24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રીનોકરી ગઈ, ચાકરી કરે છે

કપરો કાળ ચાલી રહ્યો છે. દરેક સ્તરે માણસની કસોટી થઈ રહી છે. ‘ઝિંદગી હૈ ખેલ, કોઈ પાસ કોઈ ફેલ’ જેવો માહોલ છે. કોરોના વાઇરસના ભરડામાં પિસાઈ રહેલો માનવી વિવિધ સ્તરે પીડા ભોગવી રહ્યો છે. કોઈનો બિઝનેસ ઠપ્પ છે તો કોઈએ નોકરી ગુમાવી દીધી છે. આવી પરિસ્થિતિમાં હિંમત હારી જનાર છે તો હિંમત હાર્યા વિના જાતને ગોઠવી દેતા લોકો પણ છે. આ કપરા સમયમાં વડોદરાના એક ગૃહસ્થે નોકરી જતી રહ્યા બાદ હિંમત ગુમાવ્યા વિના ચાકરી કરીને પરિવારને રોટલા ભેગો કરી એક વિલક્ષણ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ચાકરી શબ્દનો ફરજ, ધર્મ, કર્તવ્ય, સેવા કે સારવાર એવો પણ અર્થ થાય છે. મૂળ મહારાષ્ટ્રના રહેવાસી કનૈયાલાલ શિર્કે વડોદરામાં એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા હતા. કોરોનાના સપાટામાં તેમણે નોકરી ગુમાવી. પરિવારના સભ્યો બે ટંક ભોજન મેળવી શકે એ આશય સાથે કનૈયાલાલ શહેરના એક સ્મશાનગૃહમાં રહેવા આવી ગયા. તેમણે જોયું કે અમુક દિવસ તો સ્મશાનમાં મૃતદેહોના અંતિમસંસ્કાર કરવા માટે જાણે કે લાઈન લાગતી હતી. મહામારીના ભયને કારણે મૃતદેહના અંતિમસંસ્કાર કરતાં ખચકાતા લોકોની મદદ કરવા શિર્કે અને તેમનાં પત્નીએ પહેલ કરી. બદલામાં આ પરિવારના ભોજનનો બંદોબસ્ત સ્મશાને આવતા લોકો દ્વારા કરી આપવામાં આવે છે. ચિતા જલાવી પેટની આગ ઠારે છે આ પતિ-પત્ની. સ્મશાનમાં કામ કરતી વખતે થતી ઈજા કે અનુભવાતી પીડાની દરકાર કર્યા વિના તેમનું કામ ચાલુ રહે છે.

આ મહામારીનો ભય એવો છે કે મૃતકના પરિવારના સભ્યો અવસાન પામેલી વ્યક્તિનાં અસ્થિને હાથમાં લેવા તૈયાર નથી હોતા. આવા સમયે શિર્કે પોતે એ અસ્થિ લઈને નદીમાં અર્પણ કરવાની જવાબદારી પણ પૂરી કરે છે. વડોદરાના આ સદ્ગૃહસ્થનો સેવાભાવ જોઈને કેટલાક લોકોએ એને આર્થિક મદદ કરવાની પહેલ કરી છે. અંધારામાં ટમટમતો એક દીવડો પણ ઉજાસ પાથરવાનું કાર્ય કરી શકે છે. કોઈનું દુ:ખ તો દૂર ન કરી શકાય, પણ એનાં આંસુ જરૂર લૂછી શકાય છે. ચારધામની જાત્રા ભલે ન કરી હોય, પણ અંતિમ ધામમાં સેવા કરવી એ બહુ મોટું પુણ્યનું કામ છે.

