| શરીરને ઊર્જાવાન બનાવતાં મીઠાશથી ભરેલાં ‘શક્કરિયાં’
|
|  સ્વાસ્થ્ય સુધા - શ્રીલેખા યાજ્ઞિક
બટાકાનો વપરાશ આપણે જેટલો કરીએ છીએ તેટલો બીજા કોઈ કંદમૂળનો કરતા નથી. કંદમૂળની વાત આવે ત્યારે બટાકાની સાથે સૂરણ, શક્કરિયાંની પણ યાદ તાજી થાય. શક્કરિયાંનો સ્વાદ એટલે મીઠાશથી ભરેલો. શરીરને ઊર્જાવાન બનાવનાર. અંગ્રેજીમાં તેને એટલે જ સ્વીટ પૉટેટો તરીકે ઓળખવામાં આવે છે.
વિટામિન એની માત્રા તેમાં ભરપૂર પ્રમાણમાં સમાયેલી છે આથી એવું કહેવાય છે કે તેનો નિયમિત આહારમાં ઉપયોગ કરવાથી ૯૦ ટકા વિટામિન એની માત્રા શરીરને મળી રહે છે. શક્કરિયાંને ‘મીઠા-આલુ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. શક્કરિયાં મુખ્યત્વે ત્રણ પ્રકારનાં પાકે છે - ગુલાબી, લાલ તથા સફેદ. લાલ શક્કરિયાંનો સ્વાદ સૌથી વધુ મીઠાશથી ભરેલો હોય છે. છાલ એકદમ પાતળી હોય છે. બંને છેડાનો ભાગ પ્રમાણમાં પાતળો તથા મધ્યભાગ માવાથી ભરપૂર હોય છે. નેશનલ સેન્ટર ફૉર બાયો ટેક્નોલોજી ઈન્ફર્મેશન (એનસીબીઆઈ) દ્વારા કરવામાં આવેલી એક શોધ અનુસાર શક્કરિયાંમાં સ્વાસ્થ્યવર્ધક ગુણોનો ખજાનો સમાયેલો છે. જેમ કે ઍન્ટિ-અથેરોસ્કલોરોટિક, ઍન્ટિ-મુટાજેનિક,ઍન્ટિ-વાઇરસ, ઍન્ટિ-ઑક્સિડેટિવ, ઍન્ટિ-હાઈપરગ્લિસેમિક તથા ઍન્ટિ-હાઈપરટેંસિવ જેવા ગુણો સમાયેલા છે. વળી વિવિધ પૌષ્ટિક તત્ત્વો પણ સમાયેલાહ છે આથી તેને સ્વાસ્થ્યવર્ધક ગણવામાં આવે છે.
---------------------
અંગ્રેજીમાં સ્વીટ પૉટેટોના નામે ઓળખાતાં શક્કરિયાંને હિન્દીમાં શક્કરકંદ, તેલુગુમાં ડુમ્પા કે ચિલકાડા, તમિળમાં કિઝાંકુ, મરાઠીમાં રતાલા, બંગાળીમાં રંગ આલુ તથા પંજાબીમાં શક્કર કહે છે.
ભારતમાં શક્કરિયાંની ખેતી મુખ્યત્વે ઓરિસ્સા, બિહાર, તામિલનાડુ, પશ્ર્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, આસામ, ઉત્તર પ્રદેશ તથા મહારાષ્ટ્રમાં જોવા મળે છે. શક્કરિયાંની વિવિધ જાતની વાત કરીએ તો વર્ષા, શ્રીનંદિની, શ્રીવર્ધિની શ્રીરત્ના, શ્રીવરુણ, શ્રીઅરુણ, શ્રીભદ્રા, કોંકણ અશ્ર્વિની તથા પુશા સુનહરી ગણાય છે. વધુ વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે. સૂકી હવા, લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ કે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પણ પાક ટકી રહે છે. સામાન્ય રીતે વાવેતર બાદ ૪થી ૫ માસમાં પાક મળે છે. પાક તૈયાર થઈ ગયો છે તેની ખબર તેના પાનનો રંગ પીળો થાય તેના પરથી ખબર પડે છે. શક્કરિયાંને ફક્ત એક ચમચી તેલમાં કૂકરમાં પાણી વગર બાફીને, કોલસામાં શેકીને તેને ચાટ સ્વરૂપમાં કે તેનું શાક બનાવીને પણ ખાઈ શકાય છે. સગડીમાં કે અવનમાં શેકીને ખાવાથી વધુ સ્વાદિષ્ટ બને છે.
--------------------
શક્કરિયાંનો હલવો
સામગ્રી: બે કપ શક્કરિયાંનો બાફીને તૈયાર કરેલો માવો, ૧ મોટી ચમચી ઘી, અડધો કપ દૂધ, ૧ મોટી ચમચી મિલ્ક મેડ, અડધો કપ ખાંડ, ૧ ચમચી દૂધમાં પિગળાવેલી કેસર, ૫થી ૬ તાંતણા, ૧ નાની ચમચી એલચી અને જાયફળનો ભૂકો, સૂકો મેવો સજાવટ માટે.
