19-April-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગુજરાતમાં કૉંગ્રેસ સાવ પતી ગઈ, હવે આપ પર નજર

એકસ્ટ્રા અફેર - રાજીવ પંડિત



ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા બીજા ને અંતિમ તબક્કાના મતદાનનું પણ પરિણામ આવી ગયું ને આ ચૂંટણીમાં પણ ભાજપનો જયજયકાર થઈ ગયો છે. ગયા મંગળવારે રાજ્યનાં છ મોટાં શહેરોમાં ભાજપે કૉંગ્રેસનાં સૂપડા સાફ કરી નાંખેલાં. ગયા મંગળવારે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એ છ મહાનગરપાલિકાઓની ચૂંટણીનાં પરિણામ જાહેર થયેલાં. આ પરિણામોમાં ભાજપનો જયજયકાર થઈ ગયો હતો ને કૉંગ્રેસનો સફાયો થઈ ગયો હતો. કૉંગ્રેસને આ આઘાતની કળ વળે એ પહેલાં અઠવાડિયામાં તેને બીજો મોટો મરણતોલ ફટકો વાગ્યો છે ને જિલ્લા-તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓમાં પણ કૉંગ્રેસનું ફીડલું વળી ગયું છે.

મંગળવારે રાજ્યની ૩૧ જિલ્લા પંચાયતો, ૮૧ નગરપાલિકાઓ અને ૨૩૧ તાલુકા પંચાયતોનાં પરિણામ આવ્યાં તેમાં કૉંગ્રેસને સમ ખાવા પૂરતી એક પણ જિલ્લા પંચાયતમાં સત્તા નથી મળી કે તાલુકા પંચાયતમાં જીત મળી નથી. નગરપાલિકાઓમાં પાંચ-સાત એવી રડીખડી નગરપાલિકાઓ છે કે જ્યાં કૉંગ્રેસ જીતી છે પણ એ જીત પણ બહુ હરખાવા જેવી નથી. રાજ્યમાં ૮૧ નગરપાલિકાની ચૂંટણી હતી ને તેમાંથી કૉંગ્રેસ આઠ નગરપાલિકા કબજે કરે તો પણ એ દસ ટકા પણ ના કહેવાય. આટલી નગરપાલિકા તો અપક્ષો પણ જીતી જતા હોય છે એ જોતાં આ પરિણામ નગણ્ય કહેવાય ને કૉંગ્રેસ સાવ સાફ થઈ ગઈ છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

કૉંગ્રેસ માટે આ હાર કારમી એટલા માટે છે કે મોટા ભાગની જિલ્લા અને તાલુકા પંચાયતો કૉંગ્રેસે જીતી હતી. નગરપાલિકાઓ અર્ધ શહેરી વિસ્તાર છે ને આ વિસ્તારોમાં ભાજપનો દબદબો છે તેથી મોટા ભાગની નગરપાલિકાઓ ભાજપ પાસે જ હતી પણ જિલ્લા-તાલુકા પંચાયતો કોંગ્રેસના કબજામાં હતી. છેલ્લે ૨૦૧૫માં જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી થઈ ત્યારે ૩૧ જિલ્લા પંચાયતમાંથી ૨૩ અને ૨૩૦ તાલુકા પંચાયતમાંથી ૧૬૯ કૉંગ્રેસે જીતી હતી. એ વખતે એવું લાગતું હતું કે, આ જીતના કારણે ગુજરાતમાં કૉંગ્રેસ ફરી બેઠી થઈ જશે. કૉંગ્રેસે એ પછી ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પણ જોરદાર દેખાવ કરીને ૭૭ બેઠકો જીતી ત્યારે આ વાત સાચી પડતી લાગતી હતી પણ માત્ર ત્રણ જ વર્ષમાં ચિત્ર બદલાઈ ગયું છે. કૉંગ્રેસ મોંભેર પછડાઈ છે ને સાવ પતી ગઈ છે. એક પણ જિલ્લા કે તાલુકા પંચાયત એ ના જીતી શકે તેનાથી વધારે શરમજનક કશું ના કહેવાય.

