3-March-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મૃત્યુથી બે ડગલાંનું છેટું
મૂળ લેખક: તાદેઉશ સોબોલેવિચ - અનુવાદક: ચંદ્રિકા લોડાયા

( પ્રકરણ: ૨૯)

વીતી ગયેલી વાત...

યહૂદી કેદીએ આપેલું ઘડિયાળ કોને આપવું એની વિમાસણમાં લેખક હતા ત્યારે એમને ટેડ્ડી નામનો કેમ્પમાંનો જૂનો કેદી મળ્યો. લેખક એને ખાસ ઓળખતા નહોતા છતાં એ સ્કાઉટ અને સ્પોર્ટ્સમેન હતો તેથી એનામાં વિશ્ર્વાસ મૂકી એને ઘડિયાળ આપ્યું. બદલામાં ટેડ્ડીએ એમને રસોડામાં કામ અપાવવાનો વાયદો કર્યો. એક દિવસ કેદીઓનો થઈ રહેલો વધ ન સહેવાતાં એ જાજરૂમાં સંતાઈને બીડી પીતાં પકડાયા પણ સજામાંથી બચી ગયા. એમને રસ્તા વાળવાનું કામ મળ્યું ત્યારે કામ જલદી પતાવી થોડો આરામ કરી લેવા એ સૌનું ધ્યાન ચૂકવી ઉપરના એક બંક પર આડા પડ્યા. આ ગંભીર નિયમ-ભંગ હતો છતાં તે દિવસે લેખક એવી દરકારથી પર થઈ ગયા હતા. એમનું માથું દુખતું હતું, વળી સતત દબાણ હેઠળ રહેવાને લીધે અને પિતાના મૃત્યુને કારણે એ ભાંગી ગયા હતા.

હવે આગળ વાંચો......

પળભર માટે મારી સાવધાની ઘટી ગઇ હતી, પણ પછી મને બ્લૉકના બીજા છેડેથી દબાયેલા, ફુસફુસ અવાજમાં બોલવાના અવાજ આવ્યા. પછી અવાજ થોડા નજીક આવ્યા હોય એમ લાગ્યું. મેં મારા પગ બંક પર ખેંચી લીધા અને ધ્યાન દઇને સાંભળવા લાગ્યો. ધીમે ધીમે મને સમજ પડી કે એ બીજા કેદીઓના અવાજ હતા જેઓ કામના સમયે મારી જેમ પોતાની શક્તિ બચાવવાનો અને આરામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. દરેક જણ પોતાની જિમ્મેદારી પર જોખમ લેતું હતું છતાં બીજા કેદીઓ પણ કામચોરી કરતા હતા એના જ્ઞાને મને સલામતીની લાગણી આપી. હજુ હાજરી માટે બે કલાક હતા તેથી મારા દિમાગમાં લાલચભર્યો વિચાર પ્રવેશ્યો: કદાચ હું થોડી વાર માટે સૂઇ જઇશ તો ચાલશે.

