19-April-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ઈશ્ર્વરના દીર્ઘત્વ પાસે માનવી હંમેશાં વામન જ રહેવાના

કવિતાની કેડીએ -નલિની માડગાંવકરકવિતા

જૂનો રે ડગલો જુદો નવ પડે,

નવો મારે ચડે નહીં અંગ,

ઉપરણા વણે તું નવ નવ તેજના,

મને અહીં વાસી વળગે રંગ-

કિરણો વરસે ને કાળપ ઝગમગે

આભમાં જોઉં તો ઠપકો આપતો

સૂરજ તપી તપી જાય,

નીચે રે જોઉં તો તરણું નાચતું

ભાઈ, એનું હસવું નો માય,

અમે રે માણસ, મારગ ક્યાં મળે?

પળે પળે ઊડવાની પાંખ નંઈ

નંઈ કોઈ મૂળના મુકામ,

ઊભું રે અધવાટે અંધું પૂતળું

ખેલ એના ફૂંકમાં તમામ-

અંગારા ઝગે ત્યાં રાખ ફરી વળે.

- મકરન્દ દવે

આધ્યાત્મિક સાધક-કવિ મકરંદ દવેની આ અદ્ભુત રચના છે. આ હૃદયમર્મીની કવિતા છે. કવિ મકરંદ દવેનું જગત અનેક ભાવ ભરેલું છે. અને એ દરેક ચિત્રો કવિ મકરંદની કવિતામાં નિત્યનૂતન રંગો ભરે છે. આ કવિએ પોતાના બાલ્યકાળમાં અનેક ભાષાનાં ભજનો, લોકગીતો સાંભળેલાં, ગાયેલાં. કવિ રવિન્દ્રનાથ ટાગોરે બંગાળમાં નાની મુસાફરી કરી અસલ બાઉલગીતોથી પોતાના મનને ભરી દીધું હતું. કવિ ઝવેરચંદ મેઘાણી, પશ્ર્ચિમનું આધ્યાત્મિક વાંચન અને બંગભાષાનો પરિચય આ કવિને એવો ગમતો કે બધું હૈયાના અબોલ ખૂણે સંચિત થતું. સીધા સાદા શબ્દો, માધુર્યમાં ઝબોળ્યા હોય એવા મનોહર, અને એમાં ઉમેરાતો કવિનો પોતાનો આધ્યાત્મિક અનુભવ તથા મનનો આનંદ આ બધાનું અમૃત કવિતામાં અનુભવાતું.

દૂરથી આવતું અગમ્ય તત્ત્વ દૃષ્ટિ અને શ્રુતિના માધ્યમથી પાસે આવતું. અને કવિ મકરંદની કવિતાનો સાચો ચહેરો આપણે જોઈ શકતા.

શબ્દોનો ઠાઠ-ઠઠારો કવિ મકરંદની કવિતામાં ક્યાંય પણ જોવા મળતો નહીં. આધ્યાત્મિકતાનું દર્શન કોઈ ભાર વિના હળવેકથી આવતું. આ જ તત્ત્વથી કવિ મકરંદની કવિતા પાસે ફરી ફરીને જવાનું મન થતું.

નિત્ય એ તો બાંસુરીના સૂરમાં મુગ્ધ હોય છે. અને એને કાવ્ય સ્તુતિમાં ઢળવા આકસ્મિક રૂપે આગળ આવે છે. કવિ મકરંદને જિદંગીએ જે કંઈ આપ્યું છે એનાથી સંતોષ છે. જે કંઈ ઈશ્ર્વરદત્ત છે એને આનંદથી માણે છે. એ કહે છે;

"દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા

આપણા તો થિર બળો આતમાના દીવા

આવી સહજ ભાષામાં કવિતા લખે છે. ભજન એ તો જાણે કે હૈયામાં સમાઈ ગયું છે. ભજનનો સંબંધ હૃદય સાથે છે. એટલે નવે નવે રૂપે ચક્ષુ અને કર્ણેન્દ્રિયથી એને માણે છે. મધ્ય કાલીન ગુજરાતી કવિતાના ભજનોના એ ઋણી છે અને એમાંથી પ્રેરણા લે છે.

"અમે રે સૂના ઘરનું જાળિયું,

તમે તાતા તેજના અવતાર;

ભેદીને ભીડેલા ભોગળ-આગળા,

ભરો લખ લખ અદીઠા અંબાર;

આવો, રે આવો હો જીવણ, આમના.

