24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પરિવારમાં ૩૫ વર્ષે દીકરીનો જન્મ થતાં ઉત્સવ મનાવાયો!
પરિવારમાં ૩૫ વર્ષે દીકરીનો જન્મ થતાં ઉત્સવ મનાવાયો!

વિશેષ-હિના પટેલ



દીકરીને હેલિકોપ્ટરમાં બેસાડી ઘરે લાવવામાં આવી અને બેન્ડવાજાં તેમ જ સંપૂર્ણ આદકસત્કાર સાથે સ્વાગત કરવામાં આવ્યું

-------------------------------

આજના આધુનિક જમાનામાં પણ દેશનાં અનેક ગામડાંઓમાં દીકરીઓને બોજ સમજવામાં આવે છે. પરિવારમાં દીકરાનો જન્મ થાય તો આનંદ મનાવે છે અને દીકરીનો જન્મ થાય તો માતમ મનાવવામાં આવે છે. એવામાં રાજસ્થાનના નાગૌર જિલ્લામાં એક ખેડૂત પરિવારે દીકરીના જન્મ પર ઉત્સવ મનાવીને એક મિસાલ રજૂ

કરી છે.

કોરોનાકાળમાં ચારેય બાજુથી સાંભળવા મળી રહેલા દુ:ખદ સમાચાર વચ્ચે દીકરીના જન્મની ભવ્ય ઉજવણીના ખબર વાંચીને ખરેખર એક સુખદ અનુભવ થયો. દીકરીને બોજારૂપ સમજી બાળવિવાહ અને દહેજ જેવી કુરીતિઓ થોપતા લોકોને અરીસો દેખાડતી આ

ઘટના છે.

નાગૌર જિલ્લાના કુચેરા ક્ષેત્રના ગામ નિમ્બડી ચાંદાવતામાં દીકરીના જન્મ પર એક પરિવારે એવી રીતે ઉત્સવ મનાવ્યો કે તેને બધા જોતાં જ રહી ગયા. ઘરે પધારેલી લક્ષ્મીના સ્વાગત માટે પાણીની જેમ પૈસા વહાવવામાં આવ્યા. ખેડૂત મદનલાલ પ્રજાપતના પરિવારમાં પાંત્રીસ વર્ષ બાદ એક દીકરીનો જન્મ થયો હોવાથી ધામધૂમ સાથે તેનું ઘરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

હનુમાન પ્રજાપતની પત્ની ચુકા દેવીએ થોડા દિવસો પહેલાં જ નાગૌર જિલ્લા હૉસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ થયા બાદ ચુકા દેવી સારસંભાળ માટે દીકરી સાથે હરસોલાવ ગામમાં તેનાં માતા-પિતાને ત્યાં ગઇ હતી.

નવરાત્રીના નવમા દિવસે એટલે કે નવમીના દિવસે આ બાળકીને તેના પિતાના ઘરે લાવવામાં આવી હતી. દીકરીને ઘરે લાવવા માટે તેના દાદાએ ખાસ હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી. પાક વેચીને તેમણે પાંચ લાખ રૂપિયા જમા કર્યા હતા.

હરસોલાવ ગામથી નિમ્બડી ચાંદાવતાનું અંતર આશરે ૪૦ કિ.મી. છે. હેલિકોપ્ટરે દસ મિનિટમાં આ અંતર કાપ્યું હતું. આ હેલિકોપ્ટરમાં બાળકીને ઠાઠમાઠથી લાવવામાં આવી હતી. મદનલાલ તેમની પૌત્રીના સ્વાગતમાં કોઇ કસર બાકી રાખવા માગતા નહોતા.

હેલિકોપ્ટરમાંથી ઊતર્યા બાદ દીકરીને ઘર સુધી લઇ જવાના રસ્તામાં ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. બેન્ડવાજાં અને નાચગાન સાથે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકીના જન્મના જશ્ર્નમાં બાળકીના પરિવાર સાથે આખું ગામ સહભાગી થયું હતું.

દીકરીને ઘરે લાવ્યા બાદ તેને દેવીનું રૂપ માનીને તેની પૂજા કરવામાં આવી હતી. બાળકીના નાના નાના પગની છાપ લેવામાં આવી હતી. દરમિયાન સગાં-સંબંધીઓ અને મિત્રોને ભોજન કરાવવામાં આવ્યું હતું.

