19-April-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ઉફ્ફ યે ગરમી, હાય હાય યે ગરમી...

પ્રાસંગિક - દર્શના વિસરીયાદિલ્હીમાં રહેનારી પ્રતિમાની દીકરી ગયા વર્ષે તો કોરોનાકાળમાં આખું વર્ષ ઘરે રહીને જ ભણી, પણ હવે જ્યારે બધું ધીરે ધીરે બેક ટુ ધ નોર્મલ થઈ રહ્યું છે ત્યારે તેની દીકરી શાળાએ જવા લાગી છે. દીકરી શાળાએથી પાછી ફરે છે ત્યારે પ્રતિમાને કોરોનાની ચિંતા તો સતાવી જ રહી છે, પણ સાથે સાથે તેને બીજી ચિંતા સતાવે છે કે હજી તો માર્ચ મહિનાની શરૂઆત થઈ છે અને નવમા ધોરણમાં ભણતી દીકરી પરસેવામાં રેબઝેબ થઈને ઘરે પાછી ફરે છે. માર્ચ મહિનામાં જ જો તેમની દીકરીની આ હાલત થઈ રહી છે તો એપ્રિલ-મે મહિનામાં શું હાલત થશે?

ઉત્તર પ્રદેશના આઝમગઢમાં રહેનારા રામપ્રસાદના મોટા મોટા આંબાના બગીચા છે, પણ તેમને પણ પ્રતિમાની જેમ ચિંતા સતાવી રહી છે કે અચાનક વધી રહેલી ગરમીને કારણે તેમના આંબાના પાકને નુકસાન તો નહીં થાયને?

પરંતુ આ ચિંતા માત્ર પ્રતિમા કે રામપ્રસાદની નહીં આપણા બધાની છે, કારણ કે ફેબ્રુઆરી મહિનાના અંતથી જ વાતાવરણમાં જોવા મળી રહેલા પરિવર્તને લગભગ દરેક વ્યક્તિને વિચારતી કરી મૂકી છે કે આખરે ફેબ્રુઆરી મહિનામાં વધી રહેલી ગરમીનું કારણ શું છે? કારણ આના પહેલાં ક્યારેય આવું થયું નથી. ૨૦૨૦નું વર્ષ ભારતના ઈતિહાસમાંં આઠમું સૌથી વધારે ઉષ્ણ કહી શકાય એવું વર્ષ હતું. ૨૦૨૦ના વર્ષમાં ઉષ્ણતામાન સામાન્યથી ૦.૨૯ ડિગ્રી સેલ્સિયસ વધુ રેકોર્ડ કરવામાં આવ્યું છે. એનઓએએના નેશનલ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ ઈન્ફર્મેશનના અહેવાલ અનુસાર જાન્યુઆરી, ૨૦૨૧ અત્યાર સુધીના ઈતિહાસનો સૌથી ગરમ મહિનો હતો. ૧૯૯૦માં ગ્લેશિયલ પીગળવાનો દર ૮૦,૦૦૦ કરોડ ટન પ્રતિ વર્ષનો હતો અને ૨૦૧૭માં તે વધીને ૧૩૦,૦૦૦ ટન પ્રતિવર્ષ થઈ ગયો હતો.

આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ઓરિસ્સાના પૂર્વીય વિસ્તારના સરેરાશ ઉષ્ણતામાનમાં ૩-૪ ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળ્યો હતો અને આને કારણે દર વર્ષે ત્યાં જોવા મળનારા માઈગ્રેટરી બર્ડ્ઝ પણ સમય કરતાં પહેલાં પાછાં જતાં રહ્યાં હતાં. ખેર, આ બધી તો થઈ આંકડાની વાત. સાવ સામાન્ય અને રોજિંદા જીવનમાં લાગુ પડનારી વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણમાં આવેલા અચાનક પલટાનો અનુભવ તો આપણે બધાએ જ કર્યો છે. અચાનક જ જાણે સૂરજદાદાએ આગ ઓકવાનું શરૂ કરી દીધું હોય એવું લાગી રહ્યું છે અને શિયાળા બાદ તરત જ ચટકા લાગે એવો તડકા અને પરસેવે રેબઝેબ કરતી ગરમીનો અહેસાસ તો આપણે બધાએ જ કર્યો છે. બહારથી આવીને ગરમ પાણીથી નાહવાનું પસંદ કરનારા લોકો હવે ઠંડા પાણીથી સ્નાન કરવા લાગ્યા છે અને મહિનાઓ સુધી રજા પર રહ્યા બાદ હવે એસી પણ ડ્યુટી પર પાછાં ફરી રહ્યાં છે.

