ગોળીઓ પિવડાવતા આવા લોકોથી અત્યારે ચેતજો, કારણ કે પોઝિટિવિટી દર વખતે કામમાં આવતી નથી. જીવન પોઝિટિવિટીથી જ જિવાય છે કબૂલ, પણ નેગેટિવિટી જીવનનું મૂલ્ય સમજાવે છે. કેટલા લોકો સાજા થયા, કેટલા લોકો રજા લઇને ઘરે ગયાના આંકડાઓ આપણને આપણી શિસ્તમાંથી વિચલિત કરી શકે, પણ કેટલા લોકો દાખલ થયા, કેટલા લોકો ગુજરી ગયાના આંકડાઓ તમને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા મજબૂર કરશે એ નક્કી..! આંખો બંધ કરી લેવાથી વાસ્તવિકતા બદલાતી નથી. કેસો ઘટી જતા નથી. ચિતા પર સૂતેલા માણસો ઊભા થઇને પાછા આપણી પાસે આવી જતા નથી. સાવચેતી રાખવી અને ડરવું એ બંનેમાં ફરક છે. ડર તમને જાગૃત રાખે છે.

ઓવર પોઝિટિવિટી પણ ડિપ્રેશનનું એક લક્ષણ છે. વાસ્તવિકતાથી તમે ભાગી રહ્યા છો-ની નિશાની છે. આંખો બંધ કરી લેવાથી પરિસ્થિતિ બદલાઇ જતી નથી. સબ સલામત હૈ - એવું માની લેવાથી ચોરી કરવા આવનાર ચોરને તમે રોકી શકવાના નથી. એના માટે સીસીટીવી ગોઠવવાં પડે છે. હાથમાં દંડો લેવો પડે છે. વોચમેનને બેસાડવો પડે છે. સાવચેતી રાખવી અને ડરવું - આ બંને વચ્ચે ફરક છે. ડર તમને જાગૃત રાખે છે. તમને સાવચેત રાખે છે.

આખી દુનિયા ડર પર જ ટકેલી છે. આપણે ભગવાનથી ડરીએ છીએ એટલે એની ભક્તિ કરીએ છીએ. સંબંધો તૂટી જવાનો ડર છે એટલે સંબંધો સચવાયેલા છે. સજાનો ડર છે એટલે ગુનાઓ કરતા નથી. મૂળે આપણે ડર વચ્ચે જીવનારા માણસો છીએ. આપણને મરી જવાનો ડર છે એટલા માટે જ આપણે ડાયાબિટીસ ડિટેક્ટ થયા પછી મીઠાઇઓ ખાવાનું છોડી દઇએ છીએ. બ્લડપ્રેશર આવ્યા પછી મીઠું ઓછું કરી નાખીએ છીએ. ડર તમને સાવધ રાખે છે અને અત્યારે સાવધ રહેવાની સખત જરૂર છે. અતિ-ડર તમને તોડી નાખે છે. પણ સાવચેતી તમને શક્તિ આપે છે. પરિસ્થિતિ જોઇને તમારે નક્કી કરવાનું છે કે ડરવું જોઇએ કે નહીં. બાકી, જેમના દિમાગમાં પૂરતો ઓક્સિજન પહોંચતો નથી એવા લોકો આપણને ઓક્સિજન ઉપર-નીચે થાય તો શું કરવાનું એના નુસખાઓ સમજાવે ત્યારે એ લોકો પણ કોરોના વાઇરસ જેટલા જ ખતરનાક છે એવું માની લેવાનું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

gO3my3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com