19-April-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ક્રિકેટરની ઈનિંગ્સ પતી ફાંસીને માંચડે
બોલ, બુલેટ અને બ્લડ

કવર સ્ટોરી - પ્રફુલ શાહ‘ક્રિકેટ ફૉર ધ મની, બાય ધ મની ઍન્ડ ઑફ ધ મની’ના રોકડિયા જમાનામાં આ જેન્ટલમેનની રમત (?) હવે સતત ક્યાંકને ક્યાંક ચાલતી જ હોય. આંતરરાષ્ટ્રીય સ્તરે ટેસ્ટ મેચ, વન-ડે, ટી-૨૦ કે આઈ.પી.એલ. જેવી મેચ રમાતી જ રહે છે. ક્રિકેટના ઑવરડૉઝ વચ્ચે એક ક્રિકેટરની સ્ટોરી જાણવા અને સમજવા જેવી છે. આક્રમકતા ક્રિકેટરનો ગુણ ગણાય, પણ એનાથી જીવનમાં કેવું પરિણામ આવી શકે એનું ભુલાઈ ગયેલું ઉદાહરણ છે લેસ્લી જ્યોર્જ હિલ્ટન.

વેસ્ટ ઈન્ડિઝનો આ ક્રિકેટર લેસ્લી હિલ્ટન તરીકે ઓળખાતો. એના જીવનમમાં ભયંકર ચડાવ-ઉતાર. ૧૯૦૫ની ૨૯મી માર્ચે ખૂબ વિપરીત સામાજિક સંજોગોમાં જમૈકાના કિંગસ્ટનમાં જન્મ. પિતાનું નામ સુધ્ધાં ખબર નહીં. પણ ત્રર્ષનો થયો ત્યારે માતાની મમતા ય ગુમાવી બેઠો. બહેન ઉછેર કરવા માંડી ભઈલાનો, પણ લેસ્લી કિશોરાવસ્થામાં પહોંચ્યો એ સાથે બહેનેય જીવનની પીચ પરથી અલવિદા લઈ લીધી. આ બધામાં ટુકડે ટુકડે ભણતર થાય, પણ એના આધારસમા કાકીના અવસાન બાદ સ્કૂલ પણ છૂટી ગઈ. એક દરજીની દુકાનમાં નવશિખિયા તરીકે જોડાયો. ત્યાં બહુ મેળ ન ખાતા ગોદીમાં મજૂરી કરવાની મજબૂરી સ્વીકારી.

આટઆટલી આફતોની સતત વણઝાર વચ્ચે ભલભલા ચમરબંધ ભાંગી પડે, પણ લેસ્લીએ આકરા બાળપણ બાદ વધુ અકલ્પ્ય ઈનિંગ્સ રમવાની હતી. એટલે જ ગરીબ-કંગાળ બાળપણ છતાં લેસ્લીએ એકદમ ખડતલ અને ખેલાડીને શોભે એવું શરીર-સૌષ્ઠવનો સ્વામી. એ સમયે ‘ગુલામના સંતાનો’ તરીકે ઓળખાતા શ્યામ વર્ણ સમાજનો એક - એક ફરજંદ ક્રિકેટ શીખે, માણે અને રમે. નાનકો લેસ્લી પણ નાળિયેરના પાંદડાને બેટ બનાવીને ટેનિસ બૉલથી ક્રિકેટ રમે.

એક તરફ શ્યામવર્ણા ક્રિકેટ શોખીનો અને બીજી બાજુ ક્રિકેટ ક્લબમાં શ્ર્વેત ચામડીની બોલબાલા, પરંતુ સ્પર્ધા તીવ્ર બનતા ઘણી ક્લબ સમાજના નિમ્નસ્તરના ગણાતા તેજસ્વી શ્યામ યુવાનોને તક આપવા માંડ્યા. એમાં લેસ્લીએ પણ અવસર આંચકી લીધો, એક આશાસ્પદ ઑલ રાઉન્ડર તરીકે.

જોકે, એ સમયે જમૈકામાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ખૂબ નહીંવત્ પ્રમાણમાં રમાય, કારણ એ કે અન્ય ક્રિકેટ રમતી વસાહતોથી જમૈકા ઘણું દૂર હતું. સ્પીડ બૉલિંગની ગતિમાં વૈવિધ્ય લાવતા અને સારા બેટ્સમેન એવો લેસ્લી રાહ જોતો હતો.

