| શેરબજારની તેજીમાં આપણે રહી ગયા...
|
| ૨૦૨૧માં તમને આવું ન થાય એ માટે આટલું સમજી રાખો ક વધુ પડતા વધી ગયેલા બજારમાં ધ્યાન રાખવું જોઈશે, ૨૦૨૧માં રિસ્ક મેનેજમેન્ટ અને સિલેક્ટિવ અભિગમ જરૂરી, સોનામાં હજી સ્કોપ... |
|
|  સ્પેશિયલ - જયેશ ચિતલિયા
૨૦૨૦નું વરસ આમ તો બહુ ખુશ થવા જેવી ઘટનાઓનું ન રહ્યું, તેમ છતાં છેલ્લા ૭-૮ મહિનામાં શેરબજારમાં જે ઉછાળો આવ્યો તે ઘટના યાદગાર અને પ્રોત્સાહક કહી શકાય. ઘટતા જતા વ્યાજદર અને બોન્ડ્સના વળતરમાં થયેલા ઘટાડાને પગલે લિક્વિડ ફંડ્સ અને નાની બચત યોજનાઓનું આકર્ષણ નોંધપાત્ર ઘટી ગયું. પ્રથમ સાત મહિનામાં શેરબજારમાં આવેલા ઉછાળા બાદ સોનાના ભાવમાં ઘટાડો થયો. અમેરિકાના શેરબજારમાં પણ વધારો થયો. એકંદરે લાગે છે કે બજાર વધુ પડતું વધી ગયું છે તેમ છતાં વધઘટ સાથે સુધારો હજી ચાલુ છે. કયાં સુધી આમ ચાલશે એ સવાલ સાથેની પરિસ્થિતિમાં ૨૦૨૧માં રોકાણ ક્યાં કરવુ જોઈએ અને કયાં પરિબળોને ધ્યાનમાં લેવાં જોઈએ એના પર એક નજર કરીએ.
વિદેશી રોકાણની મોટી અસર
બજારમાં જ્યારે મોટી વધઘટ, તોતિંગ ઉછાળો કે કડાકો એમ બહુવિધ વલણ જોવા મળે ત્યારે જો રોકાણકાર તેનો લાભ ઉઠાવવામાં સફળ બને તો તે મોટે પાયે સંપત્તિસર્જન કરી શકે છે. ૨૦૨૦નું વર્ષ આવું જ રહ્યું, આપણે રહી ગયા એવી લાગણી, ડર, લોભ, ગાંડપણ, નિરાશા અને ઉત્સાહનો અતિરેક એમ બધાં વલણ બજારમાં જોવા મળ્યા છે. ૨૦૨૧માં શેરબજારમાં કેવો માહોલ રહેશે? આપણે ભારતીય શેરબજારમાં વધારા કે ઘટાડાનાં કારણોનું વિશ્ર્લેષણ કર્યા કરીએ છીએ, પરંતુ હકીકત એ છે કે દેશની બજારની વધઘટ એફઆઈઆઈની પ્રવાહિતા પર મહદઅંશે નિર્ભર છે. આખરે તો સૌની નજર વૈશ્ર્વિક પ્રવાહિતા પર મંડાયેલી રહે છે. કેમ કે બજારની તેજીનો મોટો આધાર એફઆઈઆઈનો રોકાણ પ્રવાહ છે.
એફઆઈઆઈ જ્યારે મંદીમાં આવે છે ત્યારે વ્યક્તિગત સ્ક્રિપ્સની મજબૂતાઈની સાચી જાણ થાય છે. અત્યારે રિટેલ કામકાજ બહુ વધી રહ્યું છે, પરંતુ હકીકત એ છે કે એફઆઈઆઈનું ભંડોળ જંગી માત્રામાં આવી રહ્યું છે. આ વલણ માત્ર ભારત પૂરતું મર્યાદિત નથી. બધી ઊભરતી બજારોમાં આ વલણ પ્રવર્તે છે. અત્યારે તો લાગે છે કે હજી બજાર આગળ વધશે. ડિસેમ્બરમાં આશરે રૂ.૩૫૦ અબજ સ્થાનિક સંસ્થાઓ અને આશરે રૂ.૪૫૦ અબજ એફઆઈઆઈ દ્વારા બજારમાં ઠાલવવામાં આવ્યા છે.