બનાવવાની રીત: એક નૉનસ્ટિક કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરીને તેમાં શક્કરિયાંનો માવો ભેળવીને બરાબર હલાવી લો. પોણો કપ દૂધ નાખીને બરાબર ભેળવો. એલચી-જાયફળનો ભૂકો તથા દૂધમાં પલાળેલી કેસર ભેળવો. અડધો કપ ખાંડ ભેળવીને દૂધ થોડું બળી જાય તથા મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો. ૧ મોટી ચમચી મિલ્ક મેડ ભેળવીને બરાબર હલાવી લો. માવો કડાઈ છોડવા લાગે એટલે સમજવું કે હલવો તૌયાર થઈ ગયો છે. સૂકા મેવાની કતરણથી સજાવીને સર્વ કરવું.
------------------
ડાયાબિટીસના દર્દી માટે પણ લાભકારી
લોહીમાં વધતી શર્કરાને કારણે ડાયાબિટીસની સમસ્યા વધતી જોવા મળે છે. શક્કરિયાંમાં ફ્લેવોનોઈડ નામક પોષક ગુણ સમાયેલો છે. મધુમેહના દર્દી પણ આહારમાં તેનો ઉપયોગ કરી ગ્લુકોઝના પ્રમાણને નિયંત્રિત કરી શકે છે. શક્કરિયાંમાં ઍન્ટિ-ડાયાબિટિક ગુણ પણ સમાયેલા છે. ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. પ્રમાણભાન રાખીને આહારમાં ઉપયોગ કરવાથી તેનો ફાયદો રોગમાં મળી શકે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે
શક્કરિયાંનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેનું મુખ્ય કારણ પૉલીસેકેરાઈડ ગુણધર્મ ધરાવતું રસાયણ શક્કરિયાંમાં સમાયેલું છે. આથી ઈમ્યુન સાઈકોટિનનો સ્તર સુધારવામાં ઉપયોગી બને છે. ઈમ્યુન સાઈકોટિન એક પ્રકારનું પ્રોટીન ગણાય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદરૂપ
શક્કરિયાંમાં પોટેશિયમ, સોડિયમ, કૅલ્શિયમ જેવા વિવિધ પોષક ગુણો સમાયેલા છે. લોહી ગંઠાઈ જવાની સમસ્યામાં પણ અમુક અંશે તે ઉપયોગી આહાર ગણાય છે. હૃદયના ધબકારા ઝડપી બની જવાની સમસ્યાને નિયંત્રિત કરવામાં તે ગુણકારી ગણાય છે. વળી એંથોસાયનિડિંસ નામક ફ્લેવોનોઈડ પણ જોવા મળે છે. ફ્લેવોનોઈડની આ માત્રામાં ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી, ઍન્ટિ-કાર્સિનોજેનિક તથા ઍન્ટિ-ઑક્સિડન્ટ જેવા ગુણો પણ સારા પ્રમાણમાં સમાયેલા જોવા મળે છે. જે હૃદયની તંદુરસ્તી જાળવીને રોગથી સુરક્ષા મેળવવામાં મદદરૂપ થાય છે.
અસ્થમાના દર્દી માટે ગુણકારી
અસ્થમાના દર્દી માટે શક્કરિયાંનો ઉપયોગ લાભદાયક ગણાય છે. અસ્થમાના દર્દની સામે લડવા માટે શરીરમાં ઍન્ટિ-ઑક્સિડન્ટનું પ્રમાણ ભરપૂર હોવું આવશ્યક ગણાય છે. શક્કરિયાંમાં કેરોટીન નામક ઍન્ટિ-ઑક્સિડન્ટના ગુણ સમાયેલા છે. આથી શક્કરિયાંનો આહારમાં નિયમિત સપ્રમાણ ઉપયોગ શ્ર્વાસ સંબંધિત રોગમાં લાભકારક ગણાય છે.
આંખોની તંદુરસ્તી માટે ગુણકારી
એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે શક્કરિયાંમાં લ્યુટિન તથા જેક્સૈંથિન નામક શરીર માટે જરૂરી પોષક ગુણો સમાયેલા છે. આંખને નુકસાનકર્તા કિરણોથી રક્ષા કરવામાં ઉપયોગી બને છે. વળી ઑક્સિડેટિવ નુકસાનથી પણ આંખને બચાવવામાં મદદ કરે છે. વળી શક્કરિયાંમાં એસ્કૉર્બિક એસિડની માત્રા પણ સમાયેલી જોવા મળે છે. જે આંખોને લગતી વિવિધ બીમારીથી બચાવમાં મદદ કરે છે.
ત્વચાને ચમકદાર બનાવવામાં લાભકારી
ત્વચાને ચમકીલી બનાવવામાં પણ શક્કરિયાંનો ઉપયોગ લાભકારી ગણવામાં આવે છે. તેનું મુખ્ય કારણ શક્કરિયાંમાં જેંથોફાઈલ્સ નામક ઘટક સમાયેલું છે. વધુ પડતા સૂર્યપ્રકાશમાં ફરવાને કારણે ચહેરાની ત્વચા કાળી પડી જવી કે કરચલી પડવાની સમસ્યાને દૂર કરવામાં ઉપયોગી ગણાય છે. વળી વિટામિન સીની માત્રા પણ ભરપૂર પ્રમાણમાં હોવાથી ત્વચાની ચમક જાળવવામાં મદદ કરે છે.
|
|