છ-સાત વર્ષની પ્રતીક્ષા બાદ ૧૯૨૭માં ઈંગ્લૅન્ડની ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે આવી ત્યારે ૨૧ વર્ષના લેસ્લી હિલ્ટનને ફર્સ્ટ ક્લાસ મેચમાં ચાન્સ મળ્યો. ૧૯૨૦ની ૧૯મી ફેબ્રુઆરીએ કિંગસ્ટનના સબીના પાર્કમાં જમૈકાની ટીમ વતી લેસ્લીએ પદાર્પણ કર્યું. આ મેચમાં તેણે બે ઈનિંગ્સમાં ૩૨ અને સાત રન કર્યા પણ એકેય વિકેટ ન મળી. મેલબોર્ન પાર્કની બીજી ફર્સ્ટ ક્લાસ મેચમાં તેણે ઈંગ્લૅન્ડના બેટ્સમેનને પોતાની બૉલિંગનો પરચો બતાવ્યો. ૩૪ રનમાં પાંચ વિકેટ બાદ બીજા દાવમાં ૫૩ રનમાં ત્રણ વિકેટ જમૈકાની ટીમમાં સ્થાન મજબૂત બન્યું, પણ વિન્ડિઝના ઈંગ્લૅન્ડના પહેલા પ્રવાસ માટેની ટીમની પસંદગી માટે રમાયેલી મેચમાં લેસ્લીના દેખાવ સાવ સાધારણ રહ્યો. જોકે, ફાઈનલ ટીમમાંં અવગણા માટે એના પર્ફોર્મન્સ કરતા શ્યામ રંગે વધૂ ભૂંડી ભૂમિકા ઊજવવાનું પ્રેસમાં આવ્યું.

૧૯૨૮માં લીયોનેલ ટેનિસનની આગેવાનીમાં ઈંગ્લૅન્ડની ટીમ વેસ્ટ ઈન્ડિઝ આવી, ત્યારે હિલ્ટન ત્રણે ગણ ફર્સ્ટ મેચ રમ્યો. જમૈકા બે મેચ જીત્યું અને બીજી ડ્રો નિવડેલી મેચના બંને દાવમાં લેસ્લીએ અડધી સદી ફટકારી.

લેસ્લી હિલ્ટન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સાતત્યસભર દેખાવ કરતો રહ્યો, પણ ટેસ્ટ રમવા માટેની પ્રતીક્ષાનો અંત દેખાતો નહોતો. ૧૯૩૪-૩૫માં ઈંગ્લૅન્ડની ટીમ પોતાની સૌથી મજબૂત બેટિંગ લાઈનઅપ સાથે વેસ્ટ ઈન્ડિઝ આવી. પોતાની ૩૦મી બર્થ-ડેના આરે પહોંચેલા લેસ્લી બાર્બાડોઝના બ્રિજટાઉન સ્થિત કેનિંગસ્ટન ઓવલ મેદાનમાં પહેલી ટેસ્ટ માટે પસંદગી થઈ. ૧૯૩૫ની આઠમી જાન્યુઆરીએ શરૂ થયેલી આ મેચમાં સતત વરસાદના વિઘ્નો આવતા રહ્યા. બેટિંગ મુશ્કેલ બનતી ગઈ. એમાંય વ્યૂહાત્મક ડિકલેરેશન વચ્ચે ઈંગ્લૅન્ડ ટેસ્ટ જીતી ગયું પણ હિલ્ટન બરાબરનો ઝળક્યો. બેટ અને બોલ સાથે પણ. પહેલા દાવમાં આઠ રનમાં ત્રણ વિકેટ લીધી, તો બીજી ઈનિંગ્સમાં ૧૯ રન સાથે ટીમનો ટૉપ સ્કૉરર બન્યો. આ પછીની ત્રણેય ટેસ્ટમાં લેસ્લી રમ્યો. આ સિરીઝ વેસ્ટ ઈન્ડિઝ જીત્યું. ઈંગ્લૅન્ડ સામેની આ પહેલી શ્રેણી વિજયના શિલ્પી બોલરમાં એક હતો. લેસ્લી હિલ્ટન-કુલ વિકેટ તેર.

પરંતુ પછી ચાર વર્ષ વેસ્ટ ઈંન્ડિઝ ટેસ્ટ સિરીઝ ન રમ્યું, પરંતુ એક અનોખો વિવાદ કે ડ્રામા એની રાહ જોતા હતા. ૧૯૩૯માં ઈંગ્લૅન્ડ જનારી ટીમમાં લેસ્લીની અલવગણના થવાથી હોબાળો મચી ગયો. અંતે બોર્ડે ખુલાસો કર્યો કે આર્થિક કારણસર એક વધુ ખેલાડી લઈ જવાનું મુશ્કેલ હોવાથી હિલ્ટનને પડતો મુકાયો છે. આ સાથે જમૈકામાં ફાળો ઊઘરાવવાની ઝુંબેશ શરૂ થઈ. અંતે બોર્ડે નમતું જોખીને લેસ્લીનો ટીમમાં સમાવેશ કરવો પડ્યો.

