24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગુજરાત અને મહારાષ્ટ્ર: બે રાજ્ય, એક દિલ

કવર સ્ટોરી -રાજીવ પંડિતઆજે ૧ મે છે. દેશનાં સૌથી સમૃદ્ધ અને સૌથી વિકસિત એવાં બે રાજ્યનો આજે સ્થાપના દિન છે. ૧ મે, ૧૯૬૦ના રોજ તત્કાલીન મુંબઈ સ્ટેટનું વિભાજન કરીને ભાષાના આધારે બે નવાં રાજ્ય અસ્તિત્વમાં આવ્યાં હતાં. આ પૈકી એક રાજ્ય હતું મહારાષ્ટ્ર અને બીજું હતું ગુજરાત. જસ્ટિસ ફઝલ અલીના વડપણ હેઠળ રચાયેલા રાજ્યોની પુનર્રચના માટેના સ્ટેટ રિઓર્ગેનાઈઝેશન કમિશને ૧૯૫૫માં રાજ્યોની પુન: રચના માટેનો અહેવાલ રજૂ કર્યો તેમાં ભાષાના આધારે રાજ્યો રચવાનો સિદ્ધાંત સ્વીકાર્યો હતો. તેના કારણે દક્ષિણ ભારત સહિત સમગ્ર દેશમાં અલગ અલગ ભાષાના લોકો માટે અલગ અલગ રાજ્યો બન્યાં, પણ મુંબઈ રાજ્યને ગુજરાતી ભાષી તથા મરાઠી ભાષી એમ બે બે ભાષા બોલતા લોકો રહેતા હોય એવું દ્વિભાષી રાજ્ય રાખવાનું સૂચન કરાયું હતું. આ સૂચનના કારણે બંને પ્રજા ભડકી અને સંયુક્ત મહારાષ્ટ્ર તથા મહાગુજરાત આંદોલન શરૂ થયાં. આ આંદોલનનું પરિણામ ગુજરાત અને મહારાષ્ટ્ર એ બે રાજ્યોની રચનામાં આવ્યું.

ગુજરાત અને મહારાષ્ટ્ર ભૌગોલિક રીતે ભલે અલગ થયાં, પણ દિલથી અલગ ન થઈ શક્યાં. દેશના બીજા વિસ્તારોમાં ભાષાકીય આધારે રાજ્યોની માગણી સમયે બીજી ભાષા બોલનારા લોકોને નિશાન બનાવીને હિંસા આચરાઈ હતી. ગુજરાત કે મહારાષ્ટ્રમાં આંદોલન સમયે એવું કશું ન થયું. બીજે નવાં રાજ્યોની રચના પછી પ્રજાએ પણ મોટા પ્રમાણમાં સ્થળાંતર કર્યું પણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એવું ન થયું. ગુજરાતના વિસ્તારોમાં રહેતા મરાઠી ભાષી ગુજરાતમાં જ રહ્યા ને ગુજરાતીઓ મહારાષ્ટ્રમાં જ રહ્યા. આ એક વિરલ ઘટના હતી ને તેનું કારણ એ કે ગુજરાતી અને મરાઠી ભાષીઓ દિલથી એક હતા ને આજે પણ છે.

ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતી કડી મુંબઈ છે. મુંબઈમાં ગુજરાતીઓ તથા મરાઠી ભાષીઓ જે રીતે એકબીજા સાથે હળીમળીને રહે છે એવો સદ્ભાવ દેશમાં બીજા કોઈ શહેરમાં બે અલગ અલગ ભાષાના લોકો વચ્ચે જોવા નહીં મળે. મુંબઈમાં ભાગ્યે જ એવો ગુજરાતી મળશે કે જેને મરાઠી ન આવડતી હોય ને બહુ ઓછા મરાઠી એવા હશે કે જેમને ગુજરાતી ન આવડતી હોય. બંને પ્રજાનો સદ્ભાવ માત્ર ભાષા પૂરતો મર્યાદિત નથી. બીજાં ઘણાં ક્ષેત્રો એવાં છે કે જેમાં બંને પ્રજાએ એકબીજાની સારી વાતોને સહજતાથી સ્વીકારી લીધી હોય ને આજે બંને પ્રજાને તેના વિના ચાલતું નથી.

