| મૂર્તિકારોને રાહત |
| માઘી ગણેશચતુર્થી અને ચૈત્રી નવરાત્રી દરમિયાન પીઓપી પર પ્રતિબંધ હટાવાયો |
|
| મુંબઇ: માઘી ગણેશોત્સવ અને ચૈત્રી નવરાત્રી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે પીઓપી (પ્લાસ્ટર ઓફ પેરિસ)ના વપરાશ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ કામચલાઉ ધોરણે હટાવવામાં આવ્યો હોવાથી મૂર્તિકારોને રાહત મળી છે.
પીઓપીના વપરાશનો વપરાશને કારણે પર્યાવરણ પર થતા માઠા પરિણામો અંગે અભ્યાસ કરવા માટે સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. આ સમિતિનો અહેવાલ હજુ સુધી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું. તેથી સમિતિનો અહેવાલ ન આવે ત્યાં સુધી પીઓપી પર પ્રતિબંધ સ્થગિત કરવાનો આદેશ કેન્દ્રીય ખાતાના પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું.
પીઓપી પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે હજારો મૂર્તિકારો અડચણમાં હતાં. આ વ્યવસાયમાં પાંચ લાખથી વધુ લોકોને રોજગાર મળે છે. કોરોનાને કારણે આ ઉદ્યોગને ફટકો લાગ્યો હતો. માઘી ગણેશોત્સવ અને ચૈત્રી નવરાત્રીના ટાંકણે પીઓપીથી બનેલી મૂર્તિની માગણી મોટા પ્રમાણમાં થતી હોવાથી પીઓપી પર લાદવામાં આવેલા પ્રતિબંધને કામચલાઉ ધોરણે હટાવવાની માગણી માટે મૂર્તિકાર સંગઠનના અધ્યક્ષ પ્રકાશ જાવડેકર અને ભાજપ નેતા આશિષ શેલારની મુલાકાત લીધી હતી. શેલાર અને જાવડેકરે કામચલાઉ ધોરણે પીઓપીના પ્રતિબંધને હટાવવાનો નિર્ણય લઇને મૂર્તિકારોને રાહત આપી હતી. મુંબઇ મહાનગરપાલિકાના સાર્વજનિક ગણેશોત્સવ સમિતિના અધ્યક્ષે આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું.
સામાન્યપણે મુંબઇમાં માઘી ગણેશોત્સવ દરમિયાન ૩,૫૦૦ સાર્વજનિક મંડળ અને ૧૦,૦૦૦ ઘરગથ્થુ ગણપતિની સ્થાપના થાય છે. સરકારને નિર્ણય લેવામાં એક દિવસ થાય છે, પરંતુ મૂર્તિ બનાવવી એક દિવસનું કામ નથી. કોરોનાને કારણે પહેલેથી જ મૂર્તિકારો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવાથી સરકારે માઘી ગણેશોત્સવ નિમિત્તે પીઓપીના વપરાશ માટે પરવનાગી આપવી જોઇએ એવી માગણી કરવામાં આવી હતી. |
|