5-December-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
લૉકડાઉનમાં ‘વહુ’ મળી ગઇ
રંગભૂમિના ટિકટોક - વિપુલ વિઠલાણી

બૈરી મારી બાપ રે બાપ. તાક ધીના ધીન અને અભિનય સમ્રાટથી કારકિર્દીની શરૂઆત કરી દીકરી નં. ૧ અને થપ્પો જેવા નાટકો.. ચાણક્ય, રજની, બાલવીર જેવી હિન્દી સિરિયલ્સ.. શુભ-લાભ, મહેક જેવી ગુજરાતી સિરિયલ્સ.. મિજાજ, શરતો લાગુ, ચિત્કાર જેવી ગુજરાતી ફિલ્મો તેમ જ ‘માલામાલ વીકલી’ અને ‘મિત્ર’ જેવી હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોને હસાવનાર ગુજરાતી રંગભૂમિની બટકબોલી અભિનેત્રી છાયા વોરા માટે લોકડાઉન કેવું રહ્યું એ જાણવાનો પ્રયત્ન કરીએ.

છાયા: હેલો..

વિ.વિ.: અરે વાહ.. શું ટેલિપથી છે. હું તને જ યાદ કરતો હતો.

છાયા: ચલ જુઠ્ઠાડા.. મેં તો તને એટલા માટે ફોન કર્યો કે દર શુક્રવારે ‘મુંબઈ સમાચાર’માં તારી કોલમ રંગભૂમિના ટિક-ટૉક વાંચું છું. બહુ જ મજા પડે છે હં દોસ્ત.

વિ.વિ.: લે... એ ટિક-ટૉક માટે જ હું તને થોડીવારમાં ફોન કરવાનો હતો.

છાયા: અચ્છા? તો હું ફોન મૂકું છું. તું મને થોડીવાર રહીને ફોન કર ત્યાં સુધીમાં હું ટિપટોપ તૈયાર થઈ જાઉં..

વિ.વિ.: (હસતાં) તું હજુ એવીને એવી જ છે યાર. અચ્છા મને એ કહે કે લૉકડાઉનમાં તું નવું શું શીખી?

છાયા: ટિક-ટૉક.

વિ.વિ.: હા. એના માટે જ પૂછું છું.

છાયા: અરે એમ નહીં.. લૉકડાઉનમાં હું ટિક-ટૉક વિડીયો બનાવતા શીખી. આમ તો હું ઘણા વખતથી એવા બધા વિડીયો જોતી હતી અને હંમેશાં વિચારતી કે આમાં લોકોને એવી તે શું મજા આવતી હશે? પણ લૉકડાઉનમાં નવરા પડ્યા તો થયું ચાલો, આપણેય એકાદી ટ્રાય મારી લઈએ. એટલે રસોડામાં જઈ, મારા ફોનને ધાણાજીરુના ડબ્બા પર અથાણાંની બરણીનો ટેકો આપી ગોઠવી દીધો અને જીવનનો પહેલો વિડીયો બનાવી સોશ્યલ મીડિયા પર વહેતો પણ મૂકી દીધો. તું નહીં માને પણ એટલા બધા લોકોને પસંદ પડ્યો કે ના પૂછોને વાત. બસ.. પછી તો સિંહ લોહી ચાખી ગયો હોય એમ આપણનેય પણ મજા પડવા લાગી.. એક પછી એક વિડીયો બનાવતી ગઈ ને લોકોની વાહવાહ મેળવતી ગઈ.

વિ.વિ.: અરે હા. હું પણ તારા એ વિડીયો જોતો હોંઉ છું. સખત હસવું આવે એવા હોય છે. પણ આવા ટિક-ટૉક વિડીયો બનાવીને કઇં ફાયદો થાય ખરો?