મરાઠી ભાષી લોકોમાં પ્રિય મુંબઈનાં વડાપાંઉને ગુજરાતીઓએ સહજતાથી અપનાવ્યાં છે ને આજે એ બંને પ્રજાનાં છે. ગુજરાતી થેપલાં, ઢોકળાંને મરાઠી ભાષીઓએ એટલી સહજતાથી અપનાવ્યાં છે ને અત્યારે બંને પ્રજા હોંશથી આરોગે છે. આ તો ખાવાની ચીજોની વાતો કરી પણ મુંબઈમાં બંને પ્રજા વચ્ચે બધું એટલું કોમન છે કે બંને વચ્ચે ભેદ જ ન કરી શકાય. મહારાષ્ટ્રમાં મુંબઈ પછી પુણે એવું બીજું શહેર છે કે જ્યાં ગુજરાતી મોટા પ્રમાણમાં રહેતા હોય. આ બંને શહેરો ગુજરાતી અને મરાઠી ભાષીઓની ભેદરેખાને નાબૂદ કરતાં શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ બંને શહેરોનું જનજીવન અને અર્થતંત્ર બંને પ્રજાની સંયુક્ત મહેનતથી ચાલે છે.

મહારાષ્ટ્રમાં મુંબઈ અને પુણે છે તો ગુજરાતમાં સુરત અને વડોદરા છે. સુરત મહારાષ્ટ્રની નજીક છે તેથી બંને રાજ્યો અલગ નહોતાં થયાં ત્યારે લાખોની સંખ્યામાં લોકો અહીં આવ્યા ને પછી સુરતમાં જ વસી ગયા. સુરતમાં આજે કુલ વસતીમાં ૨૫ ટકાની આસપાસ વસતી મરાઠી ભાષીઓની છે. લિંબાયત, ઉધના, ડિંડોલી વગેરે વિસ્તારો મરાઠીઓની બહુમતી ધરાવતા વિસ્તારો છે. આ વિસ્તારમાં મરાઠી અને ગુજરાતી પ્રજા એ હદે એકબીજા સાથે ભળેલી છે કે કોઈ ભેદ જ ન પાડી શકાય. વડોદરા એક સમયે ગાયકવાડ વંશની રાજધાની હતું. તેના કારણે મોટી સંખ્યામાં મરાઠી ભાષી વડોદરામાં આવીને વસ્યા. તેમની પેઢીઓ પણ વડોદરામાં જ સ્થાયી થઈ ને આજે વડોદરા પણ નોંધપાત્ર મરાઠી ભાષીઓની વસતી

ધરાવે છે.

મજાની વાત એ છે કે ગુજરાતીઓને કલા, સંસ્કૃતિ વગેરે ક્ષેત્રે નવી પહેલ એક મરાઠી ભાષી શાસકે કરાવી હતી, ગુજરાતી ભાષાને મજબૂત કરવાનું કામ પણ એક મરાઠી શાસકે કર્યું. વડોદારામાં સયાજીરાવ ત્રીજાનું રાજ તપતું હતું ત્યારે ગુજરાતને એક નવી ઓળખ મળી. ગુજરાતમાં ગામેગામ સ્કૂલો ખૂલી તેના કારણે ગુજરાતી ભાષાનો પ્રભાવ વધ્યો. મોતીભાઈ અમીન પાસેથી મળેલી પ્રેરણાના આધારે સયાજીરાવે ગામેગામ લાઇબ્રેરીઓ શરૂ કરાવીને લોકોને વાંચતા કર્યા. બીજી પણ કલાઓ સયાજીરાવના સમયમાં જ વિકસી.

ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે સાહિત્ય અને કલા ક્ષેત્રના સંબંધો તો વધારે મજબૂત છે. આઝાદી પહેલાં હાલનું ગુજરાત અને મહારાષ્ટ્ર ભૌગોલિક સીમાઓથી અલગ નહોતાં ત્યારે તો બંને ભાષામાં પુષ્કળ પ્રમાણમાં આદાનપ્રદાન થયું. આઝાદીની લડતના એક લડવૈયા કાકાસાહેબ કાલેલકરે તો મરાઠી ભાષી હોવા છતાં ગુજરાતી ભાષામાં પુષ્કળ લખ્યું. મજાની વાત એ છે કે કાકાસાહેબે ગુજરાતી પોતાની માતૃભાષા જ હોય એવા પ્રભુત્વ સાથે લખ્યું. ગુજરાતીઓએ કાકાસાહેબને ઉમળકાથી આવકાર્યા જ પણ કાકાસાહેબના લેખનથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ પ્રભાવિત હતા. કાકાસાહેબનું ગુજરાતી લખાણ ગુજરાતીઓ કરતાં પણ ચડિયાતું હોવાનું માનતા ગાંધીજીએ તેમને ‘સવાયા ગુજરાતી’ ગણાવ્યા હતા.

