| આવો તબક્કો ફક્ત મારા જ નહીં પણ બધાના જીવનમાં વારેવારે આવે એવું જરૂર ઇચ્છીશ: પ્રતીક ગાંધી
|
|  વિપુલ વિઠ્ઠલાણી
૧૯૯૦ના દાયકામાં હર્ષદ મહેતાએ ભારતની અર્થવ્યવસ્થામાં બહુ જ મોટી હલચલ મચાવી દીધેલી, જેના કારણે અમુક લોકો ન્યાલ થઈ ગયેલા તો ઘણાં બધાં લોકો પાયમાલ. ગયા વર્ષે જ્યારે આખી દુનિયામાં મહામારી આવી ત્યારે એના જીવન પર આધારિત એક વૅબ-સીરિઝ બની જે સુપર-ડૂપર હિટ રહી. છપ્પનની છાતી સાથે જીવનાર હર્ષદ મહેતાને ત્યારે ભલે બધાંએ કોસ્યો હોય પણ હમણાં છેક સત્યાવીસ વર્ષે એક કલાકારને એ વ્યવસ્થિત ફળ્યો. અને ફળ્યો એટલે એવો ફળ્યો કે એ કલાકાર લોકોના હૃદયમાં કાયમ માટે વસી ગયો. હાજી... હું વાત કરી રહ્યો છું પ્રતિક ગાંધીની. ત્યારે હર્ષદ મહેતા ટોલ્ક ઓફ ધ ટાઉન હતો અને અત્યારે એનો જ રોલ ભજવનાર પ્રતીક ટૉક ઓફ ધ ટાઉન બની ગયો છે. સુરત પાસે આવેલ કડોદ ગામમાં જન્મીને મોટા થયેલ પ્રતીકને તો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે એ અચાનક નેશનલ સેલિબ્રિટી બની જશે. સેલિબ્રિટી બન્યા પછી પણ ડાઉન ટુ અર્થ કલાકારો ભાગ્યે જ જોવા મળતા હોય છે અને આપણો પ્રતિક એમાંનો એક. આવું કહેવા પાછળનું કારણ એ કે એની વ્યસ્તતા જોઈ બે દિવસ પહેલા મેં એને ફોન ન કરતાં માત્ર મેસેજ જ કરેલો કે હું તારી થોડી વાતો કરવા માગું છું, તો ત્યારે તો પીજી (પ્રતીક)નો જવાબ ન આવ્યો પણ આજે અચાનક સામેથી એનો ફોન આવ્યો...
પી.જી.: અરે સૉરી સૉરી વિપુલભાઈ.. શૂટિંગમાં બિઝી છું તો મેસેજીસ જોવાનો ટાઈમ જ નથી મળતો.
વિ.વિ.: અરે ભાઈ ભાઈ.. આમાં સૉરી કહેવાનું જ ના હોય. હું સમજી જ શકું છું. અને અત્યારે પણ બિઝી હોય તો આપણે પછી ક્યારેક વાત કરીએ.
પી.જી.: અરે ના ના.. હમણાં હું શૂટિંગ માટે ખંડાલા જઈ રહ્યો છું તો નિરાંતે વાત થશે. બોલો બોલો ભાઈ.
વિ.વિ.: સૌથી પહેલા તો સ્કેમ ૧૯૯૨ માટે તને ખૂબ અભિનંદન.
પી.જી.: થેન્ક યુ ભાઈ.
વિ.વિ.: અચ્છા મારે એક વાત જાણવી હતી, તારી અટક છે ગાંધી અને તેં રોલ કર્યો...
પી.જી.: (હસી પડતાં) અરે ભાઈ, આપણે કલાકારો છીએ. આમાં અટકને ધ્યાનમાં રાખીને કામ કરવા જાઉં તો તો આજની તારીખમાં... (જોરથી હસી પડતાં) યુ સી? અને હંસલ મહેતા મારા ફેવરિટ ડિરેક્ટર છે તો આ રોલને તો હું ના પાડી જ ના શકું.
વિ.વિ.: ઓહ અચ્છા... એટલે તું હંસલભાઈને પહેલેથી જ ઓળખતો હતો, જેને કારણે તને આ રોલ મળ્યો?