રિસ્ક મેનેજમેન્ટ કરો
સારા બજારમાં જોખમી શેરો પણ સારો દેખાવ કરતા હોય છે. છેલ્લા ત્રણ મહિનામાં રિયલ્ટી અને મેટલ્સ ક્ષેત્ર ૪૦થી અધિક ટકા વધ્યાં છે. હવે બજારમાં જોખમ બહુ વધી ગયું છે. અનેક લોકો શેરોના ભાવ બમણા થતા જોઈને અમે રહી ગયા... એવી લાગણી વ્યકત કરે છે, પરંતુ જ્યારે કરેક્શન આવશે ત્યારે આ જ લોકો પોક મૂકશે.
જો તમે મિડકેપ -સ્મોલ કેપ શેર્સ ખરીદવાની યોજના બનાવતા હો તો જોખમ સંચાલન એટલે કે રિસ્ક મેનેજમેન્ટ મહત્ત્વનું પાસું છે. ઘણીવાર મિડકેપ શેર્સમાં ટ્રેડિંગ કરનારાઓને આવા પ્રકારની કંપનીઓના મૂળની ખબર હોતી નથી. કોઈ મિત્ર કહે અથવા વોટ્સએપમાં કે કોઈએ ભલામણ કરી હોય એટલે ખરીદી લેતા હોય છે. જો તમે ટ્રેડિંગ કરવાની શરૂઆત જ કરી હોય તો સ્ટોપ લોસ રાખો અને જોખમને નિયંત્રણમાં રાખો. જો તમે ફક્ત શેરના ભાવને જુઓ છો તો મહેરબાની કરીને સ્ટોપ લોસ માટે ભાવને ટ્રિગર તરીકે ઉપયોગ કરો. રોકાણકારોએ સ્મોલ કેપ અને મિડકેપ શેર્સની લાલચથી દૂર રહેવુ જોઈએ. કોવિડ પછી વિશ્ર્વમાં કઈ રીતે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે તે સમજો. રોકાણકારોએ ઊંડો અભ્યાસ કરીને આ શેર્સમાં રોકાણ કરવું જોઈએ, જેથી આગળ જતાં સંપત્તિનું સર્જન થાય. એવી કંપનીમાં રોકાણ કરવું જોઈએ જેણે કોરોના પહેલા અને પછી સારો નફો કર્યો હોય, જેથી એક અંદાજ આવે કે લાંબા ગાળે કંપનીની ક્ષમતા કેટલી હશે.
રિઅલ્ટી, આઈટી અને બેંકિંગ સેકટર
વર્ષ ૨૦૨૧માં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે. ઘણી સારી કંપનીઓ છે જેમણે પોતાને શ્રેષ્ઠ સાબિત કરી છે. ત્રણથી પાંચ વર્ષના ગાળાને ધ્યાનમાં રાખી તેના પર જોર આપવું જોઈએ. આઈટી ક્ષેત્ર વિશે વાત કરવી હોય તો ચોકકસ કહી શકાય કે તેમાં સારી એવી વૃદ્ધિને અવકાશ છે. કોવિડ બાદ સૌથી વધુ લાભ ડિજિટલ ક્ષેત્રને થયો છે. આ ક્ષેત્રે કમનસીબી એ છે કે મોટા ભાગની કંપનીઓ અનલિસ્ટેડ છે અને લિસ્ટેડ કંપનીઓ થોડી જ છે. પ્રાઈવેટ ઈક્વિટી ક્ષેત્રમાં ઘણી ઊથલપાથલ થઈ રહી છે.
બજારનો એક વર્ગ માને છે કે ખાનગી બેન્કો જાહેર ક્ષેત્રની બેન્કો કરતા વધુ સારી કામગીરી બજાવશે. પીએસયુ બેન્કો જે બિઝનેસ મોડેલ ધરાવે છે એ જોતાં તેમાં હજી જોખમ લાગે છે. બજાર કંપનીઓની કમાણીના આંકડાઓ પ્રમાણે ચાલે છે. ગુણવત્તા અને કમાણીમાં તડજોડ ચાલે નહિ. પીએસયુ બેન્કોની કમાણી કંઈ એવી નથી કે તેમના પ્રતિ આકર્ષણ થાય, જેથી ખાનગી બેન્કોને રોકાણ માટે પસંદગી આપવી વધુ સલાહભર્યુ છે. જો કે તેમાં સિલેકટિવ બનવું જોઈશે.