આ થયા કવિ અસલ મકરંદ દવે. કવિતા એ તો રચાતી નથી રચાઈ જાય છે. એ પ્રયત્નસાધ્ય નથી. પ્રકૃતિ એ તો કવિ મકરંદનું ભક્તિ જેવું જ પ્રિય પ્રતીક છે. એ તો આધ્યાત્મિક સાધનામાં રચ્યાપચ્યા છે. જે આવી ભક્તિ કરે છે એને ‘અદીઠો આધાર’ મળી રહેતો હોય છે. કવિ મકરંદ દવેની કવિતા બધા આધુનિક પ્રવાહોથી અળગી રહી છે. ધર્મતત્ત્વચિંતન વિષે કવિતા તો રચી છે પણ પોતાના વિચારોને નિબંધોમાં પણ પ્રગટ કર્યા છે. નવલકથા અને બાળસાહિત્ય તથા પત્રો, સંપાદન, અનુવાદ ક્ષેત્રે પણ કલમ ચલાવી છે. આ બધા સાહિત્યસ્વરૂપો ઉપરાંત કવિતા જ્યારે વાંચીએ છીએ ત્યારે એમાં રહેલી અનુભૂતિની સચ્ચાઈ આપણી આંખો અને હૈયાને દ્રવતી બનાવે છે. કવિ મકરંદ દવેની કવિતામાં સૌંદર્ય અને માંગલ્ય એકબીજાનો હાથ પકડીને આગળ વધે છે. પરંપરાથી ચાલી આવતી ભક્તિનો નવો ચહેરો નમ્રપણે પ્રગટ થતો જણાય છે.

આ રચનામાં માનવજીવનની મૂંઝવણ શબ્દને પડકારી શકે છે. જૂનાનો ત્યાગ નથી થઈ શકતો અને નવાને સ્વીકારી નથી શકતા. આવી દ્વિધામાં માણસ ફસાયો છે. "નવ નવ તેજના ઉપરણા’ કબીરની જેમ ઈશ્ર્વર વણતો જાય છે અને કિરણો તથા કાળાશને ઝગમગાવવાનું જાદુ બલ્કે ચમત્કૃતિ એક ઈશ્ર્વરના હાથમાં છે. માણસ સદા પરિચિત એવા વાતાવરણમાં ગળાડૂબ રહેવામાં આનંદ મેળવે છે. જે જૂનો ડગલો છે એ એવો તો ચામડી સાથે જડાઈ ગયો છે કે એને દૂર કરવામાં દુ:ખની માત્રા વધવાનો જ સંભવ છે, માણસની અવસ્થા ન તો પૂરતી ધરતી પર છે ન તો આકાશમાં. અને ત્યારે નિર્ણય કરવો એ માણસના હાથમાં છે. આકાશમાં બળું બળુંની અનુભૂતિ આપનાર સૂર્ય છે અને ધરતી પર નાચતું તરણું છે જેની પાસે વિકાસની પૂરેપૂરી શક્યતા છે. નથી સૂરજ જેવા તપ્ત બની શકતા કે નથી તરણાં જેવાં મામૂલી. કારણ એ માણસ છે. આ મધ્ય અવસ્થાને સાચવી શકો તો જ માણસપણું જળવાય છે. નથી ધરતીની માયા છૂટતી કે નથી આકાશે પહોંચવાની ઝંખના છૂટતી.

માણસ પાસે ચેતના છે પણ જૂના- નવા ડગલા જેવું વૈવિધ્યસભર બળ નથી. કોઈ મૂળ વિનાની આવી મુસાફરી છે આ એવું નિર્ણય ન લઈ શકનારું અંધત્વ છે કે જેના અંગારા ઝગે ત્યાં તેજ ઝાંખું પડે છે. ‘રાખ ફરી વળે’ અર્થાત્ કર્મ નિષ્ફળ બને છે.

આ કાવ્યનો બીજો પણ સૂચિત અર્થ છે કે નથી જૂના વિચારોને પૂરેપૂરા ત્યાગી શકાતા કે નવા વિચારોને પૂરેપૂરા પોતાના બનાવી શકાતા. ઈશ્ર્વર પાસે એવું તો દીર્ઘત્વ છે કે જેની સામે આપણે હંમેશાં વામન જ રહેવાનાં.

ડગલાનું દૃષ્ટાંત, સૂરજ-તરણાનું દૃષ્ટાંત અને પળેપળે ઊડ્યાની પાંખનો અભાવ, અંધું પૂતળું અને ફૂંકમાં ખેલખતમ આ બધાં દૃષ્ટા તો માણસને આગળ વધવાની એક એક દિશાને બંધ કરતું જાય છે.

ભક્તિની પરાકાષ્ટા જે પંક્તિઓમાં વારંવાર દેખાય છે એ શબ્દો ને વંદન...

"પગલું માંડું હું અવકાશમાં

જોઉં નીચે હરિવરનો હાથ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4I2e57
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com