----------------

ઘડિયાળને ધરતીકંપનો આંચકો

કાંડા ઘડિયાળનું ચલણ ન હતું ત્યારે લોકો સમય જાણી શકે એ માટે ઘડિયાળ ટાવર બનાવવામાં આવતા હતા. આ ટાવર ઘડિયાળના ડંકા સાંભળવા લોકો ભેગા થતા. અલબત્ત હવે ટાવરના ડંકા નથી પડતા કે એવી ઘડિયાળ સમય પણ નથી બતાવતી. હવે ટાવર ઘડિયાળ સંભારણું બની ગઈ છે. આર્થિક જીવન બહેતર બનતાં ભીંત ઘડિયાળ ઘરમાં નજરે પડવા લાગી. જોકે, મોબાઇલમાં સમય જોઈ શકાતો હોવાથી હવે તો કાંડા ઘડિયાળનો ક્રેઝ પણ ઘટી રહ્યો છે. આ પરિસ્થિતિમાં ૧૦૦ વર્ષ જૂની જાપાનની એક ભીંત ઘડિયાળ અચરજનો વિષય બની છે.

આજથી દસ વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૧ના માર્ચ મહિનામાં જાપાનમાં ધરતીકંપે તારાજી સર્જી હતી. રિક્ટર સ્કેલ પર ૯.૦ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપને પગલે સુનામી જોવા મળ્યું હતું જેને પગલે અઢાર હજાર લોકો મૃત્યુ પામ્યા હતા. એ સમયે બુદ્ધ મંદિરમાં રાખવામાં આવેલી એક ક્લોક સુનામીના પાણીના વહેણમાં વહી ગઈ હતી. ૨૦૧૧ના ધરતીકંપ પછી મંદિરના મુખ્ય પૂજારી સકાનો કાટમાળમાંથી એ ક્લોક શોધી કાઢવામાં સફળ રહ્યા હતા. તેમણે એ ભીંત ઘડિયાળ રિપેર કરવાની ઘણી કોશિશ કરી પણ સફળતા ન મળી. કુદરતનો ચમત્કાર કહો કે બીજું જે નામ આપવું હોય એ આપો, આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં જાપાનમાં ૨૦૧૧માં થયો હતો એ જ વિસ્તારમાં ફરી ધરતીકંપ આવ્યો ત્યારે દસ વર્ષ પહેલાં બંધ પડી ગયેલી ભીંત ઘડિયાળ અચાનક ચાલુ થઈ ગઈ. ભૂકંપના બીજે દિવસે પૂજારીજી મંદિરને કેટલું નુકસાન થયું છે એ ચકાસી રહ્યા હતા ત્યારે એમને ઘડિયાળનો ટિક ટિક ટિક અવાજ સંભળાયો અને તેમણે ભીંત પર નજર નાખી ત્યારે ઘડિયાળ ચાલુ થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. આજે અઢી મહિના પછી પણ એ ઘડિયાળ બરાબર ચાલી રહી છે. પૂજારીએ આ ભીંત ઘડિયાળ એક એન્ટિક શોપમાંથી ખરીદી હતી અને ફેબ્રુઆરીના ધરતીકંપના આંચકાએ એને ફરી ધમધમતી કરી દીધી છે. થંભી ગયેલો સમય ફરી એની ગતિએ ચાલવા લાગ્યો છે.

------------------

સસરા સાથે સંસાર

પુત્રવધૂને દીકરીની જેમ રાખવી જોઈએ અને સાસુ-સસરા એ માતા-પિતા છે એવી ઉજ્જ્વળ સંસ્કૃતિ આપણા દેશની છે. અલબત્ત વિચાર અને વ્યવહારમાં ઘણી વખત અંતર રહેતું હોય છે એટલે સાસુ-સસરા પુત્રવધૂ પર કે પછી પુત્રવધૂ સાસુ-સસરા પર સિતમ ગુજારતી હોય એવા બનાવો બનતા હોય છે. જોકે હવે સસરા પુત્રવધૂ સાથે કે પુત્રવધૂ સસરા સાથે સાત ફેરા ફરે એવું બનવા લાગ્યું છે. ત્રણેક વર્ષ પહેલાં બિહારના પટના શહેરમાં જાન ક્ધયાના માંડવે પહોંચી ત્યારે વરરાજા પોતાની ગર્લફ્રેન્ડ સાથે પલાયન થઈ જતાં ક્ધયાના પિતાએ ‘નાઈલાજે’ દીકરીનાં લગ્ન એના સસરા સાથે કરાવી આપ્યા હોવાની ઘટના નોંધાઈ હતી. અલબત્ત આ કેસમાં મજબૂરી અને લાચારી હતાં. આજે આપણે જે વાત કરી રહ્યા છીએ એમાં તો એક મહિલાને સસરા સાથે પ્રેમ થઈ જતાં તેણે એમની સાથે ફેરા ફરી સંસાર માંડી દીધો છે.

