3-March-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હેપી કપલ દેખાય ખરાં, પણ હોય છે ખરાં?

દિલની વાત - દિનેશ દેસાઈજાણીતાં બિઝનેસ વૂમન અને ઉદ્યોગસાહસિક કિરણ મજુમદાર શોનું કહેવું છે કે એકવીસમી સદીમાં મહિલાઓ વધુ શિક્ષિત થઈ છે અને આર્થિક રીતે વધુ સક્ષમ બનીને પુરુષોથી વધુ કમાતી થઈ છે. આમ છતા આવી મહિલાઓ તેમના પતિમહાશયની માનસિક-શારીરિક ગુલામી કેમ ચલાવી લે છે, એ સમજાતું નથી.

કિરણ મજુમદાર શો પાવરફૂલ બિઝનેસ વૂમન છે. તેઓ એકવીસમી સદીની વર્કિંગ વૂમનની વેદના અને બેડરુમની ચાર દીવાલોમાં અથડાતા ડુસકાંને સમજે છે. તેમણે કહ્યું છે કે આજની સ્ત્રી ભણેલી અને સારું કમાતી હોવા છતા શા માટે પોતાની ઉપર પતિના જુલમ-સિતમ ચલાવી લે છે?

સ્ત્રી-પુરુષ સમાનતાની, ઈક્વાલિટીની બધી વાતો વાસ્તવિકતાની દુનિયામાં હવા થઈ જાય છે, હવામાં ઓગળી જાય છે. મેલ ડોમિનન્ટ સોસાયટી માટે આજની આધુનિક નારી શું જવાબદાર નથી? પહેલી નજરમાં આધુનિક વિચારસરણીવાળી યા મોડર્ન દેખાતી વર્કિંગ વૂમન હો કે હાઉસ વાઈવ્સ આખરે પોતાના પતિના શરણે જ રહેવાનું કેમ પસંદ કરે છે?

પતિ પ્રત્યે માન, આદર, વિવેક અને સન્માન હોય એ તો સમજી શકાય, પરંતુ સામે ચાલીને ગુલામીની લગોલગ જિંદગી કોઈક અપવાદ સિવાય મોડર્ન વૂમન સામે ચાલીને પસંદ કરે છે, એનું લોજિક શું છે? કોઈ જવાબ નથી. લાજવાબ.

આપણે ડૉ. નિશા ભટ્ટની વાત કરીએ. પતિ-પત્ની બેઉ ડૉક્ટર છે અને બેઉ ક્ધસલ્ટન્ટ ફેમિલી ફિઝિશિયન તરીકે અલગ અલગ દવાખાના સંભાળે છે. સવારે અને સાંજે એવરેજ વીસ-વીસ પેશન્ટ અને દરેક પેશન્ટ પાસેથી એવરેજ સો રૂપિયા ચાર્જ અને મહિનાના ૨૫ દિવસની પ્રેકટિસ ગણીએ તો દર મહિને એક લાખ રૂપિયા પતિના હાથમાં (ચરણમાં) જમા કરાવી દે છે.

પતિ પણ મહિને એટલું જ કમાય છે, પરંતુ જિંદગી જાણે એક બંદીવાન યા જેલના કેદી જેવી. જેલ ખરી પણ પ્રેમની જેલ અને પોતે પસંદ કરેલી જેલ. કેવી રીતે? એ પણ સમજવા જેવું છે. ઘરથી દવાખાનું અને દવાખાનાથી ઘર. ટાઈમટેબલમાં જો પાંચ મિનિટ પણ ફેરફાર થાય તો પતિ મોબાઈલ કરીને પત્નીને તેનું લોકેશન પૂછી લે.

