24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
યે ઉન દિનોં કી બાત હૈ...

કવર સ્ટોરી -દર્શના વિસરીયાહમણાં જ ૨૩મી એપ્રિલના વર્લ્ડ બુક ડેની ઉજવણી કરવામાં આવી અને એ દિવસે ફેસબુક તેમ જ અન્ય સોશિયલ મીડિયા પર જે લોકો વર્ષમાં માંડ એકાદ વખત પુસ્તકને હાથ લગાવતા હોય તેમણે પણ પુસ્તકોના ઢગલાની વચ્ચે કે પુસ્તક હાથમાં પકડીને ફોટો પાડીને વર્લ્ડ બુક ડે ઊજવી નાખ્યો. આજે આપણે ડિજિટલ વર્લ્ડમાં એટલા બધા ખોવાઈ અને ગૂંચવાઈ ગયા છે કે આપણી આસપાસમાં રહેતાં પુસ્તકોના અસ્તિત્વથી સાવ જ અજાણ થઈ ગયા છીએ. ઘણા લોકો માટે તો માત્ર શોકેસમાં શોભાના ગાંઠિયાની જેમ મોટા મોટા અને ફેમસ ઓથરની બેસ્ટ સેલર બુક્સ લગાવીને બસ ઘરને શણગારવાના સાધનથી વિશેષ નથી પુસ્તકો.

જોકે, એક સમય હતો કે જ્યારે આપણી પાસે મોબાઈલ કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ નહોતાં ત્યારે પુસ્તકો અને મેગેઝિન્સ જ આપણા માટે મનોરંજનનું સાધન હતાં અને એથી પણ આગળ વધીને આપણે પુસ્તકોને જ આપણા બેસ્ટ ફ્રેન્ડ માનતા હતા. આજે સમય બદલાયો છે અને એટલે જ કદાચ હવે પુસ્તકોનું અસ્તિત્વ ધીરે ધીરે આપણા માટે નહીંવત્ થતું જઈ રહ્યું છે. પણ શું તમને ખબર છે જૂના જમાનામાં કે જ્યારે પુસ્તકો એકદમ દુર્લભ હતાં એ સમયમાં એને સંભાળીને રાખવા માટે તાળા-ચાવી અને સાંકળનો ઉપયોગ કરવામાં આવતો હતો, ચોંકી ગયાને? કે આખરે એવું તે શું હતું કે આ પુસ્તકોને સાંકળથી તાળું મારીને બાંધી રાખવામાં આવતાં હતાં. આવો જોઈએ ક્યાંથી અને કઈ રીતે શરૂ થઈ આ અનોખી પરંપરા અને આજે તેનું શું સ્ટેટસ છે.

જે સમયે કાગળ કે કોમ્પ્યુટર નહોતાં એ સમયમાં પણ પોતાને લાધેલું જ્ઞાન આવનારી પેઢી માટે લાભદાયી નીવડે એ માટે જે સાધન ઉપલબ્ધ હોય પછી તે શિલાલેખ હોય, તામ્રપત્ર હોય કે કાપડ હોય તેના પર ઉતારી રાખવામાં આવતું હતું. જે તે સમયની મહત્ત્વની ઘટનાઓ અને પ્રસંગોની તવારીખની નોંધ આ જ રીતે આપણા પૂર્વજો રાખતા હતા. આજે તો આપણે કોઈ પણ મહત્ત્વની વાત વાંચી હોય કે તેને યાદ રાખવી હોય તો મોબાઈલના નોટપેડમાં તરત જ ટાઈપ કરીને સેવ કરી દઈએ છીએ, પણ જૂના જમાનામાં તામ્રપત્ર કે પછી આ રીતે શિલાલેખ પર નોંધીને રાખવામાં આવતી હતી. એ વિશે જ તો આપણે વાત કરવાના છીએ. એ પહેલાં થોડી આડ વાત કરી લઈએ... હવે તો પુસ્તક છપાવવાનું કામ અને મેળવવાનું ખૂબ જ સરળ થઈ પડ્યું છે અને પુસ્તકોને કબાટમાં કે શોકેસમાં રાખવાની પણ એક ખાસ પદ્ધતિ છે. આપણે હંમેશાં પુસ્તકને કબાટમાં ઊભાં અને લેખક, પ્રકાશક અને પુસ્તકનું નામ વંચાય એ રીતે રાખતા હોઈએ છીએ.

