5-December-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નિત્યાનંદ રાયને અમિત શાહ બનવાના અભરખા?

એકસ્ટ્રા અફેર - રાજીવ પંડિતબિહારમાં બુધવારે પહેલા તબક્કામાં ૭૧ બેઠકો માટે મતદાન થઈ ગયું ને મતદાનની જે ટકાવારી છે એ ખરેખર સારી છે. પહેલા તબક્કામાં સાઠ ટકા કરતાં વધારે મતદાન નોંધાયું છે ને અત્યારના સંજોગોમાં આ આંકડો ખરેખર સારો કહેવાય. કોરોનાના કહેર અને બીજા બધા કકળાટના કારણે બિહારની ચૂંટણીનો રંગ બરાબર જામતો નથી એવું લાગતું હતું. રાજકારણીઓનો તો આ ધંધો જ છે એટલે એ બધા ભલે ધમાધમી કર્યા કરે પણ સામાન્ય લોકોને ચૂંટણી-ફૂંટણીમાં કંઈ રસ નથી એવી વાતો ચાલતી હતી. મતદાનની ટકાવારીએ આ ધારણાને ખોટી પાડી છે ને બિહારીઓ બધી ચિંતા છોડીને સારા પ્રમાણમાં મતદાન કરી દીધું છે. કોઈ સમયે ૬૦ ટકા કરતાં વધારે મતદાન થાય એ સારું જ ગણાતું હોય છે ત્યારે અત્યારે તો કપરા સંજોગો છે તેથી આ મતદાનને બહુ સારું કહી શકાય.

પહેલા તબક્કાના મતદાનમાં મતદારો કઈ તરફ ઢળ્યા એ કહેવું મુશ્કેલ છે પણ સામાન્ય રીતે ઊંચું મતદાન સત્તાધારી પક્ષના ધબકાર વધારી દેતું હોય છે. સત્તાધારી પક્ષ સામે લોકોના મનમાં જે આક્રોશ હોય તેને મતદાનના રૂપમાં વ્યક્ત કરવા લોકો કચકચાવીને મતદાન કરતા હોય છે તેથી બિહારના મતદાનની ઊંચી ટકાવારી નીતીશ કુમાર અને તેમના ભાયાતો માટે ચિંતાનો વિષય બને એવી પૂરી શક્યતા છે. પહેલા તબક્કામાં જે ૭૧ બેઠકો પર મતદાન થયું તેમાં ભાજપ અને નીતીશની જેડીયુના લગભગ સરખા જ ઉમેદવારો છે પણ નીતીશ કુમારની આબરૂ વધારે દાવ પર લાગેલી છે કેમ કે નીતીશ પાસે વધારે બેઠકો છે. એટલું જ નહીં પણ નીતીશે આ બેઠકો પોતાના જોર પર જીતી હતી એ પણ સાબિત કરવું પડે એણ છે.

બિહાર વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં લાલુ પ્રસાદ યાદવની આરજેડી, કોંગ્રેસ અને નીતીશ કુમારની જેડીયુ સાથે મળીને લડેલાં. આ ત્રેખડના મહાગઠબંધને ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના ભુક્કા બોલાવી દીધેલા. પહેલા તબક્કામાં જે ૭૧ બેઠકો પર મતદાન થયું તેમાં જેડીયુએ ૨૩, આરજેડીએ ૨૫ અને કોંગ્રેસે ૮ મળીને મહાગઠબંધને ૫૬ બેઠકો જીતેલી જ્યારે ભાજપે ૧૩ અને તેના બે સાથી પક્ષોએ મળીને ૧૫ બેઠકો જીતેલી. આ સમીકરણો જોતાં ભાજપે ઝાઝું ગુમાવવાનું નથી ને તેના ૧૩ ઉમેદવારો ચૂંટાય એવી સ્થિતી છે જ. એકાદ-બે બેઠકો આમતેમ થાય તો પણ ઝાઝો ફરક પડતો નથી પણ નીતીશ ૨૩ ઉમેદવારોને ના જીતાડી શકે તો તેની આબરૂનો ધજાગરો થઈ જાય. ૨૦૧૫ની ચૂંટણીમાં લાલુ પ્રસાદના જોરે તેને વધારે બેઠકો મળેલી એવું સાબિત થઈ જાય. નીતીશ વધારે બેઠકો જીતે તો તેમની પોતાની તાકાત પર ૨૦૧૫માં જીતેલા ને અત્યારે પણ જીત્યા એવું સાબિત થાય એ જોતાં નીતીશ માટે આ બેઠકો ઈજ્જતનો સવાલ છે.