પી.જી.: અરે ના ના... મેં તો આ રોલ માટે ઓડિશન આપ્યું હતું. પણ હંસલભાઈએ આ પહેલા મારી ગુજરાતી ફિલ્મો ‘બે યાર’ અને ‘રોંગ સાઈડ રાજુ’ તેમ જ પૃથ્વી થિયેટરમાં એકાદું નાટક જોયાં હતા, તો મને તો એમ કે આ બધાંને કારણે મારી પસંદગી થઈ હશે. પણ એમણે તો શૂટિંગ દરમિયાન બોંબ ફોડેલો કે એમણે તો મારું ઓડિશન પણ નહોતું જોયું. એમણે અપ્લોઝ પ્રોડ્કશન હાઉસમાં મારી ફિલ્મોની ક્લિપ્સ બતાવીને જણાવી દીધેલું કે હું આ છોકરા સાથે આગળ વધવા માગું છું. તો આ રીતે આ વૅબ-સીરિઝ આવીને મારા ખોળામાં પડી. એટલે ક્યારે, ક્યાંથી અને શું કામ લાગે છે એ કહેવાય જ નહીં વિપુલભાઈ.
વિ.વિ.: બહુ સાચી જ વાત. અચ્છા દોસ્ત, તું ગુજરાતી ફિલ્મોમાં સરસ મજાના રોલ કરીને સ્ટાર તો બની જ ગયેલો, પણ સ્કેમ ૧૯૯૨ પછી તો તું અલગ લેવલનો સેલિબ્રિટી બની ગયો છે. તો આને કારણે લોકોનો તારા પ્રત્યેનો અભિગમ કે દૃષ્ટિકોણ બદલાયા ખરા?
પી.જી.: અરે વાત જ ના પૂછો ભાઈ. મારામાં કોઈ જ બદલાવ નથી આવ્યો છતાં લોકો હવે મને બીજી રીતે જોવા માંડ્યા છે. પહેલાં કોઈક ફોન કરતું અને મારાથી એકાદ-બે વાર મીસ થઈ જતાં તો ચાલી જતું. લોકો સમજી જતાં કે એ કામમાં હશે. પણ હવે જો એવું થાય તો લોકો ભળતું જ સમજી બેસે છે. (હસતાં) ઊલટાનો ટોણો આવે કે હા ભાઈ હા, હવે તો તું સેલિબ્રિટી બની ગયો છે. અમારા ફોન શું કામ ઉપાડે? અરે પણ આવું શું કામ ભાઈ? મને થોડીક સફળતા મળી એમાં તમે શું કામ તમારો દૃષ્ટિકોણ બદલી નાખો છો? મારો વાંક ન હોવા છતાં મારે માફી માગતા કહેવું પડે કે પ્લીઝ ભાઈ, એવું કઇં નથી. પણ... હશે. શું થાય આમાં હવે?
વિ.વિ.: (હસતાં) તારી પરિસ્થિતિ સમજી શકાય છે દોસ્ત. અચ્છા પ્રતીક, આખી દુનિયા માટે ૨૦૨૦ શ્રાપ પુરવાર થયું, પણ તારા માટે એ આશીર્વાદ પુરવાર થયું છે. તો તું એવું ઈચ્છે ખરો કે આવું વર્ષ જીવનમાં વારેવારે આવે?
પી.જી.: હા પણ અને ના પણ. નસીબજોગે પાંચમી માર્ચે મારું શૂટિંગ પૂરું થઈ ગયેલું અને ૧૫મી માર્ચથી મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગુ પડી ગયેલું.
વિ.વિ.: સૉરી ટુ ઇંટરપ્ટ, પણ તો તેં તારી સિરીઝનું ડબિંગ કેવી રીતે કર્યું?
પી.જી.: અમે સિંક-સાઉન્ડ પદ્ધતિથી શૂટ કરેલું તો શૂટિંગ દરમિયાન જ બધું ક્લિયરલી રેકોર્ડ થઈ જતું હતું... અમુક ભાગમાં જરૂર હતી એ હું સપ્ટેમ્બર મહિનામાં જઈને કરી આવેલો.
વિવિ.: ઓહ અચ્છા... પ્લીઝ કંટિન્યુ...
