24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગામને અપાયું કલેક્ટરનું નામ
ગામને અપાયું કલેક્ટરનું નામ

સ્પેશિયલ-નિધિ ભટ્ટકોઇ દિવસ એવું સાંભળ્યું છે કે કોઇ ગામનું નામ બદલીને ત્યાંના કલેક્ટરના નામ પર રાખવામાં આવ્યું હોય? નહીંને? પણ એવું થયું છે. એક મહિલા અધિકારી એવી પણ છે જેના નામ પરથી લોકોએ તેમના ગામનું નામ રાખ્યું છે. આ મહિલા અધિકારી એટલે દિવ્યા દેવરાજન, જે ૨૦૧૦ની બેચની આઇએએસ અધિકારી છે. આ ગામમાં દિવ્યા આવી હતી તો એક કલેક્ટર તરીકે, પણ પછી તે લોકોના પરિવારનો હિસ્સો જ બની ગઈ. અહીંના સ્થાનિક રહેવાસીઓના દિલમાં જગ્યા મેળવવા માટે દિવ્યાએ તેમના કલ્યાણ માટે અનેક કામો કર્યાં છે.

સમય હતો વર્ષ ૨૦૧૭નો જ્યારે આદિવાસી સંઘર્ષની ઘટનાઓ સામે આવી રહી હતી. આવી પરિસ્થિતિમાં દિવ્યાનું પોસ્ટિંગ તેલંગણાના આદિલાબાદમાં થયું. આ સમયગાળામાં હિંસક અથડામણો થતાં તેનું પોસ્ટિંગ ઉતાવળે કરી દેવામાં આવ્યું હતું. એક જ રાતમાં દિવ્યા ત્યાં પહોંચી ગઈ હતી. દિવ્યાએ ત્યાંનો કારભાર સંભાળ્યો ત્યારે સ્થાનિક લોકોનો અવિશ્ર્વાસ તેની ચરમસીમા પર હતો. મુદ્દો સંવેદનશીલ હતો અને તેને સમજદારી અને પરિપક્વતાથી સંભાળવાની જરૂરત હતી.

આવી વિપરીત પરિસ્થિતિમાં પણ દિવ્યાએ આત્મવિશ્ર્વાસ સાથે ત્યાંનો કારભાર સંભાળ્યો. દિવ્યા સ્થાનિક લોકો સાથે ઘરોબો વધારવા માટે રસ્તો શોધી રહી હતી જેથી કરીને તેમની જરૂરિયાત મુજબ કામ કરી શકાય. આ કામ માટે દિવ્યાએ સૌથી પહેલાં ત્યાંના લોકોની ગોંડી ભાષા શીખી જેથી કરીને સ્થાનિક લોકો સાથે વાતચીત થઇ શકે. દિવ્યાએ ત્રણ મહિનાની અંદર જ આ ભાષા શીખી લીધી અને લોકો સાથે તેમની ભાષામાં વાતચીત કરવાનું શરૂ કરી દીધું. એક સમયે પંચાયતની બેઠકમાં સન્નાટો છવાયેલો રહેતો હતો ત્યાં હવે લોકો તેમની સમસ્યા અંગે ખૂલીને વાતચીત કરતા થયા હતા. દિવ્યાની પહેલાં અનેક અધિકારીઓએ આદિલાબાદમાં બોલવામાં આવતી જનજાતીય ભાષામાંથી એક ગોંડી ભાષા શીખવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, મોટા ભાગના અધિકારીઓએ થોડા દિવસોમાં જ એ ભાષા શીખવાનું બંધ કરી દીધું હતું. બીજી બાજુ દિવ્યાએ એટલી હદે ગોંડી ભાષા શીખી લીધી કે તે લોકોની સાથે તેમની ભાષામાં વાતચીત કરી શકે. અહીંના સ્થાનિક લોકોની ભાષા શીખીને દિવ્યા તેમનો ભરોસો જીતવા ઇચ્છતી હતી. આ કામમાં તે સફળ પણ થઈ હતી.

આ આદિવાસી ક્ષેત્રમાં અશિક્ષા, બેરોજગારી, અસ્વચ્છતા, સિંચાઇ, સ્વાસ્થ્ય, પૂર જેવી અનેક સમસ્યાઓ હતી, જેના ઉકેલ માટે દિવ્યાએ ઘણું કામ કર્યું હતું. આદિલાબાદ એક એવું ક્ષેત્ર છે જ્યાં આંતરજાતીય હિંસાનો ઇતિહાસ છે. આવા વિસ્તારમાં મૃદુભાષી દિવ્યા આદિવાસીઓનો વિશ્ર્વાસ જીતવામાં સફળ રહી હતી. દિવ્યાએ વિશેષરૂપથી કમજોર વર્ગ થોટી આદિવાસી સમુદાય માટે કામ કર્યું હતું. અહીંના સ્થાનિકોનું કહેવું છે કે દિવ્યા ગામના પ્રત્યેક ઘરની મુલાકાત લેતી હતી અને બધાને નામથી ઓળખતી હતી. ગામમાં કોઇ ગંભીર રીતે બીમાર પડે તો તેમને શહેરની હૉસ્પિટલમાં લઇ જવા માટે દિવ્યા ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા અને આર્થિક મદદ પણ કરતી હતી.