વાત વિગતે જાણવા જેવી છે. યુએસએના કેન્ટકી રાજ્યની રહેવાસી ૩૧ વર્ષની એરિકા ક્વિગલે ૬૦ વર્ષના સસરા શ્રીમાન જેફ સાથે પ્રભુતામાં પગલાં માંડી દીધાં છે. ચોંકાવનારી વાત તો એ છે કે એરિકા પરણેલી હતી અને તેણે જેને છૂટાછેડા આપ્યા એ જસ્ટિન ટ્રોવેલ શ્રીમાન જેફનો સાવકો પુત્ર છે. ૩૮ વર્ષના જસ્ટિન સાથે મેરેજ કર્યા ત્યારે એરિકા ૧૮ વર્ષની હતી. જોકે, સાસરે આવ્યા પછી પતિના સાવકા પિતા તરફ એ ઢળવા લાગી. જોકે, બંને વચ્ચે ૩૦ વર્ષનો તફાવત હોવાથી એરિકાએ પ્રેમની વાત જાહેર ન થવા દીધી. અલબત્ત ૨૦૧૭માં પતિ જસ્ટિન સાથેના લગ્નજીવનનો અંત આવી જતાં એરિક અને શ્રીમાન જેફે એકબીજા માટેની લાગણી જાહેરમાં વ્યક્ત કરી દીધી. ૨૦૧૮માં એરિકા અને જેફ પરણી ગયાં અને તેમને ત્યાં એક ક્ધયા રત્નનો પણ જન્મ થયો. આજે પણ એરિક અને જેફ આનંદથી રહે છે અને જસ્ટિને પણ બીજાં લગ્ન કરી લીધાં છે. તાજેતરમાં આપેલી એક મુલાકાતમાં એરિકાએ જણાવ્યું કે ‘અમારી કથા વિચિત્ર લાગી શકે છે, પણ અમને પ્રેમ થઈ ગયો એ હકીકત છે. બે વર્ષ પછી પણ અમારા સંબંધો પર્ફેક્ટ છે. જસ્ટિને કદી અમારી રિલેશનશિપમાં દખલ નથી દીધી. અમે બધા આનંદથી રહીએ છીએ.’ જોડી ઉપરવાળો બનાવે છે એવું કહેવાય છે, પણ આવી જોડીનો મેળ કઈ રીતે બેઠો હશે એ અચરજનો વિષય છે. પ્રેમ આંધળો છે એ ઉક્તિ આવાં યુગલોને જોઈને જ બની હશે.

-------------

સુખપુરા: સુખ પૂરેપૂરું

શિસ્ત અને સાવધાનીનો સરવાળો સરખી રીતે કરવામાં આવે તો જવાબ કેવો સાચો પડે એની અનોખી મિસાલ રાજસ્થાનના સુખપુરા ગામે પૂરી પાડી છે. વિશ્ર્વ સમસ્ત કોવિડ-૧૯ની મહામારીથી ત્રાહિમામ પોકારી રહ્યું છે ત્યારે રાજસ્થાનના આ ગામના રહેવાસીઓ અને આ રોગને બાર ગાઉનું છેટું પડી ગયું છે. અરાવલીના પહાડો વચ્ચે વસેલા આ ગામ પર કાળો કેર વર્તાવવામાં વાઇરસ ફુલ્લી નાપાસ થયો છે.

