3-March-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગ્રહોનું સંગીત અને રાગની રંજકતા રાગેશ્રી: ફૂલગુલાબી રાગ
સેહત કે સૂર - નંદિની ત્રિવેદી

સંગીત શારીરિક અને માનસિક રોગોના ઉપચાર માટે સક્ષમ છે. તે શરીરનાં તમામ અવયવો પર અસર કરે છે. માનસિક અને શારીરિક રોગો પર તે ખાસ કરીને વધુ અસરકારક સાબિત થાય છે. સંગીતનો પ્રયોગ કોઈ અન્ય તબીબી પદ્ધતિઓ સાથે કરીને તમારું સ્વાસ્થ્ય સુધારી શકાય છે. સંગીત ચિકિત્સાની લાક્ષણિકતાઓ એ છે કે શરીરનાં તમામ અંગો અને સમસ્ત શારીરિક કાર્યપ્રણાલી બન્ને પર અસર કરે છે.

સંગીતનો પ્રભાવ રોગ અને દરદીની પ્રકૃતિ પર નિર્ધારિત છે.

કહેવાય છે કે ગ્રહોનું પણ સંગીત છે. યેલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ગ્રહોથી ઉત્પન્ન થનારો ધ્વનિ બહુ સ્પષ્ટ હોય છે. એમાંય બુધ ગ્રહનો ધ્વનિ ચકલીઓની ચીં ચીં જેવો હોય છે અને શનિ ગ્રહનો ધ્વનિ ધીમો સંભળાય છે. સૂર્ય એક વિશાળ વાદ્ય યંત્ર સમાન છે જે ૮૦ પ્રકારના નાદ અને અનુનાદ ઉત્પન્ન કરે છે. તેથી હિન્દુ ધર્મમાં આત્માને ‘નાદબ્રહ્મ’ નામ આપવામાં આવ્યું છે. સંગીતજ્ઞ જોકિમ અર્નેસ્ટ બેરન્ટના મત મુજબ આખી સૃષ્ટિમાં અબજો પ્રકારનાં ધ્વનિ અસ્તિત્વ ધરાવે છે જે મનુષ્યની કલ્પનાની બહારની વસ્તુ છે તેમ જ એ એક વિશાળ ઓરકેસ્ટ્રાનું નિર્માણ કરે છે.

વૈજ્ઞાનિકોના મત અનુસાર મનુષ્યના કાન ૧૩૭૮ પ્રકારના વિભિન્ન ધ્વનિ સાંભળીને એમની વચ્ચેનો ભેદ પારખી શકે છે, જેની કંપન સંખ્યા ૧૬ થી ૨૫ હજાર હર્ટ્સ (પ્રતિ સેક્ધડ) હોય છે. છતાંય મનુષ્યના કાનની ક્ષમતા સીમિત છે. કોઈ ફૂલ ખીલે તો એમાં પણ નાદની સૃષ્ટિ હોય છે જે આપણને સંભળાતી નથી.

સંગીત ચિકિત્સા ધ્વનિ-નાદ ઉપર આધારિત છે. સંગીત જીવલેણ રોગ મટાડી ન શકે પરંતુ રોગીને રોગ સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે, એની પીડા ઘટાડે છે. સંગીત સાંભળીને મગજમાં એવા સ્રાવ નિષ્પન્ન થાય છે કે એ દર્દીની ચિંતા ઘટાડી શકે છે.

પાશ્ર્ચાત્ય દેશના એક સુપ્રસિદ્ધ ન્યુરોલોજીસ્ટ ડો. ઓલીવરે પાર્કિંન્સન્સ એટલે કે કંપવાના રોગથી પીડાતી એક મહિલા વિશે જણાવ્યું કે એ મહિલાએ પિયાનો વાદન શીખેલું હતું. જ્યારે પણ એ પિયાનોવાદન કરવા બેસતી તો એને કલાકો સુધી વગાડ્યા કરતી હતી અને એ વખતે એના શરીરમાં કંપન અટકી જતું હતું, જાણે પાર્કિન્સન રોગ થયો જ નથી. કેટલાક દર્દીઓ ચાલવા અક્ષમ હતા એ લોકો સંગીત ચિકિત્સા પછી નૃત્ય કરી શકતા હતા. જેમને બોલવામાં તકલીફ હતી તેઓ સંગીત ચિકિત્સા પછી આરામથી ગાઈ શકતા હતા.

ડો. ઓલીવર તો એટલે સુધી કહેતા કે સંગીત ચિકિત્સામાં સ્વર અને તાલના પ્રયોગથી લકવાગ્રસ્ત રોગીને સાજો કરી શકાય છે. શલ્ય ચિકિત્સામાં ક્યારેક એનો ઉપયોગ એનેસ્થેસિયાને બદલે પણ કરવામાં આવે છે અને કેટલાક ડેન્ટિસ્ટે પણ સંગીત ચિકિત્સાનો સહારો લીધો હતો. દંત ચિકિત્સકના ક્લિનિકમાં હળવું સંગીત વાગતું હોય તો દર્દીને પીડા ઓછી થાય છે.

ડોક્ટર ઓલિવર માને છે કે સંગીત સાંભળવાથી મનુષ્યની અંદરનું પ્રાકૃતિક સંગીત જાગી ઊઠે છે, જે મસ્તિષ્કની દરેક ક્રિયા ને સ્વસ્થ અને જાગૃત કરે છે, જેનો પ્રભાવ આખા શરીર પર પડે છે.

