| સો વર્ષની હાથણીનું ધ્યાન રાખે છે મદનિયાં |
|  દુહાની દુનિયા - ડૉ. બળવંત જાની
મધ્ય પ્રદેશના પન્ના ટાઇગર રિઝર્વમાં વત્સલા નામની હાથણી છે. વત્સલા વિશ્ર્વની સૌથી મોટી ઉંમરની હાથણી હોવાનું ત્યાંના લોકો માને છે. જોકે, તેની સાચી ઉંમરની કોઇને ખબર નથી, પણ આજે તે આંખની દૃષ્ટિ લગભગ ગુમાવી ચૂકી છે અને અભયારણ્યમાં જન્મેલાં હાથીનાં નાનાં બચ્ચાંઓ તેની દેખભાળ રાખે છે.
વત્સલા કદાચ દુનિયાની સૌથી મોટી ઉંમરની હાથણી હશે એવું પણ કહેવાય છે. હાથી ઘણું સ્માર્ટ, સામાજિક અને બુદ્ધિશાળી પ્રાણી છે. તે ટોળામાં રહે છે અને ટોળાના અન્ય હાથીઓ માટે ભારે રક્ષણાત્મક અભિગમ ધરાવે છે. પ્રિયજનના મૃત્યુ પર તેઓ શોક પણ કરી શકે છે.
મધ્ય પ્રદેશના પન્ના ટાઇગર રિઝર્વમાં રહેતી સૌથી વૃદ્ધ વત્સલા નામની હાથણી પણ માનવ દાદીની જેમ જ બેબી હાથીઓની સંભાળ રાખે છે.
છેલ્લાં ૨૧ વર્ષથી રિઝર્વ ખાતેના વન્યપ્રાણી ચિકિત્સક ડૉ. સંજીવ ગુપ્તા જણાવે છે કે એની સાચી ઉંમરની હું પુષ્ટિ નથી કરી શકતો, પણ એ ૯૦ અને ૧૦૦ વર્ષની વચ્ચે હોઇ શકે. પ્રાણીઓની ઉંમરનો અંદાજ તેમના દાંત જોઇને કરવામાં આવે છે. હાથીઓ ૭૦ વર્ષની ઉંમરમાં દાંત ગુમાવે છે અને છેલ્લાં ૨૦ વર્ષથી હું જોઇ રહ્યો છું કે વત્સલાના દાંત નથી. રિઝર્વની કોઇ પણ વ્યક્તિને વત્સલાની સાચી ઉંમરની નથી ખબર અને પુરાવાના અભાવે વત્સલાએ વિશ્ર્વના રેકોર્ડમાં સ્થાન નથી મેળવ્યું. આજે તો મોતિયાને કારણે વત્સલાને આંખે દેખાતું નથી, છતાં પણ મદનિયાંઓ માટે તે મિડવાઇફની ગરજ સારે છે. (મિડવાઇફ એટલે બાળજન્મની પ્રક્રિયામાં માતાની સહાયતા કરવાવાળી તાલીમ પામેલી વ્યક્તિ, જેને આપણે દાયણ, સુયાણી પણ કહી શકીએ.)
વત્સલાને ૧૯૯૨માં પન્ના રિઝર્વમાં લાવવામાં આવી હતી. તે સ્વભાવે શાંત છે. ૨૦૦૩ સુધી તે રિઝર્વમાં આવતા પર્યટકોને ફેરવવા લઇ જવાનું કામ કરતી હતી. ત્યાર બાદ તે નિવૃત્ત થઇ ગઇ, એમ જણાવતાં ડૉ. ગુપ્તા ઉમેરે છે કે જ્યારે પણ રિઝર્વની કોઇ હાથણીને બાળક અવતરવાનો સમય થાય ત્યારે અમે એને વત્સલા પાસે છોડી દઇએ છીએ અને વત્સલા પણ માતાની સાથે નવા જન્મેલા બેબી એલિફન્ટની સંભાળમાં લાગી જાય છે.
