24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘હાથી મેરે સાથીના રાજેશ ખન્નાને ‘આશીર્વાદ’

હેન્રી શાસ્ત્રીવાત પચાસ વર્ષ પહેલાની છે. ૧૯૭૧ની પહેલી મેના દિવસે સાઉથના સુપરસ્ટાર એમ. જી. રામચંદ્રન સાથે ઘણી ફિલ્મો બનાવનાર નિર્માતા સેન્ડો એમ.એમ.એ. ચિનપ્પા દેવરની પહેલી હિન્દી ફિલ્મ ‘હાથી મેરે સાથી’ રિલીઝ થઈ હતી. રાજેશ ખન્નાને કારણે આ ફિલ્મથી નામ અને દામ મેળવવામાં સફળ રહેલી સલીમ - જાવેદની લેખક જોડી નામના નવા અધ્યાયની શરૂઆત થઈ હતી. પ્રાણીઓને કેન્દ્રમાં રાખીને ફિલ્મ બનાવવા માટે જાણીતા નિર્માતા દેવર પણ ફિલ્મમાંથી અઢળક કમાયા હતા. ૧૯૭૧ની ટોપ ટેન હિટ ફિલ્મમાં ‘હાથી મેરે સાથી’ પહેલા નંબરે હતી. એક કરોડની અંદર બનેલી ફિલ્મ ૧૬ કરોડ રૂપિયાનો એ સમયે અધધ કહી શકાય એવો વકરો કરવામાં સફળ રહી હતી. ૧૯૫૬થી ૧૯૭૦ દરમિયાન ત્રીસેક તમિળ ફિલ્મોનું નિર્માણ કરનાર ચિનપ્પા દેવરને આ ફિલ્મની સફળતાને પગલે વધુ હિન્દી ફિલ્મોનું નિર્માણ કરવાની ઈચ્છા થઈ. ત્યારબાદ તેમણે ‘જાનવર ઔર ઇન્સાન’, ‘ગાય ઔર ગૌરી’, ‘શુભ દિન’, ‘રાજા’, ‘માં’, ‘મેરા રક્ષક’, ‘દો ઔર દો પાંચ’ અને ‘જીત હમારી’ જેવી ફિલ્મ બનાવી. છેલ્લી બે ફિલ્મ દેવરના અવસાન (૧૯૭૮) પછી એમના જમાઈએ પ્રોડ્યુસ કરી હતી. આમાંની કેટલીક સાઉથની ફિલ્મની રિમેક હતી તો અમુક ફિલ્મ હિન્દીમાં બન્યા પછી તમિળમાં બની હતી. અલબત્ત દેવરને ‘હાથી મેરે સાથી’ જેવો ધનલાભ બીજી કોઈ ફિલ્મથી નહોતો થયો એ હકીકત છે. આ સુપરહિટ ફિલ્મ સાથે સંકળાયેલી કેટલીક મજેદાર વાતો.

