18-May-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સૈનિક દીકરાના મૃતદેહને શોધવા આકાશ-પાતાળ એક કરતા પિતા!
કવર સ્ટોરી - હિના પટેલ

વૃદ્ધ બાપના ખભે જવાન દીકરાની અર્થી ઊઠે આનાથી મોટું દુ:ખ દુનિયામાં બીજું શું હોઇ શકે, પણ જમ્મુ-કાશ્મીરમાં તો એક બાપના નસીબમાં એ પણ નથી. છેલ્લા આઠ મહિનાથી એક બાપ તેના સૈનિક દીકરાના મૃતદેહને શોધવા માટે જમીન ખોદી રહ્યો છે. દેશની સુરક્ષા માટે પોતાનું જીવન ખર્ચી નાખનાર સૈનિકનો મૃતદેહ શોધવા માટે તેના પિતા આમ વલખાં મારે એ જોઇને ભારતમાતાનું હદય પણ દ્રવી ઊઠ્યું હશે. એમ છતાં અહીંના સ્થાનિક પ્રશાસનના પેટનું પાણીય હલતું નથી. બીજી બાજુ એક પિતા દીકરાના મૃતદેહને શોધીને તેને સંપૂર્ણ સન્માન સાથે દફન કરવા મહિનાઓથી આકાશ-પાતાળ એક કરી

રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં મંઝૂર અહમદ વાગે છેલ્લા આઠ મહિનાથી દરરોજ જમીન ખોદીને તેમના દીકરાનો મૃતદેહ શોધી રહ્યા છે, પણ હજુ સુધી તેમના હાથમાં કંઇ લાગ્યું નથી. મંઝૂર અહમદ વાગેનો દીકરો શાકિર જમ્મુ-કાશ્મીર ટેરિટોરિયલ આર્મીમાં જવાન હતો અને છેલ્લા આઠ મહિનાથી લાપતા છે. આતંકવાદીઓએ હુમલો કરીને બીજી ઑગસ્ટે શાકિરનું અપહરણ કરી લીધું હતું ત્યારથી ૫૬ વર્ષીય પિતા દરરોજ પાવડાથી એ જગ્યાની આસપાસ ખોદકામ કરી રહ્યા છે જ્યાં તેમના દીકરાનાં લોહીથી લથબથ કપડાં મળ્યાં હતાં.

૨૫ વર્ષીય સિપાહી રાઇફલમેન શાકિર બીજી ઑગસ્ટે એટલે કે ઈદના દિવસે પરિવારને મળવા માટે તેમના ઘરે આવ્યા હતા. ઘરે પરિવાર સાથે બપોરનું ભોજન કર્યા બાદ સાંજે શાકિર ત્યાંથી નીકળી ગયા હતા. એક કલાક બાદ શાકિરે ફોન કરીને ઘરે જાણ કરી કે તેઓ તેના મિત્રો સાથે જઇ રહ્યા છે અને સેનાથી જોડાયેલા લોકો આ અંગે પૂછે તો ખુલાસો ન કરે. વાત એમ હતી કે શાકિરનું અપહરણ થઇ ગયું હતું અને અપહરણકર્તાઓએ તેને ફોન કરવાનું કહ્યું હતું. એ જ દિવસે અમુક કલાકો બાદ શાકિરનું વાહન ઘરથી આશરે ૧૬ કિ.મી. દૂર એક ખેતરમાંથી મળી આવ્યું હતું. એક અઠવાડિયા બાદ શાકિરના ઘરથી ત્રણ કિ.મી.ના અંતરે લધુરામાં તેનાં લોહીથી લથબથ કપડાં મળ્યાં હતાં.

મંઝૂરની ભત્રીજી ઉફૈરાએ તેના સપનામાં શાકિર ભાઇને જોયો હતો. શાકિરે તેને જણાવ્યું હતું કે તેનું શરીર એ જગ્યા પર જ દફનાવવામાં આવ્યું છે, જ્યાં તેનાં કપડાં એક ખીણમાંથી મળી આવ્યાં હતાં. બીજા દિવસે જ પાડોશીઓને સાથે લઇને મંઝૂર તેમના દીકરાના મૃતદેહને શોધવા માટે ગયા. આશરે ૩૦ જેટલા લોકોએ કલાકો સુધી ખોદકામ કર્યું તેમ છતાં તેમના હાથમાં કંઇ લાગ્યું નહીં. મંઝૂર છેલ્લા આઠ મહિનાથી શાંતિથી સૂઇ શક્યા નથી. દીકરાનો મૃતદેહ શોધીને તેને સંપૂર્ણ સન્માન સાથે દફનાવવામાં ન આવે ત્યાં સુધી તેઓ જંપીને બેસવાના નથી.