નેચર ક્ધઝર્વેશન ફાઉન્ડેશનમાં ૨૦ વર્ષથી સંશોધનકર્તાનું કામ કરતા આનંકકુમાર જણાવે છે કે હાથી ભાવનાશીલ પ્રાણી છે. સામાન્ય રીતે હાથણી એના બચ્ચાનું ધ્યાન રાખે કે હાથણીની બહેન બચ્ચાનું ધ્યાન રાખે. જોકે, એ કેસમાં બંને એકબીજા સાથે સંબંધિત છે. સામાન્ય રીતે જ્યારે હાથીઓ ટોળામાં ફરતા હોય અને અન્ય પ્રાણી કે માનવીય હુમલાનો ભય હોય ત્યારે માદા હાથણીઓ નાનાં બચ્ચાંઓનું ધ્યાન રાખતી જ હોય છે. મદનિયાંઓના ઉછેરમાં મોટી ઉંમરની કે વૃદ્ધ હાથણીઓ મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રાણીઓમાં એક વણકહ્યો નિયમ છે કે સૌથી મોટું માદા પ્રાણી મિડવાઇફની ગરજ સારી બચ્ચાંઓનું ધ્યાન રાખે અને તેમનો ઉછેર પણ કરે છે. મદનિયાંઓ માટે એ નાનીમાની ગરજ સારે છે.
વત્સલાની વાત કરતાં ડૉ. ગુપ્તા જણાવે છે કે ૨૦૦૧માં અભયારણ્યમાં એક હાથી પરિવારને લાવવામાં આવ્યો હતો. રામબહાદુર, ગંગામતી અને એનું મદનિયુ મોહનકાલી. મોહનકાલી વત્સલા સાથે રમવા માંડ્યો અને વત્સલા પણ એનું ધ્યાન રાખવા માંડી. માનું ધાવણ છોડાવવાથી લઇને ટોળામાં એની દેખરેખ રાખવાનું બધું જ કામ વત્સલા કરતી. ત્યાર બાદ આ રિઝર્વમાં હાથીનાં બારેક બચ્ચાં જનમ્યાં. બધાંની પરવરિશ વત્સલાએ જ કરી અને તેમને મોટાં કર્યાં. વત્સલા મદનિયાંઓનું ધ્યાન રાખતી, એમની નજીક કોઇ અજાણી વ્યક્તિને ફરકવા પણ નહોતી દેતી. હવે એને મોતિયો આવ્યો છે અને આંખે દેખાતું પણ નથી, ત્યારે તેની સંભાળમાં મોટા થયેલા હાથીઓ (એના પૌત્રો) તેની દેખભાળ કરે છે. રોજ સવારે વત્સલા પાંચ વાગે ઊઠે છે ત્યારે એના પૌત્રો એને જંગલમાં સાથે લઇ જાય છે. સાંજે પાછી ફરે ત્યારે તળાવમાં એને સ્નાન કરાવે છે. સાંજે એને ખાસ ખોરાક આપવામાં આવે છે અને રાતે એને ખૂંટીએ બાંધી દેવામાં આવે છે.
વત્સલા આજે શાંત દેખાય છે, કારણ કે તે હવે વૃદ્ધ થઇ ગઇ છે, પણ જ્યારે તે જુવાન હતી ત્યારે ઘણી તોફાની હતી અને ઘણી વાર અન્ય હાથીઓ સાથે મારામારીમાં ઇજા પામતી હતી. એને ઘણી વાર ગંભીર ઇજા પણ થઇ છે અને અનેક ટાંકાઓ પણ લેવા પડ્યા છે.
ઉંમરને કારણે હવે વત્સલાની પાચનશક્તિ નબળી થઇ ગઇ છે. તેને દવા અને વિશેષ આહાર આપવામાં આવે છે. બલ્ગર, ગોળ અને વાંસના મિશ્રણના લાડુ બનાવીને એને આપવામાં આવે છે. તેની દેખભાળ માટે બે મહંત અને બે કેરટેકર્સ રાખવામાં આવ્યા છે, જેઓ દરરોજ એની મુલાકાત લે છે અને એના મોતિયાની પ્રગતિનો અભ્યાસ કરે છે. આજે પણ દરરોજ જ્યારે એ જંગલમાં જાય છે ત્યારે મદનિયાંઓ એને એકલી નથી છોડતાં અને દરેક તબક્કે એનું ધ્યાન રાખે છે. |
|