સલીમ ખાન અને જાવેદ અખ્તર સિપ્પી ફિલ્મ્સના સ્ટોરી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરી રહ્યા હતા ત્યારે એમની મુલાકાત એ સમયના ટોપ સ્ટાર રાજેશ ખન્ના સાથે થઈ હતી. ૧૯૭૧ની ‘અંદાઝ’માં આ લેખક જોડીએ આપેલા યોગદાનથી રાજેશ ખન્ના વાકેફ હતા. એક દિવસ રાજેશ ખન્નાએ સલીમ ખાન અને જાવેદ અખ્તરને કહ્યું કે ‘તમે મારી એક ફિલ્મ માટે પટકથા લખી આપો ને. મેં સાઉથની એક ફિલ્મ સાઈન કરી છે જે એક હાથી અને મનુષ્ય વિષે છે. ફિલ્મની વાર્તા વિચિત્ર છે, પણ મારે આ ફિલ્મ કરવી જ પડશે કારણ કે એ સાઈન કરવા માટે પ્રોડ્યુસરે મને તગડી રકમ આપી છે. મારે એક બંગલો ખરીદવો છે એટલે મારે ફિલ્મ કર્યા વિના છૂટકો નથી. શું તમે બંને સાઉથની ફિલ્મની ઢંગધડા વગરની સ્ક્રિપ્ટને મઠારી હિન્દી ફિલ્મના દર્શકોને ગમે એવી બનાવી શકો? તમને સારા પૈસા મળે અને પડદા પર તમારું નામ પણ આવે એ માટે હું નિર્માતા સાથે વાત કરીશ.’ આ વાતચીત પછી સલીમ ખાન અને જાવેદ અખ્તર સલીમ - જાવેદ બની ગયા. પહેલી મે, ૧૯૭૧ના દિવસે રિલીઝ થયેલી ચિનપ્પા દેવરની આ ફિલ્મ પટકથા લેખકની જોડી તરીકે તેમની પ્રથમ સ્વતંત્ર ફિલ્મ હતી. ૨૩ એપ્રિલે રિલીઝ થયેલી ’અંદાઝ’ સલીમ - જાવેદની પ્રથમ ફિલ્મ હતી, પણ આ ફિલ્મના લેખનકાર્યમાં સચિન ભૌમિક, ગુલઝાર અને સતીષ ભટનાગર પછી સલીમ ખાન અને જાવેદ અખ્તરના નામ હતા. ’હાથી મેરે સાથી’માં તો પટકથા: સલીમ - જાવેદ એવી સ્વતંત્ર ક્રેડિટ મળી હતી. આ ફિલ્મને બોક્સ ઑફિસ પર જબરજસ્ત સફળતા મળી હતી. ફિલ્મ રાજેશ ખન્નાને બંગલો મેળવી આપવામાં નિમિત્ત બની જ્યારે સલીમ - જાવેદ લેખક જોડીની ઈમારતનો પાયો આ ફિલ્મથી નખાયો.

’હાથી મેરે સાથી’ના પૈસામાંથી રાજેશ ખન્નાએ ૧૯૬૯માં ખરીદેલા બંગલાની વાત પણ મજેદાર છે. આ બંગલો તેમણે ૧૯૬૦ના જ્યુબિલી સ્ટાર રાજેન્દ્ર કુમાર પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયામાં ખરીદ્યો હોવાની નોંધ છે. આ બંગલો ખરીદવા પાછળ એક ચોક્કસ કારણ હતું. ૧૯૫૯માં રાજેન્દ્ર કુમારે બી. આર. ચોપરાની ‘કાનૂન’ સાઈન કરી એડવાન્સમાં મળેલા પૈસાથી વાંદરાના કાર્ટર રોડ પરનો બંગલો ખરીદ્યો હતો. ત્યારબાદ રાજેન્દ્ર કુમારને એક પછી એક જબરજસ્ત સફળતા મળતી ગઈ. ‘ડિમ્પલ’ બંગલો કુમાર માટે શુકનિયાળ સાબિત થયો હતો. પોતાને પણ નસીબ એ જ રીતે યારી આપશે એ આશાએ મિસ્ટર ખન્ના એ બંગલો ખરીદવા તલપાપડ હતા. જ્યુબિલી કુમાર: ધ લાઈફ ઍન્ડ ટાઈમ્સ ઑફ આ સુપરસ્ટાર’માં જણાવ્યા પ્રમાણે આ બંગલો ખરીદ્યા પછી ૧૯૬૯માં જ રિલીઝ થયેલી ત્રણ ફિલ્મ ‘આરાધના’, ‘ઈત્તેફાક’ અને ‘દો રાસ્તે’ને સારી સફળતા મળતા રાજેશ ખન્ના સુપરસ્ટાર બની ગયો. પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે બંગલો ખરીદતા પહેલા મિસ્ટર ખન્નાએ મિસ્ટર કુમારને કહ્યું હતું કે ‘તમે સ્ટારડમની ચોટી પર છો જ્યારે મારી ફિલ્મસફરની તો શરૂઆત જ થઈ રહી છે. જો હું તમારું આ ઘર ખરીદી શકું તો મારા જીવનમાં પણ એકદમ પલટો આવી જશે એવું મારું માનવું છે, કારણ કે આ બંગલો છેવટે છે તો ભારતના સૌથી મોટા સ્ટારનો.’ આ શબ્દોએ સોદો પાકો કરી નાખ્યો અને ‘ડિમ્પલ’ બંગલો રાજેશ ખન્નાનો ‘આશીર્વાદ’ બંગલો થઈ ગયો. વાત એમ હતી કે રાજેશ ખન્ના બંગલાનું નામ ‘ડિમ્પલ’ જ રાખવા માગતા હતા, પણ રાજેન્દ્ર કુમારની શરત હતી કે બંગલાનું નામ બદલવું પડશે, કારણ કે એ નામ એમની દીકરીના નામ પરથી આપવામાં આવ્યું હતું અને મિસ્ટર કુમારે ખરીદેલા નવા બંગલાનું નામ પણ ‘ડિમ્પલ’ જ રાખવામાં આવ્યું હતું. ૨૦૧૨માં રાજેશ ખન્નાના અવસાન પછી ‘આશીર્વાદ’ બંગલો ૯૦ કરોડ રૂપિયામાં વેચાયો હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