ગુજરાતમાં ૧૯૮૫ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે ૧૮૨માંથી ૧૪૯ બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો એ પછી કૉંગ્રેસ બે વાર હરખાઈ જવાય એવો દેખાવ કરી શકી છે. ૨૦૦૦માં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા એ વખતે કૉંગ્રેસ ભાજપને ધોળે દાડે તારા દેખાડી દીધા હતા. ૨૦૦૦માં ૨૫ જિલ્લા પંચાયતની ચૂંટણી થઈ તેમાંથી ૨૩ જિલ્લા પંચાયત કૉંગ્રેસે કબજે કરી હતી. છ મહાનગરપાલિકામાંથી સુરતને બાદ કરતાં ભાજપે બાકીના શહેરી ગઢ ગુમાવ્યા હતા. ભાજપ ૧૯૭૭થી રાજકોટ મહાનગરપાલિકામાં સત્તા ભોગવતો હતો પણ ૨૦૦૦માં તેનો કારમો પરાજય થયો હતો. ૨૩ વર્ષ પછી ભાજપે રાજકોટમાં સત્તા ગુમાવી હતી. ભાજપ અમદાવાદમાં ૧૯૮૭થી સત્તામાં હતો અને ૧૩ વર્ષ પછી સત્તા ગુમાવી હતી. રાજકોટ અને અમદાવાદ બંને વરસો જૂના ભાજપના ગઢ ધરાશાયી થયા હતા. નગરપાલિકાઓ અને નગર પંચાયતોમા પણ ભાજપની આબરૂનો કચરો થઈ ગયો હતો.

ગુજરાતમાં ૨૦૧૫ની ચૂંટણી વખતે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતાં. પાટીદાર અનામત આંદોલનના કારણે પટેલો ભારે નારાજ હતા. પટેલોએ અનામતની માગણી સાથે આંદોલન કર્યું તેને કચડી નાંખવા માટે આનંદીબેન પટેલ સરકારે સખ્તાઈ બતાવી તેમાં પટેલો ભડકી ગયેલા. આનંદીબેન પટેલની સરકારે હાર્દિક પટેલ સહિતના પટેલ અનામત આંદોલનના નેતાઓ સામે રાજદ્રોહનો કેસ ઠોકીને જેલમાં ધકેલી દીધા તેનો બદલો લેવા પાટીદારોએ ભાજપ વિરુદ્ધ કચકચાવીને મતદાન કરેલું. તેમાં કૉંગ્રેસનો જયજયકાર થઈ ગયેલો પણ પાંચ વર્ષ પછી સ્થિતી બદલાઈ ગઈ છે. હવે પાટીદારો કૉંગ્રેસ સાથે નથી ને ભાજપ સાથે છે તેથી કૉંગ્રેસ સાવ પતી ગઈ છે.

ભાજપ માટે આ જીત બહુ મોટી છે પણ નવી નથી. ગુજરાતમાં ભાજપે અઢી દાયકાથી ખિલા ઠોકેલા છે ને આ જીત કરતાં પણ મોટી જીત મેળવી છે. બલ્કે ભાજપ તો સતત જીતતો જ રહ્યો છે. ૨૦૦૦ અને ૨૦૧૫ તેમાં અપવાદરૂપ છે અને એ સિવાયની બાકીની તમામ ચૂંટણીમાં ભાજપ જીત્યો છે ને તેમાંથી બે તો લોકસભાની ચૂંટણી છે કે જેમાં ભાજપે કૉંગ્રેસને સાવ સાફ કરીને તમામ ૨૬ બેઠકો જીતી છે. ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓ ભાજપની જીતમાં શિરમોર છે. આ જીત તેના કરતાં મોટી નથી પણ ભાજપે ૨૦૧૫માં ગુમાવેલી આબરૂ પાછી મેળવી છે એ રીતે મોટી જીત ચોક્કસ કહેવાય.

ભાજપની જીતના કારણો વિશે જોરશોરથી ચોવટ ચાલી રહી છે. ભાજપની સંગઠનની શક્તિ, વિજય રૂપાણી સરકારની સારી કામગીરી, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની જોરદાર વ્યૂહરચના વગેરે કારણો ભાજપની જીત માટે કારણભૂત ગણાવાય છે. સી.આર. પાટિલ નવાસવા પ્રમુખ બન્યા છે તેથી તેમની તારીફમાં કસિદા પઢાઈ રહ્યા છે. ચઢતા સૂરજને સૌ પૂજે એ જોતાં પાટીલનાં વખાણ થાય તેમાં કશું ખોટું નથી. આ બધાં કારણોએ ભાજપની જીતમાં યોગદાન આપ્યું હશે તેમાં પણ શંકા નથી પણ સૌથી મોટું કારણ એ છે કે, ગુજરાતમાં ભાજપનો મુકાબલો કરવાની કૉંગ્રેસમાં તાકાત જ નથી.

ભાજપ ગુજરાતમાં મજબૂત છે ને તેનો યશ નરેન્દ્ર મોદીને જાય છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીના સમયથી ભાજપની હિંદુવાદી પાર્ટી હોવાની છાપ છે તેનો લાભ ભાજપને મળે છે. મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કરેલી કામગીરીનાં ફળ પણ હજુ ભાજપ ચાખી રહ્યો છે તેમાં શંકા નથી. આ બધાં કારણે ભાજપ મજબૂત છે જ પણ તેની નબળાઈઓ પણ છે. કેન્દ્ર અને રાજ્ય બંને ઠેકાણે ભાજપની સરકારો છે. આ સરકારો કંઈ રામરાજ્ય નથી લાવી. બલ્કે કૉંગ્રેસના શાસનમાં હતી એટલી જ તકલીફો અત્યારે પણ છે જ.