છાયા: લોકોની તો નથી ખબર પણ મને એક બેનનો મેસેજ આવેલો કે તેઓ કોરોનાગ્રસ્ત હતાં અને હોસ્પિટલમાં સખત હતાશાની લાગણી અનુભવી રહ્યા હતાં. પણ મારા વિડીયો જોઈને તેઓ એવા ખુશ થઈ જતાં કે એમના ચૌદ દિવસ ક્યાં વીતી ગયા એની એમને ખબર જ ના પડી. એટલે મને થયું આ મહામારીના સમયમાં આપણે લોકોને પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ અને આર્થિક નહીં તો માનસિક રીતે જો કામ લાગી શકતા હોઈએ તો એમાં ખોટું શું છે? એટલે વિડીયો બનાવવાનું કાયમ કર્યું.

વિ.વિ.: વાહ, વાહ.. આ તો બહુ ઉમદા કામ કર્યું તેં. પણ છેલ્લા થોડા વખતથી સરકારે એના પર પ્રતિબંધ મૂકી દીધો છે તો હવે?

છાયા: હા જોને યાર. મને તો મારી પોતાની કોઈક અંગત વ્યક્તિ મારાથી કાયમ માટે દૂર જતી રહી હોય એવું લાગી આવ્યું. પણ આમ હિંમત હાર્યે થોડું ચાલે? એટલે મેં તો સાદા વિડીયો બનાવીને સોશ્યલ મીડિયા પર મૂકવાનું કંટિન્યુ કર્યું. કોને ખબર જાણ્યે અજાણ્યે કોઈકને કામ લાગી જતાં હોઈએ હેં?

વિ.વિ.: ક્યા બાત હૈ. પણ છ મહિના દરમિયાન આટલું જ? બીજું કઇંક નવું કર્યું કે ઘટ્યું જીવનમાં?

છાયા: હાસ્તો. પણ કોઈને જણાવતો નહીં હં?

વિ.વિ.: લે બોલ.. લોકોને જણાવવા માટે જ તો પૂછી રહ્યો છું.

છાયા: અરે હા કેમ.. ચલ વાંધો નહીં. એમાં એવું થયું ને કે મારો દીકરો છેને ઉર્વાક? એની એક ગર્લફ્રેંડ છે નિશિકા, એ સાઉથ ઇંડિયન છે ને કેરલામાં રહે છે. બન્નેના પરિવારને ખબર છે કે તેઓ એકબીજાને પસંદ કરે છે અને અમને કોઈ વાંધો પણ નથી. હવે લૉકડાઉન પહેલા એ કોઈ પ્રોજેકટ માટે મુંબઈ આવેલી અને બધી ફ્લાઇટ્સ કેન્સલ થઈ જવાથી એ અહીં જ અટકી પડી. બિચારી મુંઝાઈ ગઈ કે હવે ક્યાં જવું? ત્યાં તો એની મમ્મીએ સામેથી જ એને કહ્યું કે અમારું ઘર સહુથી સલામત અને બેસ્ટ છે. તો એ અહીં રહેવા આવી ગઈ.

વિ.વિ.: શું વાત કરે છે?

છાયા: હા યાર. મને તો ભાવતું’તું ને વૈદે કહ્યું જેવુ થયું. એક ને એક દિવસ તો એ પરણીને મારે ત્યાં આવવાની જ છે તો હમણાં જ કેમ નહીં? અને લૉકડાઉનથી ઉત્તમ સમય બીજો ક્યારે મળે? આખો દિવસ હું, મારો વર ઉત્તંક, ઉર્વાક અને નિશિકા સાથે ને સાથે જ. એકબીજાને જાણવાનો અને ઓળખવાનો મસ્ત મોકો મળી ગયો. એ ઉર્વાક સાથે પણ સમય વિતાવે અને મને પણ ઘરકામમાં બહુ મદદ કરે. બધા મળીને બહુ બધી વાતો કરીએ અને ઘણી બધી ગેમ્સ પણ રમીએ. પહેલા તો હું અને ઉત્તંક એને અમારા દીકરાની ગર્લફ્રેંડ તરીકે જ જોતાં હતાં પણ હવે તો એ અમારી સાથે એવી ભળી ગઈ છે કે એનામાં અમને અમારી વહુ, અમારી દીકરી જ દેખાય છે બોલ.