એક સમય એવો હતો કે જ્યારે મરાઠી ભાષી લેખકોનાં પુસ્તકોનો ગુજરાતીમાં થોકબંધ અનુવાદ થતો. વિ. સ. ખાંડેકર, વિષ્ણુ વામન શિરવાડકર ઉર્ફે કુસુમાગ્રજ, પુ. લ. દેશપાંડે, આચાર્ય અત્રે, સાને ગુરુજી વગેરે મરાઠી ભાષી લેખકોનાં નામ ગુજરાતી લેખકો માટે અજાણ્યાં નહોતાં. તેમનાં પુસ્તકોના અનુવાદ ગુજરાતીમાં ધૂમ મચાવતા હતા. નલિની માડગાંવકર જેવાં કવયિત્રી પણ ગુજરાતી સાહિત્યપ્રેમીઓ માટે જાણીતું નામ છે. ઈતિહાસને બેકગ્રાઉન્ડ બનાવીને ફિક્શન લખનારા વિશ્ર્વાસ પાટીલનાં પણ ઘણાં પુસ્તકો ગુજરાતીમાં અનુવાદિત થયાં ને અત્યંત લોકપ્રિય થયાં. ગુજરાતી ભાષામાં લખાયેલાં હોય પણ મરાઠીમાં અનુવાદિત થઈને સારો આવકાર મળ્યો હોય એવાં પુસ્તકો પણ સંખ્યાબંધ છે. ભગવતીકુમાર શર્માની નવલકથા ‘સમયદ્વીપ’, કવિ જયંત પાઠકનો કાવ્યસંગ્રહક ‘દ્રુતવિલંબિત’, હાસ્યલેખક વિનોદ ભટ્ટના હાસ્ય લેખોનો સંગ્રહ ‘વિનોદ મેળો’, સ્વામી સચ્ચિદાનંદનું ‘આપણે અને પશ્ર્ચિમ’, લાભશંકર ઠાકરની ‘મરવાની મજા’ વગેરે પુસ્તકો મરાઠીમાં અનુવાદિત થઈને સારી લોકપ્રિયતા પામ્યાં છે.

નાટ્ય ક્ષેત્રે તો ગુજરાતી અને મરાઠી એક સિક્કાની બે બાજુ હોય એવી હાલત છે. મૂળ મરાઠીમાં લખાયાં હોય ને પછી ગુજરાતીમાં ધૂમ મચાવ્યાં હોય એવાં નાટકોની સંખ્યા તો બહુ મોટી છે. કુસુમાગ્રજનું ‘નટસમ્રાટ’ મરાઠીમાં માઈલસ્ટોન મનાય છે ને આ નાટકે ધૂમ મચાવેલી. ગુજરાતમાં ‘અભિનય સમ્રાટ’ નામે ઉપેન્દ્ર ત્રિવેદીએ આ નાટક બનાવ્યું ને ગુજરાતી થિયેટરમાં પણ ધૂમ મચાવી ગયું. દેવેન્દ્ર પેમનું ‘ઓલ ધ બેસ્ટ’ નાટક મૂળ મરાઠીમાં લખાયેલું ને સુપર હિટ સાબિત થયું. ગુજરાતીમાં એ જ નામે આ નાટક અરવિંદ જોશીએ બનાવ્યું ને તેણે પણ જોરદાર ધૂમ મચાવી છે.