ફિલ્મનાં ગીતો આનંદ બક્ષીએ લખ્યાં હતાં અને કર્ણપ્રિય ધૂન લક્ષ્મીકાંત - પ્યારેલાલે બનાવી હતી. કુલ છ ગીત હતાં અને છએ છ લોકપ્રિય સાબિત થયા હતા. આમ ફિલ્મની સફળતામાં ગીત - સંગીતનો મોટો ફાળો હતો. ૧૯૬૯થી ૧૯૭૧ દરમિયાન રાજેશ ખન્નાએ આપેલી લાગલગાટ ૧૭ હિટ ફિલ્મ (૧૫ સોલો હીરો અને ‘મર્યાદા’ તેમ જ ‘અંદાઝ’)માં ‘હાથી મેરે સાથી’નો પણ સમાવેશ છે. ફિલ્મની હિરોઈન તનુજાએ એક મજેદાર પ્રસંગનું વર્ણન કરતા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘મારી દીકરીઓ કાજલ છ વર્ષની અને તનિષા ત્રણ વર્ષની હતી ત્યારે તેમને આ ફિલ્મ મેં દેખાડી હતી. ફિલ્મ જોયા પછી થોડા દિવસ સુધી કાજલ મારી સાથે વાત પણ નહોતી કરતી. ‘મમ્મી, તેં જ હાથીને મારી નાખ્યો’ એવું એ ગુસ્સામાં બોલી હતી. તનિષાને પણ મારા પર ગુસ્સો આવ્યો હતો.’ ફિલ્મની સફળતાનું આ પણ એક કારણ હતું.