વધુ પડતું વધેલું માર્કેટ
માર્કેટ વધુ પડતું ઊંચે ગયું હોવા છતાં ઈક્વિટીમાં રોકાણ કરવાનું બંધ કરાય નહી. અત્યારે વધુ પડતી પ્રવાહિતા બજારને વધુને વધુ ઊંચે લઈ જઈ રહી છે. કોવિડ-૧૯ની રસીનો અમલ અને સારો આર્થિક વૃદ્ધિ દર રહેવાની સંભાવના-આશા કામ કરી રહી છે. કેટલાંક ક્ષેત્રોના શેર્સના ભાવ તેમની ઐતિહાસિક સપાટીએથી ઉપર ચાલી રહ્યા છે, એટલે જ અત્યારે ઈક્વિટીમાં તબક્કાવાર અને લાંબા ગાળાની સમયમર્યાદા રાખી રોકાણ કરવું જોઈએ. જોકે શેરોના ભાવ જે પ્રમાણમાં વધ્યા છે એના પ્રમાણમાં કંપનીઓની કમાણી વધી નથી. જ્યારે વ્યાજદર ઘટતા હોય ત્યારે બધા એસેટ ક્લાસમાં મધ્યમ વળતર મળતું હોય છે એટલે રોકાણકારોએ ઓછા વળતરની અપેક્ષા રાખવી જોઈએ, ૨૦૨૧માં લાર્જ કેપ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં આશરે ૧૦ ટકાના વળતરની અપેક્ષા રાખી શકાય.
જો તમે ઈન્ટરનેશનલ ઈક્વિટી ફંડ્સમાં રોકાણ કરતા હો તો તેની પસંદગી કરવામાં સાવધાની રાખવી જોઈએ. એમાં ડાઈવર્સિફાઈડ ફંડ્સને વળગી રહો. આ કેટેગરીમાં થિમ્સ આધારિત ફંડ્સમાં પડવા જેવું નથી. તમારા રોકાણના ૧૦ ટકા તમારે ગ્લોબલ ફંડ્સને ફાળવવા જોઈએ.
સોનામાં હજી સ્કોપ છે
૨૦૨૧ના પ્રથમ છ મહિનામાં વ્યાજદરોમાં કોઈ ફેરફારની સંભાવના નથી. જોકે બાકીના છ મહિનામાં રિઝર્વ બેન્ક તબક્કાવાર પોલિસી રેટ્સમાં ફેરફાર કરે એવી સંભાવના છે. બોન્ડ્સ ફંડ્સમાં રોલ ડાઉન વ્યૂહનો ઉપયોગ કરીને સારી ક્વોલિટીના બોન્ડ્સમાં રોકાણ કરવું જોઈએ. ઈક્વિટીમાં લાંબા ગાળાનું રોકાણ પસંદ કરવું જોઈએ.
ગયા વરસે અનેક લોકો તક ચુકી ગયા છે. માર્ચમાં ઘટી ગયેલા બજાર બાદ તે આટલી હદ સુધી ઉછળીને રહેશે એવી કલ્પના કોઈ કરી શકતું નહોતું, જયારે કે હવે માર્કેટમાં ભલે તેજીનો ટ્રેન્ડ રહે, પરંતુ આ વરસે અમે રહી ગયાની લાગણી ન થાય એ માટે ચોકકસ અભ્યાસ જરૂરી બનશે.
સોનાના ભાવ ૨૦૨૦માં ૨૬.૭૩ ટકા વધ્યા છે. પરંતુ નવી રસીના સમાચારે સોનાને બ્રેક મારી છે. આમ છતાં તમારા પોર્ટફોલિયોમાં ૧૦ ટકા રોકાણનો સોનાનો સમાવેશ કરવો જોઈએ. વિવિધ દેશોની સરકારો બજારમાંથી નાણાં લેવાનું ચાલુ રાખશે એટલે નીચા વ્યાજદર ચાલુ રહેશે. નબળો ડોલર અને ઊંચી પ્રવાહિતાને પગલે કોમોડિટીના ભાવ ઊંચા જતાં ફુગાવાનું દબાણ ઊભું થઈ શકે. સોનામાં રોકાણનો હેતુ વળતરનો નહિ પરંતુ ફુગાવા સામેના રક્ષણનો હોવો જોઈએ. કોરોના પુન: ફેલાય કે તેનું પેનિક ઊભું થાય અથવા અન્ય કોઈ ગ્લોબલ સંકટ આવે તો સોનાના ભાવ વધી શકે. જેથી ઘટાડે સોનું ખરીદતા રહો. નવા વર્ષે સોનાનો ભાવ રૂ.૬૫૦૦૦-૬૮૦૦૦ની રેન્જમાં જઈ શકે છે. જો ૨૦૨૧માં ભૂતકાળના વળતરના આધારે રોકાણ કરશો તો તે વિનાશક પુરવાર થશે. એને બદલે સમય સમય પર જુદા જુદા એસેટ ક્લાસને તમે કરેલી ફાળવણીની પુન:સમીક્ષા કરતા રહેવું જોઈએ.
|
|