મને આંખો ખોલવાનું દિલ નહોતું થતું. હું દિવાસ્વપ્ન જોતો હતો.....ક્ષણભર માટે મારા માતા-પિતાના ચહેરા દેખાયા.....યુદ્ધ પહેલાં મારા માતા-પિતા સાથે જિંદગી કેટલી સુંદર હતી. બધું સરસ હતું પણ શા માટે મેં સ્કૂલમાં ભણવામાં હજુ મહેનત ન કરી? પછી અચાનક હું સ્કાઉટ હતો ત્યારનું દૃશ્ય મારી સામે ખડું થયું: અમારી ‘બાજ’ સ્કાઉટ ટુકડી સાથેની સુવવ્કિ પ્રદેશમાંની અમારી છેલ્લી કૅમ્પિંગ ટ્રિપ, હું ખાઇઓ, બૂબી-ટ્રેપ (બૂબી છટકું) અને ટૅંક રોકવા માટેની ખાઇઓ ખોદી રહ્યો હતો. ૧૯૩૯નો ઑગસ્ટ મહિનો ખૂબ ગરમ હતો અને અમે એવી કાળઝાળ ગરમીમાં શરીરને શક્તિશાળી અને ચપળ કરવા કસરત કરતા હતા. અમે માનતા હતા કે અમે અમારા દેશને જરૂરિયાતના સમયે મદદ કરતા હતા, કારણ કે દેશ તરફની અમારી એ ફરજ હતી. અમારા ટૅન્ટની સામેના ચોગાનમાં પાઇન વૃક્ષોના શંકુ આકારનાં ફળોથી લખેલો સંદેશો કહેતો હતો ‘એક સ્કાઉટ પોતાના દેશની સેવા કરે છે’. ધ્વજ ધીરેથી ઉપર જવા લાગ્યો ત્યારે બ્યૂગલર બ્યૂગલ બજાવવા લાગ્યો. અમે સૌ અટૅન્શનમાં ઊભા રહ્યા. અચાનક બ્યૂગલરના ચહેરાનું બ્લૉક-વરિષ્ઠના ફૂલેલા, બદસૂરત, મૂર્ખ ને ડરામણા ચહેરામાં રૂપાંતર થયું. હજુ મારા કાનમાં અવાજ ગુંજી રહ્યો હતો પણ હવે એ અવાજ ઘંટનો હતો. એ મોટો ને પ્રતિધ્વનિત થતો અવાજ કૅમ્પના ઘંટનો હતો.

હું જાગ્યો. હું સૂઇ ગયો હતો પણ કેટલી વારથી? હજી હું ઘેનમાં હતો. હું બંકમાંથી ઊભો થયો. બ્લૉકમાંની નીરવ શાંતિએ મારા હાંજા ગગડાવી દીધા. હજી એમણે હાજરી લેવાની શરૂઆત નહોતી કરી? ગભરાઇને મેં બંકમાંથી કૂદકો માર્યો ને મુખ્ય દરવાજા તરફ દોડ્યો. એક જ વિચાર મને સતાવતો હતો. ‘આવું ન બની શકે! હું હાજરી દરમ્યાન સૂતો રહ્યો?’ હું દરવાજા સુધી પહોંચી ન શક્યો. ઓચિંતો દરવાજો ખૂલ્યો અને ત્રણ એસ એસના માણસો ગાર્ડ ડૉગ સાથે બ્લૉકમાં પ્રવેશ્યા. કૂતરો તરત જ મારા ભણી આવ્યો. એસ એસના માણસોએ મને જોયો. હું ત્યાં જ ઢીમચું થઇને ખોડાઇ ગયો.

મારા મસ્તિષ્કમાં વિચારોનું ઘમસાણ મચ્યું: આ અંત છે! આ લોકો મને ખતમ કરી દેશે. આમાંથી છૂટવાનો કોઇ માર્ગ નથી. હાજરી વખતે સૂતા રહેવાનો મતલબ બંકર અને પૅનલ કમ્પની. આમાં કાંઇ થઇ ન શકે. મને કદાચ ચાબુકથી મારવામાં પણ આવે. એ લોકો મારો વિનાશ કરશે, પણ પછી વિચારો બંધ થયા. કૂતરાએ મારી પૅન્ટનો એક પાયચો ઉતરડી નાખ્યો. ને પ્રહારો ચાલુ થયા, એકની પાછળ તરત બીજો. જરા વારમાં મારું આખું શરીર દુ:ખવા લાગ્યું. પિટાઇ ચાલુ રહી. હું રાડો પાડવા લાગ્યો. એ લોકોએ મને બહાર ઢસડ્યો. બધી બાજુએ કેદીઓ દસની હારમાં ઊભા હતા. એસ એસના માણસો મને આગળની તરફ ધકેલતા હતા અને ગાળો આપતા હતા. અત્યાર સુધીમાં હું સંવેદન શૂન્ય અને ભાવવિહીન થઇ ગયો હતો.