-----------------

૨૦૨૧ની ‘હાથી મેરે સાથી’ફિલ્મની કથામાં પ્રાણીનો ઈમોશનલ ઉપયોગ કરવામાં આવે છે. શ્ર્વાન, સિંહ -વાઘ, રીંછ, વાનર, હાથી ફિલ્મની કથાને વળાંક આપે અથવા મહત્ત્વની ક્ષણે રજૂ થાય એવી ઘણી ફિલ્મો બની છે. અલબત્ત વિદેશી ફિલ્મોમાં પ્રાણીઓનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો આવ્યો છે. ૧૯૬૦ના દાયકામાં ‘હટ્ટારી’ અને ‘બોર્ન ફ્રી’ જેવી ફિલ્મોમાં પ્રાણીઓનો પ્રભાવ હતો. સરખામણીમાં આપણે ત્યાં પ્રાણીકેન્દ્રી ફિલ્મ ઓછી બની છે. એમાંય હાથી જેવું ગંજાવર પ્રાણી ફિલ્મમાં મહત્ત્વ ધરાવતું હોય એવી ૧૯૭૧ની ‘હાથી મેરે સાથી’ પછી બીજી કોઈ ફિલ્મ આવી હોવાનું સ્મરણમાં નથી. એ ફિલ્મના ૫૦ વર્ષ પછી એ જ નામ ધરાવતી ‘હાથી મેરે સાથી’ ત્રણ ભાષામાં (તેલુગુ, તમિળ અને હિન્દી) એક સાથે બની રહી છે. તમિળમાં એનું નામ છે ‘કદન’ અને તેલુગુમાં ‘અરણ્ય’ નામે બનાવાઈ છે. તમિળ અને તેલુગુ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે જ્યારે હિન્દી વર્ઝનની રજૂઆત કોરોનાની મહામારીને કારણે ત્રણેક વખત આઘી ઠેલાઇ છે.

પ્રત્યેક ભાષા માટે અમુક કલાકાર અલગ પસંદ કરવામાં આવ્યા છે, પણ મુખ્ય પાત્રની ભૂમિકા ત્રણેય ભાષામાં રાણા દગ્ગુબટ્ટીએ કરી છે. હિન્દી ફિલ્મના દર્શકોએ આ અગાઉ રાણાને ‘બાહુબલી’માં ભલ્લાલદેવના રોલમાં જોયો છે. આ સિવાય પણ આ અભિનેતાએ અન્ય કેટલીક હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. ‘હાથી મેરે સાથી’ વનદેવ (રાણા દગ્ગુબટ્ટી) નામના એક માણસની વાર્તા છે જે જંગલમાં હાથીઓ વચ્ચે રહીને પર્યાવરણની રક્ષા માટે સમર્પિત છે. અચાનક એક દિવસ નેતા અને અમુક બિઝનેસમેનની લાલચુ નજર આ જંગલ પર પડે છે અને એ લોકો ત્યાં ૭૦ કિલો મીટર લાંબી દીવાલ ઊભી કરી દે છે. પછી શરૂ થાય છે જંગલ અને હાથીના રક્ષણની લડત. એકંદરે આ ફિલ્મ મનુષ્ય અને ગજરાજ વચ્ચેના સંબંધની ભાવુક વાર્તા છે. ૨૦૧૭ની ફિલ્મ ‘મુક્કાબાજ’માં પ્રથમ નજરે પડેલી ઝોયા હુસેન અને સચિન અને સુપ્રિયાની પુત્રી શ્રિયા પિળગાંવકર આ ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. ફિલ્મનો હીરો છે રાણા દગ્ગુબટ્ટી પણ દિગ્દર્શક પ્રભુ સોલોમને કરેલા ખુલાસા પ્રમાણે ફિલ્મમાં કામ કરનાર ઉન્ની નામનો હાથી અત્યંત વ્યસ્ત ‘કલાકાર’ હતો. એની તારીખો મળી એ અનુસાર ફિલ્મનું શેડ્યુલ ગોઠવવામાં આવ્યું હતું. જે પ્રાણી પાસે એનિમલ વેલ્ફેર બોર્ડનું લાયસન્સ હોય એ જ પ્રાણીને ફિલ્મમાં ચમકાવવાની છૂટ હોય છે. આપણા દેશમાં આવા ચાર-પાંચ જ ગજરાજ છે અને એમાંય ઉન્ની સૌથી બિઝી એલિફન્ટ છે. સોલોમન અગાઉ ઉન્ની સાથે ‘કુમકી’ નામની ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે. રસપ્રદ વાત એ છે કે ૨૦૧૨માં પ્રભુ સોલોમને ‘કુમકી’ ફિલ્મ બનાવી ત્યારે ૩૦ હાથીની ચકાસણી કર્યા પછી ઉન્નીની પસંદગી કરી હતી. આ ફિલ્મનું શૂટિંગ કેરળ અને થાઈલેન્ડના જંગલોમાં કરવામાં આવ્યું છે. એનિમલ વેલ્ફેર બોર્ડની માર્ગદર્શિકા પ્રમાણે હાથી સાથેનું શૂટિંગ સવારે હળવા પ્રકાશમાં જ કરવામાં આવ્યું હતું. બપોરે એમને આરામ કરવા દેવામાં આવતા હતા અને તાપ ઓછો થયા પછી સાંજના ભાગમાં એની સાથે શૂટિંગ કરવામાં આવતું હતું.

