24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હોડીનું કામ સામાનને કિનારે પહોંચાડવાનું છે
અખાના છપ્પા

શિષ્ય અંગ

સુતર આવે ત્યમ તું રહે, જયમ ત્યમ કરીને હરિને લહે

વેષ-ટેક છે આડી ગલી, પેઠો તે ન શકે નીકળી.

અખા કૃત્યનો ચઢે કષાય, રખે તું કાંઈ કરવા જાય!

પડે નહીં જે પૃથ્વી સૂએ, કને નહીં તે કહો શું ખુએ?

ટાઢું ઊનું નોહે આકાશ, પાણીમાં નોહે માખણ છાશ.

બ્રહ્મજ્ઞાન એવું છે અખા, જ્યાં નહિ સ્વામી, સેવક ને સખા-

કવિ અંગ

જ્ઞાનીને કવિતા ન ગણેશ, કિરણ સૂર્યનાં કેમ વણેશ?

શબ્દ કેરો સઢ કયમ થાય? આકાશ તે ક્યમ તોળ્યું જાય?

એવું વચન અણલિંગી તણું, અખા નહીં કો પર આપણું.

કૃપા અંગ

એક અફીણ બીજો સંસારી રસ, અધિક કરે ત્યમ આપે કસ

જ્યમ જ્યમ અધિકું ખાતો જાય, ત્યમ અંગે અક્કલે હીણા થાય.

જો મૂકે તો મૂકે સરે, નહીં તો અખા તે ખાતો જ મરે.

-કવિ અખો

આજથી આશરે ચારસો વર્ષ પહેલાં અખાનો જન્મ જેતલપુર ગામે થયો. આ ગામ અમદાવાદ શહેર પાસે આવેલું છે. "અખો આપણો હસતો કવિ. આત્માનુભવ પછી કવિ અખાના હાસ્યની ભૂમિકામાં સમગ્ર સમાજ છે. એ આત્મસૂઝથી મોઢું ખોલે છે એટલે એના મોઢામાં સત્ય ખખડતું આવે છે.

સૂતર અર્થાત્ સરળ, સહજ માર્ગ. જે રીતે કુદરત સહાય કરે તે રીતે રહેવું. અને હૈયાસૂઝ પ્રમાણે હરિને મેળવવા. સંતનો વેષ અને ટેક એ તો બાહ્ય પોષાક છે. જાણે કે આડી અર્થાત્ વાંકીચૂંકી ગલીઓ છે, ભુલભુલામણી છે. એકવાર આ ગમ્મતવેષમાં પ્રવેશો એટલે પાછા નીકળવાનો માર્ગ મળતો નથી. કોઈ પણ માનવકૃત્યને કાટ ચઢે છે. . પોતાની રચેલી ભુલભુલામણીમાં પોતે જ ભૂલો પડે છે. કર્મ ન કરવામાં જ કંઈક રહસ્ય છે. સાક્ષાત્કાર કરવો એ કંઈ સહેલી વાત નથી. તો તો ગામેગામ, ઢગલેઢગલા મંત્રવાળા સંતપુરુષ હોત. પરમહંસ તો કરોડોમાં એક જ થાય છે. એને ઢોંગી બનાવવાથી શું ફાયદો? કવિ અખાને લોકોમાં પ્રસિદ્ધ કરનાર હોય તો એમના છપ્પા છે. સમાજમાં પ્રવર્તતી ધાર્મિક અને સામાજિક કુરીતિઓ પર ભાષાના ચાબખા વીંઝીને કવિ અખાએ લોકોમાં જાગૃતિ આણી હતી. સત્યનો ચાબખો જ્યારે હાથમાં વીંઝેલો રાખતા ત્યારે કવિ અખાની વાણીમાં આપોઆપ કટુતા આવતી. ખાસ કરીને લોકોમાં પ્રચલિત ધાર્મિકતા પર કવિ અખાએ કટાક્ષો કરેલા. આમ, સમકાલીન સામાજિક સ્થિતિ પર કવિ અખાએ ચિંતનનું નિરૂપણ કરી આપણને કંઈક કટાક્ષયુક્ત બાનીમાં કહ્યું છે.

