24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પાટણની પ્રભુતા જેવી છે આ ઓલરાઉન્ડર દિવ્યાંગ
પાટણની પ્રભુતા જેવી છે આ ઓલરાઉન્ડર દિવ્યાંગ

કવર સ્ટોરી-મુકેશ પંડ્યાગયા વર્ષે એટલે કે માર્ચ ૨૦૨૦માં કોરોનાને લીધે રાષ્ટ્રીય સ્તરે દિવ્યાંગો માટેની સ્પર્ધાઓ એટલે કે પેરાસ્પોર્ટ્સની હરીફાઇ અટકી પડેલી, પરંતુ આ વર્ષે માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં બેંગલુરુમાં આખરે એ સ્પર્ધા યોજાઇ અને મૂળ પાટણ (સિદ્ધપુર), હાલ અમદાવાદની ગરવી ગુજરાતણ સપના શાહ પાવર લિફ્ટિંગમાં કાંસ્ય ચંદ્રક મેળવી લાવી. સપના કહે છે કે આ વર્ષે બેંગલુરુમાં હરીફાઇમાં ભાગ લેવાનું નક્કી તો થયું, પરંતુ ગયા મહિને ગુજરાતમાં કોરોનાનો પ્રભાવ ઘણો વિસ્તરી રહ્યો હતો. અમદાવાદનાં બધાં જ જિમ્નેશિયમ બંધ હતાં. ઘરે એક ડમ્બેલ્સની જોડીથી પ્રેક્ટિસ કરી, પરંતુ એ પૂરતી ન હતી. આખરે અનેક વિનંતી બાદ એક જિમ્નેશિયમમાં પ્રેક્ટિસ કરવાની સુવિધા મળી. પણ નસીબ તો જુઓ, જિમ્નેશિયમ પાંચમા માળે અને લિફ્ટ નહીં. વળી, સવારે પાંચ વાગે પહોંચે તો જ ટ્રેનર ટ્રેઇનિંગ આપી શકે એમ હતા. બોલો, પગેથી દિવ્યાંગ આ છોકરી રોજ સવારે ચાર વાગે ઊઠી જાય. સાડાચારે જિમ પહોંચે. પોતાની એક સ્ટિક અને પગમાં લગભગ ૧૦ કિલો વજનવાળા બૂટ (કેલિપર્સ) સાથે પાંચ દાદરા ચઢે. ત્રણથી ચાર કલાક ટ્રેઇનરની સૂચના પ્રમાણે પ્રેક્ટિસ કરે. તેને વસવસો છે કે કોરોનાના કેરને કારણે આ જાતની તાલીમ લેવાનો અને પ્રેક્ટિસ કરવાનો સમય તેને ઓછો મળ્યો. તેની તો ઇચ્છા હતી કે સિલ્વર મેડલ મળે, પરંતુ એ કપરા સંજોગોમાં બ્રોન્ઝ મેડલ લાવી તે પણ કંઇ નાનીસૂની વાત નથી.

આ મહેનતુ અને પ્રભાવશાળી છોકરી જન્મી ત્યારે તો સાવ નોર્મલ હતી, પરંતુ ૧૧ મહિનાની થઇ ત્યારેે એક દિવસ એને તાવ આવ્યો. તે સમયે ઇંજેક્શનના કુપ્રભાવથી તેના બેઉ પગ પંગુતામાં જકડાઇ ગયા. આ ઉંમરે તો ઓપરેશન પણ ન થઇ શકે. છેવટે એ સત્તર વર્ષની થઇ ત્યારે ડૉક્ટરે ઓપરેશન કરી તેને બે ઘોડીની મદદથી ચાલતી કરી. સામાન્યપણે દિવ્યાંગ વ્યક્તિ પોતાનામાં જે પંગુતા હોય તેનાથી ટેવાઇ ગઇ હોઇ તેનાથી છુટકારો મેળવવાનો વિચાર પણ ન આવે, પણ આ સપનાનાં સપનાં તો બહુ મોટાં. લડાયક વૃત્તિની આ છોકરીએ તો ડૉક્ટરોએ સૂચવેલી બધી જ કસરત ગંભીરતાથી કરવા માંડી. ૩૦ વર્ષ સુધી બે ઘોડીથી ચાલતી સપના હવે છેલ્લાં પાંચ વર્ષથી એક સ્ટિકના સહારે ચાલે છે. જોકે, પગ નબળા હોવાને કારણે પેલા ૧૦ કિલો વજનવાળા બૂટ તો પહેરવા જ પડે.

