19-April-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
તૈબુ વિકેટ લેનાર પહેલો વિકેટકીપર બનેલો

રેકોર્ડ બુક - યશ ચોટાઈ૨૦૦૪ની સાલના મે મહિનામાં હરારેમાં અજબ કિસ્સો બની ગયો હતો. યજમાન ઝિમ્બાબ્વે અને શ્રીલંકા વચ્ચે સિરીઝની પહેલી ટેસ્ટ રમાઈ હતી. એમાં ઝિમ્બાબ્વેએ પહેલા દાવમાં કૅપ્ટન અને વિકેટકીપર ટાટેન્ડા તૈબુના ૪૦ રન અને પ્રોસ્પર ઉત્સેયાના ૪૫ રનની મદદથી ૧૯૯ રન બનાવ્યા ત્યાર પછી શ્રીલંકાએ ૫૪૧ રન બનાવ્યા હતા.

જોકે, શ્રીલંકાની એ ઇનિંગ્સ વિશેની ખૂબી એ હતી કે એમાં ૧૫૭ રન બનાવનાર

ઓપનર સનથ જયસૂર્યાની વિકેટ ઝિમ્બાબ્વેના વિકેટકીપર ટાટેન્ડા તૈબુએ લીધી હતી. તૈબુએ જયસૂર્યાને ડગ્લસ હૉન્ડોના હાથમાં કૅચઆઉટ

કરાવ્યો હતો.

જયસૂર્યા અને ૧૭૦ રન બનાવનાર સાથી-ઓપનર માર્વન અટાપટ્ટુ વચ્ચે ૨૮૧ રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. જયસૂર્યા ૧૫૭ રન પર હતો ત્યારે અચાનક નવી ઓવરની પહેલાં ૨૦ વર્ષીય વિકેટકીપર ટાટેન્ડા તૈબુ (જેની એ ૧૫મી ટેસ્ટ હતી અને કૅપ્ટન તરીકે પહેલી જ હતી) સ્ટમ્પ્સની પાછળથી આગળ આવ્યો હતો અને પૅડ ઉતારીને પોતે બોલિંગ કરશે એવો નિર્ણય સાથીઓને બતાડ્યો હતો. તૈબુએ પોતાની એ પહેલી જ ઓવરમાં જયસૂર્યાને આઉટ કરીને અટાપટ્ટુ સાથેની લાંબી ભાગીદારી તોડી હતી. એ સાથે, તૈબુ ટેસ્ટ-ક્રિકેટમાં હરીફ ટીમની વિકેટ લેનાર પ્રથમ વિકેટકીપર બન્યો હતો.

તૈબુએ ટેસ્ટમાં બોલિંગ કરી હોવાનો એ એક જ કિસ્સો હતો. જોકે, વન-ડેમાં તેણે બે વિકેટ લીધી છે.

ગ્રેમ નીકળી ગયા અને અમ્પાયરે

‘રિટાયર્ડ આઉટ’ જાહેર કર્યા

૧૯૬૭થી ૧૯૭૨ સુધી ઑસ્ટ્રેલિયા વતી પાંચ ટેસ્ટ-મૅચ રમનાર ઑલરાઉન્ડર ગ્રેમ વૉટ્સને ડોમેસ્ટિક ક્રિકેટમાં ત્રણ સ્ટેટ-ટીમ (વિક્ટોરિયા, વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા, ન્યુ સાઉથ વેલ્સ)નું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૧૯૭૧માં પર્થમાં શેફીલ્ડ શીલ્ડ ટુર્નામેન્ટમાં તેમનો અજબ કિસ્સો બની ગયો હતો. વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા વતી રમતી વખતે ક્વીન્સલૅન્ડ સામેની મૅચમાં તેઓ ૧૪૫ રન પર હતા અને લેફ્ટ-આર્મ બોલર વૉરવિક નેવિલના એક બૉલમાં તેમણે કટ મારતાં બૉલ ગલીની દિશામાં ગયો હતો.