શાકિરના ગુમ થયાના થોડા દિવસો પછી સોશિયલ મીડિયા પર એક ઑડિયો ક્લિપમાં આતંકવાદીઓએ તેની જવાબદારી લીધી હતી. આમાં તેમણે સ્થાનિક આતંકવાદીઓના મૃતદેહને તેમના પરિવારને ન સોંપવાની સરકારની નીતિને લઇને બદલો લેવાની વાત કરવામાં આવી હતી. માર્ચ ૨૦૨૦થી મૂઠભેડમાં માર્યા ગયેલા આતંકવાદીઓના મૃતદેહને તેમના પરિવારવાળાઓને આપવામાં આવી રહ્યા નથી. એવી જ રીતે સૈનિકની હત્યા બાદ તેમના પરિવારને તેમના મૃતદેહ સોંપવામાં આવશે નહીં એમ ઑડિયો ક્લિપમાં જણાવવામાં આવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના સ્થાનિક પોલીસ સ્ટેશનના રેકોર્ડમાં શાકિર ગુમ છે, તેને મૃત જાહેર કરવામાં આવ્યો નથી. પોલીસનું કહેવું છે કે શાકિરની હત્યા બાદ તેને ક્યાં દફનાવવામાં આવ્યો તે અંગે અમારી પાસે કોઇ નક્કર જાણકારી નથી. સ્થાનિક સ્તરે પોલીસ તેનાથી બનતા પ્રયત્નો કરી રહી છે અને જો તેમને કોઇ જાણકારી મળશે તો તેઓ શાકિરના પરિવારને તે અંગે જાણ કરશે.

શાકિરના પિતાને ખાતરી છે કે તેમના દીકરાની હત્યા થઇ ચૂકી છે. તેમણે કહ્યું હતું કે ‘એક મહિલાએ ચાર લોકોને તેને મારતાં અને તડપાવતાં જોયા હતા. શાકિરનાં કપડાં પણ લોહીથી લથબથ હાલતમાં મળ્યાં છે. મંઝૂર ફક્ત એટલું ઇચ્છે છે કે તેના દીકરાને શાંતિથી દફનાવવામાં આવે. આ દુ:ખની ઘડીમાં પણ મંઝૂર વાગેએ તેના દીકરાના મળવાની આશા છોડી નથી. છેલ્લા આઠ મહિનામાં એકપણ એવો દિવસ નથી ગયો કે તેઓ પાવડો લઇને ખોદકામ કરવા ન ગયા હોય.

ચાર દીકરીઓના જન્મ બાદ મંઝૂર અને આયેશા વાગેના ઘરે દીકરા શાકિરનો જન્મ થયો હતો. શાકિરને એક નાનો ભાઇ પણ છે જે કૉલેજમાં ભણતો હતો. શાકિરના મૃત્યુ બાદ તે અલીગઢની કૉલેજમાંથી ભણવાનું છોડીને જમ્મુ-કાશ્મીર પરત ફર્યો છે. મંઝૂરની આર્થિક સ્થિતિ પણ ઘણી નાજુક થઇ ગઇ છે. શાકિર તેમના ઘરનો આધાર હતો. ૨૦૧૬માં જ તે ટેરિટોરિયલ આર્મીમાં જોડાયો હતો.

વાગે એ વાતથી પણ નારાજ છે કે તેમના દીકરાને શહીદનો દરજ્જો આપવામાં આવ્યો નથી. શાકિર એક સૈનિક હતો અને તેણે દેશ માટે તેનું જીવન ન્યોછાવર કરી દીધું. પહેલાં પોલીસ મારા દીકરાને બચાવવામાં અસફળ રહી અને હવે તેના મૃતદેહને શોધવામાં. મારા દીકરાએ ઘણી યાતનાઓ સહન કરી, પણ તે દેશની વિરુદ્ધ ન ગયો. સરકારને હું અપીલ કરું છું કે તેઓ મારા દીકરા શાકિરને શહીદ જાહેર કરે.

દેશ માટે જ્યારે કોઇ સૈનિક જીવનનું બદિલાન આપે છે ત્યારે તેને શહીદ જાહેર કરીને સંપૂર્ણ માનસન્માન સાથે અંતિમવિદાય આપવામાં આવે છે. શાકિર પણ એક સૈનિક હતો. એને માનસન્માન સાથે દફન કરવાનું તો દૂર પણ તેના મૃતદેહને શોધવાનું કામ પણ સ્થાનિક પ્રશાસન કરી શક્યું નથી. દીકરાને છેલ્લી વાર પણ ન જોઇ શકવાનો વસવસો શું હોય એ એક દીકરાના બાપથી વધુ કોઇ સમજી શકે નહીં.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

848q1565
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com