હું મારવા માટેનું એક પાત્ર બન્યો હતો. બ્લૉક-વરિષ્ઠે આવીને એવા જોરથી મારા દાંત પર મુક્કો માર્યો કે હું જમીન પર ચત્તો પડી ગયો. મારી ડાબી આંખ પર મને કાંઇક ચીકણું લાગ્યું - લગભગ લોહી હતું. હું જમીન પરથી ઊઠીને ઊભો રહી શકું તે પહેલાં ચીસો આવી: ‘ઊભો થા, કૂતરા!’ મેં ડરની વચ્ચે કૅમ્પ-લીડરને ચામડાના હાથમોજાં પહેરીને આવતાં જોયો. એની બાજુમાં પાલિચ ઊભો હતો -જે કેદીઓને ગોળીથી મારી નાખતો- અને બીજા યમના દૂત જેવા બે જણ સાથે હતા. હું ઊભો થયો અને અટેન્શનમાં ઊભા રહેવાની કોશિશ કરી, પણ આઉમાયર જે ઠીંગણો હતો, મારા મોઢા પર માર્યું, પહેલાં ડાબા હાથના મુક્કાથી, પછી જમણા હાથના.

આમ છતાં હું ઊભો રહ્યો. તેથી તેણે મને બીજા બે મુક્કા માર્યા ને બરાડતો ગયો કે એ મને ગોળીએ દેવડાવશે. હું એવી દરકારની પર હતો પણ હરોળમાંથી કોઇએ મને પોલીસમાં કહ્યું એ સંભળાયું: ‘ તને એ મારે ત્યારે જમીન પર પડી જજે.’ હું સમજ્યો. આઉમાયરના તે પછી પડેલા મુક્કા સાથે હું બે એક કલાક પહેલાં જે કાંકરાવાળા રોડ પર ઝાડુ મારતો હતો તેના પર ફસડાઇ પડ્યો. એસ એસનો ઑફિસર હવે મારા પેટ, કિડની અને ગુપ્તાંગો પર લાત મારવા લાગ્યો. બહુ દુખતું હતું પણ એણે મારા ચહેરાનું સત્યાનાશ કરવાનું છોડ્યું હતું. છેવટે એ થાક્યો ત્યારે એણે મને ઊભા થઇને એની સમક્ષ આવવાનો આદેશ આપ્યો. પછી એણે મને હું બ્લૉકમાં શું કરતો હતો એ પૂછ્યું. હું શું બહાનું બતાવી શકું? ‘હું માંદો હતો, હું બેભાન થઇ ગયો અને મારા નાકમાંથી લોહી નીકળતું હતું.’ મેં જર્મનમાં શક્ય તેટલી સફાઇથી જૂઠું કહ્યું. ‘શું?’ આઉમાયર ગુસ્સાથી બોલી ઊઠ્યો. ‘કામ કરતા લોકોના બ્લૉકમાં એક માંદો કેદી? બ્લૉક્-વરિષ્ઠ, અહીં આવ!’ એણે હુકમ કર્યો.

તરત જ બ્લૉક-વરિષ્ઠ આવ્યો. હું જરા પણ ભ્રાંતિમાં નહોતો: ‘હવે મારી વલે થવાની છે.’ મેં વિચાર્યું, પણ એના બદલે હાજરી પહેલાં બ્લૉક ન તપાસવા માટે કૅમ્પ-લીડર તરફથી બ્લૉક-વરિષ્ઠના મોઢા પર થોડી મુક્કા-વૃષ્ટિ થઇ. ત્યાર બાદ એણે મારા મોઢા પર બે વાર માર્યું અને બ્લૉક-વરિષ્ઠ તેમ જ દુભાષિયાને બોલાવ્યા. ‘આનો નંબર લઇ લો અને એની પૅનલ કમ્પનીમાં સારવાર કરાવો,’ એ કૅમ્પ-વરિષ્ઠ તરફ ફર્યો અને અમંગલસૂચક હસ્યો. ‘આબ!’ મતલબ કે હાજરી પૂરી થઇ.

બધા કેદીઓ તેમના પાંઉ માટે પોતપોતાના બ્લૉક તરફ દોડ્યા. આખા દિવસના કામ પછી તેમના માટે સૌથી મહત્ત્વની ચીજ હતી પાંઉનો એક ટુકડો. મારા કારણે તેમને વધુ સમય માટે એ મેળવવાની રાહ જોવી પડી હતી. હાજરીનો તાળો મળે ત્યાં સુધી તેમને ઊભા રહેવું પડ્યું હતું. મેં ઊભા થવાનો પ્રયત્ન કર્યો પણ મારું દુખતું શરીર ખૂબ જ નબળું પડી ગયું હતું. પછી બે કેદીઓએ મને બંને બાવડાંની નીચેથી પકડીને મને ઊંચો કર્યો ને મારા પગ પર ઊભો રાખ્યો. ‘તું ત્યાં આરામ કરતો હતો?’ એમાંના એકે મને પૂછ્યું.

