28-January-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સુગંધિત તરોતાજગી બક્ષતું ઘાસ ખસ

સ્વાસ્થ્ય સુધા-શ્રીલેખા યાજ્ઞિકદિવાળીનું પર્વ આવે તેની સાથે લોકોના જીવનમાં આનંદ-ઉત્સાહ-ઉમળકાની પણ વૃદ્ધિ થવા લાગે છે. આથી જ કહેવાય છે કે પર્વ માનવીને જીવન જીવવાની નવી દિશા ઉજાગર કરી આપતો હોય છે. સમય-સંજાગો હાલમાં ચોક્કસપણે બદલાયા છે. તેમ છતાં પર્વની ઉજવણી કરવાનો જોશ તો વધેલો જોવા મળે છે. ઘરની શુદ્ધ મીઠાઈ-ફરસાણ બનાવીને માણવાનો આનંદ જ અનેરો હોય છે. આ પરંપરા ભારતીયોને હવે સમજાઈ ગઈ છે. આથી જ યુવા-વર્ગ પણ પરંપરાગત વાનગીઓ શીખવા લાગ્યો છે. એક સમય હતો કે જ્યારે ભારતીય પારંપરિક તહેવાર હોય તો પણ સંતાનો તો પીઝા-પાસ્તાને જ પ્રાધાન્ય આપતાં. આ વર્ષે દિવાળીમાં મોટા ભાગના કુટુંબોમાં યુવાવર્ગે પોતાની મનગમતી વાનગી બનાવવાનો પ્રયત્ન ર્ક્યો છે. ઘરમાં બનેલ નાસ્તા તથા શરબતની વાત જ કંઈક વધુ મીઠી હોય છે. મોસમમાં પણ બદલાવ આવી રહ્યો છે ત્યારે એરિયેટેડ પીણાની જગ્યાએ તનમનને ઠંડક આપે તેવું શરબત પણ પીવું જોઈએ. અનેક લોકાને એવું પણ કહેતાં સાંભળ્યા છે કે જેમણે કોરોનાથી બચવા અતિપ્રમાણમાં કાઢાનું સેવન ર્ક્યું. શરીરમાં ગરમીનો અતિરેક થવા લાગ્યો. ત્વચા ઉપર લાલ ચકામા-ખંજવાળ થવા લાગી. વળી તેમને પેટમાં -છાતીમાં બળતરાની તકલીફ થવા લાગી.

વાતાવરણમાં બદલાવ આવ્યો છે પરંતું કોરોનાનો ફેલાવો હજી અટક્યો નથી. આવા સંજોગોમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેજાનાનો ઉપયોગ કરીને બનતા કાઢાનું સેવન કરવું જરૂરી છે. તો બીજી તરફ શરીરના અંગોને વાત-પિત્ત-કફ જેવા રોગથી બચાવવું પણ આવશ્યક બને છે. આ માટે ખસનું શરબત રામબાણ ઉપાય ગણી શકાય.

એરકન્ડિશનથી પણ વધું તાજગી મેળવવા આજથી ૩૦-૪૦ વર્ષ પહેલાં ખસની ટ્ટીનો ઉપયોગ કરવામાં આવતો. અનેક લોકો ઘરમાં કુલર બેસાડતાં. કુલરમાં ઘાસ ભરતાં તે ઘાસની સાથે ખસનું ઘાસ ભેગું કરતાં. આમ ઘરમાં ઠંડકની સાથે સુંગધિત હવા પણ રેલાતી. બહારની ગરમીના પારાની અસર એક વખત ઓરડામાં બેસી ગયા બાદ થતી જ નહીં.

નખ ખસ વાસ્તવમાં એક પ્રકારનું ઘાસ જ છે. કુદરતે તેમાં દિલ ખોલીને સુગંધ ભરી છે. ખસના ઘાસનો ઉપયોગ વિવિધ પ્રકારે થતો જોવા મળે છે.