મહામારીના નેગેટિવ વાતાવરણમાં આ ગામ કોરોનાના એકપણ કેસ વિના પોઝિટિવ એટલે કે હેમખેમ સાબિત થયું છે. અલબત્ત આ કોઈ ચમત્કાર નથી કે નથી કોઈ અત્યાધુનિક મેડિકલ સુવિધાની અસર. આ સુખકારી વાતાવરણ માટે જવાબદાર છે ગામના રહેવાસીઓનું અનુશાસન. ગયા વર્ષે જ્યારે લોકડાઉન લાગ્યું હતું ત્યારે જ ચેતી જઈને ગામડાના લોકોએ બધા મુખ્ય રસ્તાઓ બંધ કરી દીધા હતા. એટલું જ નહીં પણ બહારથી જે કોઈ આવે એની તબીબી તપાસ પણ નિષ્ઠાપૂર્વક કરવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે ગામના પાદરે જ આઇસોલેશન અને ક્વોરન્ટાઇન સેન્ટર ઊભાં કરી દેવામાં આવ્યાં હતાં. આ કેન્દ્રમાં રાખવામાં આવતા લોકોની ખાણીપીણીની વ્યવસ્થા પણ ગામવાસીઓ જ કરતા હતા. સાથે સાથે ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે એને પણ મહત્ત્વ આપવામાં આવ્યું. પરિણામે થયું એવું કે ગામમાં કોરોનાનો એકપણ કેસ વર્ષ દરમિયાન નોંધાયો નથી. રહેવાસીઓ પૂર્ણપણે સુરક્ષિત છે. હિન્દીમાં સુખપુરા એટલે પૂરેપૂરું સુખ અને ગામ આ અર્થને સાર્થક કરી રહ્યું છે.

-------------

હોમરૂલ ચળવળ અને ટિળક

આજે ૨૮ એપ્રિલ. આજથી બરાબર ૧૦૫ વર્ષ પહેલાં એટલે કે ૧૯૧૬ની ૨૮ એપ્રિલે બાળ ગંગાધર ટિળક અને એની બેસન્ટના નેતૃત્વ હેઠળ ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કરવામાં આવી હતી. આપણા દેશની સ્વાતંત્ર્યચળવળનાં મૂળિયાં આ ચળવળથી નખાયાં હોવાનું માનવામાં આવે છે. એ જોતાં સ્વાતંત્ર્યના ઈતિહાસનું આ એક મહત્ત્વનું પ્રકરણ ગણી શકાય. જોશ સાથે શરૂ થયેલી આ ચળવળ રાજકારણીઓમાં અનેરો ઉત્સાહ નિર્માણ કરવામાં સફળ રહી હતી. બ્રિટિશ શાસન પર જબરદસ્ત દબાણ લાવવામાં આ ચળવળ સફળ રહી હતી. જોકે, ૧૯૨૦માં આ હોમરૂલ લીગ કોંગ્રેસમાં ભળી ગઈ હતી. વીસમી સદીના યુરોપના પહેલા ફાસિસ્ટ સરમુખત્યાર બેનિટો મુસોલિનીની હત્યા તેના જ દેશવાસીઓએ ૨૮ એપ્રિલ, ૧૯૪૫ના દિવસે કરી હતી. ૧૯૨૨માં ૩૯ વર્ષની ઉંમરે ઈટાલીના વડા પ્રધાન બની જનાર મુસોલિનીની પડતીની શરૂઆત ૧૯૪૦થી થઈ હતી. એમાંય ઈથિયોપિયા પરના ઈટાલીએ કરેલા હુમલાઓ એના માટે વળતાં પાણી સાબિત થયાં. ૧૯૪૩માં પદભ્રષ્ટ કરી એની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર પછીના સમયમાં પોતે હજી સત્તામાં છે એવું દેશવાસીઓના મગજમાં ઠસાવવાના એના પ્રયાસો નિષ્ફળ રહ્યા અને ૨૮ એપ્રિલ, ૧૯૪૫ના દિવસે એક નાનકડા ગામમાં ઈટાલીના જ એક રાજકીય નેતાએ ગોળી મારીને મુસોલિનીની હત્યા કરી હતી.

ચૂંટણીમાં આચરવામાં આવતી બોગસ વોટિંગની ગેરરીતિ પર પૂર્ણવિરામ મૂકતો એક વિશિષ્ટ નિર્ણય ૨૮ એપ્રિલ, ૨૦૦૮ના દિવસે લેવામાં આવ્યો હતો. મતદાન વખતે મતદારે વોટર આઈડી કાર્ડ પ્રૂફ તરીકે રાખવાના કાયદાને માન્ય રાખતો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો હતો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0058Tu
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com