હું કંઇ કહી શકું તેમ નહોતો, પણ એ માત્ર દર્દના કારણે નહોતું. હું ખરેખર તો હવે પછી મને શું કરશે એના વિશે ડરતો હતો.

મેં બીજા એક કેદીને ઓળખ્યો, તે મારો સાથી વિએચોરોવ્સ્કી હતો જે આઉશવિત્સ સુધીની મુસાફરીમાં મારી સાથે હતો. ‘તું સમય નહીં ગુમાવતો,’ એણે મારા કાનમાં ધીમેથી કહ્યું, ‘તું અમારી સાથે ચાલ.’ માર ખાધા પછી હું અર્ધ બહોશીમાં હતો, મને એ શું કરવા માગતો હતો એની સમજ નહોતી પડતી. છતાં હું વિના વિરોધ મારા અણચિંતવ્યા સંરક્ષકોની ઇચ્છાને તાબે થયો અને મને બ્લૉક નંબર ૧૫માં લઇ જવા દીધો. અમે વૉશરૂમમાં ગયા જ્યાં તેમણે મને સ્વચ્છ કર્યો. ત્યાં થોડાં મડદાં પડ્યાં હતાં.

તેમણે એક શબનાં કપડાં ઉતાર્યાં અને મને એ પહેરી લેવાનું કહ્યું. મને સમજ ન પડી. ‘હાલ પૂરતું આમ રાખવું પડશે. તારા બ્લૉક-વરિષ્ઠ પાસેથી તારી બદલી અમારા બ્લૉકમાં કરવાનું અમે ગોઠવીશું. વિએચોરોવ્સ્કીએ સમજાવ્યું. ‘જો તું ત્યાં રહીશ તો એ તને પૂરો કરશે. તું નાનો છે અને આટલું બધું જોઇ લીધું છે. નવા નંબર સાથે તું આ બ્લૉકમાં બે કે ત્રણ દિવસ રહી શકીશ. હું કૅમ્પની ઑફિસમાં કોઇકને ઓળખું છું. તારા નંબરની ત્યાં ફેર બદલી કરવી પડશે.’ એણે જાણકારી દર્શાવતી આંખ મીંચકારી. ‘પૅનલ કંપની જેના નસીબમાં લખાઇ છે એ વ્યક્તિ તરીકે મરેલા માણસનું નામ દાખલ થશે, અને તને તારો જૂનો નંબર પાછો મળશે.’ હું આશ્ર્ચર્યચકિત હતો, એક પછી એક ઘટનાઓના ઝડપી અને આકસ્મિક વળાંકોથી કિંકર્તવ્યમૂઢ થઇ ગયો હતો. થોડી જ મિનિટો પહેલાં મારા નસીબમાં બ્લૉક નંબર ૧૧નો બંકર અને પૅનલ કંપની હતાં. ‘શું એ શક્ય છે કે મને એ લોકો મારી નહીં નાખે? વિએચોરોવ્સ્કી આવા સંપર્ક શી રીતે કેળવી શક્યા હશે?’

મારા સાથીદારોએ મને ડૉરમિટરી સુધી જવામાં મદદ કરી. વિએચોરોવ્સ્કીએના ભાગનો પાંઉનો ટુકડો મારી સાથે વહેંચીને ખાધો. દરદ જરા મોળું પડવાનું શરૂ થયું, પણ હું હજુ યકીન નહોતો કરી શકતો કે આ લોકો મને બચાવી શકશે.