સંગીત ચિકિત્સકોનો અનુભવ છે કે દર્દીઓએ આધુનિક સંગીતને મોટાભાગે નકાર્યું છે અને પ્રાચીન સંગીતકારો દ્વારા સર્જાયેલા સંગીત અને વાદ્યવૃંદને અધિક મહત્ત્વ આપ્યું છે. દરેક વ્યક્તિને સંગીત જુદી જુદી રીતે આકર્ષે છે. કેટલાકને વાયોલીન ગમે છે તો કેટલાકને સારંગી ગમે છે. કોઈ શહેનાઇ સાંભળે છે તો કોઈને સંતૂર અથવા સિતાર પ્રભાવિત કરે છે. કેટલાક લોકોને તાલવાદ્યો સાંભળવામાં વધારે આનંદ આવે છે તો કેટલાકને કંઠ્ય સંગીત સાંભળવાથી માનસિક શાંતિ મળે છે. કહેવાનું તાત્પર્ય એ જ છે કે જ્યારે બાહ્ય સંગીતના સ્વર અને તાલ આપણા જ્ઞાનતંતુઓ વચ્ચે સંવાદ સ્થાપિત કરે છે ત્યારે જ આપણે એના પ્રત્યે આકર્ષાઈએ છીએ. કંઠ્ય સંગીતમાં પણ કેટલાકને ખયાલ ગાયકી ગમે તો કો’કને ઠુમરી ગમે. કોઈને લોકસંગીત ગમે તો કોઈને ફિલ્મ સંગીત પસંદ આવે છે. એ રીતે જુદા જુદા અવાજો જુદી જુદી રીતે લોકોને પ્રભાવિત કરે છે.

રાગ રાગેશ્રી

જીવનમાં સંવાદિતા લાવનારો તથા કાયાકલ્પ કરનારો હળવો રાગ રાગેશ્રી આનંદમય પ્રકૃતિનો રાગ છે. બાગેશ્રીને શુદ્ધ ગાંધાર લઈને ગાવામાં આવે અને ક્યારેક આરોહમાં શુદ્ધ નિષાદ લેવામાં આવે તો આ રાગ તરત સ્પષ્ટ થઈ જાય છે. રાગેશ્રીમાં ફિલ્મ ‘દેખ કબીરા રોયા’નું ગીત, કૌન આયા મેરે મન કે દ્વારે, પાયલ કી ઝનકાર લિયે ખાસ્સું પ્રચલિત છે. મન્નાડેએ આ ગીત ખૂબ સરસ ગાયું છે. ફિલ્મ ‘અનારકલી’નું ગીત મુહબ્બત ઐસી ધડકન હૈ પણ આ જ રાગનું ગીત છે. ગઝલ ગાયન ક્ષેત્રનાં અગ્રગણ્ય નામો ઉ. ગુલામ અલી અને મહેંદી હસન સાહેબે પણ રાગેશ્રીમાં કેટલીક ઉત્તમ ગઝલો ગાઈ છે. કલ ચૌદવી કી રાત થી શબભર રહા ચર્ચા તેરા અને મહેંદી હસન સાહેબે ગાયેલી ગુલશન ગુલશન શોલા એ ગુલ કી...રાગેશ્રીની કાબિલેતારીફ રચનાઓ છે. ફિલ્મ ‘બસંત બહાર’નું મિશ્ર રાગેશ્રીમાં એક સરસ ગીત છે નૈન મિલે ચૈન કહાં...! શંકર જયકિશને સ્વરબદ્ધ કરેલા આ ગીતને લતા મંગેશકર અને મન્નાડેએ ગાયું છે. ખમાજ થાટના રાત્રિના બીજા પ્રહરમાં ગવાતા આ મધુર રાગને પં. અજય ચક્રવર્તી સહિત ઘણા કલાકારોએ સરસ ગાયો છે. પં. રવિશંકર તથા પં. નિખિલ બેનરજીએ રાગેશ્રીને સિતાર પર સરસ બહેલાવ્યો છે.

પં. શિવકુમાર શર્માનો આ ગમતો રાગ છે. એ કહે છે કે, "આપણા રાગો વિવિધ મૂડ ઉપર આધારિત છે એટલું જ નહીં, દરેક વાદ્યનો પણ પોતાનો આગવો મિજાજ હોય છે. દરેક સાઉન્ડનું એક કેરેક્ટર હોય છે. મારા વાદ્ય સંતૂરમાં બે પ્રકારના મૂડનું પ્રાધાન્ય છે. મેડિટેટિવ અથવા ધ્યાનાત્મક-જેને ભક્તિભાવ પણ કહી શકો અને બીજો મૂડ છે રોમેન્ટિક. આ બંને મૂડમાં છે જે રાગો આવે એ બધા રાગ મને ખૂબ ગમે છે. પરંતુ ઉલ્લેખ કરવો હોય તો માલકૌંસ તથા રાગેશ્રી મારા ગમતા રાગો છે. માલકૌંસમાં ભક્તિ રસ છે અને રાગેશ્રીમાં રોમેન્ટિસિઝમ છે, જે મારા હૃદયને સ્પર્શી જાય છે.

બાગેશ્રી ગંભીર પ્રકૃતિનો રાગ છે જ્યારે રાગેશ્રી તમારો મૂડ એકદમ હળવો કરી દે એવો પ્રસન્નકારી રાગ છે. ક્યારેક ડિપ્રેશન જેવું લાગતું હોય કે કશું ગમતું ન હોય ત્યારે રાગેશ્રી સાંભળશો તો મન ચોક્કસ પ્રસન્ન થઈ જશે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

v37710
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com