19-April-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બ્રિસ્બેનની જીત ક્રિકેટ ચાહકો વરસો લગી નહીં ભૂલે
એકસ્ટ્રા અફેર - રાજીવ પંડિત

ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામે બ્રિસ્બેનમાં રમાયેલી ચોથી ને છેલ્લી ટેસ્ટ અકલ્પનિય રીતે જીતીને ઈતિહાસ રચી દીધો. આ જીત સાથે આપણી ટીમે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ ૨-૧થી જીતીને ક્રિકેટ ચાહકોને ખુશ કરી દીધા ને ભારતીયોનો મંગળવાર સાચા અર્થમાં મંગળમય બનાવી દીધો. ભારતે બ્રિસ્બેન ટેસ્ટમાં મંગળવારનો આખો દિવસ કાઢવાનો હતો ને ચોથી ઈનિંગ્સમાં આપણી ટીમનો રેકોર્ડ વરઘોડો કાઢવાનો છે એ જોતાં આ ટેસ્ટ ડ્રોમાં કાઢીએ તોય ભયો ભયો એવું ક્રિકેટ ચાહકો માનતા હતા. ઓસ્ટ્રેલિયાના બોલરો સામે ઝીંક ઝીલીને આપણી ટીમ ટેસ્ટ ડ્રોમાં ખેંચે તોય સિરીઝ ડ્રોમા જાય ને ગાવસ્કર-બોર્ડર ટ્રોફી આપણી પાસે જ રહે તેથી મોટા ભાગના ક્રિકેટ ચાહકો આ ટેસ્ટ ડ્રોમાં જાય એવી જ પ્રાર્થના કરતા હતા. તેના બદલે આપણા બેટ્સમેને ટીમને અકલ્પનિય રીતે જીત અપાવીને સૌને દંગ કરી દીધા છે.

ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર આ પહેલાં પણ ટેસ્ટ સિરીઝ જીતેલી. ૨૦૧૮-૧૯માં વિરાટ કોહલીના નેતૃત્વમાં આપણે ઓસ્ટ્રેલિયા રમવા ગયેલા ત્યારે ૨-૧થી સિરીઝ જીતીને ઈતિહાસ રચેલો. ઓસ્ટ્રેલિયાની ધરતી પર આપણે સિરીઝ જીત્યા હોય એવું પહેલી વાર બનેલું ને ઘણાંએ અતિ ઉત્સાહમાં આવીને તેને ભારતીય ક્રિકેટ ઈતિહાસની સૌથી મોટી જીત પણ ગણાવી દીધેલી. ભારતનો વિદેશની ધરતી પર રેકોર્ડ જરાય સારો નથી ને ઓસ્ટ્રેલિયા સામે તો એકદમ ખરાબ છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર આપણે પાંચ દાયકામાં પહેલી વાર ટેસ્ટ સિરીઝ જીતેલા એ જોતાં એ જીત મોટી હતી તેમાં શંકા નથી પણ આ જીત તેના કરતાં પણ મોટી છે. ભારતીય ક્રિકેટ ઈતિહાસની સૌથી મોટી જીત તો ના ગણી શકાય પણ જેને વરસો લગી યાદ રાખી શકાય ને ગર્વ અનુભવી શકાય એવી જીત ચોક્કસ છે.

આ જીતના કારણે સૌથી વધારે ગર્વ એ વાતનો થાય કે, આપણે સાવ નવા નિશાળિયા જેવા ખેલાડીઓના જોરે જીત્યા છીએ. અકિંજય રહાણેના નેતૃત્વ હેઠળની આ ટીમમાં રહાણે, રોહિત શર્મા અને ચેતેશ્ર્વર પૂજારાને બાદ કરતાં બાકીના ખેલાડીઓ સાવ નવાસવા છે. બ્રિસ્બેનમાં જીતનારી ટીમમાંથી વોશિંગ્ટન સુંદર ને ટી. નટરાજન તો પહેલી જ ટેસ્ટ રમતા હતા. મોહમ્મદ સિરાજ, શુભમન ગિલ ને નવદીપ સૈની પહેલી વાર આ સિરીઝમાં રમ્યા એ જોતાં બંને પણ નવાસવા જ છે. શાર્દૂલ ઠાકુર ૨૦૧૮માં પોતાની પહેલી ટેસ્ટ રમેલો પણ એ પછી તક જ નહોતી મળી. આ વખતે તેને તક મળી ને બ્રિસ્બેન ટેસ્ટ તેની બીજી ટેસ્ટ હતી. મયંક અગ્રવાલ અને રિષભ પંતની ટેસ્ટ મેચનો આંકડો ૧૦ને પાર થયો છે પણ એ બંને પણ ટેસ્ટ ટીમમાં કાયમી નથી ને આવનજાવન કર્યા કરે છે તેથી બંને નવા જ કહેવાય. ટૂંકમાં ભારતીય ટીમના ૧૧ ખેલાડીમાંથી ૮ ખેલાડી તો એવા છે કે જે ટેસ્ટ ટીમમાં કાયમી જ નથી. આપણા ઢગલો ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા તેમાં તેમને તક મળી ને તેમણે ઓસ્ટ્રેલિયા માટે કાળો કેર વર્તાવી દીધો.

