24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સમય ભલે દેખાતો નથી, પણ આપણને કેવું-કેવું દેખાડી દે છે
સમય ભલે દેખાતો નથી, પણ આપણને કેવું-કેવું દેખાડી દે છે

અરવિંદ વેકરિયાનાટકનું દિગ્દર્શન મેં શરૂ કર્યું. બારે’ક દિવસનાં રિહર્સલ થયાં હતાં. પહેલો અંક લગભગ પૂરો થવામાં હતો... અને નાટકમાં મુખ્ય પાત્ર ભજવતી કલાકારા સોનિયા પટવાએ નાટકના મુહૂર્ત વખતે આપેલું શુકનનું રૂપિયા ૧૧/-નું કવર મારા હાથમાં મૂકતાં કહ્યું કે... અરવિંદભાઈ, મારે થોડો પ્રોબ્લેમ છે. જે સાંભળતાં મારા હાથમાંથી એણે આપેલું કવર નીચે જમીન પર સરકી ગયું. મેં મારી જાતને સંભાળી, સોનિયાને બાજુમાં રહેલ ખુરસીમાં બેસવા કહ્યું. એની બાજુની ખુરસીમાં હું બેઠો. રિહર્સલ સ્થગિત થઇ ગયાં. મેં શાંતિથી વાત શરૂ કરી...

હું: કેમ સોનિયા, શું પ્રોબ્લેમ છે?

સોનિયા: તમને તો ખબર છે આ મારું પ્રથમ વ્યાવસાયિક નાટક છે.

હું: હા, બરાબર! અને તું સરસ કરે છે. સાથી કલાકારો કે મારા દ્વારા કોઈ એવી વાત થઇ છે કે તારું સ્વમાન ઘવાયું હોય?

સોનિયા: ના...ના... એવી કોઈ વાત નથી.

હું: જો સોનિયા, પોતાની શરૂ કરેલ સફરનો માર્ગ એ જ લોકો બદલે છે જેને પોતાની જાત ઉપર શંકા હોય છે. બાકી સફળતાના પરસેવા ઉપર માત્ર મહેનતનો જ હક હોય છે, અને તું ખૂબ મહેનત કરે છે.

સોનિયા: એવું નથી અરવિંદભાઈ...

હું: કોઈ તારા માટે કે તારી પાછળ કોઈ કોમેન્ટ કરે છે? તારી મમ્મીની પ્રતિષ્ઠાને લઇ લોકોની વાતોથી કદાચ તારું દિલ દુભાયું હોય...

સોનિયા: એ તો શક્ય જ નથી. મમ્મીએ જ શીખવ્યું છે કે પીઠ પાછળ લોકો શું બોલે છે એમાં ધ્યાન ન આપો, ગર્વ એ વાતનો રાખો કે સામે બોલવાની એમની તાકાત જ નથી. (થોડી મલકી)

હું: જો રિહર્સલ અટકાવી દીધાં છે. એવી કોઈ વાત હોય જે હું સોલ્વ કરી શકું?

સોનિયા: તમને કહેવાની હિંમત હું એટલે કરું છું કે... (એ અટકી)

હું: બોલ સોનિયા, તને જે પ્રોબ્લેમ હોય એ કહી દે.

સોનિયા: મને એક બીજી ઓફર આવી છે. (હું બે ઘડી અવાક થઇ ગયો. એણે આગળ ચલાવ્યું) ...મને ફોરેન જવાનો પહેલો ચાન્સ મળી રહ્યો છે. એ પણ આફ્રિકા.

હું: કોઈ... નાટક માટે?

સોનિયા: હા. આઈ.એન.ટી.નું ફેમસ નાટક હતું એ... ‘મોસમ છલકે’...

હું: એ તો બે-પાત્રી નાટક...

સોનિયા: યસ, એ જ. બે જ પાત્રો. સાથે કોઈ ત્રીજો આવશે જે મ્યુઝિક-લાઈટ સંભાળશે.

હું: હમણા જ જવાનાં છો?

સોનિયા: ના. ૧૫-૨૦ દિવસ પછી. પણ એનાં પણ રિહર્સલ કરવાં પડશે એટલે... હું તો સાવ નવી છું.

હું: હા... એ... તો...

સોનિયા: અને હું અચાનક જાઉં તો તમને પ્રોબ્લેમ થાય. એ ન થાય એટલે અને સાચું કહું તો મારી ફોરેન જવાની બહુ ઈચ્છા છે. તમારો તો આભાર કે જેની ફલશ્રુતિ મને આ ઓફર મળી છે.

હું: જો સોનિયા, મને તારા માટે ચોક્કસ લાગણી છે, પણ લાગણીની ભીખ માગવા કરતાં બીજી છોકરી શોધી તને તારી ઈચ્છા પૂરી કરવા હું જરૂર જવા દઈશ. આમ પણ ભીખમાં માગેલી લાગણીઓનું આયુષ્ય કેટલું? તને આ ઓફર કોણે કરી?