ગ્રેમને થયું કે પોતે ગલીમાં ડૉન ઍલનના હાથમાં કૅચઆઉટ થઈ જ ગયા હશે. એવું માનીને ગ્રેમ ક્રીઝમાંથી નીકળી ગયા અને પૅવિલિયન તરફ ચાલવા લાગ્યા હતા. અમ્પાયરે તો ગ્રેમને આઉટ નહોતા આપ્યા, પણ ગ્રેમ પોતે નીકળી ગયા હતા. રમત પૂરી થયા બાદ અમ્પાયરે ગ્રેમને કહ્યું કે તમારો કૅચ પકડાયો જ નહોતો. આવું કહીને અમ્પાયરે સ્કોરર્સને સૂચના આપી કે ગ્રેમની વિકેટને ‘રિટાયર્ડ આઉટ’ તરીકે નોંધજો. જોકે, અહીં એ નથી સમજાતું કે ગ્રેમ મેદાન છોડીને જઈ રહ્યા હતા ત્યારે કેમ અમ્પાયરે તેમની સામે આ ખુલાસો નહોતો કર્યો?

ગયા વર્ષે ‘કોરોનાકાળની શરૂઆતમાં’ ૨૪મી એપ્રિલે ગ્રેમ વૉટ્સનનું ૭૫ વર્ષની ઉંમરે કૅન્સરની બીમારીને કારણે અવસાન થયું હતું.

ગ્રેમ વૉટ્સનનો ૧૯૭૧ની સાલ જેવો કિસ્સો દાયકાઓ પહેલાં (૧૮૭૦માં) લંડનના ઓવલમાં બન્યો હતો.

એક મૅચમાં ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જેમ્સ સધરટને શૉટ માર્યા પછી તેમને થયું કે પૉઇન્ટ પર ઊભેલા ડબ્લ્યુ. જી. ગ્રેસે તેમનો કૅચ પકડી જ લીધો હશે. જોકે, ન તો કોઈએ અપીલ કરી હતી અને ન તો અમ્પાયરે સધરટનને આઉટ જાહેર કર્યા હતા. જોકે, સધરટન ક્રીઝ છોડી ગયા હતા. તેમને પાછા બોલાવવામાં આવ્યા હતા, પરંતુ પાછા નહોતા આવ્યા એટલે તેમણે એ ઇનિંગ્સ ગુમાવી હતી.

જોય્સ અટકવાળા બે ભાઈઓ હરીફ ટીમ વતી રમ્યા

૨૦૦૬માં એક વન-ડે ઇન્ટરનેશનલ એવી રમાઈ ગઈ જેમાં જોય્સ અટકવાળા બે સગા ભાઈઓ હરીફ ટીમમાં હતા. બન્નેનો જન્મ આયર્લેન્ડના ડબ્લિન શહેરમાં થયો હતો.

બેલફાસ્ટની એ મૅચમાં એડ જોય્સ ઇંગ્લૅન્ડ વતી રમ્યો હતો. તેણે દાવની શરૂઆત કરી હતી. ત્યાર પછી આયર્લેન્ડની ઇનિંગ્સ આવી ત્યારે એડનો નાનો ભાઈ ડોમિનિક જોય્સ પ્રથમ બૉલ રમ્યો હતો. જોકે, તે ત્રીજા જ બૉલમાં આઉટ થઈ ગયો હતો. સ્ટીવ હાર્મિસને તેની વિકેટ લીધી હતી.

નવાઈ એ વાતની છે કે પછીથી ઇંગ્લૅન્ડનો એડ જોય્સ આયર્લેન્ડ વતી રમ્યો હતો. ૨૦૧૮માં ડબ્લિનમાં આયર્લેન્ડની પાકિસ્તાન સામે ટેસ્ટ હતી જેમાં એડ આયર્લેન્ડ વતી રમ્યો હતો. આયર્લેન્ડની એ સૌપ્રથમ

ટેસ્ટ હતી.

એડ અને ડોમિનિકનો ત્રીજો ભાઇ ગસ જોય્સ ૨૦૦૦ની સાલમાં બિનસત્તાવાર ઇન્ટરનેશનલ મૅચમાં રમ્યો હતો. તેમની બે બહેનો (ટ્વિન્સ) સેસિલિયા અને ઇસોબેલ ઘણાં વર્ષો સુધી આયર્લેન્ડ વતી રમી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

V3t65N
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com