24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જંગલમાં કામ કરવા માટે જંગલી દેખાવું જરૂરી નથી
જંગલમાં કામ કરવા માટે જંગલી દેખાવું જરૂરી નથી

કથા કોલાજ-કાજલ ઓઝા - વૈદ્યનામ : લતિકા નાથ

સ્થળ : બાંધવગઢ

સમય : ૨૦૨૧

હું જ્યારે શિફોનની સાડી પહેરીને, વાળ સ્ટ્રેઈટન કરીને પાર્ટીમાં પ્રવેશું છું ત્યારે બધા મને જોઈને પૂછે છે, ‘તમે ટાઈગર ક્ધઝર્વેશન પર કામ કરો છો?’ એ બધાનું પહેલું રિએક્શન હોય છે, ‘તમે એવાં લાગતાં નથી!’ મને દરેક વખતે આ રિએક્શન સાંભળીને હસવું આવે છે. મારે કેવા લાગવું જોઈએ એ હજી મને સમજાયું નથી. જંગલી પ્રાણીઓ સાથે કામ કરતી દરેક વ્યક્તિ જંગલી કે ખરાબ દેખાય એવી કોઈ રૂલ બુક નથી! હું મારી રીતે મારું કામ કરું છું. મને મારા કામમાં ખૂબ મજા પણ આવે છે, અને આમ જોવા જાવ તો આ પુરુષોનું કાર્યક્ષેત્ર માનવામાં

આવે છે.

તમને થશે હું એવું તો કયું કામ કરું છું! છેલ્લાં ત્રીસ વર્ષથી હું ભારત અને વિદેશનાં જંગલોમાં વાઘ અને બીજી જંગલી પ્રજાતિઓને બચાવવાનું કામ કરું છું. મારે માટે આ કામ નથી, મિશન છે. મને આજે પણ વિચાર આવે છે કે, કોઈક ન સમજી શકાય તેવી તાકાતે, કોઈ કોસ્મિક ડિઝાઈને જાણે કે મને આ કામ સોંપ્યું છે. હું છ અઠવાડિયાંની હતી ત્યારે મારાં માતા-પિતા પહેલી વાર મને લઈને જંગલમાં ગયાં હતાં. લગભગ બધાં સગાંવહાલાંએ એમને આવું કરવાની ના પાડી હતી... એ સમયે તો મોબાઈલ ફોન કે બીજી કોઈ સગવડો નહોતી તેમ છતાં એમણે મને લઈને જંગલમાં જવાની હિંમત કરી, કારણ કે મારા પિતા જંગલોને ખૂબ પ્રેમ કરતા. હું એમની પાસેથી જ આ હિંમત અને પ્રકૃતિને પ્રેમ કરતાં શીખી છું. મારા પિતા એઈમ્સના ડિરેક્ટર હતા. પ્રોફેસર લલિત એમ. નાથ એક એવા શખસ હતા કે જે ૧૯૬૯માં ઈન્ડિયન વાઈલ્ડ લાઈફના બોર્ડ પર ડિરેક્ટર પદે હતા. એ મને અવારનવાર પોતાની સાથે જંગલોમાં લઈ જતા. સાથે સાથે કેટલીક વાર જંગલી પ્રાણીઓના પ્રશ્ર્નો હોય કે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હોય ત્યારે અમે જોવા પણ જતાં. મારી માએ કોઈ દિવસ મને રોકી નથી.

છોકરીઓએ આમ કરવું જોઈએ, છોકરીઓએ આમ ન કરાય આવા કોઈ નિયમો અમારા ઘરમાં હતા જ નહીં. મારા પિતાએ મને બાળપણથી જ ડર્યા વગર પ્રાણીઓ સાથે દોસ્તી કરવાની ટ્રેઇનિંગ આપી. હું સાત વર્ષની હતી ત્યારે અમારા ઘરમાં એક ગોલ્ડન રિટ્રિવર અને એક બિલાડી લાવવામાં આવ્યાં. એ બંનેનું ધ્યાન રાખવાની જવાબદારી મારી હતી. ઈકોલોજી, ક્ધઝર્વેશન, પોલ્યુશન અને પર્યાવરણ વિશે એ મને સતત શીખવતા રહેતા. સમય સાથે ઝૂઓલોજી પણ એનો ભાગ બની ગયો. હું સાત-આઠ વર્ષની ઉંમરે બીજાં બાળકો સાથે રમવાને બદલે ઝૂઓલોજી અને પર્યાવરણને લાગતાં પુસ્તકો વાંચવા લાગી હતી. બારમું ધોરણ પાસ કર્યા પછી મારે જે વિષયો ભણવા હતા એને માટે ભારતમાં બે જ કોલેજ ઉપલબ્ધ હતી. જોકે, મેં નક્કી કરી લીધું હતું કે મારે અંતે તો વિદેશ જઈને ઝૂઓલોજીનો અભ્યાસ કરવો છે.