નીતીશ પોતાની ઈજ્જત બચાવી શકે છે કે નહીં તેની ખબર ૧૦ નવેમ્બરે પરિણામના દિવસે પડશે પણ અત્યારે જે માહોલ છે એ જોતાં નીતીશ માટે આબરૂ બચાવવી મુશ્કેલ છે ને બિહારમાં ભાજપ સત્તા પર આવે એવી શક્યતા પ્રબળ બનતી જાય છે. આરજેડી-કોંગ્રેસ તો નીતીશ પાછળ ખાઈખપૂચીને લાંબા સમયથી પડેલાં જ હતાં પણ ચિરાગ પાસવાને એનડીએમાંથી નોખા થવાનું નક્કી કર્યું તેમાં નીતીશની હાલત બગડી ને ભાજપ મજબૂત બન્યો હોય એવા અણસાર દેખાઈ રહ્યા છે. ચિરાગ પાસવાને નીતીશ સામે મોરચો માંડ્યો છે પણ ભાજપની સાથે છે તેનો લાભ ચિરાગને તો મળશે જ પણ ભાજપને પણ તેનો લાભ મળે એવું અત્યારે તો લાગી રહ્યું છે.

નીતિશની હાલત ને ભાજપની તરફેણમાં ઢળતાં સમીકરણો જોતાં નીતીશને કોરાણે મૂકીને ભાજપ બિહારની સત્તા કબજે કરી શકે ને પોતાનો મુખ્યમંત્રી બેસાડી શકે તેવા સંજોગો ઊભા થઈ ગયા હોય એવું લાગે છે. ચિરાગ પાસવાને લાંબા સમયથી નીતીશ કુમાર સામે મોરચો માંડેલો પણ ભાજપ ચિરાગને પંપાળીને સાચવી લેતો હતો. બિહારની ચૂંટણી આવતાં જ ભડકો થઈ ગયો ને પાસવાને નીતીશને રામ રામ કરી નાંખ્યા. મજાની વાત એ છે કે, ભાજપે પાસવાનને વાળવા જરાય પ્રયત્ન ના કર્યો એ જોતાં આ ભાજપનો ગેમ પ્લાન હોય એવું માનવાને નક્કર કારણ છે. રાજકારણમાં એ નવી વાત નથી ને ભાજપ પણ એવો દાવ રમતો હોય તો તેનો તેને અધિકાર છે. આ ગેમ પ્લાન ભાજપનો હોય કે ના હોય પણ ભાજપને તેનો ફાયદો મળી રહ્યો છે એવું લાગે છે.

આ વાત કોઈને કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના જેવી લાગશે પણ બિહારની ચૂંટણીનાં સમીકરણો પર નજર નાંખશો તો સમજાશે કે આ વાતમાં દમ છે. પાસવાનની વિદાય પછી હવે એનડીએમાં ભાજપ-જેડીયુ, જીતનરામ માંઝીની હિંદુસ્તાન અવામ મોરચા (હમ) અને મુકેશ સાહનીની વિકાસશીલ ઈન્સાન પાર્ટી એ ચાર પાર્ટી બચી છે. બિહાર વિધાનસભાની કુલ ૨૪૩ બેઠકો છે અને તેમાંથી અત્યારે થયેલી ગોઠવણ પ્રમાણે ભાજપ ૧૨૧ અને જેડીયુ ૧૨૨ બેઠકો પર ચૂંટણી લડી રહ્યાં છે. ભાજપે પોતાના ક્વોટામાંથી ૧૧ બેઠકો સાહનીની પાર્ટીને આપી છે જ્યારે નીતીશ કુમારની જેડીયુએ પોતાના ક્વોટામાંથી ૭ બેઠકો માંઝીને આપી છે. આ રીતે ભાજપ-૧૧૦ અને જેડીયુ ૧૧૫ બેઠકો પર ચૂંટણી લડે એવો તખતો ગોઠવાયેલો છે.

બિહાર વિધાનસભાની કુલ ૨૪૩ બેઠકો છે ને તેમાં સ્પષ્ટ બહુમતી માટે ૧૨૨ બેઠકો જોઈએ. બિહારમાં આરજેડીને બાદ કરતાં કોઈપણ પક્ષ ૧૨૨ કરતાં વધારે બેઠકો પર લડતો નતી તેથી આરજેડી સિવાય કોઈને સ્પષ્ટ બહુમતી મળવાની શક્યતા નથી પણ જે સમીકરણો છે તેમાં નીતીશને મોટો ફટકો પડશે એવું લાગી રહ્યું છે. તેનું કારણ એ કે, નીતીશની પાર્ટીએ બધી બેઠકો પર ત્રિપાંખિયો જંગ લડવાનો છે. પાસવાનની એલજેપીએ જેડીયુથી સંબંધ તોડી નાંખ્યા કેમ કે ચિરાગને નીતીશ નથી ગમતા. આ કારણે જેડીયુના ઉમેદવારો જ્યાં પણ ઉભા છે ત્યાં પાસવાને ઉમેદવાર ઉભા રાખ્યા છે. આ કારણે હમ-જેડીયુ માટે કપરાં ચઢાણ છે કેમ કે તેમણે આરજેડી-કોંગ્રેસના મહાગઠબંધન ઉપરાંત એલજેપી સામે પણ લડવાનું છે. બિહાર વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં લાલુની આરજેડી અને કોંગ્રેસ સાથે હોવા છતાં નીતીશ માંડ ૭૦ બેઠકો જીતેલા એ જોતાં આ વખતે તો તેમના માટે એ બેઠકો જાળવવી પણ અઘરી છે. નીતીશે ૭૦ બેઠકો જીતવી હોય તો પણ પોતાના સાઠ ટકા ઉમેદવારોને જીતાડવા પડે ને એ કપરું છે.