આજે પણ મોંઘવારી, બેરોજગારી સહિતની સમસ્યાઓ છે. પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ સામે લોકોમાં ભારે આક્રોશ છે પણ તકલીફ એ છે કે, આ આક્રોશનો લાભ લેવાની કૉંગ્રેસમાં તાકાત જ નથી. કૉંગ્રેસના નેતાઓમાં કોઈ કરિશ્મા નથી કે લોકો સાથે સંપર્ક નથી ધરાવતા. એ લોકો અંદરોઅંદર ટાંટિયાખેંચ ને સગાવાદમાંથી ઉપર આવતા નથી. લોકોનું શું થાય છે તેની તેમને પડી જ નથી તેના કારણે લોકો કૉંગ્રેસને મત આપવા જ માગતા નથી. આ હાર તેનું જ પરિણામ છે.

આ પરિણામોએ સાબિત કર્યું છે કે, ગુજરાતમાં હવે કૉંગ્રેસ સાવ પતી ગઈ છે ને તેને કોઈ બેઠી કરી શકે તેમ નથી. કૉંગ્રેસ પાસે નેતાગીરી નથી, સંગઠન નથી, જનાક્રોશનો લાભ લેવાની તાકાત નથી, મતદારોને આકર્ષવાની ક્ષમતા નથી ને બીજું ઘણું નથી. આ બધાં કારણોમાં સુધારો કરવાની દાનત નથી એ જોતાં કૉંગ્રેસ સત્તામાં તો આવે એવી શક્યતા જ નથી પણ વિપક્ષ તરીકે પણ ચાલે એમ નથી એ જોતાં ગુજરાતની પ્રજાએ કૉંગ્રેસના નામનું નાહી જ નાંખવું જોઈએ.

ગુજરાતની ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં ભાજપને પોતાની તાકાત અજમાવવાની છેલ્લી તક આ ચૂંટણી હતી. આ ચૂંટણીમાં ભાજપનો ડંકો વાગી જતાં હવે ભાજપ માટે ૨૦૨૨ની ચૂંટણી સરળ થઈ ગયેલી લાગે છે પણ સામે મજબૂત વિપક્ષ જરૂરી જ છે. લોકશાહીમાં મજબૂત વિપક્ષ જરૂરી છે એ જોતાં ગુજરાતમાં ભાજપની સર્વોપરિતા સ્થપાય એ સારું ના કહેવાય પણ અત્યારે આ વાસ્તવિકતા છે. આ વાસ્તવિકતા ક્યારે બદલાશે એ ખબર નથી પણ આ વાસ્તવિકતાએ ગુજરાતમાં અન્ય પક્ષો માટે એક તક ઊભી કરી છે તેમાં શંકા નથી. ખાસ કરીને આમઆદમી પાર્ટી માટે એક સારી તક આ સમીકરણોએ ઊભી કરી દીધી છે.

આમઆદમી પાર્ટીએ જિલ્લા-તાલુકા પંચાયતોમાં એટલો સારો દેખાવ નથી કર્યો. તેનું કારણ એ કે, ઉમેદવારીપત્રો ભરાતાં હતાં ત્યારે આમઆદમી પાર્ટીને કોઈ ગંભીરતાથી લેતું નહોતું તેથી તેમાં જોડાવા કોઈ તૈયાર નહોતું. આપ પાસે કાર્યકરો પણ નહોતા તેથી તેણે જે મળ્યા એવા ઉમેદવારોને ઊભા કરી દીધા. ટૂંકમાં આપના ઉમેદવારો એવા મજબૂત નહોતા ને મતદારોને પણ તેનામાં ભરોસો નહોતો. હવે સ્થિતિ બદલાઈ છે અને આમ આદમી પાર્ટીને મતદારો ગંભીરતાથી લેવા માંડ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમઆદમી પાર્ટીએ કૉંગ્રેસને સાવ સાફ કરીને ૧૨૦માંથી ૨૭ બેઠકો જીતી પછી લોકોને લાગે છે કે, આપ કૉંગ્રેસને વિકલ્પ બની શકે છે.

સુરતમાં પાટીદારો અને ખાસ તો સૌરાષ્ટ્રના પાટીદારો આમઆદમી પાર્ટીના પડખે થયા છે. તેમની મદદથી આપ સૌરાષ્ટ્રમાં પગપેસારો કરવામા સફળ થઈ છે ને ધીરે ધીરે તેની તાકાત વધારી શકે એ જોતાં ભવિષ્યમાં આપ મુખ્ય વિરોધ પક્ષ તો બની જ શકે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

70805FF
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com