| દેવેન્દ્ર ફડણવીસ રાષ્ટ્રીય નેતા બનવા માટે સક્ષમ: રાઉત |
| (અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપના વિરોધપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ રાષ્ટ્રીય સ્તરે નેતાગીરી કરવા સક્ષમ છે અને અમને તેમના પ્રત્યે હંમેશાં માન રહ્યું છે, તેમ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે પુણે ખાતે જણાવ્યું હતું. જોકે તેમણે એવી ટકોર પણ કરી હતી કે તેઓ તેમની ભૂમિકા લોકશાહીમાં વિરોધપક્ષને છાજે તેવી નથી.પુણે ખાતે પત્રકારો સાથે વાત કરતા તેમણે દેવેન્દ્ર પર પ્રશંસાના પુષ્પો વેર્યા હતા અને તે બાદ વિરોધપક્ષને ચીમટો પણ ભર્યો હતો. ફડણવીસ યુવાન છે, તેમનો અનુભવ વધતો રહ્યો છે અને રાષ્ટ્રીય સ્તરે ભૂમિકા ભજવવા તેઓ સક્ષમ છે, તેમ કહી તેમણે ટીકા પણ કરી હતી કે કોઈપણ સત્તાનો અમરપટ્ટો બાંંધીને આવ્યું નથી. તેમની પાસેથી મુખ્ય પ્રધાનપદ છીનવાઈ ગયું તેનો આંચકો તેઓ હજુપણ સહન કરી શક્યા નથી. તેમણે આમાંથી બહાર નીકળી ફરી રાજકારણ શરૂ કરવાની જરૂર છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે સારો સમન્વય છે, પરંતુ દેવેન્દ્ર અને ઠાકરે વચ્ચે સંવાદ તૂટતો હોય તેમ લાગી રહ્યું છે. ભાજપે વિરોધપક્ષ તરીકે પોતાનું મહત્ત્વ સમજવું જોઈએ. સત્તા જતી રહી એટલે રાજ્યના દુશ્મન નથી થઈ ગયા. મહાવિકાસ આઘાડી સરકાર પંદર દિવસમાં પડી જશે તેવી અટકળો પણ ચાલતી અને ઘણાં લોકોએ પૈસા પણ લગાવ્યા હતા, તેવો દાવો પણ રાઉતે કર્યો હતો.
ભાજપના કાર્યકર્તાએ મહાજનને અપશબ્દો કહ્યા
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પર ભાજપના જ કાર્યકર્તા દ્વારા ચપ્પલ ફેકાયાની ઘટના બાદ મહારાષ્ટ્રના જળગાંવમાં ભાજપના કાર્યકર્તાએ ભૂતપૂર્વ કેબિનેટ મિનિસ્ટર ગિરીશ મહાજનને અપશબ્દો ક્હ્યા હોવાનું અને તે બાદ એક ગાડી પર પથ્થર ફેંક્યા હોવાની ઘટના ઘટતા ત્યાં હાજર સૌ કોઈ આશ્ર્ચર્યમાં પડી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ભાજપ કાર્યલય દોડી હતી. જોકે કોઈની ધરપકડ કરી ન હતી. પક્ષની કોર કમિટીની બેઠક યોજવામાં આવી હતી ત્યારે એક વ્યક્તિએ આવી ધમાલ મચાવી હતી. ભાજપના સ્થાનિક નેતાના જણાવ્યા અનુસાર તે પક્ષનો કાર્યકર્તા ન હતો અને કોઈ માનસિક રોગથી પિડાતો દરદી હતો અને દારૂના નશામાં તેણે આવી ધમાલ મચાવી હતી. મહાજન અને ખડસે વચ્ચે ખટરાગ જગજાહેર છે અને ખડસેના ભાજપ છોડવા પાછળ સૌથી મહત્ત્વની ભૂમિકા મહાજને ભજવી હોવાનું માનવામાં આવે છે. આ સાથે મહાજન દેવેન્દ્ર ફડણવીસની નજીક હોય તેમ પણ માનવામાં આવે છે. આથી ખડસેના સમર્થકો તેમનાથી ભારે નારાજ છે. પક્ષમાં જ વધતી નારાજગી ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. |
|