જોકે, સપના બે ઘોડી વડે ચાલતી હતી ત્યારે પણ સપનાં તો ઊંચાં જ જોતી હતી. બાળપણથી જ ટ્રાઇસિકલ રેસ, વ્હીલચેર રેસ, ક્રિકેટ, ગોળાફેંક જેવી અનેક સ્પર્ધાઓમાં ભાગ લેતી અને અનેક ઇનામો પણ મેળવતી. ૧૫ વર્ષ પહેલાંની આ વાત છે. તે વખતે પાટણમાં યોજાયેલી મેરેથોનમાં તેણે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં તે પ્રથમ આવી. તેને પાટણ જિલ્લાના કલેક્ટરના હાથે રોકડ ઇનામ અને મેડલ પણ મળ્યાં. તે જ સમયે કલેક્ટર સાહેબે જાહેરમાં કહ્યું હતું કે આ છોકરી એક દિવસ ગુજરાતનું નામ રોશન કરશે.

ત્યાર પછી તો એણે પાવર લિફ્ટિંગ ક્ષેત્રે આગળ વધવાનું નક્કી કર્યું. બેંગલુરુમાં કાંસ્ય ચંદ્રક મેળવતાં પહેલાં આ ક્ધયા ગુજરાતમાં રાજ્ય સ્તરે તો સુવર્ણ ચંદ્રક મેળવી ચૂકી છે. આ પ્રતિભાના જોરે જ તેને રાષ્ટ્રીય સ્તરે ભાગ લેવાનું આમંત્રણ મળ્યું અને કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો.

આ ઉત્સાહી ક્ધયા આટલેથી જ અટકી નથી. ભણવા સહિત અનેક પ્રવૃત્તિમાં તે હંમેશાં આગળ પડતી રહી છે. એ ડબલ ગ્રેજ્યુએટ છે. પહેલાં બી.એ. અને પછી સંસ્કૃત સાથે એણે એમ.એ. કર્યુ છે. જોકે, ભણવામાં અને સ્પોર્ટ્સની અનેક પ્રવૃત્તિઓમાં સપના આગળ તેનો અર્થ એ નહીં કે તે ઘરનાં કામ નહીં કરતી હોય. ઝાડુ-પોતાથી માંડીને વાસણ ઘસવાં, કપડાં ધોવાં, બાથરૂમ-ટોઇલેટ સાફ કરવાં એ તો તેનાં રોજનાં કામ. ને રસોઇ? હા ભાઇ હા, રસોઇમાં પણ તે એક્સપર્ટ. એક ઉદાહરણ પૂરતું છે. એક કલાકમાં એક કિલો પાતળા ખાખરા બનાવવાની ગતિ પ્રમાણે દિવસમાં કેટલાય કિલો ખાખરા બનાવી નાખે. આમાં પાછું લોટ બાંધવાનું, વણવાનું અને થપ્પીમાં શેકવાનું પણ આવી જાય હોં કે.

સ્કૂલના છોકરાઓને બધા જ વિષયમાં ટ્યુશન ભણાવતી આ છોકરી પાછી બ્યુટી મેકઅપ કરવામાં પણ હોશિયાર. હેરસ્ટાઇલ કરવામાં અને મેંદી મૂકવામાં પણ પાવરધી. સુરીલું ગાય પણ ખરું. એ સંગીત ઉપાત્ય વિશારદ છે અને હારમોનિયમ પણ સારું વગાડી જાણે છે. અને ડાન્સ? હા ગરબા તો એ દિવ્યાંગો માટે હોય કે નોર્મલ લોકોના, ઇનામ મેળવ્યા વગર તો ઘરે આવે જ નહીં. નવરાત્રિમાં ભરેલાં ચણિયાચોળી પહેરીને પગથી માથા સુધી એવી રીતે તૈયાર થાય કે જોનારા જોયા જ કરે.