આ ટૂરની શરૂઆત સારી થઈ. એકદમ રૂઢિચુસ્ત એવા ઈંગ્લિશ પ્રેસે એને ‘અચૂકપણે સારો બોલર’ ગણાવ્યો. આ ટૂરમાં ૧૫ ફર્સ્ટ ક્લાસ મેચમાં દેખાવ સારો રહ્યો, પણ બે ટેસ્ટમાં બહુ ઉકાળી ન શક્યો અને ત્રીજી ટેસ્ટમાં ટીમમાંથી આઉટ થઈ ગયો.

સ્વદેશ પાછા ફર્યા બાદ હિલ્ટને ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. છ ટેસ્ટમાં ૭૦ રન કર્યા અને ૧૬ વિકેટ ઝડપી. જ્યારે ૪૦ ફર્સ્ટ ક્લાસ મેચમાં ૮૪૩ રન પ્લસ ૧૨૦ વિકેટ, પરંતુ સમાજમાં માનમોભો વધી ગયો. સારી નોકરી મળી ગઈ.

૧૯૪૦માં લૌરીન રૉઝ સાથે આંખ મળી અને દિલ પણ. સામાજિક અંતરને લીધે લૌરીનના પરિવારે વિરોધ કર્યો, પણ બંને ૧૯૪૨માં પરણી ગયા. સુખમાં દિવસો વીતતા હતા અને ૧૯૪૭માં દીકરો આવ્યો.

આ સુખી દામ્પત્ય જીવન વચ્ચેય લૌરીનનું ફેશન ડિઝાઈનર બનવાનું સપનું ધબકતું હતું. આને લીધે એ લાંબો સમય ઘરથી દૂર રહે. આ શાંત સુખી જીવનના જળમાં ધબાક કરતો પથરો પડ્યો ૧૯૫૪ના એપ્રિલમાં.

હિલ્ટનને ન્યૂ યોર્કથી એક નામઠામ વગરનો લેટરબૉમ્બ મળ્યો: તારી પત્નીને રૉય ફ્રાંસિસ નામના મસાનોના-લફડેબાજ સાથે આડા સંબંધ છે. એકદમ અસ્વસ્થ થઈ ગયેલા હિલ્ટને પ્રતિભાવ આપતા અગાઉ કુટુંબીઓ સાથે ચર્ચા કરી. પછી ટૂંકો તાર મોકલ્યો કે જલદી ઘરે પાછી ફર. સામેથી જવાબ મળ્યો: ‘ફિકર ન કર. બધું રૂડું થશે. પત્ની તરફથી અઢળક સ્નેહ.’

ઘરે આવીને લૌરીને આખી વાતને અફવામાં ખપાવી દીધી. આરંભિક તંગદિલી ઓગળી ગઈ. સૌને થયું કે હવે ખાધુંપીધું ને રાજ કરવા જેવો અંત આવશે આ લવ-સ્ટૉરીનો.

પણ કોઈ જાણતું નહોતું કે લૌરીન ઘરે પાછી ફરી એ જ દિવસે લેસ્લીએ પોતાની રિવૉલ્વર માટે ઘણાં કારતુસની ખરીદી કરી હતી. આસપાસ ગુનાખોરી, ખાસ તો લૂંટફાટ વધતા સલામતી માટે આ જરૂરી હોવાનું લેસ્લીએ જાહેર કર્યું.

બંનેના સંબંધમાં સપાટી પર શાંતિ હોવા છતાં લેસ્લી અસ્વસ્થ હતો. હજી શંકાએ કેડો મૂક્યો નહોતો. એમાં પાંચમી મેએ લેસ્લીને માહિતી મળી કે લૌરીને એક ટપાલ લખીને પૉસ્ટ ઑફિસ મોકલાવી છે. એ ટપાલ ઘર પહોંચી ગયો પણ પત્ર મેળવી ન શક્યો. મોડી રાતે લેસ્લીએ લૌરીન સાથે વાદવિવાદ શરૂ કર્યો કે તે ફ્રાંસિસને જ પ્રેમ-પત્ર મોકલ્યો છે. બંને પક્ષે ગરમાગરમી વધવા માંડી. આવેશમાં લૌરીન બોલી ગઈ: ‘મારે મમ્મી-પપ્પાની સલાહ માનવાની જરૂર હતી, કારણ કે આપણા બંનેનો ક્લાસ એકદમ અલગ છે. હવે હું પ્રેમ કરું છું એવો પુરુષ મને મળી ગયો છે અને તું અમારા માર્ગમાં વચ્ચે આવી ન શકે. હા, મેં એની સાથે સહશયન કર્યું છે. મારું શરીર હવે એનું છે...’