ખસના એક મુઠ્ઠી જેટલા ઘાસને આપ જો પાણીના માટલામાં એક સ્વસ્છ કપડાંમાં બાંધીને મૂકી દો. ફક્ત બે કલાક બાદ તે પાણીને ગાળીને પીવાના ઉપયોગમાં લેશો, એક અલગ પ્રકારની ઠંડક આપતું સુગંધિત પાણી પીવા મળશે. ખસનું શરબત બજારમાં તૈયાર મળે છે. ઘરે પણ તેનું શરબત બનાવી શકાય છે. સમયને પ્રાધાન્ય આપીને કાઢો જરૂર પીવો જોઈએ. સ્વાસ્થ્ય સંબંધિત અન્ય મુશ્કેલીથી બચવા દિવસમાં એક બે વખત ખસનું શરબત પીવાથી વાત-કફ-પિત્ત જેવી મુશ્કેલીથી બચી શકાય છે. ખસને અંગ્રેજીમાં નવેટિવરથ કહેવામાં આવે છે. વાસ્તવમાં આ શબ્દ તમિળ શબ્દ છે. ખસનું ઘાસ ગુચ્છામાં ઊગતું હોય છે. તેની લંબાઈ પ-૬ ફૂટ લાંબી જોવા મળે છે. ખસનું ઘાસ લીલું હોય ત્યારે તેનું શરબત બનાવીને ઉપયોગ કરી શકાય છે. આજ ઘાસનો ઉપયોગ કરીને અત્તર બનાવવામાં આવે છે. સુગંધિત સાબુ, તેલ, સૌદર્ય પ્રસાધન તથા દવા બનાવવામાં પણ ખસનો ઉપયોગ છૂટથી કરવામાં આવે છે. ખસના ઘાસની માગ હવે વધતી ગઈ છે. આથી જ તેના તેલની કિંમત પણ ૨૦,૦૦૦ - ૨૨૦૦૦ રૂપિયે લિટરના ભાવે વેચાતું હોય છે. આમ ઓછા મૂડીરોકણમાં વધુ ફાયદાકારક ખસની ખેતી કરીને ખેડૂત દોઢ વર્ષમાં આશરે પ્રતિ હૅક્ટર ૫,૦૦,૦૦૦ની માતબર આવક કમાઈ લે છે. આરબ દેશોમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. ભારતમાં ખસની ખેતી રાજસ્થાન, બિહાર, કર્ણાટક તથા દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક વગેરે રાજ્યોમાં વિશાળ પ્રમાણમાં થતી જોવા મળે છે.

ખસના ઘાસને રોપવાથી પર્યાવરણ માટે પણ લાભકારક ગણાય છે. ખસનો છોડ એક વખત લગાવ્યા બાદ પાંચ વર્ષ સુધી તેને બીજી વખત રોપવો નથી પડતો. એક છોડ રોપ્યા બાદ તેની આસપાસ ગુચ્છામાં ખસના અનેક છોડ ઊગી નીકળે છે. તેના મૂળિયાની આસપાસ લગભગ એક મીટરના વ્યાસમાં ફેલાય છે. આમ એક હૅક્ટરમાં વાવેલા ઘાસથી ૪થી ૬ ક્વિટંલ ફસલ મેળવી શકાય છે. ખસની ખેતીની બીજી ખાસ વાત તેને વધુ પડતા વરસાદની જરૂર હોતી નથી. જો વરસાદ વધુ પડે તો પણ પાક બગડતો નથી. પૂરની પરિસ્થિતી હોય કે સૂકો દુકાળ હોય તેમ છતાં ખસનું ઘાસ તેના મૂળિયાની મજબૂતાઈને કારણે ટકી શકે છે. ખસના મૂળિયામાંથી જ તેલ બનાવવામાં આવે છે. તેલની માત્રા સારા પ્રમાણમાં મેળવવી હોય તો ચોમાસા પહેલાં તેના મૂળિયામાં ૧૦-૧૫ દિવસ સુધી પાણી છાંટવું જોઈએ. આથી મૂળિયાં મજબૂત બને છે. તેલની માત્રા પણ વધુ સારી મેળવી શકાય છે. ખસના ઘાસને સાચવવું પણ સરળ છે. વળી તે લાંબા સમય સુધી બગડતું નથી.