પછીના દિવસે એસ એસ રાઇશ-લીડર હિમ્મલર પોતે કૅમ્પનું નિરીક્ષણ કરવા આવ્યો. બ્લૉક-વરિષ્ઠો હાંફળા ફાંફળા થઇ બધું બરાબર હતું એની ચકાસણી કરવા લાગ્યા. જો એમના બ્લૉકમાં એ આવી ચડે તો તેઓ સારી છાપ પાડવા માગતા હતા. ઇન્સપૅકશન પતી ગયા પછી કમાન્ડન્ટ હ્યોસે હિમ્મલર પાસે વીસેક જર્મન કેદીઓને રજૂ કર્યા - મોટા ભાગના અપરાધીઓ હતા- જેમને તેમની સારી વર્તણૂક માટે કૅમ્પમાંથી રજા મળવાની હતી. આઉમાયર કહેવાથી જેણે મારો નંબર પોતાની નોટબુકમાં નોંધી લીધો હતો તે દુભાષિયો પણ એમાં હતો. એ પોતાના ડૉક્યુમેન્ટ્સ અને નોંધો કૅમ્પ ઑફિસને સોંપે પછી પૅનલ કંપનીના ઉમેદવારના નંબરની ફેરબદલી કરવામાં તકલીફ નહોતી. ત્યાં પણ થોડા પોલ્સ કામ કરતા હતા જેઓ તેમની કૅમ્પમાંની ઉચ્ચ પદવી છતાં સાથી કેદીઓને મદદ કરવા ઘણી વાર શક્તિમાન હતા.

બે દિવસ પછી હું મારા ખરા નંબરવાળાં કપડાં પહેરી શક્યો. ફરીથી મને મારું પોતાપણું જણાયું. નંબર પાછો સાંધી લેવો તે રમત વાત હતી. વિએચોરોવ્સ્કીએ મૃત્યુના મુખમાંથી મને બચાવીને પોતાનો શબ્દ પાળ્યો. જરા થોભીને એ હકીકતના સાક્ષી બનવાનું સમયોચિત હતું કે કૅમ્પમાં એવા પણ લોકો હતા જે આટલી મુસીબતોની વચ્ચે બીજા લોકો પર દયા રાખતા હતા. એ દિવસોના નાટકીય અનુભવોએ મારા પર ઘેરી અસર કરી, એમણે મારી દૃષ્ટિ બદલી. મને સમજાયું કે પોતાના સારા વર્તાવથી માણસ બીજા માણસોને જીવવાનું પ્રયોજન પૂરું પાડી શકે છે.

ત્રણ દિવસ વિતી ગયા. તે દરમ્યાન બ્લૉકના ક્લર્કે કૅમ્પના પ્રાંગણમાં જ કામ કરવાવાળા માણસોની યાદી બનાવી હતી, તેમાં મારું નામ પણ હતું. આ જ પ્રકારની યાદીઓ બાકીના બ્લૉક્સમાં પણ બની હતી. આનો મતલબ કે કૅમ્પની ઑફિસ અને લેબર સપ્લાય વિભાગને અધિકારીઓ તરફથી બીજા કૅમ્પમાં ખસેડવાની સૂચના મળી હતી. આઉશવિત્સમા કેદીઓને સમાવવાની જગ્યા નહોતી. બ્લૉક્સ સમાવી શકે તે કરતાં વધુ કેદીઓ હતા. બધા કેદીઓ માટે પૂરતું કામ નહોતું, જ્યારે રાઇશમાં (જર્મન રાષ્ટ્રસમૂહમાં) મજૂરોની જબરી માગ હતી, ખાસ કરીને જેમનું સંપૂર્ણ શોષણ થઇ શકે એવા સસ્તા મજૂરોની. એવી વાત ફેલાઇ હતી કે લોકોને માઉટહાઉઝન ખસેડવામાં આવશે. મને ખ્યાલ આવ્યો કે હું એમાંનો એક ઉમેદવાર હોઇ શકું, તેથી મેં સાંજે બ્લૉક ૨૪માં જઇને ટેડ્ડી સાથે વાત કરવાનું નક્કી કર્યું.