આ લેસ્લી હિલ્ટને કહેલું વર્ઝન છે, જે મુજબ પછી લૌરીને બેડરૂમમાંથી રિવૉલ્વર આંચકી લીધી, એના પર ગોળી છોડી જે નિશાન ચુકી ગઈ. પછીની ઝપાઝપીમાં શું થયું એ પોતાને ન દેખાયું પણ અચાનક મને ચોમેર લોહી જ લોહી દેખાયું. મને ભાન થયું કે મે લૌરીનને ગોળી મારી છે.

તાત્કાલિક મેડિકલ હેલ્પ મળવાથી જીવ બચી ગયો હોત કે નહીં એ સવાલ છે. ખુદ લેસ્લીએ પોલીસને બોલાવી અને રાતે બનેલી ઘટનાનું વર્ણન કર્યું. ક્રિકેટર તરીકે લેસ્લીનું જમૈકામાં ઘણું નામ અને માન. જબરદસ્ત હોબાળો મચવાનું સ્વાભાવિક હતું.

લેસ્લીની તરફેણમાં એક મુદ્દો હતો કે પત્નીની ઉશ્કેરણીને પગલે આવેશ, આવેગ કે ક્રોધમાં તેણે ગોળીબાર કર્યો હોઈ શકે. આયોજનબદ્ધ કાવતરું કે ખૂન ન લાગે તો સજામાં રાહત મળે. અદાલતમાં લેસ્લીએ કરેલા ઘટનાના વર્ણનને ઉપજાવી કાઢેલું ગણાવાયું, પરંતુ એક અબોલ પુરાવાએ લેસ્લીની બોલતી બંધ કરી દીધી.

લૌરીનના મૃતદેહમાંથી સાત ગોળી મળી. એટલે કે એક વખત છ કારતુસવાળી રિવૉલ્વર ખાલી થઈ ગયા બાદ તેણે બુલેટ ફરીથી ભરી હતી. આ તો ઈરાદાપૂર્વકની હત્યા થઈ કહેવાય ને? લેસ્લીએ બચાવ કર્યો કે મેં તો આપઘાત કરવા માટે ફરી રિવૉલ્વર રિલોડ કરી હતી. પણ તો પછી સાતમી ગોળી પત્નીના શરીરમાં કેવી રીતે પહોંચી એ લેસ્લી ગળે ઊતરે એવી રીતે સમજાવી ન શક્યો.

૧૯૫૪ની ૨૦મી ઑક્ટોબરે જ્યુરીએ લેસ્લીને દોષિત જાહેર કર્યો ને જજે ફાંસીની સજા ફરમાવી. જમૈકાની સુપ્રીમ કોર્ટે ૧૯૫૫ની જાન્યુઆરીમાં સજા સામેની અપીલ ફગાવી દીધી. લંડનની પ્રાઈવી કાઉન્સિલમાં એ જ થયું. જમૈકાના ગવર્નરે પણ માફીની અરજી નકારી કાઢી.

લેસ્લી હિલ્ટનની ફાંસીની સજાના એક દિવસ અગાઉ બાર્બાડોઝમાં વેસ્ટ ઈંન્ડિઝ ટેસ્ટ મેચ રમી રહ્યું હતું. જમૈકાનો ખેલાડી જે. કે. હોલ્ટ એક પછી કેચ છોડતો હતો. અચાનક સ્ટેડિયમમાં પ્રેક્ષકો બેનર ફરકાવવા માંડ્યા, જેના પર લખ્યું હતું: હૅંગ હૉલ્ટ, સેવ હિલ્ટન. હા, હોલ્ટને ફાંસીએ લટકાવો, હિલ્ટનને બચાવી લો.

પણ એવું શક્ય નહોતું. ૧૭મેની સવારે સેંટ કેથરીન ડિસ્ટ્રિક્ટ જેલ બહાર ભારે મેદની એકઠી થઈ હતી. જીવનનો છેલ્લો બ્રેકફાસ્ટ લેવાનો ઈનકાર કર્યા બાદ લેસ્લીને ફાંસી પર લટકાવ્યા બાદ જેલની અંદર જ દફનાવી દેવાયો.

ઘણાં એવું માનતા કે લેસ્લી હિલ્ટન એટલે જમૈકાના મજૂર વર્ગમાં જન્મેલી વ્યક્તિ માટે જીવન કેટલું દુષ્કર હોઈ શકે.

ક્રિકેટના મેદાનમાં કોઈ વિક્રમ ન રચી શકેલા લેસ્લી જ્યોર્જ હિલ્ટન (૨૯ માર્ચ, ૧૯૦૫-૧૭ મે, ૧૯૫૫) આજ સુધી વિશ્ર્વનો એક માત્ર ક્રિકેટર છે કે જેની ફાંસીની સજા થઈ હોય.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

60G3Qe02
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com