ખસના શરબત કે તેલનો ઉપયોગ કરવાથી શરીરને અનેક ફાયદા થાય છે. ખસની સાદળી ઉપર સુવાથી શરીરનું તાપમાન નિયંત્રણમાં રાખીને સારી નિંદર મેળવી શકાય છે.

--------------------------------------

ત્વચા ઉપર આવેલ સોજાને દૂર કરે છે

ખસના તેલનો ઉપયોગ મૂઢ માર વાગ્યો હોય તે જગ્યાએ કરવાથી રાહત મળે છે. ક્યારેક વય વધવાની સાથે નસ દબાતી હોય તેવા સંજોગોમાં પણ ખસના તેલનો ઉપયોગ લાભકારી ગણાય છે.

સૂકી ત્વચાને મુલાયમ બનાવે છે

મોસમમાં બદલાવને કારણે ત્વચા સૂકી પડી જતી હોય છે. તો અનેક વખત પૂરતાં પ્રમાણમાં પાણીનો ઉપયોગ ન કરવાથી પણ પાણીની ઉણપ વર્તાય છે. ધીમે ધીમે ત્વચા સૂકી પડવા લાગે છે. આવા સંજોગોમાં ખસના તેલનો ઉપયોગ કરવાથી ત્વચા મુલાયમ બને છે. ચહેરા ઉપર કાળા ડાઘને દૂર કરવામાં પણ ખસના તેલનો ઉપયોગ ગુણકારી કહેવાય છે.

મનને શાંત બનાવે છે

કોરોના કાળમાં વિવિધ પ્રકારની મુશ્કેલીથી લોકો પસાર થઈ રહ્યા છે. આવા સંજોગોમાં ખસનો વિવિધ રીતે ઉપયોગ તન-મનને તાજગી બક્ષનાર છે. ખસનું શરબત, ખસના તેલનું મસાજ કે ફક્ત ખસનો ઉપયોગ પાણીમાં ભેળવીને પણ કરી શકાય છે. મનને તાજગી તથા શાંત બનાવે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

ખસમાં એન્ટિઑક્સિડન્ટની માત્રા સમાયેલી છે. ખસના મૂળિયા પાણીમાં થોડો સમય રાખીને પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. વાત-કફ-પિત્તની પ્રકૃતિ ધરાવતા દર્દીને માટે ખસનો ઉપયોગ રામબાણ ઈલાજ ગણાય છે.

જંતુઘ્ન- ચેપ નાશક છે

આજકાલ કોરોનાના જીવાણુંથી બચવા વિવિધ પ્રકારના સેનિટાઈઝર બજારમાં મળે છે. ભારતમાં તો ખસના તેલનો ઉપયોગ પ્રાચીન કાળથી જીવાણુંના ચેપથી બચવા થતો જ આવ્યો છે. ખસનું તેલ લગાવાથી જીવાણુંના મારથી બચી શકાય છે. પાકની ચામડી ધરાવતી વ્યક્તિ માટે પણ ખસના તેલની મસાજ ઘણી જ ઉપયોગી ગણાય છે. ખસના તેલનો ઉપયોગ કરીને વરાળ ચહેરા ઉપર લેવાથી પણ તાજગી અનુભવાય છે. ખસના તેલનો ઉપયોગ અન્ય તેલ સાથે ભેળવીને કરવો હિતાવહ છે. નિષ્ણાત આયુર્વેદાચાર્યની સલાહ લીધા બાદ ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે લાભકારી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

721GPfcx
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com