હનુમાન પ્રજાપતનું કહેવું છે કે ‘અમે અમારી રાજકુમારીનું આગમન ધામધૂમથી કરવા ઇચ્છતા હતા. અમારા પરિવાર માટે તે ખૂબ ખાસ છે. દીકરી પ્રત્યેનો અમારો પ્રેમ વ્યક્ત કરવા માટે અમારો આ નાનો એવો પ્રયાસ હતો.’

હનુમાન પ્રજાપત જણાવે છે કે ‘મારી દીકરીનું સ્વાગત હેલિકોપ્ટરથી કરવાનો વિચાર મારા પિતાનો હતો. પૌત્રીના જન્મને તેઓ દિલથી મનાવવા ઇચ્છતા હતા. પરિવારમાં બાળકીનો જન્મ થવાથી તેઓ ખૂબ ખુશ છે.’

દસમા ધોરણ સુધી ભણેલા હનુમાન પ્રજાપતનું માનવું છે કે ‘દીકરા અને દીકરીમાં કોઇ ભેદભાવ કરવો જોઇએ નહીં. બંનેને સમાન દરજ્જો આપવો જોઈએ. અમે અમારી દીકરીને ખૂબ ભણાવીશું અને તેનું દરેક સપનું પૂરું કરીશું.’

બાળકીના દાદા મદનલાલ જણાવે છે કે ‘સમાજમાં આજે પણ અમુક એવા લોકો છે જેમના ઘરે દીકરીનો જન્મ થતાં ઉદાસી છવાઇ જાય છે. મારું માનવું છે કે દીકરાઓ કરતાં પણ દીકરીઓ વધુ સવાઇ હોય છે.’

વાતનો દોર આગળ વધારતાં તેઓ જણાવે છે કે ‘મેં દસ વર્ષ પહેલાં જ નક્કી કરી લીધું હતું કે ઘરમાં દીકરીનો જન્મ થશે તો તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને તેને હેલિકોપ્ટરથી ઘરમાં લાવવામાં આવશે. આ પ્રથા મારા પરિવારે શરૂ કરી છે. આશા રાખું છું કે ગામ-સમાજના લોકો તેમાંથી પ્રેરણા લઇને દીકરીના જન્મ પર આનંદ મનાવશે.’

આમ તો બધાં જ બાળક ભગવાનનું રૂપ હોય છે. જોકે, તેમ છતાં લોકો દીકરા અને દીકરીમાં ભેદભાવ કરે છે. હવે સમય સાથે લોકોના વિચારો બદલાઇ રહ્યા છે. મદનલાલ અને તેનો પરિવાર આનું ઉત્તમ ઉદાહરણ છે.

આ વર્ષે જાન્યુઆરી મહિનામાં મધ્ય પ્રદેશના ગ્વાલિયરથી આવો જ કંઇક બનાવ સામે આવ્યો હતો જેમાં દીકરીનો જન્મ થવા પર ખુશીઓ વહેંચવામાં આવી હતી. હેર કટિંગ સલૂન ચલાવતા સલમાને દીકરીના જન્મની ખુશીમાં ૨૪ કલાક માટે મફતમાં સેવા આપવાની જાહેરાત કરી હતી.

આ અંગે જાણ થયા બાદ સલમાનની દુકાનમાં સેંકડો લોકોની ભીડ ઊમટી પડી હતી. હેર કટિંગ અને શેવિંગ માટે લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા હતા. એ દિવસે સલમાન અને તેના ૧૫ કર્મચારીએ આશરે ૪૦૦ લોકોને મફતમાં સેવા આપી હતી. આ રીતે અનોખા અંદાજથી સલમાને તેની દીકરાના જન્મની ખુશી મનાવી હતી.

એક સમયે ગર્ભમાં જ દીકરીને મારી નાખવામાં આવતી હતી અને આજે દીકરીના જન્મ પર ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. આધુનિક જમાના સાથે નવી પેઢીના વિચારો પણ બદલાઈ રહ્યા છે. દીકરીને સાપનો ભારો સમજવાને બદલે હવે સૌભાગ્ય માનવામાં આવે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

oo2efH20
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com