પતિ-પત્ની બેઉ ડૉક્ટર હોય એટલે એકમેકની ફિલિંગ્સ વધુ સારી રીતે સમજી શકે. એકમેકના પ્રોફેશનલ ફિલ્ડના વર્ક-ટાસ્ક સમજી શકે. એકબીજાની ચેલેન્જીસ પણ સમજી શકે એવું માનવામાં આવે છે. જોકે, હંમેશાં એવું બનતું નથી હોતું. આદર્શ અને વાસ્તવિકતાઓ ઉત્તર અને દક્ષિણ ધ્રૂવ સમાન હોય છે. આ વાતનો અહેસાસ લગ્નના વરસો વીતતાં જાય તેમ તેમ ખબર પડતી જાય.

આવાં દંપતીના જીવનમાં એવો તબક્કો આવે કે છૂટા પડવાનું મન હોય પણ સંતાનની દોરી છૂટા પડવા ના દે અને જકડી રાખે. ઘર બહારની દુનિયાવાળાને તો એમ જ લાગે કે આઈડિયલ કપલ છે. જસ્ટ મેડ ફોર ઈચ અધર. મોટા ભાગના કિસ્સામાં એવું હોતું જ નથી, જેવું બહારથી દેખાતું હોય છે.

આપણે ડૉ. નંદિની શાહની પણ વાત કરીએ. પોતાની ગવર્મેન્ટ મેડિકલ ઑફિસર તરીકે મહિને સવા લાખની પગારની આવક છે. એનેસ્થેટિસ્ટ પતિ ડૉ. નિકુલ જગત પરચુરણ ક્ધસલ્ટિંગ કરે છે. છૂટક કમાણીમાં મહિને ચાળીસ-પચાસ હજાર અથવા ક્યારેક પચ્ચીસ-ત્રીસ હજાર મળે છે. પતિને પોતાની ઓછી આવક હોવાથી ઈગો પ્રોબ્લેમ થાય. મનદુ:ખ અથવા અણબનાવની શરુઆત

અહીંથી થાય.

પતિ ડૉ. નિકુલ ડૉ. નંદિનીથી દસ વર્ષ મોટી ઉંમરના હોવાથી પત્નીના પિતા જ લાગે. આમ ડૉ. નંદિની શાહના પતિને દેખાવ વિશે પણ ઈગો પ્રોબ્લેમ થાય. ઘરનો તમામ ખર્ચ પત્ની ઉઠાવે. સંતાનોને ભણાવવાની ફી વગેરે ખર્ચ પત્નીની સેલરીમાંથી થાય.

લોનથી લીધેલા મકાન માટે બૅન્કનો માસિક હપતો પણ પત્નીએ ભરવાનો. ઘરખર્ચ, લાઈટ બિલ, ટૅક્સ અને અનાજ-કરિયાણું વગેરે તમામ ખર્ચ પત્ની જ કરે. તો પછી પતિએ શું કરવાનું? એણે ઘરની કોઈ જવાબદારી નહીં ઉપાડવાની? આ સવાલનો

જવાબ છે, ના.

ડૉ. નંદિની શાહના પતિ માત્ર પોતાના અંગત ખર્ચમાં પોતાની આવક વાપરે અને રકમ વધે તો શેર-સટ્ટામાં પોતાની કમાણી ખર્ચ કરે. શૅરબજારમાં સટ્ટો રમવો એટલે રૂપિયા ગુમાવવાનો જ ધંધો. તેઓ ઘરખર્ચ માટે પત્નીને એક રૂપિયો પણ ના આપે. પત્નીએ સમયસર નોકરીએ જવાનું અને સમયસર ઘરે પાછા આવવાનું.

અઠવાડિયામાં ચાર-પાંચ વાર પતિ પોતે પત્નીને લેવા-મૂકવા માટે જાય. પત્નીને જો દસ મિનિટ પણ મોડું થાય તો પતિ જાતજાતના સવાલો કરે. અરે, દિવસમાં દર એક કલાકે પત્નીને મોબાઈલ કરીને પૂછતાછ પણ કરે. લોકોને એમ દેખાય કે પતિ-પત્ની વચ્ચે સરસ પ્રેમ છે, પરંતુ પત્ની જાણતી હોય એક પ્રકારની બંદીવાન સ્થિતિ.