બીજી તરફ ભાજપ માટે સરળ ચઢાણ છે. નીતીશની સામે પડેલા પાસવાનને ભાજપ કે મોદી સામે વાંધો નથી. એલજેપી જેડીયુથી અલગ થઈ છે પણ ભાજપ સાથે તો છે જ. નીતિશને રાજી રાખવા ભાજપવાળા ભલે કહે કે, એલજેપી સાથે અમારે નાહવા નિચોવવાનો સંબંધ નથી પણ એલજેપી અને ભાજપ અંદરખાને સાથે જ છે. ભાજપે સત્તાવાર રીતે એલજેપીને એનડીએથી અલગ નથી કર્યો એ જ તેનો પુરાવો છે. ભાજપ નીતીશ ને પાસવાન બંનેને સાચવીને એક રીતે તો દૂધ ને દહીં બંનેમાં પગ રાખી રહ્યો છે ને આ નીતિ તેને ફળે એવી પૂરી શક્યતા છે. પાસવાને મોટા ભાગની બેઠકો પર ભાજપ સામે પોતાના ઉમેદવારો ઊભા નથી રાખ્યા. ભાજપમાંથી આવેલા આઠ બળવાખોરોને પાસવાને ટિકિટ આપી તેને બાદ કરો તો ભાજપ વિરોધી બીજું કશું પાસવાને કર્યું નથી.

એલજેપીએ પહેલાં ભાજપ ૧૦૦ બેઠકો લડવાનો છે એમ માનીને ૧૪૩ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત કરી હતી પણ ભાજપ ૧૧૦ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખવાનો છે એવું નક્કી થયા પછી એલજેપીએ દસ ઉમેદવારો ઓછા કરી નાંખ્યા. અત્યારે એલજેપી ભાજપની સામે નથી લડતો જેડીયુ-હમ સામે લડે છે તેના કારણે ભાજપની સ્થિતિ મજબૂત છે કેમ કે ભાજપે માત્ર આરજેડી-કોંગ્રેસના મોરચા સામે લડવાનું છે. ભાજપ આ તકનો લાભ લઈને ૮૦ જેટલી બેઠકો જીતવાની આશા રાખે છે. બિહારમાં ભાજપ પાસે વફાદાર મતબેંક છે તેથી આ આશા વધારે પડતી પણ નથી.

ભાજપ પાસે સવર્ણોની ૧૫ ટકાની મજબૂત મતબેંક છે. સવર્ણોમાં ભૂમિહાર ૬ ટકા, બ્રાહ્મણો ૫ ટકા, રાજપૂતો ૩ ટકા અને કાયસ્થ ૧ ટકા છે. ભાજપને સવર્ણોની મતબેંક ઉપરાંત જેડીયુના મતદારો પણ મત આપશે. પાસવાન તેમની સામે નથી તેથી જ દલિતો પણ મત આપશે. ભાજપ સવર્ણોની બહુમતી છે એવી બેઠકો પર જ ઉમેદવારો ઉભા રાખે છે તેથી ભાજપ માટે ૮૦ બેઠકો જીતવી અઘરી નથી. ૨૦૧૫ની ચૂંટણીમાં નીતીશ-લાલુ એક થઈને ભાજપ સામે લડેલા ત્યારે પણ ભાજપ ૫૪ બેઠકો તો જીતી લાવેલો. આ વખતે નીતીશ તેની સાથે છે અને ભાજપે આરજેડી-કોંગ્રેસ સામે જ લડવાનું છે. કુશવાહા, ઓવૈસી સહિતના નેતાઓ ઓબીસી અને મુસ્લિમ મતોમાં ભાગલા પડાવીને ભાજપને ફાયદો કરાવશે એ જોતાં બિહારમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરે ને પછી પાસવાન સહિતના ઉચકૂચિયા પક્ષોના ટેકાથી સરકાર રચે એવા ઉજળા સંજોગો છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

30oxpxE0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com