બ્રિસ્બેનની જીતની બીજી ખાસિયત એ છે કે, આપણા નવાસવા ખેલાડીઓ સો ટકા નહીં પણ એકસો દસ ટકા તાકાત લગાવીને રમ્યા. આ ટીમનો કોઈ ખેલાડી એવો નથી કે જેણે જીતમાં યોગદાન ના આપ્યું હોય. ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગ્સમાં નટરાજન, શાર્દૂલ ને સુંદરની ત્રિપુટીએ ત્રણ-ત્રણ વિકેટો લઈને ઓસ્ટ્રેલિયાને મોટો સ્કોર નહોતો કરવા દીધો. ભારતીય બોલિંગ આક્રમણ બિનઅનુભવી છે તેથી ઓસ્ટ્રેલિયા રમતાં રમતાં પાંચસો-સાતસો રન ખડકી દેશે એવી વાતો થતી હતી. ઓસ્ટ્રેલિયન મીડિયા ભારતની બીજી ટેસ્ટના વિજય વખતે એવી વાતો કરતું હતું કે ડેવિડ વોર્નર નહોતો તેનો લાભ લઈને ભારત જીતી ગયું. બ્રિસ્બેનમાં આપણા બોલરો પણ નવા હતા ને વોર્નર પણ હતો છતાં ઓસ્ટ્રેલિયા ૪૦૦ રનના સ્કોરને પાર ના કરી શક્યું એ મોટી વાત હતી.

આપણા ખેલાડીઓએ એ પછી બેટિંગમાં જે કમાલ કરી એ આફરીન થઈ જવાય એવી હતી. પહેલી ઈનિંગ્સમાં શુભમન ગિલ સસ્તામાં આઉટ થયેલો પણ બીજા બેટ્સમેને નોંધપાત્ર યોગદાન આપેલું જ. રોહિત શર્મા વાહિયાત શોટ ફટકારીને આઉટ થયો એ બદલ ભલે તેના માથે માછલાં ધોવાયાં પણ તેણે ૪૪ રન કરીને ટીમને સારી શરૂઆત આપેલી એ કબૂલવું પડે. બીજા બધા પણ થોડુંઘણું ચાલેલા પણ અસલી હીરો વોશિંગ્ટન સુંદર ને શાર્દૂલ ઠાકુર હતા. પહેલી જ ટેસ્ટ રમતા સુંદરે કોઈ અનુભવી બેટ્સમેનની જેમ બેટિંગ કરીને રંગ રાખેલો ને શાર્દૂલે તેને બરાબરનો સાથ આપીને ઓસ્ટ્રેલિયન બોલરોની ઈજ્જતનો કચરો કરી નાખેલો. સુંદર ને શાર્દૂલની જોડીએ ભારતની જીતનો પાયો નાખેલો એમ કહેવાય. એ બંને વહેલા આઉટ થઈ ગયા હોત તો ઓસ્ટ્રેલિયાને જંગી લીડ મળી હોત ને ભારતનું બોર્ડ પહેલું પતી ગયું હોત. સુંદર-શાર્દૂલે એવું ના થવા દીધું.

ઓસ્ટ્રેલિયા સામેની બીજી ઈનિંગ્સમાં બધાંએ સારી બોલિંગ નાખી પણ મોહમ્મદ સિરાજ ને શાર્દૂલે ઓસ્ટ્રેલિયાને રહેંસી નાખવામાં મોટી ભૂમિકા ભજવેલી. બંનેએ મળીને નવ વિકેટ ખેરવીને ઓસ્ટ્રેલિયાને ૩૦૦ રનને પાર ના થવા દીધું તેમાં આપણ જીતની શક્યતા ઊભી થઈ. છેલ્લા દિવસની બેટિંગ સૌએ જોઈ છે તેથી ઝાઝું કહેવાપણું નથી પણ ચેતેશ્ર્વર પૂજારા, શુભમન ગિલ, રીષભ પંત ને સુંદરનાં વખાણ કરવાં જ પડે. પૂજારા માટે તો ટીમનો રકાસ રોકવા નવી વાત છે જ નહીં. આ માણસે ફરી સાબિત કર્યું કે ભારતીય ટીમમાં જેના પર આંખો મીંચીને ભરોસો મૂકી શકાય એવો કોઈ જણ હોય તો એ ચેતેશ્ર્વર પૂજારા છે. પૂજારાને નિશાન બનાવીને ઓસ્ટ્રેલિયન બોલરોએ બાઉન્સર્સનો મારો ચલાવેલો ને તેને બિવાડવામાં કોઈ કસર છોડી નહોતી. એ બધા સામે ઝીંક ઝીલીને પૂજારાએ ગિલ સાથે સવારનો કપરો કાળ કાઢી નાંખીને જીત ના થાય તો કંઈ નહીં પણ ટેસ્ટ ડ્રોમાં ખેંચી શકાશે એવી આશા તો ઊભી કરી જ દીધેલી. પૂજારાએ ગિલ પછી પંત સાથે મળીને આપણું વહાણ ના ડૂબવા દીધું.