વર્તમાન કાળમાં તો લાઈબ્રેરીમાં પુસ્તકો કઈ રીતે ગોઠવવામાં આવે છે કે ગોઠવવાં જોઈએ એ શિખવાડવા આખો એક કોર્સ ડેવલપ કરવામાં આવ્યો છે. પણ આજે આપણે જે સમયની વાત કરવી છે તે વખતે પુસ્તક છપાવવાં અને સંભાળવાનાં અઘરાં હતાં. એ સમયમાં પુસ્તકો સંભાળવા માટે તેને સાંકળ અને તાળું લગાવવામાં આવતાં હતાં. વાંચીને ચોંકી ગયાને? સેંકડો વર્ષ પહેલાં પુસ્તકોનું જતન કરવા માટે આ જ રસ્તો સૌથી વધુ સુરક્ષિત માનવામાં આવતો હતો. આજના સમયમાં પુસ્તકો લંબચોરસ કે ચોરસ આકારમાં જોવા મળે છે, પણ જ્યારે પુસ્તકોનું આ સ્વરૂપ નહોતું ત્યારે હાથે લખેલી કૃતિઓને રાઉન્ડવાળીને જાળવી રાખવામાં આવતી હતી. આ માટે કપડાં, ધાતુના વાળી શકાય એવા પાતળા કપડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. પુસ્તકો છાપવાનું કે બાઈન્ડિંગ કરવાનું શરૂ નહોતું થયું એ સમયે પુસ્તક લખવાથી લઈને તેને જાળવવા સહિતનાં તમામ કામ હાથથી જ કરવામાં આવતાં હતાં અને એટલે જ તેનું મૂલ્ય વધારે હતું. મોટા ભાગે મઠના સાધુઓ આ કામ કરતા હતા. પુસ્તક બનાવવામાં ખૂબ મહેનત તો થતી જ પણ એની સાથે સાથે તેને છપાવવામાં પણ ખાસ્સો એવો ખર્ચ થતો એટલે તેની ચોરી થવાનો ભય વધારે રહેતો. હવે પુસ્તક તો લખી લીધું પણ તેની જાળવણી કરવાનું પણ એટલું જ મહત્ત્વનું કામ હતું. એ વખતે મોટા ભાગે મઠમાં જ પુસ્તકાલય જોવા મળતાં અને એટલે મઠનાં પુસ્તકો ગાયબ કે ચોરી ન થઈ જાય એ માટે તેને સાંકળથી બાંધીને તાળું મારીને મૂકવામાં આવતાં હતાં.

આ સિસ્ટમ એટલી બધી લોકપ્રિય થવા લાગી કે લોકો પુસ્તક જે કબાટમાં મૂકવામાં આવ્યું હોય એને એક છેડો બાંધીને રાખતા હતા અને તેનો બીજો છેડો પુસ્તકના કવર પેજ સાથે જોડવામાં આવતો હતો જેથી એ પુસ્તકને એ રૂમ કે કબાટથી દૂર કે બહાર લઈ જઈ ન શકાય. જેને એ પુસ્તક વાંચવું હોય એના માટે કબાટની બાજુમાં જ એક ટેબલની વ્યવસ્થા કરવામાં આવતી, જેથી લોકો પુસ્તક વાંચી શકે. પુસ્તક સાથે અટેચ્ડ કરવામાં આવેલી સાંકળ એટલી લાંબી રહેતી કે સરળતાથી પુસ્તક કાઢી-મૂકી શકાતું અને વાંચી શકાય, પણ તેને રૂમની બહાર લઈ જવાનું અશક્ય હતું. જ્યાં સુધી પુસ્તક છાપવાં અને તૈયાર કરવાં સહેલાં ન થયાં ત્યાં સુધી આ જ સિસ્ટમનો ઉપયોગ કરીને પુસ્તકની જાળવણી કરવામાં આવતી

હતી.

આખી દુનિયાની અનેક લાઈબ્રેરીમાં આ જ સિસ્ટમ રહેતી અને તેમાં પણ યુનાઈટેડ કિંગડમ એટલે કે યુકેના હેઅર ફોર્ડ કેથેડ્રલમાં આવેલી ચેઈન્ડ લાઈબ્રેરી આ સિસ્ટમ માટે ખૂબ જ પ્રખ્યાત હતી અને આ લાઈબ્રેરીની ગણતરી દુનિયાની સૌથી મોટી લાઈબ્રેરીમાં થાય છે.

આજે પણ ત્યાં આ જ રીતે પુસ્તકોને ચેઈન સાથે બાંધીને રાખવામાં આવે છે. આ લાઈબ્રેરીમાં આઠમી સદીમાં હાથથી લખવામાં આવેલાં પુસ્તકો આજે પણ ઉપલબ્ધ છે. આ સિવાય મધ્યકાલીન હસ્તલિખિત પુસ્તકો પણ અહીં જોવા મળે છે અને આજે પણ તેને એ જ રીતે ચેઈન બાંધીને રાખવામાં આવ્યાં છે.

પુસ્તકો ખરેખર આપણા માટે મૂલ્યવાન સંપત્તિ છે, જેનું આપણે જતન કરવું જોઈએ. પણ દુર્ભાગ્યે આપણે આ પુસ્તકો તરફ દુર્લક્ષ સેવીએ છીએ. આ પુસ્તકો જ છે કે જે આપણને જે તે પ્રદેશની સંસ્કૃતિ, ઈતિહાસ, વારસા અને લોકજીવનની માહિતી આપે છે અને એમાં પણ હસ્તલિખિત પુસ્તકો તો દુર્લભ ખજાના સમાન છે.

લાઈબ્રેરીમાંથી પુસ્તક ગાયબ થવાની પ્રથા આજે પણ પૂર્ણપણે બંધ થઈ નથી કે પછી રોકી શકાય એમ નથી. એવા સમયે આ રીતે પુસ્તકોને ચેઈન અને તાળામાં રાખવાની પ્રણાલી ખરેખર પુસ્તકોને ગુમ થતાં, ચોરી થતાં અટકાવે છે. જોકે, આનું બીજું સકારાત્મક પાસું એ પણ છે કે આજની તારીખમાં પણ જો પુસ્તક ચોરી થતું હોય તો એનો અર્થ એ છે કે પુસ્તક વંચાય છે ખરું!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

b6g85f1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com