પતિએ પત્નીની આવકમાંથી કાર લીધી, પણ પત્નીને ચલાવવા ના આપે. વધુ કમાતી પત્ની બિચારી ટુ-વ્હિલર વાપરે. પતિએ જ્યારે બીજી નવી કાર પત્નીના રૂપિયાથી જ લીધી, ત્યારે જૂની કાર પતિએ પત્નીને વાપરવા કહ્યું. જોકે, ચલાવવા દે નહિ. એવું બોલી બોલીને ઈમોશનલી ટોર્ચર કરે કે, તને ટ્રાફિકમાં બરાબર ચલાવતા ક્યાં આવડે છે?

ઘરની ચાર દીવાલોમાં પત્નીનાં ડુસકાં કોણ સાંભળે? એ કોને કહેવા જાય કે પતિનો માનસિક ત્રાસ છે? બહારની દુનિયાના લોકોને તો આ પતિ-પત્ની હેપી કપલ જ લાગે. ડુંગર દૂરથી રળિયામણાં. આ કહેવત અનુસાર હેપી કપલ દૂરથી જ દેખાય. અંગત રીતે કેવું જીવન છે, એ તો તેઓ જ જાણતાં હોય.

મેડિકો-કપલનું ઉદાહરણ આધુનિક યા મોડર્ન કપલ તરીકે આપી શકાય. ડૉ. મેઘના શાહની વાત કરીએ. તબીબપતિ મુક્ત આચારવિચારવાળા. પતિ-પત્ની બેઉ સરકારી નોકરીમાં એટલે મહિને એક-એક લાખથી વધુ પગાર. છતા પતિ લગ્ન કર્યા ત્યારથી ઘરમાં એક રૂપિયો ના આપે. પત્નીએ જ ઘર-પરિવારની તમામ જવાબદારીઓનું વહન કરવાનું રહે. પતિ પોતાના પગારની રકમ એશોઆરામ માટે જ ખર્ચી નાખે. એકથી વધુ મહિલાઓ સાથેના સંબંધ પણ ખરા.

સામાન્ય રીતે પતિનું પરસ્ત્રીગમન કોઈ પણ પત્ની ચલાવી ના લે. પત્નીના લગ્નબાહ્ય સંબંધો પણ પતિ ના ચલાવે. ડૉ. મેઘના શાહની નજર સામે પતિ પોતાની સ્ત્રીમિત્રને આમંત્રિત પણ કરે. પત્નીએ સહન કરવાનું અને ચલાવી લેવાનું આવે. બે સંતાનોના ચહેરા નજર સમક્ષ હોય એટલે પત્નીને છૂટાછેડા લેવાનો વિચાર પણ ના આવે.

બહારની દુનિયા માટે આ કપલ આદર્શ યુગલ જ દેખાય. બીજી તરફ ઘરની ચાર દીવાલોમાં પત્ની ચોધાર આંસુએ રડતી હોય. સહેજ પણ વિરોધનો સૂર-અવાજ કાઢે ત્યારે પત્ની ડૉ. મેઘના શાહને તબીબ પતિ ઢોરની માફક મારે અને રૂમમાં પણ પૂરી દે. આદર્શ નારી તરીકે તબીબ પત્ની પતિને પરમેશ્ર્વર તરીકે સ્વીકારે. તેની મારઝુડ જાણે પત્નીને મન પ્રસાદ.

સમાજની આ વિડંબના છે. જીવનમાં સંવાદિતાનું સંગીત રેલાય એનું નામ સુખ. તૃપ્તિ અને આનંદની સૂરાવલી ભીતરથી છલકતી રહે એનું નામ સુખ. આ સુખ સહુના નસીબમાં હોતું નથી.ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1c7S7x7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com