| વાળ આપે છે સ્વાસ્થ્યના સંકેત
|
|  વિશેષ - મુકેશ પંડ્યા
રૂક્ષ વાળ
એ વાતમાં કોઇ સંદેહ નથી કે તડકો તમારા વાળને ભયંકર નુકસાન પહોંચાડી શકે છે. એ તમારા વાળને રૂક્ષ અને નબળા પાડી દે છે. લાંબા સમય સુધી તડકામાં રહેવાથી વાળ શુષ્ક થઇ જશે. જો તમારા વાળ પણ રૂક્ષ હોય તો તેને સૂર્યનાં હાનિકારક કિરણોથી બચાવવાનો ઉપાય કરી લો.
----------------
વાળમાં ખોડો
ત્વચાની સમસ્યા જેમ કે સોરિયાસિસ અને એગ્ઝિમા તમારા માથાની ત્વચાને પોપડીદાર બનાવી દે છે. માથામાં ખોડો થવાનું આ પણ એક કારણ હોઇ શકે છે. જો તમારા માથાની ત્વચા રૂક્ષ હોય અથવા તેના પર લાલ કે સફેદ ચકતાં હોય તો તુરંત ડર્મેટોલોજિસ્ટનો સંપર્ક સાધો.
-------------------
પાતળા વાળ
વાળની વૃદ્ધિ માટે પ્રોટીનનું સેવન કરવું ખૂબ આવશ્યક છે. જો તમારા વાળ ધીમે ધીમે પાતળા થઇ રહ્યા હોય તો બની શકે કે શરીરમાં પ્રોટીનની અછત હોય. આ માટે તમારે આહારમાં પ્રોટીનથી ભરપૂર ખાદ્યપદાર્થ જેમ કે દૂધ, પાલક, અખરોટ, એવોકાડો વગેરેનો સમાવેશ કરવો જોઇએ.
----------------
ખરતા વાળ
મહિલાઓમાં વાળ ખરવાનું સૌથી સામાન્ય કારણ છે હોર્મોનલ અસંતુલન. સ્ટ્રેસ અથવા અન્ય કોઇ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાને કારણે જ્યારે શરીરમાં હોર્મોન્સનો સ્તર ઉપર-નીચે થાય છે ત્યારે વાળના ગુચ્છેગુચ્છા નીકળવાનું શરૂ થઇ જાય છે. આવી સ્થિતિમાં મેડિકેશનની જરૂર હોય છે.
------------------
સફેદ વાળ
જો તમારા માથામાં સફેદ વાળની સંખ્યા વધતી જઇ રહી છે અને વાળ પણ ખૂબ ખરી રહ્યા છે તો એ સાફ સંકેત છે કે તમે તણાવમાં છો. તણાવથી પિગ્મેન્ટ પેદા કરતા સેલ્સને નુકસાન પહોંચે છે, જેને કારણે વાળ સમયની પહેલાં જ સફેદ થવા લાગે છે. વિટામિન બી૧૨ની ટેબ્લેટ લેવાથી અને તણાવથી દૂર રહેવાથી વાળની સમસ્યામાં રાહત મળી શકે છે. |
|