અત્યાર સુધીનો એવો અનુભવ રહ્યો છે કે ફેબ્રુઆરી મહિનો સામાન્યપણે ગુલાબી ઠંડીનો કાળ હોય છે, પણ ૨૦૨૧નો ફેબુ્રઆરી મહિનો એકદમ અલગ રહ્યો છે આ બધામાં. ફેબ્રુઆરી મહિનામાં સરેરાશ તાપમાન ૨૮ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, પણ આ જ મહિનામાં અમુક દિવસો એવા પણ હતા કે જ્યારે ઉષ્ણતામાન ૩૨-૩૩ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આ બધા વચ્ચે લાખ રૂપિયાનો સવાલ એ છે કે આખરે ભારતમાં ફેબ્રુઆરી મહિનામાં વધી રહેલા ઉષ્ણતામાનનું કારણ શું છે? નિષ્ણાતો આ વિશે મંતવ્ય આપતાં જણાવે છે કે સામાન્યપણે ઉત્તર ભારતમાં જે વાતાવરણ હોય છે તેના પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ખૂબ જ અસર જોવા મળે છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના હિસાબે જ ઋતુઓનો માહોલ જોવા મળે છે. સામાન્યપણે ફેબ્રુઆરી મહિનામાં છથી સાત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે, પણ આ વખતે ફેબ્રુઆરી મહિનામાં એક જ ડિસ્ટર્બન્સ આવ્યું છે.

હવે તમને થશે કે આખરે આ ડિસ્ટર્બન્સ છે શું? તો આ રહ્યો તમારા સવાલનો જવાબ. ડિસ્ટર્બન્સ પોતાનો વરસાદ લાવે છે અને આ વર્ષે આ એક જ ડિસ્ટર્બન્સ ચોથી ફેબ્રુઆરીના આવ્યો હતો. વરસાદની સાથે સાથે આ ડિસ્ટર્બન્સને કારણે વાદળનું નિર્માણ પણ થાય છે અને આ વર્ષે ડિસ્ટર્બન્સ નથી આવ્યું તો વાદળ પણ નથી બન્યાં અને તેને કારણે સૂર્યપ્રકાશ પૂર્ણપણે ધરતી પર આવી રહ્યો છે. જ્યારે સૂર્યપ્રકાશ સીધો ધરતી પર આવે ત્યારે સ્વાભાવિકપણે જ ઉષ્ણતામાનમાં પણ વધારો જોવા મળશે જ. ડિસ્ટર્બન્સની સાથે સાથે જ હવાની મંદ પડી ગયેલી ગતિ પણ એક મહત્ત્વનું કારણ છે આ વધી રહેલા તાપમાનનું.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટિયોરોલોજીના ક્લાઇમેટ સાયન્ટિસ્ટ ડૉ. રૉક્સી મેથ્યુના જણાવ્યા અનુસાર ‘જે સમયમાં આપણે જીવી રહ્યા છીએ ત્યાં ઉષ્ણતામાનમાં વૃદ્ધિ થવી એ સામાન્ય બાબત બનતી જઈ રહી છે અને દરેક વર્ષ તથા દરેક મહિનો તેની પહેલાંના વર્ષ અને મહિનાઓ કરતાં થોડોક વધારે ગરમ હોય છે. પૂર્વ પ્રશાંત મહાસાગરમાં લા નીના હોવા છતાં પણ ૨૦૨૦નું વર્ષ સૌથી વધારે ગરમ વર્ષોમાંથી એક રહ્યું હતું. સામાન્યપણે લા નીનાને કારણે ઉષ્ણતામાનમાં ઘટાડો જોવા મળે છે, પણ ગ્લોબલ વૉર્મિંગની વધતી જતી અસરને કારણે તે પણ બેઅસર રહ્યો. આ જ કારણ છે કે હવે લા નીનાવાળાં વર્ષો પહેલાંનાં અલ નીનોવાળાં વર્ષોની સરખામણીએ વધારે ઉકળાટભર્યાં છે. લા નીના અને અલ નીનો પ્રશાંત મહાસાગર સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ છે. આ મધ્ય અને પૂર્વી પ્રશાંત મહાસાગરમાં થનારી ઘટનાઓ છે, જે મોટા પાયે વૈશ્ર્વિક જળવાયુને પ્રભાવિત કરે છે. અલ નીનોને કારણે ગરમ હવા વાય છે, જેને કારણે ઉષ્ણતામાનમાં બે-ચાર ડિગ્રીની વૃદ્ધિ જોવા મળે છે. જ્યારે લા નીનાને કારણે ઠંડા પવન વાય છે અને તેને કારણે ત્રણથી પાંચ ડિગ્રીનો ઘટાડો જોવા મળે છે. ટૂંકમાં કહેવાનું થાય તો આને કારણે વૈશ્ર્વિક ઉષ્ણતામાન પર તેની અસર જોવા મળે છે.