દિવ્યાએ પૂરથી પ્રભાવિત વિસ્તારની જમીનને સમથળ કરવા માટે વિવિધ કામો કર્યાં હતાં, જેથી કરીને ઘણી હદ સુધી મદદ મળી હતી. આ સિવાય આદિવાસીઓના પક્ષમાં લાંબા સમયથી અનિર્ણીત જમીન વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયત્ન પણ કર્યો. આદિવાસીઓના પાકને ટેકાના ભાવ મળે તેની વ્યવસ્થા કરી. ઉપરાંત આદિવાસી સમુદાયોની સંસ્કૃતિનું સન્માન અને સંરક્ષણ કરવા માટે દિવ્યાએ તેમના મુખ્ય તહેવારો ડંડારી-ગુસાડી અને નાગોબા જાત્રાને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું. આદિવાસી પરંપરાના દસ્તાવેજીકરણના પ્રયાસો પણ કર્યા. આ બધાં કામોને કારણે જ આદિલાબાદના લોકોએ દિવ્યાના સન્માનમાં ગામનું નામ ‘દિવ્યાગુડા’ રાખ્યું છે. ગામના લોકોનું કહેવું છે કે ‘અત્યાર સુધીમાં અનેક કલેક્ટર આવી ચૂક્યા છે, પણ દિવ્યા જેવું કામ કોઇએ કર્યું નથી. અમે આદિવાસી છીએ. અમારી પાસે તેમને ભેટ આપવા જેવું કશું નથી, પણ અમે ઇચ્છતા હતા કે અમારી આવનારી પેઢીઓ દિવ્યા મેડમે કરેલાં કામોને યાદ રાખે. આ આશયથી જ અમે ગામનું નામ તેમના નામ પરથી રાખી દીધું.’ હવે તો આદિલાબાદથી દિવ્યાની ટ્રાન્સફર થઇ ચૂકી છે. ફેબ્રુઆરી ૨૦૨૦માં દિવ્યાની નિમણૂક મહિલા, બાળ, વિકલાંગ અને વરિષ્ઠ નાગરિકો માટેનાં સચિવ અને કમિશનરના રૂપમાં થઇ છે.

દિવ્યાના દાદા તામિલનાડુમાં એક ખેડૂત હતા. દિવ્યા જાણે છે કે ઋણ પ્રણાલી કેવી રીતે કામ કરે છે અને જાણતાં-અજાણતાં કઇ રીતે ખેડૂતો તેમાં ફસાઇ જાય છે. દિવ્યાએ બાળપણમાં જોયું છે કે લોન પરત માગવા માટે જ્યારે અધિકારીઓ ઘરે આવતા ત્યારે તેના દાદા કેવી રીતે ડરીને મંદિરોમાં છુપાઇ જતા હતા. આ ઘટના બાદ દિવ્યાને અનુભવ થયો કે પ્રશાસન ઇચ્છે તો ખેડૂતોને મદદ કરીને તેમની સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. આઇએએસ અધિકારી બન્યા બાદ આ દિશામાં દિવ્યાએ અનેક કામો કર્યાં છે.

એક આઇએએસ અધિકારી બનવા પાછળ દિવ્યાને તેના પિતા પાસેથી પ્રેરણા મળી છે. તેના પિતા તામિલનાડુના વીજ્ળી બોર્ડમાં કામ કરતા હતા. ૬૦ના દશકમાં તેમણે ગામોના વિદ્યુતીકરણમાં મદદ કરી હતી. એ સમયે લોકોના ચહેરા પરનો આનંદ જોઇને તેમને અપાર સંતોષ થતો હતો. તેઓ હંમેશાં કહેતા હતા કે લોકોની સેવા કર્યા બાદ અનોખો આનંદ મળે છે. દિવ્યા પણ આનો અનુભવ કરવા ઇચ્છતી હતી. આ માટે જ તે આઇએએસ અધિકારી બની. ફક્ત દિવ્યા જ નહીં, પણ આપણે બધાએ જરૂરિયાતમંદોની મદદ કરીને એ આનંદની અનુભૂતિ મેળવવી જોઇએ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

w455TL
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com