બીજા છપ્પામાં શિષ્યરૂપે એક મહાન વાત માનવ કહે છે. જે પૃથ્વીનો ટેકો લઇને સૂએ છે. એ ક્યાંથી પડવાનો? પડવું તો એને માટે શક્ય છે કે જે પૃથ્વીનો આધાર ન લે. જે પોતે ઊંચો ચાલી શકે છે એ જ પોતાની જાદુગરી વિદ્યાથી લોકોને ભોળવી શકે છે. જે આવા ભ્રમથી રીબાતા હોય છે એને ઇશ્ર્વર ક્યાંથી મળવાનો? આકાશને માણસે અનુભવેલી ઠંડકનો અનુભવ છે ખરો? એ જ રીતે ગરમીનો અનુભવ માણસને હોય છે આકાશને હોતો નથી. આકાશ આ બધા અનુભવોથી અલિપ્ત છે. છાશ તો ત્યારે જ વલોવાય છે. જ્યારે માખણ એકઠું થાય છે. એ માખણ રૂપે છાશ પર તરે છે. ખરું જોતાં એ દહીંમાં ઉમેરાતા પાણીનું કર્મ છે. જ્યારે હૃદયમાં બ્રહ્મજ્ઞાન પ્રગટે છે ત્યારે એ વ્યક્તિ સંસારને વલોવીને અનુભવનું માખણ એકઠું કરે છે. જ્યારે આવું જ્ઞાન મળે છે ત્યારે ખરું જોતાં સ્વામી-સેવકનો ભેદ રહેતો નથી.

ત્રીજા છપ્પામાં કવિ અખાના શબ્દો ધ્યાનમાં રાખવા જેવા છે. અખાએ આપેલી કવિની પરિભાષા છે. જ્ઞાનીને ક્યારેય કવિ તરીકે નહીં માની લેતો. કારણ કવિતાનું જન્મસ્થાન માણસનું હૈયું છે. સૂર્ય જાણે કે સ્વયં પ્રકાશિત છે. સૂર્યનાં અનેક કિરણો છે પણ એકાદ સૂર્યકિરણને આપણે સૂર્ય નથી કહેતાં. કિરણો તો નાનાં મોટાં થાય છે. જેમ હોડી કિનારે ઝાઝીવાર ટકી શકતી નથી. એવું સૂર્ય કિરણનું છે એ સતત ગતિ કરે છે. જ્યાં અંધારું છે એને ધોળું ધોળું અજવાળું સર્જે છે. નિરંજન નિરાકાર ઈશ્ર્વરનું પણ એવું જ છે. હોડીમાં રાખેલો સામાન હોડી કંઈ તપાસતી નથી. એનું કાર્ય તો સામાનને પેલે કિનારે પહોંચાડવાનું છે.

છેલ્લા છપ્પામાં કવિ અર્થાત્ એ ખરેખર અનુભવનું જ્ઞાન મેળવી ચૂક્યા હોય છે. એ કહે છે સંસારી રસ તો અફીણ જેવો છે. જેમ જેમ તેનું પાન કરો તેમ તેમ એ વધુ ને વધુ સંસારી બનતો જાય છે, હીન બનતો જાય છે. એ નથી સંસારી અફીણને છોડી શકતો કે નથી એને ગ્રહી શકતો. અને આખરે ખાતાં ખાતાં એ પોતાનો વિનાશ નોતરે છે. કવિ પ્રેમાનંદ પોતાનાં આખ્યાનો દ્વારા જે કંઈ કહેવું છે એ તત્કાલીન પ્રજાને કહે છે પરંતુ પોતાની પ્રતિભાથી અખો સમાજમાં રહેતા અને ધર્મ પાખંડી માનવી માટે પોતે મર્માળું હાસ્ય કરીને જે કંઈ કહેવું હોય તે કહી શકે છે.

અખાના છપ્પા આજે પણ કેટલાક લોકોને, એના વ્યવહારને જોઇને કહેવાનું મન થાય એ જ કવિ અખાનો વિજય છે; હૈયાને કવિના છપ્પા ગળે ઊતરે છે અને બુદ્ધિને એના વ્યવહારુપણાની છાપ આજે પણ અખંડ રૂપે યાદ રહે છે; કવિના ગમતા છપ્પા...

"સુુકૂં જ્ઞાન ને વ્યંડળ મૂછ

કરપી ધન કૂતરાનું પૂછ

એ ચારેથી અર્થ ન થાય,

સામું એબ ઉઘાડે કાય. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4R158530
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com