પી.જી.: તો મારા ઘરે મારી નાની દીકરી અને મમ્મી પણ છે એટલે અમે નક્કી કરી રાખેલું કે લોકડાઉન દરમિયાન કોઈએ ઘરની બહાર નીકળવું નહીં. અમે લગભગ ૪૦-૪૫ દિવસ સુધી ઘરની બહાર પગ નહોતો મૂક્યો. છતાં કોણ જાણે ક્યાંથી મારા ભાઈને કોરોના થઈ ગયો. હવે મુંબઈમાં આપણાં ઘરો ગુજરાત જેવા વિશાળ તો છે નહીં કે એક રૂમ નીચે હોય અને બીજો ઉપર. અહીં તો ઘરમાં ચાલતા હો તો પણ એકબીજાને અથડાતાં હોઈએ અને લોકલ ટ્રેન જેવી ફીલ આવે. તો આમાંને આમાં અમે બધાં જ કોરોના પોઝિટિવ નીકળ્યા. પણ મારા ભાઇનો કેસ ગંભીર હતો એટ્લે એને હોસ્પીટલમાં દાખલ કરવો પડ્યો અને અમે બધાં હોમ ક્વોરંટાઈન થયાં. અધૂરામાં પૂરું મારા ભાઇનો ફોન બગડી ગયો હતો તો એની સાથે સંપર્કમાં રહેવું મુશ્કેલ પડી ગયેલું. તો ત્યારે જે તકલીફ ભોગવેલી એ જિંદગીભર નહીં ભુલાય. અને એવું નથી કે આ પહેલાં ક્યારેય તકલીફો નથી આવી. ભામિનીના બ્રેઇન ટયૂમર વખતે કે મારા પપ્પાની કૅન્સર ટ્રિટમેન્ટ વખતે હું બધે જ પહોંચી વળેલો. કારણ કે ત્યારે હું બધે જ ફિઝિકલી હાજર રહી શકતો હતો અને દોડાદોડી કરી શકતો હતો, જ્યારે અહીં તો મારે ઘરમાં ગોંધાઇને બધાની જ ટ્રિટમેન્ટ કરાવવાની હતી. તો આવો તબક્કો કોઈના જીવનમાં ક્યારેય પણ ન આવે એવી પ્રાર્થના. પણ હા, ૯ ઓક્ટોબરે સ્કેમ ૧૯૯૨ના રીલીઝ પછી મારું જીવન જે રીતે બદલાઈ ગયું છે એવો તબક્કો ફક્ત મારા જ નહીં પણ બધાના જીવનમાં વારેવારે આવે એવું જરૂર ઇચ્છીશ.
વિ.વિ.: વાહ ભાઈ... આ જ તો તારી મોટાઈ છે અને તેં રોલ પણ ખરેખર સુંદર ભજવ્યો છે.
પી.જી.: થેન્ક યુ. આ રોલ મને પહેલેથી જ ખૂબ એક્સાઇટિંગ અને ચેલેંજિંગ લાગેલો, કારણ કે આ પહેલા મેં ઘણાં બાયોપિક કેરેક્ટર્સ કર્યાં છે. જેમ કે ઉમાશંકર જોષી, ચંદ્રકાંત બક્ષી, મોહનદાસ ગાંધી, રાજચંદ્ર આ બધાના મેં મોનોલોગ્સ કર્યાં છે, જેને કારણે આ રોલ કરવામાં મને ઘણો ફાયદો થયો હતો. મારા હિસાબે એ લોકો જેવું દેખાવું કે એ લોકોની મિમિક્રી કરવી બિલકુલ જરૂરી નથી. માત્ર એ પાત્રને ઊંડાણપૂર્વક પિછાણીને પરફોર્મ કરો તો પણ લોકોના હૃદય સુધી પહોંચી જ શકાય છે.
વિ.વિ.: સો ટકા સાચી વાત કહી. દોસ્ત, તેં હર્ષદ મહેતાની જીવનયાત્રા તો બખૂબી લોકો સામે ચીતરી દીધી પણ અત્યાર સુધીની તારી અભિનયયાત્રા વિષે પણ તો જણાવ.