મેથ્યુનું તો ત્યાં સુધી કહેવું છે કે આવનારા મહિનાઓમાં ગરમીમાં હજી વધારો જોવા મળશે, એટલે મે-જૂનમાં વધારે ગરમીમાં શેકાવા માટે અત્યારથી જ માનસિક તૈયારી કરી લેવી વધારે હિતાવહ છે, એવું કહેવું ઉચિત ગણાશે. ધરતીનું તાપમાન સતત વધી રહ્યું છે અને અત્યારે ભલે આપણને આ વધારો મામૂલી લાગી રહ્યો હોય, પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવા જેવું છે કે આ મામૂલી જણાતા વધારાનાં પરિણામો ગંભીર હોઈ શકે અને એટલે જ આપણે ભવિષ્યમાં આવનારા પડકારોને પહોંચી વળવા માટે અત્યારથી જ પ્રયાસો કરવા પડશે. સાવ સીધી વાત કરીએ તો જે રીતે આ બદલાઈ રહેલા વાતાવરણની અસર આપણા પર જોવા મળી રહી છે એવી જ રીતે જીવજંતુઓ અને વનસ્પતિ પર પણ તેની અસર જોવા મળી રહી છે. જેટલી ઝડપથી ઋતુઓ બદલાઈ રહી છે એ જ રીતે જીવજંતુઓ અને પ્લાન્ટ ટેક્સોનોમીને પણ એ પ્રમાણે પોતાની જાતને ઢાળવી પડે છે. એવામાં એવું બની શકે કે અમુક પ્રજાતિઓ વિલુપ્ત થઈ જાય કે પછી વિલુપ્ત થવાને આરે પહોંચી જાય.

ક્લાઇમેટ ચેન્જની સમસ્યાને પહોંચી વળવા માટે આખી દુનિયામાં વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પણ તેની સાથે સાથે લોકોએ એ પણ સમજવું પડશે કે જો ઋતુચક્ર બદલાશે તો તેની અસર આપણા જીવન પર તો જોવા મળશે જ, તેની સાથે સાથે આપણી આસપાસનાં અનેક ઘટક, પરિબળો અને જીવજંતુઓ તેમ જ વનસ્પતિ પર પણ તેની અસર જોવા મળશે. હજી પણ સમય છે, જો અત્યારે પણ આપણે નહીં સંભાળી લઈએ તો ભવિષ્યમાં તો શું થશે એ તો રામ જાણે!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6n1Pl22m
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com