સપના પાછી ધર્મમાં પણ ખૂબ આસ્થા ધરાવે. આ જૈન ક્ધયા પાછી જૈન અભ્યાસમાં પણ અનુસ્નાતક (પાંચ પ્રતિકમણ, નવ સ્મરણ, છ કર્મગ્રંથ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, સંસ્કૃત પરીક્ષા પ્રથમ અને દ્વિતીય) માટે કેટલાંય વર્ષોથી જૈન પાઠશાળામાં શિક્ષણ આપે છે. કેટલાંય બાળકોને એકસાથે ભણાવે. કોઇ દિવ્યાંગ કદાચ કરી જ ન શકે એવું જૈનોનું અઘરામાં અઘરું તપ એવું ઉપાધાન તપનું અઢારિયું (અઢાર દિવસ મહારાજ સાહેબની જેમ રહેવાનું કાર્ય) કર્યું છે. નિત્ય પૂજા, સામાયિક. પ્રતિકમણ ઇત્યાદિ તો કરવાનાં જ.

આટલાં બધાં કામ કરીને પણ તે બેંગલુરુ જઇ મેડલ લઇ આવી એટલે તેના જિમના સરે તો ફી પણ માફ કરી દીધી. રાજ્ય સરકાર તરફથી પણ સન્માન થાત, પણ કોરોનાના ઉપદ્રવને કારણે હાલ આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. તેના પરિવારમાં માતા, ચાર પરિણીત બહેનો અને એક ભાઇ છે. પિતાનું આઠ વર્ષ પહેલાં અવસાન થયું છે. તેને સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરી મળી જાય તે માટે ઘણી સામાજિક સંસ્થાઓએ સરકારને વિનંતી પણ કરી છે. અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલી આ હંમેશાં હસતી રહેતી સપના દિવ્યાંગો માટે સમાજ સેવા પણ કરે છે.

આ પાંત્રીસ વર્ષની ક્ધયાને પૂછ્યું કે હાલ જિંદગી કેવી લાગે છે તો કહે છે, ‘મને પંગુતાનો કોઇ અહેસાસ જ નથી લાગતો. હું મારા કામમાં અને અનેક પ્રવૃત્ત્ોિમાં એટલી બિઝી રહું છું કે બીજું ક્ંઇ વિચારવાનો સમય જ

નથી રહેતો. હંમેશા આનંદમાં જ રહું છું.’

‘મુંબઈ સમાચાર’ સાથે સહજતાથી વાત કરનાર ૩૫ વર્ષની આ ગોરી રૂપાળી ક્ધયાને છેલ્લે પૂછ્યું કે લગ્નની ઇચ્છા ખરી? તો તેણે જવાબ આપ્યો, ‘હા, મારે લાયક કોઇ પાત્ર મળે તો પરણું.’ જોકે, એવું પાત્ર ન મળે ત્યાં સુધી તો એણે એક જ જીવનમંત્ર રાખ્યો છે - વ્યસ્ત રહો અને મસ્ત રહો. આ ખંતીલી છોકરી ખરેખર એક એકથી ચઢિયાતી અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત તો રહે જ છે, પરંતુ એ જે પણ કામ કરે છે એ દિલથી કરે છે અને દરેક પ્રવૃત્તિમાં અવ્વલ પણ આવે છે. કોઇ સાધારણ છોકરી પણ આ દિવ્યાંગ સપના જેટલું કામ નહીં જ કરીશકતી હોય એ નક્કી. મૂળ પાટણ, ઉત્તર ગુજરાતની આ હસમુખી છોકરીને કનૈયાલાલ મુનશીની પ્રખ્યાત નવલકથાના નામ પ્રમાણે પાટણની પ્રભુતા કહીને નવાજીએ તો કંઇ અતિશયોક્તિ નહીં ગણાય.

ઓલ ધ બેસ્ટ સપના. આગામી સ્પર્ધામાં એનું સિલ્વર મેડલ મેળવવાનું સપનું જલદી પૂરું થાય અને એ ગોલ્ડ મેડલ પણ મેળવે એવી શુભેચ્છા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

670i121
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com