જો કે પૂજારા આઉટ થયો ત્યારે ધ્રાસકો પડેલો પણ પંત-સુંદરે સાવચેતીભરી રમત બતાવીને સમો સાચવી લીધો ને પછી ખભા ઊંચકીને ઓસ્ટ્રેલિયાના ભુક્કા બોલાવી દીધા. પંત બહુ ભરોસોપાત્ર નથી ને દસેરાને દાડે જ તેનું ઘોડું નથી દોડતું એવી છાપ છે. આ વખતે તેનું ઘોડું દશેરાએ દોડ્યું જ નહીં પણ બધાંને પાછળ છોડીને દોડ્યું. પંતે ઓસ્ટ્રેલિયન બોલરો ચડી ના બેસે એટલા માટે જોખમ ઉઠાવીને કેટલાક દિલધડક શોટ ફટકાર્યા. પંત ધીરે ધીરે આક્રમણ વધારતો ગયો ને છેલ્લે છેલ્લે તો દરેક ઓવરમાં એકાદ બાઉન્ડ્રી ઠોકીને તેણે ઓસ્ટ્રેલિયનોને હતાશ કરી નાખ્યા. પંતે તેનાં જૂનાં બધાં પાપ માફ કરી દેવાય એવી જબરદસ્ત બેટિંગ બતાવીને ભારતને અકલ્પનિય વિજય અપાવ્યો.

સિડનીની ત્રીજી ટેસ્ટમાં રવિચંદ્રન અશ્ર્વિન અને હનુમા વિહારીએ ટેસ્ટ ડ્રોમાં ખેંચવા માટે જે બેટિંગ કરેલી એ ક્લાસિક હતી. અશ્ર્વિન ને વિહારીએ ઓસ્ટ્રેલિયાના બોલરો સામે ૪૨ ઓવર ઝીંક ઝીલીને તેમને હતાશ કરી દીધેલા. એ વખતે ભારત સામે ૪૦૦ કરતાં વધારે રનનો ટાર્ગેટ હતો ને પાછળ કોઈ બચ્યું નહોતું તેથી તેમણે કરેલી બેટિંગ બરાબર હતી. બંનેએ મર્દાન બેટિંગ કરીને ભારતને બચાવેલું. બ્રિસ્બેન ટેસ્ટમાં આખી ટીમે એવી મર્દાના બેટિંગ કરી. પંતે છેલ્લે છેલ્લે મેચ ડ્રોમાં કાઢવા માટે રમવાના બદલે જીતવા માટે આક્રમક બેટિંગ કરી એ બદલ તેને વખાણવો જ પડે.

બ્રિસ્બેનની જીત એ રીતે પણ મોટી છે કે આપણે વળતો ઘા કરીને જીત્યા છીએ. ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટમાં વિરાટ કોહલી સહિતના ધુરંધરો હોવા છતાં આપણે ઈજ્જતનો ફાલુદો કરીને ૩૬ રનમાં ઓલઆઉટ થઈ ગયેલા. એ વખતે કોઈને આશા નહોતી કે આપણે સિરીઝ જીતીશું. બધાં એમ જ માનતાં હતાં કે, બાકીની ટેસ્ટ બચાવીએ તો પણ ઘણું. તેના બદલે આ તો આપણે વટભેર જીતીને પાછા ફરીશું. વિરાટ કોહલી આણિ મંડળીની ગેરહાજરી આપણા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ એમ કહીએ તો ચાલે.

અજિંકય રહાણેનાં વખાણ ના કરીએ તો વાત અધૂરી ગણાય. વિરાટ કોહલી સારો ખેલાડી છે પણ ધોનીની જેમ પક્ષપાત વિના વર્તી શકતો નથી. કોહલીએ ટીમમાં પોતાના ચમચાઓને ભર્યા છે ને તેમને સાચવ્યા કરે છે. રહાણે પાસે વિકલ્પ જ નહોતા તેથી તેણે પરાણે નવા ખેલાડીઓને તક આપી એવું સ્વીકારીએ તો પણ આ ખેલાડીઓનો ઉપયોગ તેણે જે રીતે કર્યો એ માટે તેની પીઠ થાબડવી જ પડે. રહાણેએ ફાઈટ બેકની આગેવાની લઈને એક જોરદાર ઉદાહરણ પણ પૂરું પાડ્યું.

ઓસ્ટ્રેલિયા સામેની આ યાદગાર જીતના બધા હીરોને ફરી તક મળશે કે કેમ એ સવાલ છે કેમ કે આપણે ત્યાં ખાઈ બદેલા પાછા આવે એટલે તેમના માટે જગા કરવાની પ્રથા છે. આ સંજોગોમાં હવે પછી કોણ કોણ રમતા જોવા મળશે એ ખબર નથી પણ આ ખેલાડીઓ ક્રિકેટ ચાહકોના દિલમાં હંમેશાં રહેશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

33478sa7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com