પી.જી.: આમ જોવા જઈએ તો મારા ફૅમિલીમાંથી કોઈ જ અભિનયક્ષેત્રે જોડાયેલું નહોતું. બધા જ શિક્ષણક્ષેત્રે, હવેલી સંગીત, શાસ્ત્રીય સંગીત અથવા ભરતનાટ્યમ સાથે જોડાયેલા. મારું આખું કુટુંબ કીર્તનિયા ફેમિલી તરીકે ઓળખાતું, કારણ કે અમે બધાં જ હવેલીમાં કીર્તન કરવા જતાં. જેને કારણે હું નાનપણમાં જ તબલાં વગાડતા શીખી ગયેલો. સુરતની પ્રવૃત્તિ વિદ્યાલય સ્કૂલના ૪થા ધોરણમાં હતો ત્યારથી મેં સ્ટેજ પર્ફોર્મન્સ આપવાનું પણ શરૂ કરી દીધેલું. ત્યારબાદ ૮મા ધોરણમાં આઝાદીની ગૌરવાગાથા નામના એક બાળનાટકમાં ભાગ લીધો જેના માટે મુંબઈથી ખાસ નટખટ જયુ’ને ડિરેક્ટ કરવા બોલાવવામાં આવેલા. એ નાટકમાં હું ૮૦ વર્ષના દાદાનું પાત્ર ભજવતો હતો અને પહેલીવાર સવાબે કલાક સ્ટેજ પર બોલ્યો હતો. સુરતમાં રંગ ઉપવનમાં અમારા શો હતા અને ભાઉસાહેબ (ગીરેશ દેસાઇ) ચીફ ગેસ્ટ હતા. પહેલા દિવસના શો પછી ભાઉસાહેબે કહ્યું કે આ છોકરામાં એવા બધાં જ ગુણ છે જે આગળ જતાં એક સારો અભિનેતા બની શકે" અને આ વાત છપાઈ બીજે દિવસે ન્યૂઝપેપરમાં. મારી રૂચિ થિયેટર પ્રત્યે વધવા લાગી. કૉલેજમાં આવ્યો અને મિકેનિકલ એન્જિનિયરિંગ ભણતો હતો ત્યારે કશ્યપ જોષી સાથે એસ.એમ.સી.ની કોમ્પિટિશનમાં ભાગ લીધો (હસી પડતાં) જેમાં આખા નાટકમાં એક જ ડાયલોગ બોલવાનો આવ્યો. હવે કોમ્પિટિશનના નાટકો કરતાં મગજમાં વિચાર આવતાં કે મુંબઈના નાટકોમાં એવું તે શું છે કે લોકો એ જોવા જાય છે અને અમારું નથી જોતાં? પણ ૨૦૦૦ની સાલમાં ફિરોઝ ભગતનું એક નાટક સુરત આવેલું એ જોયું ત્યારે સમજાયું કે નાટકના સેટ, લાઇટ મ્યુઝિકથી માંડીને બધાં જ પાસામાં ફીનીશીંગ જરૂરી છે. ૨૦૦૪માં મુંબઈ આવ્યો તો સૌ પ્રથમ મનહર ગઢિયાને મળ્યો, કારણ કે એમની દીકરી કાજલ અને હું જૂના મિત્રો છીએ. મનહરઅંકલે મારી ઓળખાણ ફિરોઝભાઈ સાથે કરાવી અને મુંબઈમાં પહેલું નાટક એમની સાથે જ કર્યું આ પાર કે પેલે પાર’. આ નાટકના અમે ૨૫૦ શો કર્યા. પણ એ દરમિયાન મેં જોયું કે નાટકોમાં લીડ રોલ કરે છે એ લોકો તો ૪૫-૫૦ની ઉંમરના હોય છે, તો હું બીજા ૨૦ વર્ષ શું કરીશ? હું મુંઝાતો હતો ત્યાં જ કાજલે મને પૃથ્વીમાં ‘મરીઝ’ બતાવ્યું. એ નાટક જોઈ મને થયું યાર જીવનમાં આવું જ કઇંક કરાય. એના દિગ્દર્શક મનોજ શાહ પૃથ્વી ફેસ્ટિવલ માટે કઇંક કરી રહ્યા હતા તો હું એમને મળવા ગયો. એમણે મને એમની સ્ટાઇલમાં પુછ્યું ‘નાટક સિવાય બીજું શું આવડે છે?’ (ફક્ત જાણ ખાતર: પ્રતીક મનોજ શાહની અદ્ભુત મિમિક્રી કરે છે) મેં કહ્યું એક્રોબેટિક્સ પણ આવડે છે. તો કહે કરીને બતાવ. મેં કરી બતાવ્યું તો કહે નાટકમાં આ જ કરજે. મેં સ્ક્રીપ્ટ માગી તો કહે એ નથી. નાટક મૂંગું છે. આ બધું મને ખૂબ જ ફની લાગેલું વિપુલભાઈ. બાય ધ વે, આ જ નાટકના શો દરમિયાન ભામિનીને પહેલીવાર ઓડિયન્સમાં જોઈ મારા દિલમાં મેંડોલીન વાગવા માંડેલું અને હું એના પ્રેમમાં પડી ગયેલો, તો આ નાટક બાદ મનોજ ભાઈ સાથે મેં ‘અપૂર્વ અવસર’ કર્યું જેના કારણે લોકોએ મારી અભિનેતા તરીકે નોંધ લીધી અને મારી કારકિર્દીમાં નવો વળાંક આવ્યો, પણ આ દરમિયાન મેં રિલાયન્સમાં જોબ લઈ લીધેલી અને નોકરી કરવા ઘણસોલી જતો.