સોનિયા: ‘ખેલૈયા’ નાટકમાં પાત્ર ભજવતો હતો એ ફિરોઝ ખાન. (ફિરોઝ અબ્બાસ ખાન - જેનું ‘મોગલ-એ-આઝમ’ રજૂ થયેલું અને અઢળક રેકોર્ડ કર્યા)

હું પણ ફિરોઝને સારી રીતે ઓળખતો જ હતો. મેં સોનિયાને કહ્યું કે ‘આ કવર મને પાછું ન આપ, તારી પાસે જ રાખ. તારી પ્રથમ વિદેશ સફર માટેના મારા શુકન - ગુડલક સમજ.’

મેં જોયું કે સોનિયા રિહર્સલમાં આવી ત્યારે કેટલી દ્વિધામાં હતી. આ વાત કરવા માટે એણે કેટલી તૈયારી કરી હશે. વાત મને કરીને અત્યારે કેટલી રિલેક્સ દેખાતી હતી.

એ રિલેક્સ ભલે થઈ, પરંતુ મારું ટેન્શન હવે વધી ગયું હતું. એની ભલે વિદેશ તરફની સફર શરૂ થઈ જાય, મારે હવે નવી છોકરી શોધવાની સફર ક્યાંથી શરૂ કરવી એની અસમંજસતા હતી. સમય સાલો, દેખાતો નથી પણ કેવું-કેવું દેખાડી દે છે.

નવા મારા અભિયાનની પૂરી તૈયારી વ્યવસ્થિત ચાલતી હતી ત્યાં અચાનક આ અવરોધ આવી ગયો. કોઈએ ખરું કહ્યું છે કે ઘડવા બેસો ત્યારે જ ખબર પડે કે ઘડવું અને ઘડાવું, બંને અઘરું તો છે જ!

મારે બધા કલાકારો સામે આ સત્ય જાહેર કરવું જ પડ્યું. બધાએ એના પરદેશ-ગમન માટે દિલથી શુભેચ્છા આપી. લેખક હરીશ નાગ્રેચા સાથે કોઈ વાત કરી એમને ઉપાધિમાં નાખવાની મને કોઈ જરૂર ન લાગી અને આમ પણ એ બાબત કોઈ શરત માટે હું બંધાયેલ તો હતો જ નહિ. સોનિયા પટવાને બદલે કોણ એ સવાલ મનને મૂંઝવતો રહ્યો. સોનિયા તો ફિરોઝ અબ્બાસ ખાન સાથે ‘મોસમ છલકે’ નાટક ભજવવા રવાના થઇ હશે. પછી તો એ ફિરોઝ ખાનના પ્રેમમાં પડી અને પરણી પણ ગઈ. અત્યારે મસ્ત જિંદગીનું સુખ માણી રહી હશે પણ મારા ઉપર આવી પડેલી આ ઉપાધિનું નિવારણ કઈ રીતે થશે એની ચિંતા ઘર કરી ગઈ. ફરી સંકટ સમયની સાંકળ - મનહર ગઢિયા યાદ આવી ગયો. મેં ફોન કરી બધી વાત એને જણાવી.

મનહર બોલવામાં બિનધાસ્ત હતો. મને કહે જવા દે. ભૂલી જા ભૂતકાળને. ક્યારેય ભૂતકાળ સાથે બંધાયેલા ન રહેવું, એ માત્ર એક પાઠ હોય છે, આજીવન સજા નહિ. એક કામ કર... એક નંબર લખ...

મેં નંબર લખ્યો. પછી પૂછ્યું કે એનું નામ શું? એણે જે નામ કહ્યું એ સાંભળીને મારા મોઢામાંથી ઉદ્ગાર સરી પડ્યો... ‘અચ્છા! આ તો આપણી સાથે ‘જીવન-સાથી’ નાટક જે લાલુભાઈએ ‘બહુરૂપી’ના નેજા હેઠળ રજૂ કરેલું અને અતિ સફળ પુરવાર થયેલું, એમાં હતી.’

મનહરે ‘યસ’ કહીને એક ગર્વભર્યું હાસ્ય ફોન ઉપર સંભળાવ્યું. પછી કોઈ ફિલોસોફર સમજાવે એમ મને સમજાવ્યું... ‘જો દાદુ, મહેનતથી દૂર નહિ ભાગવાનું. જેનાથી દૂર ભાગીશ, આગમાં કૂદી જ પડવાનું. એ જ તમને હીરો બનાવશે, હમણાં જ એને ફોન કર...’

તમે આવ્યા તો આવો કીધું, ચાલ્યા તો આવજો કીધું,

એમાં મેં મારું શું દીધું?

તમે આવ્યા, ને ચાલ્યા, ન ખૂંપ્યા આ જીવતરમાં,

લ્યો, એમાં મેં મારું શું દીધું?

---------------------------

હમણાં ઊંઘવાના કલાકો એટલા બધા વધી ગયા છે કે...

થોડા દિવસથી સપનાંઓ પણ રિપીટ થાય છે. કાલે તો હદ થઈ ગઈ. બે સપનાંઓ વચ્ચે જાહેરખબર આવવાની પણ શરૂ થઈ ગઈ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

54qau87k
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com