હું નાની હતી ત્યારે અમે દિલ્હીમાં રહેતાં હતાં. અમારું મૂળ વતન કાશ્મીર એટલે દરેક વેકેશનમાં અમારે કાશ્મીર જવાનું થતું. મારાં દાદા-દાદી ત્યાં રહેતાં, મારા કાકા અને મારા બીજા કઝિન્સ પણ કાશ્મીરમાં રહેતા એટલે દિલ્હીની ગરમીમાંથી વેકેશનમાં કાશ્મીર ભાગી જવા હું સતત ઉત્સુક રહેતી. કાશ્મીરના અમારા લાકડાના સુંદર ઘરમાં મારો જુદો રૂમ હતો. એ રૂમમાં જુદા જુદા વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સના મોટાં મોટાં પોસ્ટર ચિપકાવેલાં રહેતાં. ચક મેક્ડોગલ મારા આઈડિયલ ફોટોગ્રાફર હતા. એમણે ૧૯૭૦માં લીધેલા અમુક ફોટા આજે પણ મારી પાસે છે. મારી સાથે મોટી થયેલી મારી કઝિન સિસ્ટર શ્લોકા નાથ પણ એન્થોલોજી અને વાઈલ્ડ લાઈફમાં ઘણો રસ ધરાવતી હતી. અમે બે બહેનો કશ્મીરની આજુબાજુ અવારનવાર ટ્રેકિંગ કરવા નીકળી જતી. એ વખતે મારા પાડેલા ફોટોગ્રાફ્સ હું મારા પિતાને બતાવતી, ત્યારે મોબાઈલ નહોતા એટલે ફોટા ડેવલપ કરાવવા પડતા... મારા પિતા ક્યારેય પૈસા વિશે મને ટોકતા નહીં. હું ગમે તેટલા રોલ વાપરું કે ગમે તેટલા ફોટા ડેવલપ કરાવું એ હંમેશાં આનંદથી મારી મદદ કરતા, એટલું જ નહીં, ક્યારેક ફોટા બગડી ગયા હોય અને ધાર્યું રિઝલ્ટ ન આવે તો એ મને હસીને ફરી વખત વધુ ફોકસ કરવાનું કહેતા!

૧૯૯૦માં જ્યારે કાશ્મીરની સ્થિતિ બગડી ત્યારે અમારા ઘર ઉપર હુમલા થયા. અમારા પરિવાર માટે કામ કરતા સાત જણને અમારી નજર સામે મારી નાખવામાં આવ્યા. અમારું સુંદર લાકડાનું, બગીચો ધરાવતું ઘર બોમ્બથી ઉડાડી દેવામાં આવ્યું. એ પછી અમે કાશ્મીર છોડી દીધું. જોકે, મને આજે પણ કાશ્મીર જવું ગમે છે. એ સમયે હું સ્નો ટાઈગર અને પોલાર બેર પર રિસર્ચ કરવા માગતી હતી, પણ એવું કંઈ થઈ શક્યું નહીં. બારમા ધોરણ પછી મારે જે વિષયો ભણવા હતા એને માટે બે જ કોલેજ ઉપલબ્ધ હતી, રામજાસ અને મૈત્રેયી. પહેલાં મેં રામજાસમાં એડમિશન લીધું પણ ત્યાં ત્રણ મહિનાની ટીચરની હડતાલ પડી. અમુક હિંસાની ઘટનાઓ બની અને વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા. મારાં માતા-પિતાને લાગ્યું કે સાઉથ કેમ્પસમાં આવેલી મૈત્રેયી કોલેજ મારા માટે વધુ સલામત છે એટલે મને જે જોઈતા હતા તે વિષયો સાથે મેં બીજા વર્ષમાં મૈત્રેયી કોલેજમાં એડમિશન લીધું.

મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે મને પહેલા જ વર્ષે એફસીઓ તરફથી એવોર્ડ મળશે. મને સ્કૂલ ઓફ ફોરેસ્ટ્રીમાં નોર્થ વ્હેલ્સમાં એડમિશન મળ્યું. હું બહુ નાની હતી એટલે મારાં માતા-પિતાને લાગતું હતું કે એકલા લંડન જઈને ભણવું મારા માટે સરળ નહીં હોય, પરંતુ હું તો ત્યાં જઈને તરત જ ગોઠવાઈ ગઈ. લેન્ડ્સકેપ ઈકોલોજિકલ મોડલિંગ અને સેટેલાઈટ રિમોટ સેન્સિંગ ડેટાનો ઉપયોગ પ્રાણી જીવન અને જંગલ જીવન માટે કઈ રીતે થઈ શકે એના ઉપર મેં રિસર્ચ કરવાનું શરૂ કર્યું...

તમે માની નહીં શકો પણ સત્ય એ છે કે બ્રિટન જેવા દેશમાં પણ ફોરેસ્ટ્રી (જંગલશાસ્ત્ર) પ્રકૃતિ કે પ્રાણીઓની સાચવણી, પર્યાવરણ જેવા વિષયો સ્ત્રીઓ ભણતી નથી. ભારતમાં તો એ પ્રશ્ર્ન જ નથી આવતો. હું જ્યારે મારું પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને પાછી ફરી ત્યારે મારે માટે ભારતમાં કામ કરવાની કોઈ જગ્યા નહોતી. મેં હાથી અને માણસના સંઘર્ષ ઉપર રિસર્ચ કરીને થિસિસ લખી હતી. જેને માટે હું મહિનાઓ સુધી રાજાજી અને જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં રહી. ડબ્લ્યુઆઈઆઈની ટીમ સાથે જોડાઈને મેં હાથીઓના જીવનનો અભ્યાસ કર્યો, પરંતુ જ્યારે મેં મારી થિસિસ સબમિટ કરી ત્યારે એને એપ્રુવ થતાં અઢી વર્ષ લાગ્યાં. દરેક વખતે મને વાઈવા માટે જુદી વ્યક્તિ પાસે જવાનું કહેવામાં આવતું. હું જેવી ઓરડામાં દાખલ થતી કે વાઈવા લેનાર પ્રોફેસર એમના ધોળા વાળ, ચશ્માં અને ઝીણી આંખો સાથે કપાળ પર કરચલી પાડીને કહેતા, ‘તમે? તમે પ્રાણી જીવન પર કે વન્ય જીવન પર રિસર્ચ કરવા માગો છો? પણ તમે એવાં લાગતાં નથી...’ (ક્રમશ:)આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6I57qn5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com