------------------

‘અધિકાર’: દામ મળ્યા, નામ નહીં૧૯૭૧ની ૩૦ એપ્રિલે રિલીઝ થયેલી ‘અધિકાર’માં સલીમ ખાન અને જાવેદ અખ્તરને કામ તો મળ્યું, દામ સુધ્ધાં મળ્યા પણ નામ ન મળ્યું એ હકીકત છે. આ ફિલ્મ કેવી રીતે મળી એને જાવેદ અખ્તરે નસીબનો ખેલ ગણાવી હતી. એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે ‘સલીમસાબે વાર્તા લખેલી સ્વતંત્ર ફિલ્મ ‘દો ભાઈ’ આવી હતી અને મેં સંવાદ લખ્યા હતા એ ‘યકીન’ આવી હતી, પણ બેઉ ફિલ્મ બોક્સ ઑફિસ પર ચાલી નહોતી. અમે બેઉ કામ વિનાના હતા. નસીબના ખેલ જુઓ કે ફરી અમારી મુલાકાત નિર્માતા - દિગ્દર્શક એમ. એસ. સાગર (જેમની ‘સરહદી લૂટેરા’માં સલીમ ખાન અભિનેતા હતા ને જાવેદ અખ્તરે થોડા સંવાદ લખ્યા હતા) સાથે થઈ. એમણે અમને કહ્યું કે તેમની પાસે એક વાર્તા છે જેના પરથી અમારે પટકથા લખી આપવાની અને બદલામાં તેઓ અમને પૈસા આપશે. અમે માની ગયા અને એ જ વખતે સાથે કામ કરવાનો નિર્ણય કરીને અમે ‘અધિકાર’ની પટકથા લખી. ફિલ્મના ટાઇટલ્સમાં અમને કોઈ ક્રેડિટ આપવામાં નહોતી આવી.’

ફિલ્મના મુખ્ય કલાકાર હતા અશોક કુમાર, નંદા અને દેબ મુખરજી. દેબ મુખરજી એટલે ફિલ્માલય સ્ટુડિયોના માલિક અને ફિલ્મ નિર્માતા શશધર મુખરજીનો પુત્ર. એના બે ભાઈમાંથી એક જોય મુખરજી ૧૯૬૦ના દાયકાની હિન્દી ફિલ્મોનો સફળ રોમેન્ટિક હીરો હતો જ્યારે બીજા ભાઈ શોમુ મુખરજીએ તનુજા સાથે લગ્ન કર્યાં હતાં. ૧૯૬૯ની બે ફિલ્મ ‘સંબંધ’ અને ‘આંસુ બન ગયે ફૂલ’થી દેબ મુખરજીનો ચહેરો જાણીતો બન્યો હતો. જોકે દેખાવે હેન્ડસમ ન હોવાથી તેમજ અભિનય પ્રતિભા પણ ખાસ ન હોવાથી દેબની કારકિર્દી નિષ્ફળ રહી. દેબ મુખરજીને બીજા લગ્નથી થયેલો પુત્ર આયાન મુખરજી (વેક અપ સિદ અને યે જવાની યે દિવાની) દિગ્દર્શક તરીકે કાઠું કાઢી રહ્યો છે.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

01N36s
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com