મને એ કૉરિડૉરમાં જ મળી ગયો. અમે બંને સાથે બહાર ગયા અને એણે તરત જ શરૂ કર્યું: ‘સારું થયું તું આવ્યો. આવતીકાલે જ્યારે કામગારોની બધી ટુકડીઓ એકઠી થાય ત્યારે તું રસોડામાં પહોંચી જજે. હું તને મળીશ અને આપણે બંને ભેગા લિઓને મળશું.’ ‘થૅન્ક યુ.’ મેં કહ્યું અને ઉમેર્યું: ‘ખાસ કરીને એટલા માટે કે હવે મારી સામે થોડા પ્રશ્ર્નો ખડા છે. એક બાજુ બે દિવસમાં મારે ક્લર્કના જૂથમાં જોડાવાનું છે અને બીજી બાજુ આઉશવિત્સમાંથી લોકોને ખસેડવાના છે. મને તો સમજાતું નથી શું થવાનું છે.’ ‘મેં પણ સાંભળ્યું છે,’ ટેડ્ડી વચ્ચે બોલ્યો અને પછી જરા વ્યંગમાં કહ્યું: ‘હાજરી વખતે ઊંઘતો હતો, કેમ? પણ કાંઇ વાંધો નહીં. ચિંતા ન કર, બધું બરાબર ગોઠવાઇ જશે. તને મેં મારો બોલ આપ્યો છે. ને હિંમત રાખ, કાલે મળશું.’ એણે મારો ખભો થાબડ્યો અને ચાલ્યો ગયો. તો હવે પછીના દિવસથી હું રસોડામાં કામ શરૂ કરવાનો હતો. મારું સ્વપ્ન પૂરું થવામાં હતું. ઉત્તેજનાને લીધે હું ત્યાંથી પસાર થઇ રહેલા કૅમ્પ-વરિષ્ઠ બ્રુનો સાથે ભટકાવાની અણી પર હતો. એકદમ છેલ્લી ઘડીએ મેં મારી ટોપી કાઢી અને ઝડપથી એની નજરથી દૂર ભાગ્યો. મને ડર લાગ્યો કે તે દિવસની હાજરીની દુર્ઘટનાપૂર્ણ ઘટના પછી રખેને એને હું યાદ રહી ગયો હોઉં. તાણનો અનુભવ કરતો હું મારા બ્લૉકમાં પાછો ફર્યો. આવી રહેલા બદલાવ વિશે ચિંતિત થવાનો મને પૂરો અધિકાર હતો.

બીજે દિવસે સવારે હાજરી પછી નક્કી કર્યા મુજબ હું રસોડાની બહાર ઊભો રહ્યો. હૉસ્પિટલમાંથી આવેલા થોડા કેદીઓ અને થોડા રોડ વાળનારા પણ ત્યાં હતા. જરા વાર પછી ટેડ્ડી આવ્યો - એણે જેલનો સફાઇદાર બ્લુ અને સફેદ યુનિફૉર્મ પહેર્યો હતો અને છેલબટાઉની જેમ બાંકી ટોપી પહેરી હતી. એણે કહ્યું, ‘તું આવી ગયો છે, તો ચાલ જઇએ.’ એણે મને રસોડાના મુખ્ય દરવાજેથી દોર્યો જ્યાં અમારું સ્વાગત વરાળના વાદળોએ કર્યું. કેદી નંબર ૧૮૭૯નો બિલ્લો પહેરેલો એક લાંબો કેદી ટેડ્ડીની પાસે આવ્યો અને તેમણે થોડા શબ્દોની આપ-લે કરી. પછી રસોડાના ઊંડાણમાંથી લેઓ (લેઓન વિએરઝ્બિસ્કી) જે અન્ન ભંડાર સંભાળતો હતો, આવ્યો અને મારા તરફ નિર્દેશ કરતાં ટેડ્ડીને પૂછ્યું: ‘આ એ છે?’ ટેડ્ડી તરફથી હકારાત્મક ઉત્તર મળતાં તે ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો: ‘તું ગાંડો થઇ ગયો છે? તું મારી પાસે આવા મુડદાલને લાવ્યો છે? ના. એનાથી આ કામ નહીં થઇ શકે.’ એણે નાપસંદગીના સૂરમાં પૂર્ણવિરામ મૂકતાં કહ્યું.

મારું હૈયું બેસી ગયું, પણ ટેડ્ડીએ એ સ્વીકાર્યું નહીં: ‘લેઓ, એને ટાઇફસ થયો હતો. એ પછી તમે એને કેવો દેખાવાની અપેક્ષા રાખી શકો?’

(ક્રમશ:)આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

66426ks
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com