5-December-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
AIRPORT (1970): હોનારત ફિલ્મોની છડીદાર

ફિલ્મ હિન્દી હોય કે અંગ્રેજી, મુંબઈની હોય કે હોલીવૂડની પ્રત્યેક ફિલ્મ કોઈ ચોક્કસ ઢાંચામાં કે પ્રકારમાં ફિટ બેસતી હોય છે. રોમેન્ટિક, ઍક્શન, કોમેડી, હોરર વગેરે વગેરે. જોનર જેવા રૂપાળા નામથી ઓળખાતો આ પ્રકાર આપણા કરતા હોલીવૂડમાં વધુ પ્રચલિત છે. એક ઓછો પણ વિશેષ ધ્યાન ખેંચનારો પ્રકાર છે ડિઝેસ્ટર ફિલ્મ્સ અથવા હોનારત ફિલ્મો. ફિલ્મની કથા કે પ્લોટ માથે તોળાઈ રહેલા અથવા માણસજાત જેનો સામનો કરી રહી હોય એવી હોનારત પર આધારિત હોય. હોનારત કુદરતી હોઈ શકે છે જેમ કે પૂર, ધરતીકંપ કે પછી અકસ્માત જેમાં ટ્રેઈન, જહાજ કે વિમાની દુર્ઘટનાનો સમાવેશ હોઈ શકે છે કે પછી કોરોના મહામારી જેવી આપત્તિનો સમાવેશ પણ હોઈ શકે છે. આ હોનારત ફિલ્મોમાં આપત્તિ કેન્દ્રસ્થાને હોય એ સ્વાભાવિક છે, પણ સાથે સાથે એમાં આવતા પાત્રો આ સંકટથી બચવા કરતા પ્રયાસો અથવા એ સંકટમાં હોમાઈ જતા એમની દુર્દશાનો પણ ચિતાર એમાં હોય છે. ફિલ્મમાં એક નાયક કે નાયિકા હોય છે જે હોનારત સામે લડત ચલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. નાયક હોય એટલે ખલનાયક તો હોવો જરૂરી છે જેને શિરે આ હોનારતનો દોષનો ટોપલો ઢોળી શકાય. ફિલ્મ ઈતિહાસના અભ્યાસુઓના મતે ૧૯૩૩માં આવેલી ‘ડેલ્યુજ’ (જેનો અર્થ થાય છે મહાપૂર) હોલીવૂડની પ્રથમ વ્યવસ્થિત ડિઝેસ્ટર ફિલ્મ ગણાય છે. સમયાંતરે આવી ફિલ્મો બનતી રહી, પણ છૂટક સ્વરૂપે. ૧૯૭૦માં આવેલી ‘એરપોર્ટ’ ફિલ્મથી આ જોનરને લોકપ્રિયતા મળી અને એ પ્રકારની વધુ ફિલ્મો બનવા લાગી. ૧૯૭૨માં આવી ‘ધ પોઝાઈડન ઍડવેન્ચર’, ૧૯૭૪માં ‘અર્થક્વેક’ અને એ જ વર્ષની ‘ધ ટાવરિંગ ઈન્ફરનો’થી એવી ફિલ્મો વિષે દર્શકોમાં ઉત્સાહ વધવા લાગ્યો. વીસમી સદીના અંતમાં આવેલી ‘ટાઈટેનિક’ (૧૯૯૭) આ જોનરની એક સીમાચિન્હ ફિલ્મ લેખાય છે. આજે આપણે ૧૯૭૦ની ‘એરપોર્ટ’ની વાત કરવાના છીએ. વિખ્યાત બ્રિટિશ - કેનેડિયન નવલકથાકાર આર્થર હેઈલીની ‘એરપોર્ટ’ નામની જ નવલકથા પર આધારિત આ ફિલ્મ આધુનિક ડિઝેસ્ટર ફિલ્મોની છડીદાર માનવામાં આવે છે. એક કરોડ ડોલરના બજેટમાં બનેલી આ ફિલ્મ બોક્સઑફિસ પર ટંકશાળ સાબિત થઈ હતી અને ૧૦ કરોડનો વકરો કરવામાં સફળ રહી હતી. આ ફિલ્મની જ્વલંત સફળતાએ એની સિક્વલનો માર્ગ મોકળો કરી દીધો હતો. ઑસ્કર એવૉર્ડમાં નવ નોમિનેશન મેળવનારી આ ફિલ્મને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એક ઑસ્કર મળ્યો હતો. ફિલ્મના કથાબીજ પ્રમાણે બરફના તોફાન વખતે એક એરપોર્ટ મેનેજર હવાઈમથક કાર્યરત કઈ રીતે રહે એના પ્રયાસમાં રહે છે જ્યારે બીજી તરફ હવામાં ઊડી રહેલા વિમાનને સ્યુસાઇડ બોમ્બરથી ઊડાવી દેવાની યોજના ઘડી રહ્યો છે. આ સ્ટોરીલાઈનની ફરતે એરલાઇન્સ, એરપોર્ટના કર્મચારીઓ તેમ જ ઉતારુઓની અંગત કથા આકાર લે છે જે ફિલ્મને ખૂબ રસપ્રદ બનાવી દે છે. અંતે સૌ સારા વાના થાય છે અને થિયેટરની ખુરસી પર સ્વસ્થ-અસ્વસ્થ લાગણી વચ્ચે ઝોલા ખાતો દર્શક અંતે હસતે મોઢે ઘરે રવાના થાય છે. હોલીવૂડની ફિલ્મોના બે જાણીતા ઍક્ટર ડીન માર્ટિન (પ્લેનના કેપ્ટન) અને બર્ટ લેન્કેસ્ટર (એરપોર્ટ મેનેજર)એ તેમના ઉમદા અભિનયથી ફિલ્મને વધુ જીવંત બનાવી છે. જોકે, રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ બર્ટ લેન્કેસ્ટરની કારકિર્દીની એક મહત્ત્વની ફિલ્મ ગણાતી હોવા છતાં આ અભિનેતાએ એને ફાલતું ફિલ્મ કહીને ઉતારી પાડી હતી. ફિલ્મને મળેલી જવલંત સફળતાને પગલે એની સિક્વલ બનાવવાનો વિચાર ન આવ્યો હોય તો જ નવાઈની વાત હતી. એની ત્રણ સિક્વલ બની છે જેમાંથી ‘એરપોર્ટ ૭૭’ અને ‘એરપોર્ટ ૭૯’ને પણ સારી સફળતા મળી હતી. ૧૯૭૯માં આવેલી ‘ધ કોન્કોર્ડ... એરપોર્ટ ૭૯’ બોક્સઑફિસ પર પિટાઈ ગઈ હતી. આ સાથે એરપોર્ટ ફિલ્મોનો અધ્યાય પણ સમાપ્ત થઈ ગયો. જાણવા જેવી વાત એ છે કે જ્યોર્જ કેનેડી એકમાત્ર અભિનેતા છે જેણે ચારેચાર ફિલ્મોમાં અભિનય કર્યો છે. ૧૯૭૦ની ફિલ્મમાં જ્યોર્જ ચીફ મિકેનિકના રોલમાં હતો. ત્યારબાદ ૧૯૭૫ની ફિલ્મમાં એ વાઈસ પ્રેસિડેન્ટ - ઓપરેશન્સના રોલમાં, ૧૯૭૭ની ફિલ્મમાં ક્ધસલ્ટન્ટ અને અંતિમ ફિલ્મમાં અનુભવી પાયલટના રોલમાં જોવા મળ્યો. પાયલટ તરીકે વાર્તામાં એ વિમાનને ઉગારી શક્યો, પણ બોક્સઑફિસ પર ફિલ્મને ફ્લોપ થતી બચાવી ન શક્યો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5Bwd062
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com