વિ.વિ.: વાહ.. એટલે આમ જોવા જઈએ તો એ બન્ને જણ તમારા બન્નેની હાજરીમાં લિવ ઇન રિલેશનશિપમાં જ રહી રહ્યા છે એમ કહેવાય. પણ તું માને છે એવા સંબંધમાં?

છાયા: મારા પણ લવ મેરેજ જ છે અને એ જમાનામાં આવું કઇં નહોતું એટલે પહેલાં તો મને આ બધું અજુગતું લાગતું. પણ ધીરે ધીરે મારા વિચારો બદલાયા. અને એમાંય મેં ગુજરાતી ફિલ્મ ‘શરતો લાગુ’ કરી પછી તો ખાસ. કારણ કે એ ફિલ્મ આ જ વિષય પર આધારિત હતી અને એમાં હું છોકરીની મા બની હતી. તો હવે મને કોઈ જ વાંધો નથી. એ હજુ અહીંયા જ છે. થોડા દિવસથી ફ્લાઇટ્સ પણ ચાલુ થઈ ગઈ છે છતાં નથી ગઈ.

વિ.વિ.: કેમ?

છાયા: ત્યાં જાય તો સૌથી પહેલા તો એણે ૧૪ દિવસ માટે ક્વૉરન્ટાઈન થવું પડે ને. એટલે અહીં જ રહીને એના પ્રોજેક્ટ્સ પતાવી રહી છે. અને એક ચેનલ પર આવતી મારી સિરિયલ ‘શુભારંભ’નું શૂટિંગ પણ ચાલુ થઈ ગયું છે તો મારી ગેરહાજરીમાં મારા ઘરને, મારા વરને અને મારા દીકરાને પણ મસ્ત સંભાળી રહી છે.

વિ.વિ.: વાહ ભઈ વાહ. એટલે ટૂંકમાં આ લૉકડાઉન તને ફળ્યું એમ કહી શકાય.

છાયા: હા યાર. મને તો ફળ્યું પણ આ મહામારીને કારણે દુનિયાએ એટલું બધું ભોગવવું પડ્યું છે કે એની કળ વળતાં હજુ કોણ જાણે કેટલો સમય લાગશે. ભગવાન કરે આવા દિવસો કોઈએ પાછા ક્યારેય જોવા ના પડે.

---

અને જતાં જતાં...

૧૯૮૬-૮૭માં રજૂ થયેલ, શૈલેષ દવે લિખિત-દિગ્દર્શિત નાટક ‘૨૩ કલાક ૫૨ મિનિટ’ની વાર્તા ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલ યુદ્ધની આસપાસ હતી, જેમાં પૂર્વ પાકિસ્તાન આઝાદ થયું અને તેમાંથી બાંગલાદેશનો જન્મ થયેલો. એ યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર કમાન્ડર ગોરી, આ નાટકમાં નેવી ઓફિસરનું પાત્ર ભજવવા તૈયાર થયેલા અને એમણે અમૂક શો પણ કરેલા. વિલે-પાર્લા સ્થિત ભાઈદાસ થિયેટરમાં બપોરે આ નાટકનો શુભારંભ પ્રયોગ હતો અને ગોરીસાહેબ આવ્યા જ નહીં. બધા ટેન્શનમાં આવી ગયા હતા. ત્યાં જ અચાનક ત્રીજી બેલ પહેલાં ગોરીસાહેબ આવ્યા અને બધાને હાશ થઈ. શો સમયસર ચાલુ થઈ ગયો. પણ શો પત્યા પછી ખબર પડી કે તેઓ કોલાબામાં હતા અને મોડા પડ્યા હોઇ ભાઈદાસ સુધી ટ્રેન કે ગાડીમાં નહીં પણ થિયેટર નજીક પવનહંસ સુધી પ્રાઈવેટ હેલિકોપ્ટરમાં આવ્યા હતા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

cp71Xpo3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com