વિ.વિ.: ઓહો. પણ પ્રતીક, વ્યવસાયિક નાટકો કરતાં પ્રયોગાત્મક નાટકો વધારે કરવા પાછળનું કારણ?
પી.જી.: એક તો મને એવા નાટકોની બહુ ઑફર્સ નહોતી આવતી અને બીજું મારી જોબને કારણે લાંબી ટૂર્સ કરવી મને પોસાય એમ નહોતું અને મને પૃથ્વી થિયેટર્સમાં નાટકો કરી આમ પણ સંતોષ મળતો હતો.
વિ.વિ.: વાહ... અને તેં આટલા બધા એક્સ્પરિમેન્ટલ નાટકો કર્યા છે તો ક્યારેક સાચે જ એક્સપરિમેન્ટ કર્યો છે?
પી.જી.: તમે ક્યારેય ફક્ત બે જ જણ માટે પરફોર્મ કર્યું છે? મેં કર્યું છે. થયું એવું કે મલાડ ઇંફિનિટી મૉલની સામે ક્લેપ થિયેટર છે જેમાં માત્ર ૨૦-૨૫ જણની જ કેપેસિટી છે. એ નવું-નવું ખૂલેલું તો એ લોકોએ ખૂબ આગ્રહ કર્યો કે અહીં પરફોર્મ કરો, અમે પાછી ‘મોહન્સ મસાલા’ પરફોર્મ કરવા માટે હા પાડી દીધી. હવે શોના ટાઈમ પર જોયું તો એક ચકલું પણ નહોતું ફરક્યું. હું અને મનોજભાઇ ઘરે જવાનું વિચારતાં જ હતાં કે બે ફોરેનર્સ આવી ચઢ્યા નાટક જોવા. તો મેં માત્ર એ બે જાણ માટે આખું નાટક પરફોર્મ કરેલું. (ખડખડાટ હસતાં) હવે આનાથી મોટો એક્સપરિમેન્ટ બીજો શું હોય શકે?
વિ.વિ.: (હસતાં) હા યાર.. આવું તો મેં પણ ક્યારેય નથી અનુભવ્યું. અચ્છા તારી પહેલી ફિલ્મ બે યાર કેવી રીતે ઓફર થયેલી?
પી.જી.: એ ફિલ્મના લેખક ભાવેશ માંડલિયા અને નીરેન ભટ્ટે મારું સૌમ્ય જોષીવાળું નાટક "અમે બધા સાથે તો દુનિયા લઈએ માથે જોયેલું. તો અભિષેક જૈનએ મારો કોન્ટેક્ટ ફેસબૂક દ્વારા કરેલો. નોકરી કરતાં-કરતાં ફિલ્મ શૂટ કરી. નોકરીને કારણે હું તો ફિલ્મના પ્રોમોશનમાં પણ નહોતો જઈ શક્યો . ત્યારબાદ "રોંગ સાઈડ રાજુ પણ કરી. અને છેક ૨૦૧૬માં મેં નોકરી છોડી અને સંપૂર્ણપણે આ તરફ આવી ગયો.
વિ.વિ.: સરસ... તો હવે તારા આગામી આકર્ષણો?
પી.જી.: હું અમુક વૅબ-સીરિઝ અને હિન્દી ફિલ્મો કરી રહ્યો છું. એ ઉપરાંત મેં પૃથ્વી થિયેટર્સ
માટે વૂમનોલોગ્સ (સ્ત્રી પાત્રોની અકોક્તિઓ) બનાવેલા એમ મેનોલોગ્સ બનાવવાનો પ્લાન કરી રહ્યો છું.
(ત્યાં કોઈકને ધીરેથી) સર કો બોલના મૈં પહોંચ
ગયા હું.
વિ.વિ.: મને લાગે છે તું ખંડાલા પહોંચી ગયો છે. તો સ્ટેજ, સ્મોલ સ્ક્રીન અને બિગ સ્ક્રીન પર તને માણવાની આતુરતાપૂર્વક રાહ જોતાં અને તારો વધારે સમય ન બગાડતાં હું અહીં જ આપણી વાતો પતાવું છું. થેન્ક યુ દોસ્ત. ખૂબ જ મજા પડી ગઈ.
પી.જી.: મને પણ વિપુલભાઈ... થેન્ક યુ. મળીએ જલ્દી. |
|