બીજી તરફ પરેશ રાવલનું યશસ્વી નાટક ‘મહારથી’ મરાઠીમાં બન્યું તો તેણે પણ ધૂમ મચાવી છે. આ તો ત્રણ જાણીતાં નાટકોનાં ઉદાહરણ આપ્યાં પણ આવાં તો સેંકડો નાટકો છે કે જે એટલી સહજતાથી એક ભાષામાંથી બીજી ભાષામાં અવતર્યાં કે મૂળ નાટક મરાઠી છે કે ગુજરાતી તે પણ ખબર ન પડે. ગુજરાતી અને મરાઠી થિયેટર બંનેમાં કામ કરનારા ગુજરાતી અને મરાઠીઓની સંખ્યા તો બહુ મોટી છે. કોનાં નામ લઈએ ને કોનાં ભૂલી જઈએ એવી સ્થિતિ છે. થિયેટર સાથે સંકળાયેલા પડદા પાછળના કસબીઓ ને બીજા ટેક્નિશિયન્સ તો બંને ભાષામાં એક જ હોય છે. મરાઠી ને ગુજરાતી નાટકોમાં કોઈ ભાષાભેદ જ નથી. રાજકીય વિચારધારાની રીતે પણ ગુજરાતીઓ અને મહારાષ્ટ્રિયનો નજીક છે. ગુજરાત અને મહારાષ્ટ્રના નેતાઓ અલગ નથી. બંને રાજ્યે એકબીજાના નેતાઓને બહુ સહજતાથી અપનાવ્યા છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેટલા ગુજરાતના હતા એટલા જ મહારાષ્ટ્રના પણ છે. ને સામે વીર સાવરકર તથા લોકમાન્ય ટિળક જેવા મરાઠી ભાષી નેતાઓને ગુજરાત એટલો જ પ્રેમ કરે છે. મરાઠી ભાષી બાળાસાહેબ ઠાકરે ગુજરાતીઓના હીરો રહ્યા છે તો ગુજરાતી નરેન્દ્ર મોદીને મહારાષ્ટ્રિયનોએ પ્રેમથી પોતાના નેતા માન્યા છે.

ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજકીય રીતે કેટલાં નજીક છે તે પુરાવો હિંદુત્વની વિચારધારા છે. હિંદુત્વની વિચારધારા મહારાષ્ટ્રમાં પ્રબળ બની અને ગુજરાતે તેને સહજતાથી અપનાવી છે. લોકમાન્ય ટિળકે દેશની આઝાદીની લડત વખતે ગણેશોત્સવ શરૂ કરાવ્યા હતા. મહારાષ્ટ્રમાં આ ગણેશોત્સવ અત્યંત લોકપ્રિય થયા ને મહારાષ્ટ્રની તો ઓળખ જ બની ગયા, પરંતુ ગુજરાતમાં પણ ગણેશોત્સવને લોકોએ સહજતાથી અપનાવ્યા. આજે ગુજરાતમાં ઠેર ઠેર ગણેશોત્સવ ઊજવાય છે ને ગુજરાતીઓ તેમાં હોંશે હોંશે ભાગે લે છે. સામે મહારાષ્ટ્રિયનોએ પણ ગુજરાતી ગરબા અને નવરાત્રિને એટલા જ પ્રેમથી અપનાવી લીધાં છે. હિંદુત્વની વિચારધારા ફેલાવવામાં મોટું યોગદાન આપનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની સ્થાપના મહારાષ્ટ્રમાં થઈ પણ તેનો પ્રભાવ મહારાષ્ટ્રમાં થયો એટલો જ ગુજરાતમાં થયો. સંઘની વિચારધારાને ગુજરાતમાં ફેલાવનારા મોટા ભાગના પ્રચારકો મરાઠી ભાષી હતા અને ગુજરાતે તેમને સહજતાથી અપનાવ્યા છે.

આ તો થોડીક ઉપરછલ્લી વાતો કરી, પણ મહારાષ્ટ્ર અને ગુજરાતને અભિન્ન બનાવતી બીજી પણ ઘણી બાબતો છે ને એ બધાની વાતો કરી શકાય તેમ નથી પણ આ વાતો પરથી એક વાત ચોક્કસ છે કે ગુજરાત અને મહારાષ્ટ્ર એક સિક્કાની બે બાજુ હતાં અને રહેશે. ભૌગોલિક સીમાઓના કારણે ભલે બે નવાં રાજ્ય બની ગયાં હોય પણ લોકોનાં દિલમાં કોઈ સરહદ નથી બનાવી શકાઈ, બંનેને અલગ નથી કરી શકાયાં. ભારતમાં બીજા કઈ રાજ્યમાં આ સ્થિતિ નથી. આપણે ત્યાં એક જ ભાષા બોલતાં બે રાજ્યો વચ્ચે કંઈ કોમન ન હોય એવાં ઉદાહરણ છે. હરિયાણા અને બિહાર બંનેમાં હિંદી બોલાય છે પણ બંને વચ્ચે કશું કોમન નથી. બિહાર અને ઉત્તર પ્રદેશ વચ્ચે રાજકારણના અપરાધીકરણ સિવાય કશું કોમન નથી ને આવાં ઘણાં ઉદાહરણ છે.

આ માહોલમાં ગુજરાત અને મહારાષ્ટ્ર જુદાં થયાં છતાં એક રહ્યાં છે એ મોટી વાત છે. તેનો મરાઠી ભાષીઓને પણ ગર્વ હોવો જોઈએ ને ગુજરાતીઓને પણ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7835100
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com